Lost - 10 in Gujarati Horror Stories by Rinkal Chauhan books and stories PDF | લોસ્ટ - 10

લોસ્ટ - 10

પ્રકરણ ૧૦

રાવિકા ઘરે પાછી આવી ત્યારે જિજ્ઞાસા, રયાન, જીવન અને આસ્થા માથે હાથ દઈને બેઠાં હતાં.
"રાવિ દીદી....." નિવાસ રાવિકાને અંદર આવતા જોઈને બોલ્યો.
"ક્યાં ગઈ હતી તું? તને અમે કઈ બોલતા નથી તો ફાયદો ઉઠાવીશ તું એ વાતનો?" જિજ્ઞાસાનો અવાજ ઊંચો થઇ ગયો.

રાવિકા અપલક જિજ્ઞાસા સામે જોઈ રહી હતી, રાવિકાને આમ ચુપચાપ જોઈને જિજ્ઞાસાને નવાઈ લાગી.
"ક્યાં ગઈ હતી બેટા?" રયાનએ પ્રેમથી પૂછ્યું.
"વ્હાય? વ્હાય પપ્પા વ્હાય?" રાવિકાએ રયાન સામે ભાવનાવિહીન ચેહરે જોયું.
"શું કે'વા માંગે છે?" રયાનને રાવિકાનો પ્રશ્ન સમજાયો નઈ.

"તમને બધાને કોણે હક આપ્યો મને મારી બેનથી દૂર રાખવાનો? શું સમજીને તમેં મને હકીકતથી અજાણ રાખી?" રાવિકાએ બુમ પાડી.
રાઠોડ નિવાસમાં સોંપો પડી ગયો, નિવાસ અને નિગમ સિવાય બધાયના ચેહરા પીળા પડી ગયા હતા.

"ક્યાં છે મારી બેન? કેમ મારી જોડે નથી એ? તમે બધાયે આટલા વર્ષ મને મારી બેનથી દૂર કેમ રાખી? અરે આટલા વર્ષમાં એકેયવાર મને ખબર પણ નઈ પડવા દીધી તમે લોકોએ કે મારી એક બેન પણ છે." રાવિકા વેધક નજરે જિજ્ઞાસાને જોઈ રહી હતી.

"હું.... હું બસ તને બચાવવા...." જિજ્ઞાસાની જીભ થોથવાઈ ગઈ.
"હવે તો સાચું બોલો માસી, કેમ આટલો પક્ષપાત? જેમ હું તમારી દીકરી છું એમજ શું મારી બેન પણ તમારી દીકરી નથી?" રાવિકાની આંખો અંગાર વરસાવી રહી હતી.
"રાવિ, તું દીદી સાથે બદતમીજી કરી રહી છે." જીવન બોલ્યો.
"તમે પણ જાણતા હતા ને મામા? તમને બધાયને ખબર હતી કે મારી એક બેન છે અને તમે બધાયે ભેગા મળીને મને અંધારામાં રાખી." રાવિકા લગભગ રડવા જેવી થઇ ગઈ હતી.

"તારી બેન છે નઈ, તારી બેન હતી." આસ્થાએ ઘટસ્ફોટ કર્યો, જિજ્ઞાસાએ ઈશારાથી આસ્થાને આગળ ન બોલવા વિંનતી કરી.
"ના દીદી, અડધું સત્ય પણ બઉજ ખતરનાક હોય છે. આધ્વીકાદીદી અને રાહુલજીજુની બે જોડિયા દીકરીઓ હતી, રાવિકા અને રાધિકા. રાધિ ત્રણ વર્ષની ઉંમરએજ દીદી અને જીજુ સાથે આ દુનિયા છોડીને....." આસ્થાને ગળે ડૂમો બાઝી ગયો.

"મારી ટ્વિન સિસ્ટર? મારી સાથે આ દુનિયામાં આવી હતી? મારા જેવીજ હતી?" રાવિકાએ જિજ્ઞાસાની આંખોમાં આંખો નાખીને પૂછ્યું.
"તારી જાતને અરીસામાં જોઈ લે, આબેહૂબ તારા જેવી જ હતી મારી રાધિ." જિજ્ઞાસાની આંખો સામે ત્રણ વર્ષની રાધિકા આવી ગઈ.
"મારી સાથે આ દુનિયામાં આવેલી મારી બેનનો શોક મનાવવાનો હક હતો મને, મારાં મમ્મા પપ્પાની તિથિ ઉપર મારી બેનની આત્માની શાંતિ માટે પ્રાર્થના કરવાનો હક હતો મને, મારા દરેક જન્મદિવસ પર મારી બેનને યાદ કરવાનો હક હતો મને માસી." રાવિકાની આંખો ભીંજાઈ ગઈ.

"બેટા હું સમજાવું તને જો...." જિજ્ઞાસા માટે રાવિકાને રડતા જોવી અસહ્ય બાબત હતી.
"શું સમજાવશો તમે મને? ભગવાનએ મારાં માંબાપ અને મારી બેનને છીનવીને મારું આખું ભવિષ્ય બદલી નાખ્યું અને તમે મને અંધારામાં રાખીને મારો આખો ભૂતકાળ બદલી નાખ્યો. મારે તમારી સાથે કોઈ વાત નથી કરવી, કોઈ ના બોલાવશો મને." રાવિકા રડતી રડતી તેના ઓરડામાં જતી રહી.

જિજ્ઞાસા તેની પાછળ દોડી, રયાનએ તેનો હાથ પકડીને તેને રોકી લીધી.
"પણ રયાન,મારી રાવિ રડે છે. મારી દીકરીને તેની માંની જરૂર છે, તું મને જવા દે." જિજ્ઞાસાનો જીવ તાળવે ચોંટ્યો હતો.
"રાવિને હાલ એકાંતની જરૂર છે, તું જઈશ તો એ વધારે દુઃખી થશે." રયાનએ જિજ્ઞાસાને છાતીસરસી ચાંપી.

એક તરફ જિજ્ઞાસા રયાનના ખોળામાં માથું રાખીને રડી રહી હતી, આસ્થા અને જીવન દુઃખી મનથી તેમના ઓરડામાં બેઠાં હતાં, નિવાસ અને નિગમ આ બધી બાબતોથી અજાણ માત્ર એટલું જાણતા હતા કે તેમની દીદી દુઃખી છે અને રાવિકાની આંખો વારંવાર તેની મૃત બેનને યાદ કરીને વરસી પડતી હતી.

કેરિનનો ફોન વારંવાર વાગી રહ્યો હતો, તેણે ટેક્ષી રસ્તાની બાજુમાં ઉભી રાખી અને કેશવરામનું નામ જોઈને ફોન ઉપાડ્યો.
"હેલ્લો, તું કુઠે આહેસ?" કેશવરામએ ફોન ઉપડતા જ પૂછ્યું.
"અહમદાબાદ." કેરિનએ ટૂંકમાં જવાબ આપ્યો.
"બરોબર, સુરક્ષિત ચાલવા હો."
"હો બાબા, ચિંતા કરું નકો." કેરિનએ ફોન કાપ્યો અને ટેક્ષીમાં બેસવા જતો હતો ત્યાંજ તેની નજર સામેથી ચાલી આવતી રાધિકા પર પડી.

"હેલ્લો મેડમ." કેરિનએ તેને રાવિકા સમજીને બોલાવી.
"શું છે?" રાધિકા ખુબજ ખરાબ મૂડમાં હતી.
"અરે મેડમ, તમે ગુજરાતી છો? તમે આમ રસ્તા ઉપર ચાલતાં ક્યાં જાઓ છો? તમને ક્યાંય મૂકી જઉં?" કેરિન રાધિકાને એરપોર્ટ આગળ મળેલી રાવિકા સમજી બેઠો હતો.

"મારે મુંબઈ જવુ છે, મૂકી જઈશ?" રાધિકાએ તેનો ગુસ્સો કેરિન પર કાઢી નાખ્યો.
"હું ભાડેથી અમદાવાદ આવ્યો હતો, મુંબઈ જઈ રહ્યો છું હવે. તમારે આવવું હોય તો ચાલો, ને ફ્લાઇટમાં જવુ હોય તોય મને વાંધો નથી." કેરિન ડ્રાઈવર સીટ પર ગોઠવાઈ ગયો.
"મારી પાસે પૈસા નથી, મારું પર્સ ખોવાઈ ગયું છે." રાધિકા સમજી ગઈ હતી કે ટેક્ષીવાળો તેને રાવિકા સમજી રહ્યો છે અને મુંબઈ પહોંચવાનો આ એકજ રસ્તો હતો.
"કઈ વાંધો નથી, હું આમેય મુંબઈ જ જઉં છું. ચાલો તમને પણ તમારા ઘરે પહોંચાડી દઈશ." કેરિનએ ટેક્ષી ચાલુ કરી, રાધિકા પાછળ બેઠી અને બન્ને જાણ મુંબઈ જવા નીકળી પડ્યાં.


"માસી, ફ્લાઇટનો સમય થઇ ગયો છે. હું બા'ર ઉભી છું." રાવિકા બેગ સાથે ઘરની બા'ર નીકળી ગઈ.
જિજ્ઞાસા અને રયાનએ એકબીજા સામે જોયું, બન્નેએ પેક કરેલા બેગ લીધાં અને એરપોર્ટ જવા નીકળ્યા.
આખા રસ્તે ગાડીમાં એકદમ શાંતિ હતી, એરપોર્ટ પહોંચીને જીવનએ જિજ્ઞાસા-રયાનને બધું ઠીક થઇ જશે એવુ આશ્વાસન આપ્યું અને રાવિકાને ગળે લગાવીને આશીર્વાદ આપ્યા.

ફ્લાઇટમાં પણ રાવિકાએ જિજ્ઞાસા સાથે કોઈ વાત ન કરી, આજે પહેલીવાર જિજ્ઞાસાનું મન અહીંથી જવામાં કોચવાતું હતું.
"રાવિને રોકી લે જિજ્ઞા, રાવિનું ભવિષ્ય અહીં ભારતમાં છે." જિજ્ઞાસાનું મન રાવિને રોકવા માંગતું હતું પણ જીભ ઉપર જાણે તાળું લાગી ગયું હતું.

ઉપરથી શાંત લાગતી રાવિ અંદરથી ખુબજ અશાંત હતી, તેનું મન વારંવાર વિચારોના દરિયામાં ગોથા ખાતું હતું. મનને ભટકાવવા રાવિએ તેની નાનકડી બેગ ખોલી અને એક બુક કાઢી, બુકની બાજુમાં પડેલી ૫૦૦ની નોટો જોઈને તેને રાધિકા યાદ આવી ગઈ.
"રાધિકા ક્યાં હશે?" રાવિકાએ મનોમન વિચાર્યું અને તેં ચોંકી, "રાધિકા......"

ફટાફટ બેગ બંધ કરીને રાવિ પાછળની સીટમાં બેઠેલી જિજ્ઞાસા પાસે ગઈ, જિજ્ઞાસાનો હાથ પોતાના હાથમાં લઈને તેં બોલી, "માસી, રાધિકા મારી આઈડેન્ટિકલ ટ્વિન હતી?"
"હાં." જિજ્ઞાસાએ ટૂંકમાં જવાબ આપ્યો.
"જે રાધિકા મને થોડા દિવસ પેલા મળી હતી એને પણ એજ સપનું બાળપણથી આવે છે જે સપનું મને આવે છે, આ બાબત પર પેલા મેં બહુ ધ્યાન ન'તું આપ્યું પણ હવે લાગે છે કે ધ્યાન આપવું જોઈતું હતું." રાવિકાની આંખોમાં ચમક હતી.

"હાં, મેં રાધિકા વિશે તપાસ કરવાનું વિચાર્યું હતું પણ પછી..." જિજ્ઞાસા રાવિકાનાં જન્મદિવસ વાળી વાત ન બોલી શકી.
"આ રાધિકા આપણી રાધિકા હોઈ શકે?" રાવિકાએ તેનાં મનમાં આવેલો પ્રશ્ન પૂછ્યો.
"શક્યતા તો છે, આપણે એકવાર ખાતરી કરી લઈશું પણ પહેલા રાધિકા મળે તો ખરી." જિજ્ઞાસાના મનમાં આશાની એક કિરણ જાગી હતી.

"આપણે મુંબઈ પહોંચીને સૌથી પેલા રાધિકાને શોધીશું." રયાન પણ ખુશ થઇ ગયો હતો.
"હાં, બસ એ રાધિકા આપણી રાધિકા જ નીકળે." રાવિકાએ મનોમન ભગવાનને યાદ કરી હાથ જોડ્યા.

જિજ્ઞાસાએ એક નિશ્વાસ નાખ્યો અને હાથ જોડીને વિંનતી કરી,"એ રાધિકા મારી રાધિ હોય તો તેને અમારાથી દૂર રાખજો ભગવાન, તેને ક્યારેય અમને ન મળાવતા."

ક્રમશ:

Rate & Review

Rita Rathod

Rita Rathod 1 year ago

Kalpesh

Kalpesh 1 year ago

Very Nice and Interesting......

Usha Fulwadhva

Usha Fulwadhva 1 year ago

Prabhavatibaa Sisodiya Sisodiya
Nitesh Shah

Nitesh Shah 1 year ago