Lost - 5 books and stories free download online pdf in Gujarati

લોસ્ટ - 5

પ્રકરણ ૫

"મિથિલાની સ્કૂલ ફી ભરવાની છે, રોજેરોજ બચત કરીને ફીના પૈસા ભેગા કરવાનો પ્રયત્ન કરીયે છીએ પણ તોય નથી પહોંચી વળાતું." રીનાબેનએ સ્કૂલમાંથી મળેલા નોટિસને જોઈને માથું કુટ્યું.
"કંઈક થઇ જશે રીના, બપ્પા પર વિશ્વાસ રાખ." કેશવરામ પત્નીને આશ્વાસન આપવા સિવાય કઈ કરી શકે એમ ન્હોતા અને એ વાતનો અફસોસ તેમના ચેહરા પર દેખાઈ આવતો હતો.

"બાળકોની વાત આવે એટલે આ વિશ્વાસ હલી જાય છે કેશવ, આપણે કોઈનું શું બગાડ્યું હતું કે બપ્પા આપણી સામે પાછું વળીને જોતાંય નથી? માબાપનું દિલ દુઃખવીને આ સંસાર માંડ્યો છે એ પાપની સજા તો નથીને આ?" રીનાબેનની આસ્થા તૂટવા લાગી હતી.
ખરાબ સમયની આજ ખાસિયત હોય છે, એ ભલભલાંને તેમની ભૂલો યાદ અપાવી દે છે.
"પ્રેમની સજા હોય?" કેશવરામ જાણે પોતાનેજ પૂછી રહ્યા હોય એમ બોલ્યા.
"જન્મદાતાના પ્રેમને ઠોકર મારવાની સજા હોઈ શકે." રીનાબેનએ જાણે પોતાનેજ જવાબ આપ્યો હોય.

પતીપત્ની ભૂતકાળની સફરે ઉપડી ગયાં હતાં, તેમના લગ્નજીવનમાં ઘણા ઉતારચડાવ આવ્યા હતા. પણ આ એક પ્રશ્ન તેમના ૨૫ વર્ષના લગ્નજીવન દરમ્યાન ઘણીવાર ઉઠ્યો અને હંમેશા વણઉકલ્યો જ રહી ગયો.
"માં, ભૂખ લાગી છે." કેરિનએ ઘરમાં આવતાંજ બુમ પાડી.
રીનાબેનએ કાંઈજ બોલ્યા વગર થાળી પીરસી આપી, ઘરમાં આટલી શાંતિ જોઈને કેરિન સમજી ગયો કે બન્ને ફરીથી ભૂતકાળ લઈને બેસી ગયાં હશે.

"આજે ખુબજ વિચિત્ર પેસેન્જર મળ્યાં મને, એમની પાસે છુટા ન'તા અને મારી પાસેય છુટા ન'તા તો ૨૦૦૦ની નોટ આપીને જતાં રહ્યાં." કેરીનએ બન્નેનું મન બીજે વાળવાનો પ્રયત્ન કર્યો.
"હે, ૨૦૦૦ એમજ આપી દીધા?" રીનાબેનને આશ્ચર્ય થયું, અને ક્ષણિક ઈર્ષ્યા પણ થઇ આવી.
"હા, મેં કીધું કે ઉભા રો' મેડમ હું છુટ્ટા લઇ આવું. તોય એ તો સાંભળ્યા વગર જ જલ્દી જલ્દીમાં નીકળી ગયાં." કેરીનએ ખભા ઉછાળ્યા.

જમીને થોડો આરામ કરીને કેરિન ફરીથી કામ પર નીકળી ગયો, કેરિનના ગયા પછી કેશવરામ બોલ્યા, "હું ન્હોતો કે'તો, બપ્પા પર વિશ્વાસ રાખ. જોયુંને બપ્પાએ આજ કેવી રીતે મદદ કરી આપણી?"
"તમે સાચું કે'તા હતા કેશવ, પણ એ સ્ત્રીનો વિચાર આવે છે મને. આટલી અમીર સ્ત્રીને એવુ તેં શું દુઃખ હશે કે પૈસા પાછા લેવાનું પણ ભાન ન રહ્યું?"
"હશે કંઈક પરેશાની, પણ ભગવાન તેમની પરેશાની જલ્દી દૂર કરે જેણે જાણેઅજાણે આપણી મદદ કરી છે." કેશવરામએ ગણપતિબપ્પાની છબી સામે હાથ જોડ્યા.


"જિજ્ઞા તું ગાંડી થઇ ગઈ છે, પેલા ટેક્ષીવાળાને તેં ભાડા કરતાં વધારે પૈસા આપી દીધા, ફ્લાઇટનો ટાઈમ ખબર છે છતાંય વારેઘડીયે પૂછી આવે છે કે ફ્લાઇટ ક્યારે આવશે ફ્લાઇટ ક્યારે આવશે?, અને રાવિએ ફોન કર્યો હતો એ નંબર પર તું ૨૫ ફોન અને ૧૩ મેસેજ કરી ચુકી છે." રયાનએ જિજ્ઞાસાને બાંકડા પર બેસાડી અને પાણી આપ્યું.

"તો શું કરું? શું કરું? એ છોકરીને એટલું ભાન નથી કે ફોન ચાલુ રાખે અથવા મને ફોન કરીને ઇન્ફોર્મ કરતી રે' ક્યાંકથી. મળવા દે આજ તેને, છોડીશ નઈ હું એને." જિજ્ઞાસાનો ડર તેના મગજ ઉપર છવાઈ ગયો હતો.
"તું આવું કરીશ તો રાવિ કઈ નઈ જાણતી હોય તોય ઘણું બધું જાણી જશે." રયાનએ ટકોર કરી.

"હા દીદી, રાવિ ખુબ સમજદાર છે એને જરાયવાર નઈ લાગે એ સમજવામાં કે આપણે તેનાથી કંઈક છુપાવી રહ્યાં છીએ." જીવનએ રયાનનો પક્ષ લીધો.
"યુ આર રાઈટ, મારે થોડું નોર્મલ બિહેવ કરવું પડશે." જિજ્ઞાસાએ શાંત થવાનો અને સામાન્ય દેખાવાનો પ્રયત્ન કર્યો.

"શું ખાઈશ તું?" રાધિકાએ મેનુમાં બધી વસ્તુઓના ભાવ જોવાનું ચાલુ કર્યું.
"જે સૌથી ઝડપી બન્ને એ લઇ આવો, તારે જે ખાવુ હોય મંગાવી લે." રાવિકાએ વેઇટર તરફ જોઈને કહ્યું.
જમ્યા પછી બન્ને પેલેસના ગાર્ડનમાં આવીને બેઠી, રાવિકાએ જિજ્ઞાસાને તેણી બાલારામ પેલેસમાં છે એવો મેસેજ કરી દીધો હતો.
રાધિકા માટે હજુયે આ બધું એક સ્વપ્ન જેવું હતું, તેની જિંદગી બે ટંકના ભોજનનો બંદોબસ્ત કરવામાં જ વીતી હતી.

"તમે બેઉ આધ્વીકાની દીકરીઓ છો ને?" એક વૃદ્ધએ રાવિકાને પૂછ્યું.
"તમે કોણ છો?" રાવિકા અચાનક આવા સવાલથી ગભરાઈ ગઈ હતી.
"હું મંગળ, આધ્વીકા જેવી દેખાઓ છો બેઉ. છેક નાની હતી ત્યારે જોઈ'તી તમને, બચારી આધ્વીકા હારે જે થયું'તું એ બઉ ખોટું થયું'તું." મંગળદાદાએ નિશાંસો નાખ્યો.
"હું આધ્વીકાની દીકરી છું, આ તો....." રાવિકા આગળ બોલતા અટકી ગઈ, બન્ને વચ્ચે એટલી સમાનતાઓ હતી કે કોઈ પણ વિશ્વાસ ના કરે કે બન્ને બેનો નથી.

"આધ્વીકા કોણ છે?" રાધિકાએ પૂછ્યું.
"મારી મોમ." રાવિકાએ ટૂંકમાં જવાબ આપ્યો.
"આધ્વીકાની દીકરીઓ છો, એમ કેમ કહ્યું આમણે?" રાધિકાએ પૂછ્યું.
રાવિકા ચમકી, આ કાકા તેની માંને ઓળખે છે એ વિચાર આવતાંજ તેણીએ પાછળ ફરીને જોયું પણ મંગળકાકા જાણે ગાયબ થઇ ગયા હતા.

તેં દોડતી મંગળકાકાને શોધવા ગઈ. હોટેલના સ્ટાફને અને વૉચમેનને પૂછ્યું, બધાંએ એકજ જવાબ આપ્યો, "મંગળકાકા? હમણાં અહીંજ હતા, ક્યાં ગયા હશે ખબર નઈ."
"આમ કઈ રીતે ગાયબ થઇ ગયા એ અંકલ?" રાવિકાના મગજનો પારો સાતમા આકાશ પર હતો, એક પછી એક બનેલી વિચિત્ર ઘટનાઓને કારણે તેં હેરાન થઇ ચુકી હતી.

"એકવાર માસી સાથે ન્યૂ યોર્ક પહોંચી જઉં પછી ક્યારેય આ દેશમાં પગ નઈ મુકું, આઈ સ્વેર." રાવિકાએ દાંત કચકચાવ્યા, અને દીવાલ પર લાત મારી.
રાધિકાએ અહીંથી નીકળવાનું યાદ દેવડાવ્યું ત્યારે રાવિકાને જિજ્ઞાસાનો વિચાર આવ્યો અને હાલપૂરતું જેમ બને એમ જલ્દી જિજ્ઞા માસી પાસે પહોંચવું એવો નિર્ણય લઈને તેં પેલેસથી મુંબઈ જવા નીકળી.

રાવિકાના ગયા પછી, રાવિકા ઉભી હતી ત્યાંથી થોડે દૂર ઝાડીઓમાં છુપાયેલા મંગળકાકા બહાર આવ્યા અને તેમના ચેહરા પર શૈતાની હાસ્ય આવ્યું,"જ્યાં સુધી તમે બન્ને તમારા ભૂતકાળ તરફ પાછી નઈ ફરો ત્યાં સુધી હું તમારો પીછો નઈ છોડું. " મંગળકાકા વિચિત્ર અવાજમાં બોલ્યા, તેમની આંખોમાં એક ચમક આવીને જતી રહી અને એક ઝટકા સાથે તેં જમીન પર ઢળી પડ્યા.

ક્રમશ:
Share

NEW REALESED