Jivan Sathi - 18 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 18

આન્યા: આ જગ્યા જોઈને મને એવું લાગે છે કે હું પહેલા અહીંયા બહુ વખત આવેલી છું.

સંજુ: તને આટલું જ યાદ આવે છે કે બીજું કંઈ પણ યાદ આવે છે કે તું પહેલા કોની સાથે અહીં આવી હતી ?

આન્યા: દિપેન ભાઈ સાથે જ આવી હોઉં ને વળી બીજા કોની સાથે આવવાની ?

દિપેન: સંજુ બસ હવે, અત્યારે ક્યાં આ બધી વાતો કરે છે તું પણ અને ચલો હવે અહીંયા ધ્યાન આપો આપણો નંબર આવશે હવે.

તેમનો નંબર આવ્યો એટલે દિપેન, આન્યા અને સંજુ એક જ રોપ-વેમાં સામ સામે ગોઠવાઈ ગયા. રોપ-વેએ થોડી સ્પીડ પકડી અને અધવચ્ચે પહોંચ્યું ત્યાં તો આન્યાએ પોતાના બંને હાથથી પોતાના કાન જોરથી દબાવી દીધા અને એકદમ બૂમો પાડવા લાગી કે, " બચાવો,‌ બચાવો, બચાવો.... " અને દિપેને તેને પકડી લીધી અને તેને પૂછવા લાગ્યો કે, " શું થયું પૂર્વી તને ? " અને એટલામાં તો આન્યા બેભાન થઈ ગઈ અને દિપેને તેને પકડી લીધી.

દિપેને અને સંજુએ રોપ-વે ઉભુ રહ્યું એટલે આન્યાને રોપ-વેમાંથી ઉંચકીને નીચે ઉતારી અને દિપેને સંજુને ત્યાં કાઉન્ટર ઉપર ફરિયાદ નોંધાવી ડૉક્ટરને બોલાવવા કહ્યું.

આન્યાને જોવા માટે ખાસ્સી એવી ભીડ જામી ગઈ હતી. લોકો આન્યાને જોઈને જાત જાતની વાતો કરવા લાગ્યા કે, કોણ છે આ છોકરી ? અચાનક તેને શું થઈ ગયું અને આ રીતે તેને ચક્કર આવતા હોય તો તેને રોપ વેમાં બેસાડવી જ ન જોઈએ ને ?

દિપેન સાથે શું વીતી રહ્યું હતું તે તો દિપેન જ જાણતો હતો.

અને એટલામાં મોનિકા બેન અને ડૉ વિરેન મહેતાનો નંબર આવતા તે પણ રોપ વેમાં ગોઠવાઈ ગયા અને ગબ્બર ઉપર માં અંબેના દર્શન કરવા જવા માટે ઉતરી ગયા.

મોનિકા બેન અને ડૉ વિરેન મહેતાએ ત્યાં ભીડ એકઠી થયેલી જોઈ પરંતુ બહુ કંઈ લક્ષ્ય આપ્યું નહીં. તેઓ બાકી રહેલા થોડા પગથીયા ચડવા માટે જઈ રહ્યા હતા અને મોનિકા બેનને કાને શબ્દો પડ્યા કે, " કેટલી માસુમ છોકરી છે એના ભાઈને ખબર નહીં હોય કે તેને રોપ વેની એલર્જી છે ? " આ શબ્દો કાને પડતાં જ મોનિકા બેનને આ છોકરી કોણ છે તે જોવાનું કુતુહલ જાગ્યુ એટલે તેમણે ડૉ. વિરેન મહેતાને ઉભા રહેવા કહ્યું. ડૉ. વિરેન મહેતાએ ના પણ પાડી કે, " હશે હવે કોઈ તેમાં શું જોવા જવાનું ? " પણ મોનિકા બેનનું મન માન્યું નહીંં અને તે આ છોકરી કોણ છે તે જોવા જવા ઉપડી ગયા.

થોડી ભીડ આઘી ખસેડી તે છેક આગળ પહોંચી ગયા અને જોયું તો, કોઈ છોકરો આન્યાને પૂર્વી, પૂર્વી કહીને ચેતનવંત કરવાનો પ્રયત્ન કરી રહ્યો હતો.

મોનિકા બેનની સ્પીડ એક્સપ્રેસ કરતાં પણ વધી ગઈ અને આ સ્પીડ સાથે તે દિપેન અને આન્યા જ્યાં બેઠેલા હતા ત્યાં પહોંચી ગયા.

આન્યાને જોઈને જ મોનિકા બેનની આંખો આશ્ચર્ય ચકિત થઈ ગઈ અને એકસાથે તેમને રડવું કે હસવું કે શું કરવું તેની કંઈજ ખબર ન પડી તેમનાં મોઢામાંથી શબ્દો સરવાની રાહ જોઈ રહ્યા હતા પણ જાણે તેમની વાચા છીનવાઈ ગઈ હોય તેમ શબ્દો મોંમાંથી નીકળી રહ્યા ન હતા.

આન્યાને જોઈને તે આન્યાને જેમ ગાય પોતાના વાછરડાને પંપાળે તેમ પંપાળવા લાગ્યા અને આન્યાને પપ્પીઓ કરવા લાગ્યા. તે આન્યાને આખાય શરીર ઉપર પંપાળી રહ્યા હતા અને જાણે ચેક કરી રહ્યા હતા કે તેને ક્યાંય વાગ્યું તો નથી ને તેને કોઈએ કંઈ નુકસાન તો નથી પહોંચાડ્યું ને ?

અને દિપેન તેમજ સંજુ કુતુહલ પૂર્વક આ દ્રશ્ય જોઈ રહ્યા હતા જાણે તેમની પણ સમજમાં આ વાત આવતી ન હતી.

થોડી વાર સુધી મોનિકા બેન પાછા ન આવ્યા એટલે ડૉ.વિરેન મહેતા તેમને બૂમો પાડતા પાડતા જ્યાં આન્યા અને દિપેન હતા તે બાજુ આવ્યા.

આન્યાને જોઈને ડૉ.વિરેન મહેતા શું રીએક્ટ કરે છે. આગળના ભાગમાં....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
5/10/21