TALASH - 23 books and stories free download online pdf in Gujarati

તલાશ - 23

રાત્રીના લગભગ 12-30 વાગ્યા હતા અનોપચંદ હમણાં જ એક મિટિંગમાંથી ઘરે આવ્યો હતો. હોલમાં નીતા અને નિનાદ (અનોપચંદનો નાનો દીકરો અને એની પત્ની) બેઠા હતા. સૌમિલ (મોટા દીકરાનો દીકરો) અને નિકુંજ (નિનાદનો દીકરો) સુઈ ગયા હતા. પોતાના બેડરૂમમાં જઈ ફ્રેશ થઈને અનોપચંદ ફરી હોલમાં આવ્યા અને પૂછ્યું "સુમિત અને સ્નેહા ક્યારે આવશે?"

"પપ્પા દીદી અને જીજાજી બસ હવે આવવાની તૈયારીમાં છે.” અનોપચંદની ફેમિલીનો આ શિરસ્તો હતો જો કોઈ બહારગામ ન હોય તો રાત્રે ભલે થોડીકવાર પણ આખા કુટુંબે સાથે બેસવું. અનોપચંદની પત્ની 4 વર્ષ પહેલા મૃત્યુ પામી હતી. પણ 2 દીકરા અને 2 વહુઓ અને બાળકો જાગતા હોય તો એ લોકો બધા રાત્રે ડિનર સાથે જ લે. અને જો કોઈ બહાર ડિનર લેવાનું હોય તો પછી બધા ભેગા બેસે. થોડીવારમાં અનોપચંદનો મોટો દીકરો અને એની પત્ની સુમિત અને સ્નેહા કોઈ પાર્ટીમાં ગયા હતા ત્યાંથી આવ્યા. "શું દીદી પાર્ટીમાં મજા આવી?" નીતા એ કંઈક મસ્તી કરતા પૂછ્યું. "સાવ બોરિંગ પાર્ટી હતી. તું દર વખતે મને જ ભેરવી દે છે. આવી પાર્ટીમાં" સ્નેહા એ બનાવટી ગુસ્સો દેખાડતા કહ્યું. નીતા અને સ્નેહા પિતરાઇ બહેનો હતી. સ્નેહાના પપ્પા અને અનોપચંદ બંને મિત્ર હતા. અને સ્નેહાના કહેવાથીજ નીતા અને નિનાદના લગ્ન ગોઠવાયા હતા. અને એટલે જ નીતા સુમિતને જીજુ જ કહેતી હતી થોડીવાર અલકમલકની વાતો ચાલી પછી અનોપચંદે કહ્યું "સુમિત-સ્નેહા- નિનાદ- નીતા ધ્યાનથી સાંભળો. બધા એલર્ટ થઇ ગયા. "સુમિત તું અને સ્નેહા થોડા દિવસ મદ્રાસ જાઓ."

"ભલે પપ્પા," સુમિતે ટૂંકમાં જવાબ આપ્યો.

"ત્યાં જઈને મહિના દિવસમાં 3-4 પાર્ટી અનોપચંદ એન્ડ કું. તરફથી ગોઠવવાની છે. જેમાં બધા પોલિટિશિયન પોલીસ, જર્નાલિસ્ટ અને મોટામાથાઓને આમંત્રણ આપવાનું છે. બાકી તું સમજદાર છે સુમિત." અનોપચંદે કહ્યું. અને ઉમેર્યું, "સ્નેહા દરેક પાર્ટીમાં આ બધા ડાલામથ્થાની પત્ની બહેનો બાળકો હાજર રહે એવી ગોઠવણ તમારે કરવાની છે. મદ્રાસ આપણા બંગલામાં અને બીજી 2 બેન્કવેટ હોલમાં બધી વ્યવસ્થા ગોઠવી દીધી છે. મારે પાર્ટીની તમામ ઝીણામાંઝીણી વાતો સાંભળવી છે. મદ્રાસમાં ટૂંક સમયમાં કંઈક એવું થવાનું છે. તેના પડઘા આખા દેશમાં પડશે.સમજ્યા."

"જી પપ્પા એ થઇ જશે.પણ, મારું એક સજેશન છે." સ્નેહાએ કહ્યું.

"બોલ ને દીકરા" અનોપચંદે કહ્યું.

"થોડી વ્યવસ્થા.પાર્કિંગ લોટ માં પણ થવી જોઈએ, હાઈ ફ્રીક્વન્સી માઈક્રોફોનની. કેમ કે આજકાલ મોટા લોકોની વાતો તેમની ઘરવાળી કરતા ડ્રાઈવરને વધારે ખબર હોય છે." સ્નેહાએ વેલીડ પોઇન્ટ આપ્યો હતો. આમેય 2-3 વર્ષ ફિલ્ડમાં કામ કરાવી અને તેની શક્તિઓને ઓળખીને જ અનોપચંદે એને પોતાની પુત્રવધુ બનાવી હતી.

"સાચી વાત છે તારી, સુમિત આપણા 2-3 ડ્રાઈવર એવી રીતે ગોઠવી દેજે કે માઈક એ લોકો પાસે હોય અને પાર્ટીની રંગત ચાલતી હોય ત્યારે અન્ય ડ્રાઈવર જે વાતચીત કરે એ બધું આપણે જાણી શકીએ."

"ભલે પપ્પા" સુમિતે કહ્યું.

તો તમે લોકો 2 દિવસ પછી 27 તારીખે મદ્રાસ શિફ્ટ થાઓ છો 2 મહિના માટે. કોઈને કઈ પૂછવું છે/" અનોપચંદે કહ્યું.જવાબમાં નીતા એ હાથ ઉપર કર્યો. આમ તો એણે ફિલ્ડમાં એક્ટિવિટી ઓછી કરી હતી પણ સ્નેહા આવા કોઈ 'કામ'માં બીઝી હોય ત્યારે સૌમિલની જવાબદારી એ સહર્ષ સંભાળતી એને આવા કરોડપતિઓની પાર્ટી બોરિંગ લગતી શરૂશરૂમાં એને પાર્ટીમાં મ્હાલવું ગમતું પણ એકાદ વર્ષમાં એ કંટાળો અનુભવવા માંડી હતી. જ્યારે ઘરની મોટી વહુ તરીકે સ્નેહાએ આવી પાર્ટીઓનું આયોજન કરવું પડતું કે પાર્ટીમાં જવું પણ પડતું. "સ્નેહા દીદી ભલે મદ્રાસ જાય પણ સૌમિલ અહીંયા રહે એવી મારી ઈચ્છા છે ત્યાં 2 મહિના રોકાશે તો એનો અભ્યાસ બગડે અને નિનાદને પણ એકલું નહીં ગમે."

"ઓકે." સ્નેહાએ કહ્યું "હું વચ્ચે એક-બે વાર આંટો મારી જઈશ."

"ઓકે તો ગુડનાઈટ. સુમિત આપણી મદ્રાસની ફેક્ટરીઓના ઇન્સ્પેક્શન માટે 2 મહિના ત્યાં રોકાવાનો છે એવી એનાઉન્સમેન્ટ કાલે કરી નાખું છું." કહીને અનોપચંદ પોતાના બેડરૂમ તરફ ચાલ્યો એટલે સૌ પોતપોતાના રૂમમાં ગયા.

xxx

જીતુભાએ બસના એટેન્ડન્ટને રૂપિયા આપીને એણે બતાવેલ સીટ પર બેઠક જમાવી.અને બસમાં ચારેબાજુ નજર ઘુમાવી.ડીમલાઈટમાં આખી બસના બધા લોકો તો દેખાતા ન હતા. પણ બસમાં લગભગ 32-35 જણા હતા એ જીતુભાએ બસમાં ચડતાંવેંત નોંધ્યું હતું. જેમાં લગભગ 14-15 છોકરી-યુવતી-મહિલા હતી. જીતુભાની સીટ બસમાં ડ્રાઈવર સાઈડ એટલે કે જમણી બાજુ વચ્ચે હતી. એની બરાબર સામે (ડાબી બાજુ) એક પુરુષ અને એક યુવતી હતા. પોતાની સીટ પર બેસીને જીતુભાએ નોંધ્યું કે એ યુવતી વારે વારે પેલા પુરુષ ને અટકચાળા ન કરવા વિનંતી કરતી હતી. પણ એ પુરુષ માનતો ન હતો. કદાચ એણે દારૂ પીધેલો હતો. ઉપરાંત જીતુભાની આગળની સીટ પર એક લગભગ 30-32 વર્ષની દેખાતી યુવતી અને એની સાથે એક પુરુષ હતા. પુરુષે કંઈક નશો કર્યો હોય એવું લાગતું હતું.એ બન્નેની ઝીણી ઝીણી કચકચ પણ ચાલુ હતી. આ સિવાય લગભગ 5 યુવતી કે મહિલા હતી જે સંભવિત અનોપચંદે કહ્યું એ હોઈ શકે. જીતુભાએ વિચાર્યું ભરૂચમાં બસ પહોંચશે ત્યારે જોયું જશે. ત્યાં સુધી થોડો આરામ કરી લઉં. આમેય પાછલી 3 રાત એને માંડ 2-3 કલાક સુવા મળ્યું હતું. એને થાક લાગ્યો હતો બસની સીટ આરામદાયક હતી. એને સીટ થોડી પાછળ કરી અને આંખો મીંચી દીધી. અને વિચારવા લાગ્યો ગઈ રાત્રે આ સમયે એ દાદર પ્લેટફોર્મ પર બેઠો હતો અને મોહિનીના વિચાર કરતો હતો પણ 24 કલાકમાં એની જિંદગી જાણે બદલાઈ ગઈ હતી. આ અનોપચંદે જો સોનલના કથિત અપહરણવાળું નાટક ન કર્યું હોત અને માને મારી નાખવાની ધમકી ન આપી હોત તો પોતે કદાપિ એની નોકરીમાં ન જોડ઼ાત. ખેર હવે નોકરી ચાલુ કરી છે તો બરાબર કરીને અનોપચંદનો વિશ્વાસ જીતી લઈશ. પછી લાગ આવ્યે એને એવો ભેરવીશ કે એની નાની યાદ આવી જશે. તંદ્રામાં આવું વિચરતા વિચરતા એને નીંદર આવી ગઈ.

xxx

"બસ સોનુ હવે બહુ થયું ચાલો સુઈ જઈએ." રીવાએ બધામાં સહુથી મોટી હતી એણે કહ્યું.

"બસ રીવા દીદી હવે 15 મિનિટ."

"બસ સોનુડી હવે બહુ થયું. અઢી વાગ્યા છે. અને મને 6 ઉઠવાની આદત છે.” મોહિનીએ કહ્યું.

"મને ખબર છે તારે જીતુડાના સપના જોવા છે. હવે સવારે આવશે ડાયરેક્ટ મળી લેજે." સોનલે મજાક કરતા કહ્યું.

"સોનલ આજ મિનિટે તું પથારીમાં નથી પડી તો હું હમણાં મારા પપ્પાને ફોન કરીને પૃથ્વીજીના બાપુને મળી આવવા કહી દઈશ. ચલ ચુપચાપ પથારીમાં પડ.” આખરે જીગ્નાએ 'દાદી' બનીને હુકમ કર્યો.

"અત્યારે તો સુઈ જાઉં છું પણ જો જે મારા લગ્નમાં તને બોલાવીશ જ નહીં." મોઢું ફુંગરાવતા સોનલે કહ્યું. અને પછી હસી પડી. રિવા, મોહિની અને જીગ્ના પણ એ હાસ્યમાં જોડાયા.

xxx

"ચીઈઈઈ." અવાજ સાથે અચાનક લાગેલી બ્રેકથી બસ જોરદાર ઝાટકા સાથે ઉભી રહી. નિંદરમાં કે ઝોલે ચડેલા બધાની નીડર ઉડી ગઈ કેટલાકના માથા આગળની સીટ સાથે ટકરાયા. 'શું થયું' એવા પોકારો ઉઠ્યા. એટેન્ડન્ટ નીચે ઉતર્યો ભાવસારે બસની બધી લાઈટ ચાલુ કરી અને એ પણ ડ્રાઇવિંગ સીટ પરથી નીચે ઉતર્યો 2-3 મિનિટ પછી બન્ને બસમાં પાછા આવ્યા અને કહ્યું કે "બસના પાછલા વ્હિલમાં પંચર પડ્યું છે પણ ગભરાવાની કોઈ જરૂર નથી 10-12 મિનિટ પછી એક પેટ્રોલ પંપ અને ગેરેજ છે સાથે સરસ મજાનો નાસ્તો વગેરેનો એક ઢાબો પણ છે ત્યાં વ્હિલ બદલાવી લઈશું. લગભગ 25 મિનિટનો હોલ્ટ થશે. પણ આમેય ક્યાંક તો 15 મિનિટનો હોલ્ટ કરવાનો જ હતો." કહીને લાઈટો બંધ કરી અને બસને આગળ ચલાવી લગભગ બધાની નીંદર ઉડી ગઈ હતી. જીતુભા આંખો ચોળી અને સ્વસ્થ થયો એની આગળની સીટમાં હજી કચકચ ચાલુ હતી તો સામેની સીટમાં માંડ ઝપેલા પેલા પુરુષના અટકચાળા ફરીથી શરૂ થઈ ગયા હતા.

xxx

ચીઈઈઈ અચાનક લાગેલી બ્રેકથી મિસ્ટર જોશી સફાળા સીટ પરથી ફેંકાયા પણ સીટ બેલ્ટ બાંધેલો હતો એટલે ડેશબોર્ડ પર ન પડ્યા નાઝે આ સિચ્યુએશનનો ફાયદો ઉઠાવીને એમને સંભાળતી હોય એવો દેખાવ કરીને પોતાની બાહોમાં ભરી લીધા. મિસ્ટર જોશીની નીંદર સાવ ઉડી ગઈ અને નાઝના બદનમાંથી આવતી માદક ખૂશ્બૂ એમને મદહોશ કરી રહી હતી. લગભગ 1 મિનિટ આ ચાલ્યું પછી નાઝે મિસ્ટર જોશીને પોતાની બાહો માંથી મુક્ત કરતા કહ્યું. "જોષીજી તમે તો મને મારી નાખશો"

"મેં શું કર્યું? તે જ મને પકડ્યો. હતો.” જોશીએ કૈક ગભરાતા પૂછ્યું.

"અરે એમ નહીં પણ આમ હું ડ્રાઇવિંગ કરતી હતી અને તમે મારી બાજુમાં સુઈ જાઓ તો મને પણ ઝોલા આવવા માંડે. કોઈ દિવસ ડ્રાઈવરની બાજુમાં બેસીને સુઈ ન જવાય." નાઝે કહ્યું.

"ઓહ સોરી. મને ક્યારે નીંદર આવી ગઈ એ ખબર જ ન પડી."

"કઈ વાંધો નહીં આમેય તમે 2 કલાકથી ઊંઘો છો.આ તો મને ઝોલા આવવા મંડ્યા એટલે સામે ચાપાણી ની રેસ્ટોરાં જોઈ એટલે કારને બ્રેક મારી. ચાલો હવે ઉતરો અને તમારા પૈસાથી મને ચા નાસ્તો કરવો એટલે ઊપડિયે પણ જોજો હો હવે સુઈ નહીં જતા નહીં તો એક્સિડન્ટમાં હું મરી જઈશ." નાઝે માદક મુસ્કુરાહટ કરતા કહ્યું.

xxx

10-12 મિનિટ પછી બસ એક પેટ્રોલ પંપ પર ઉભી રહી સાથે જ એક નાનકડું રેસ્ટોરાં અને ગેસ્ટ હાઉસ હતા. બધા પેસેન્જર ઉતરવા મંડ્યા. જીતુભાની પાછળ એક કોલેજ કે ઓફિસનું ગ્રુપ હતું એ લોકોને બહુ જલ્દી હતી એટલે જીતુભાએ પહેલા એ લોકોને જવા દીધા. એ પોતાની સીટ પરથી ઉભો થયો એની સામે બેઠેલું કપલ પણ ઊભું થયું પેલા અટકચાળા પુરુષના હાથમાં એક નાનકડી બેગ હતી. તો યુવતીના હાથમાં એક થેલો હતો. અચાનક "એ ભાઈ જરા મારી બેગ ત્યાં પડી છે. એ લેતા આવોને." જીતુભાની આગળની સીટ પર બેઠેલા કચકચિયા કપલ વાળી યુવતીએ છેક બસના દરવાજે પહોંચીને જીતુભાને સંબોધીને કહ્યું.એનો વર હજી કોઈક નશામાં ઝૂલતો હતો. આ વાત સાંભળીને જીતુભા ચોકી ઉઠ્યો. "ઓહ તો આજ બેગ છે જે મારે ઉઠાવવાની છે." એણે મનોમન વિચાર્યું અને પછી એ બાઈએ બતાવેલ નાની સુટકેશ સ્ટેન્ડમાંથી કાઢીને પોતાના હાથમાં લીધી અને આગળ વધ્યો એની પાછળ એની સામે બેઠેલું કપલ હતું, જેમાનો પુરુષ સતત પેલી યુવતી સાથે અટકચાળા કરતો હતો. અને છેલ્લે એક ઉંમરલાયક સ્ત્રી-પુરુષ અને સાથે કોઈ દશ બાર વર્ષનો છોકરો હતા.

બસમાંથી બહાર નીકળીને જીતુભાએ ચારેબાજુ નજર ફેરવી મસ્ત મજાની ખુશનુમા હવા વહેતી હતી પેટ્રોલ પંપ અને નાનકડું ગેરેજ અને એને અડીને જ એક ગેસ્ટ હાઉસ અને એમાં નીચે એક નાની પણ સ્વચ્છ રેસ્ટોરાં હતી. બસમાંથી ઉતરેલા બધા પેસેન્જર યા તો વોશરૂમમાં કે રેસ્ટોરાંમાં પહોંચી ગયા હતા. જીતુભાની પાછળ માંડ 4-5 જણા હતા. "આ સરસ મોકો છે, બેગ લઈને જલ્દી ટેક્સીમાં પહોંચી જાઉં" વિચારીને એણે પોતાના ટેક્સીવાળાને શોધવા નજર ઘુમાવી.એ ઊભો હતો ત્યાંથી લગભગ 40 ફૂટ દૂર ટેક્સી તો દેખાઈ પણ એમાં ડ્રાઇવર ન હતો. "પેલી બાઈ નું શું.?" મનમાં વિચાર આવ્યો અને એની નજર અનાયાસે એ યુવતીને શોધવા મંડી. ત્યાંજ મગજમાંથી જવાબ આવ્યો. "અનોપચંદે કહ્યું હતું કે એમાં તારે મગજ દોડાવવાનું નથી એ મારે અને એ યુવતીએ જોવાનું છે. ચાલો મારુ કામ પૂરું થયું.” એમ મનમાં બોલતા જીતુભાએ ટેક્સી તરફ પગ ઉપાડ્યા. અને માંડ 5 ડગલાં ભર્યા હશે ત્યાં પાછળથી એક રાડ સંભળાઈ. "એ ભાઈ. ઉભો રે." ચોંકીને જીતુભા ઉભો રહી ગયો. એણે જોયું તો બસના કેટલાક મુસાફરો એને તાકી રહ્યા હતા."ભાઈ મેં તો તને સારા ઘરનો ધાર્યો હતો મારા વરની તબિયત ખરાબ છે એટલે તને બેગ ઉતારી લાવવા કહ્યું તો તું તો બેગ ઉપાડી ને હાલતો થવા માંડ્યો ભાઈ." એમ બોલતી એ યુવતી એની પાસે આવી અને એના હાથમાંથી બેગ આંચકી લીધી. જીતુભા બઘવાઈ સ્ટેચ્યુ થઈ ગયો.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર