Vishv khadhy Divas books and stories free download online pdf in Gujarati

વિશ્વ ખાદ્ય દિવસ

વિશ્વ ખાદ્ય દિન

કવિ ઉમાશંકર જોશીની કવિ પંક્તિ આજે યાદ આવે છે: ‘ભૂખ્યા જનોનો જઠરાગ્નિ જાગશે, તો ખંડેરની ભસ્મકણી ય ન લાધશે.” કેમકે જગતમાં આજે પણ અનેક લોકો છે, જેઓ ભૂખમરા સામે લડી રહ્યાં છે. આ મામલે વિકાસશીલ અને વિકસિત દેશોમાં કોઈ ફરક નથી.
૨૦૫૦ સુધી જગતની વસ્તી નવ અબજ હોવાના અનુમાન છે, જેમાના ૮૦ ટકા જેટલા લોકો વિકાસશીલ દેશોમાં રહેતાં હશે. આટલી મોટી વસ્તી માટેના ખોરાકની સમસ્યા કેવી રીતે હલ કરવી તે આજના જગતની સામેનો મોટો પડકાર છે. દુનિયામાં એક તરફ એવા અનેક લોકો છે જેમના ઘરમાં ખૂબ ખોરાક બરબાદ થાય છે અને ફેંકી દેવાય છે. જ્યારે બીજી તરફ એવા લોકોનો તોટો નથી જેમને દિવસના એક ટંકનું ભોજન પણ નસીબ થતું નથી. ખોરાકની આ અસમાનતા જોતાં જ દર વર્ષે ૧૬ ઓકટોબરે ‘વિશ્વ ખાદ્ય દિવસ ઉજવવાની શરૂઆત થઈ હતી.
આ દિન મનાવતા ત્રણ દાયકાથી વધુ સમય થઈ ગયો પણ હજી ભૂખ્યા પેટે રહેનારા લોકોની સંખ્યા ઘટી નથી, બલ્કે વધી છે અને સતત વધતી જાય છે. જે એક વિચાર માંગી લે તેવી બાબત જરૂર છે.
વિશ્વ સમાજના સંતુલિત વિકાસ માટે એ જરૂરી છે કે મનુષ્યનો સર્વાંગી વિકાસ થાય. જગતમાં લોકોને સંતુલિત ભોજન ભોજન મળવું જોઈએ જેથી તેઓ કુપોષણના ડાયરામથી બહાર નીકળીને સ્વસ્થ જીવન જીવી શકે. લોકોને સંતુલિત ભોજન મળી શકે, તે માટે જરૂરી છે કે વિશ્વમાં ખાદ્ય-અન્નનું ઉત્પાદન યોગ્ય માત્રામાં થાય. રોજે રોજ જગની વસ્તી વધતી જાય છે અને ખાદ્ય પદાર્થોના ભંડાર સીમિત છે, માટે અન્નનું ઉત્પાદન વધારવાની જરૂરત વર્તાય છે. એને ધ્યાનમાં રાખીને સંયુક્ત રાષ્ટ્રએ ૧૬ ઓક્ટોબર, ૧૯૪૫ના રોજ રોમમાં ‘ખાદ્ય અને કૃષિ સંગઠન’ (એફ.એ.ઓ.)ની સ્થાપના કરી. સંસારમાં વિસ્તરેલા ભૂખમરા પ્રત્યે લોકોમાં જાગૃતિ ફેલાવવાના અને એ ભૂખમરાને ખતમ કરવા માટે ૧૯૮૦થી ૧૬ ઓક્ટોબરનો દિવસ ‘વિશ્વ ખાદ્ય દિન’ રૂપે મનાવવાની શરૂઆત થઈ હતી.
‘વિશ્વ ખાદ્ય દિન’નો મૂળ ઉદ્દેશ દુનિયામાંથી ભૂખમરો દૂર કરવાનો છે. ભૂખમરો દૂર કરવાનો માર્ગ છે અત્યાનુધિક રીતે ખેતી કરવામાં આવે. આજના દિવસે અન્ન વધારવા માટે વિકાસશીલ દેશોમાં ખેતીની ટૅક્નિક સુધારવી તથા જરૂરી આર્થિક સહકાર કરીને વિકસિત દેશો પાસેથી આધુનિક ટેકનિકલ સહાય મેળવવાની દિશામાં જવાનું છે. સંયુક્ત રાષ્ટ્રની તમામ સંસ્થાઓ દ્વારા વિકાસશીલ દેશોમાં ગરીબી અને ભૂખમરાથી બચવાના તમામ ઉપાયો અને પ્રયાસ શરૂ પણ કર્યા છે. ખાસ કરીને આફ્રિકાના રવાંડા, બુરૂંડી, નાઈજીરિયા, સેનેગલ, સોમાલિયા અને ઇરિટ્રિયા જેવા દેશોમાં આ સમસ્યા ભયાવહ છે.
‘સંયુક્ત રાષ્ટ્રસંઘ અન્ન અને કૃષિ સંગઠન’ના જણાવવા મુજબ ૨૦૦૨થી અન્નની કિમતોમાં ૧૪૦ ટકાનો ભારેભરખમ વધારો થયો છે. તેને કારણે ૪૦ જેટલા દેશો ખાદ્યાન્ન સંકટનો સામનો કરી રહયાં છે. ‘ભારતીય ખાદ્ય નિગમ’એ જણાવ્યુ છે કે તેમના ગોદામોમાં દર વર્ષે ૫૦ કરોડ રૂપિયાનું ૧૦.૪૦ લાખ મેટ્રિક ટન અનાજ ખરાબ થાય છે. એ અનાજથી દર વર્ષે સવા કરોડ લોકોની ભૂખ ભાંગી શકાય છે. આમ દુનિયામાં, ખાવા-પીવાની કમી કરતાં તેના યોગ્ય ઉપયોગ ન કરવાની સમસ્યા પણ છે.
અન્નની કમીએ વિશ્વના સર્વોચ્ચ સંગઠનો અને સરકારોને પણ વિચારવા માટે મજબૂર કર્યા છે. બધા જાણે છે કે ભારતમાં અનાજની કમી મોટો મુદ્દો નથી. પણ જાહેર વિતરણ અને અન્ન ભંડારોની જાળવણી મુશ્કેલ છે. ભારતમાં લાખો ટન અનાજ ખુલ્લામાં સડે છે. એક બાજુ કરોડો લોકો ભૂખે મારે છે ત્યારે અને છ વરસથી નીચેના ૪૭ ટકા બાળકો કુપોષણના શિકાર છે ત્યારે આબહુ ગંભીર છે. ૧૯૭૯માં ‘ખાદ્ય બચાવો’ કાર્યક્રમ શરૂ થયો હતો. ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે તેમને સસ્તા દરે ભંડારો માટે ટાંકીઓ આપવાનું લક્ષ્ય રખાયું હતું, પણ તે છતાં આજે લાખો ટન અનાજ બરબાદ થઈ રહ્યું છે.


સવા અબજ વસ્તી ધરાવતા ભારત જેવા દેશમાં, જ્યાં સરકારી સાધનો મુજબ ૩૨ કરોડ લોકો ગરીબી રેખા નીચે જીવન જીવે છે. ભારતમાં રાજ્ય સ્તરે તો એથી પણ વધુ અસમાનતા જોવા મળે છે. યુનિસેફના એક હેવાલ મુજબ ભારતમાં દરરોજ પાંચ હજાર બાળકો કુપોષણના શિકાર બનતા જાય છે. આઝાદીના સાત દાયકા પછી પણ દેશની સાંઠ ટકા ખેતી વરસાદ પર આધારિત છે.


હમણાં એવી વિગતો સામે આવી કે ભારતમાં લગ્ન જેવા સમારોહોમાં ખૂબ બગાડ થાય છે. ધનવાનોની આ સમસ્યા માત્ર અન્ન બગાડ પૂરતી સીમિત નથી, પ્રસંગોમાં પીરસાતા ભોજનમાં કેલરી પણ જરૂરતથી ઘણી વધારે છે. દેશમાં એક તરફ કુપોષણ હોય ત્યાં આ એક જાતની બરબાદી છે. ભૂખ્યા જન નજર તાકીને જોતાં રહે છે અને અન્નનો બગાડ થતો રહે છે. લાખો ટન અનાજ ખુલ્લામાં સડે છે, ગોદામોમાં મોટા ઊંદરો તેને સ્વાહા કરે છે.
આનો ઉપાય શું? ઉત્પાદન વધારવું તો પડશે જ. સાથે તેની સાથેની અન્ય બાબતો પર પણ સમાન રૂપે નજર રાખવી પડશે.

અન્ન સુરક્ષા ત્યારે જ સંભવ છે, જ્યારે તમામ લોકોને દરેક સમયે, પૂરતું, સુરક્ષિત અને પોષણક્ષમ ખોરાક મળે. જે ભૂખ્યાની ભૂખ ભાંગે જ નહિઁ, તેમને કુપોષણથી પણ બચાવે. આ કુપોશનનો સંબંધ સીધો ગરીબી, અભણ રહેવા અને બેકારી સાથે છે. આમ આવા અનેક ક્ષેત્રોના પડકાર ખાદ્ય-અન્નના છે. આજના ‘વિશ્વ ખાદ્ય દિન’ નિમિત્તે આ અંગે આપણે લાગણીશીલ બનીએ તેટલું પૂરતું નથી, સ્વ જાગૃતિ આવશ્યક છે!