I Hate You - Can never tell - 60 books and stories free download online pdf in Gujarati

આઇ હેટ યુ - કહિ નહીં સકુ - પ્રકરણ-60

આઇ હેટ યુ
પ્રકરણ-60
નંદીની એકી શ્વાસે વરુણને બધુ બોલી ગઇ એ એનાં એક્ટીવા પર રીતસર બેસી પડી. એને થયું મારામાં આટલી કેવી રીતે હિંમત આવી ગઇ ? વરુણને સચોટ કહેવા માટે મને બધુ સ્ફુરી ગયું સારું થયું મેં એલોકોનાં ફોટા વીડીયો ચેટ બધું ફોનમાં ફોલ્ડર બનાવીને રાખી મૂકેલું અત્યારે કામ આવી ગયું.... હવે એ હિંમત નહીં કરે અને ત્યાંજ એનાં મોબાઇલમાં ફરી રીંગ આવી એણે આર્શ્ચયથી ફોન લીધો કપાળે વળેલો પરસેવો લૂછ્યો. સ્કીનમાં જોયું તો માસાનો ફોન હતો એણે તરતજ ઉપાડ્યો.
માસાએ કહ્યું દીકરા તું ઓફીસમાંજ હોઇશ પણ તારું કામ પડ્યું છે એટલે ફોન કર્યો છે. નંદીનીએ કહ્યું માસા બોલોને હું ઓફીસમાં અડધી રજા મૂકીને ઘરેજ આવું છું. માસાએ કહ્યું ઓહ સારું થયું કંઇ નહીં તું ઘરે આવીજા પછી વાત કરીએ એમ કહી ફોન કાપ્યો.
નંદીનીને આર્શ્ચય થયું માસાને અચાનક શું કામ પડ્યું હશે ? માસીની તબીયત તો સારી હશે ને ? કંઇ થયું હશે ? હું હજી પૂછું પહેલાંજ ફોન કાપી નાંખ્યો કંઇ નહીં રજા લીધેલી કામ આવી જશે એમ વિચારી એક્ટીવા સ્ટાર્ટ કરી ઘરે જવા નીકળી ગઇ.
નંદીની ટ્રાફીક પસાર કરતી ઘરેજ પહોંચી અને એણે જોયું કે માસી માસા બંન્ને હીંચકા પર બેઠાં છે અને કોઇ માંદું કે બિમાર નથી એને મનમાં હાંશ થઇ એણે કમ્પાઉન્ડમાં એક્ટીવા પાર્ક કર્યું અને એ લોકો પાસે આવીને બેઠી.
માસીએ કહ્યું બહુ જલ્દી આવી ગઇ દીકરા. અને તેં કેમ અડધી રજા લીધી ? કંઇ નહીં જા પહેલાં પાણી પી લે પછી વાત કરીએ છીએ. નંદીનીને પણ સાચેજ તરસ લાગી હતી એણે એનું પર્સ અને ટીફીન-પાણીની બોટલ બધુ મૂક્યું કીચનમાં જઇને પાણી પીને આવી.
નંદીનીનાં ચહેરાં પર હજી વિસ્મયનાં ભાવ હતાં. એણે કહ્યું કંઇ નહીં માસી આજે થોડો મૂડ નહોતો એટલે રજા લીધી પણ માસા તમે ફોન કરેલો શું કામ હતું ? ત્યારે હું ઓફીસથી નીકળી ઘરેજ આવતી હતી.
માસાએ કહ્યું દીકરા એકવાત પૂછવી હતી મારાં ઉપર વિરાટનો મેસેજ હતો અને એમાં એણે પ્રશ્ન પૂછ્યાં છે સાચું કહું તો મેસેજ વાંચ્યા પછી મારી ઘરપત ના રહી સોરી તને... નંદીનીએ કહ્યું ઓહ કેમ શું પ્રશ્ન પૂછ્યાં ?
રજા ના લીધી હોત તો સાંજે તમે મને કહી શક્યા હોત તો એવું શું છે કે તમે તરતજ ફોન કર્યો ?
માસાએ માસી સામે જોયું પછી મોબાઇલ હાથમાં લઇને એમણે વિરાટને મેસેજ કાઢ્યો વાંચવા લાગ્યા. પાપા તમે અને મોમ મજામાં હશો. અહીં હવે ફાવી ગયું છે આપણે વાત થઇ ત્યારે મેં બધુ કીધેલું. પણ મારાં મનમાં એક વાત ટકતી નથી તમને કહ્યાં વિના એટલે મેસેજ થી કહી દઊં છું વાત કરવાનો સમય કે માહોલ નથી હું કોલેજમાં છું ખાસ વાત એ છે કે... નંદીની બહુજ ધ્યાનથી સાંભળી રહી હતી એનાં ચહેરાં ઉપર ઉત્સુક્તાનાં ભાવ હતાં એ આગળ સાંભળવા માંગતી હતી એને વિચાર આવ્યો વિરાટે રાજ અંગે લખ્યું હશે ?
માસાએ નંદીનીની સામે જોઇ પૂછ્યું સાંભળે છેને શા વિચારમાં પડી ગઇ બેટા ? નંદીનીએ કહ્યું માસા એજ સાંભળું છું આગળ કહોને એણે વિચારો અટકાવ્યા.
માસાએ કહ્યું એ લખે છે કે નંદીની દીદીનાં લગ્ન ક્યા સંજોગોમાં થયા ? એમણે લગ્ન કેમ કરવા પડ્યાં ? એમણે એમનાં લગ્ન કેમ તોડી નાંખ્યા ? તમે કંઇ જાણો છો ? બની શકે તો તમે એમને પૂછી લેજો મારે ખાસ કામ છે. હું તમને ફરી હવે લખીશ નહીં તમે મને જણાવશો ત્યારે ફોન કરીશ. બસ બેટા આટલું લખ્યું છે.
માસાએ આગળ કીધું નંદીની અમને પ્રશ્ન થયો છે કે વિરાટને આ બધું જાણવા અત્યારે કેમ જરૂર પડી ? તારે એની સાથે કંઇ વાત થઇ હતી ? હવે તારાં લગ્ન અને પછી છૂટા પડ્યાનાં પ્રશ્નો હતા અને એનાંથી વધારે વિરાટને શું જરૂર પડી એ ના સમજાયું એટલે ઘરપત ના રહી અને તેને ફોન કરી બેઠો.
નંદીનીએ બધુ સાંભળી લીધુ અને મનમાં વિચાર્યુ વિરાટે માસાને કેમ પૂછ્યું ? મને કેમ નહીં ? પછી યાદ આવ્યું કે વિરાટે વાત થયાં પછી મને ફોન કરેલો મેં ઊપાડ્યો નહીં એટલે કદાચ...
નંદીની ખુરશી પર વ્યવસ્થિત બેસી ગઇ એના ચહેરો ગંભીર થઇ ગયો. પછી થોડો ઉદાસ થઇ ગયો.
માસીએ કહ્યું દીકરા અમેય હજી તને બધુ નથી પૂછ્યું તું પાછી ઉદાસ થાય અને ગઇ ગૂજરી ભૂલી જવામાં હું માનું છું તેં જે કંઇ કર્યું હોય એ વિચારીનેજ કર્યું હોય હું હવે તને બરાબર ઓળખું છું અને તારે દુઃખી કે ઉદાસ થવાની જરૂર નથી. વિરાટને કેમ પ્રશ્ન થયો છે એજ વિચારે તને પૂછી રહ્યાં છીએ. તને યોગ્ય લાગે તો જ કહેજે. અમે વિરાટને અમારી રીતે જવાબ આપી દઇશું. તું સાવ નિશ્ચિંત રહેજે. હાં એક વાત અમે તારાં સાથમાંજ છીએ.
નંદીનીનાં ચહેરાં પર થોડી શાંતિ પથરાઇ છતાં ઉદાસી ના ગઇ એને થયું હું અમદાવાદથી આવી ત્યારથી માસી માસાએ મને એક પ્રશ્ન નથી કર્યો. મારે હવે એમને સાચી વાત જણાવવીજ જોઇએ એમ વિચારીને એ બોલી માસી.. માસા પાપાની તબીયત ખૂબજ કથળી ગઇ હતી ડોક્ટરે પણ આશા છોડી દીધી હતી અમે ખૂબ વિવશ હતાં અને... એ પહેલાંની વાત તમને જણાવું હું જે કોલેજમાં ભણતી હતી ત્યાં રાજ કરીને છોકરો મારી સાથે હતો.... એ થોડીવાર અટકી.. પછી બોલી અમે એકબીજાનાં પરીચયમાં આવ્યા વધુ નીક્ટ આવ્યાં એકબીજાને પસંદ કરતાં હતાં અને મંમી પપ્પા પણ જાણતાં હતાં એ ઘરે પણ આવેલો... અલબત્ત. પાપાની બિમારીમાં એણે એનાં પપ્પાનાં ફેન્ડ ડૉ.જયસ્વાલ પાસે પપ્પાની ટ્રીટમેન્ટ ચાલુ કરાવી હતી. એણે ખૂબ મદદ કરી હતી એ રાજનાં પાપા મંમી પણ બધુ જાણતાં હતાં અને એ લોકો પણ રાજી હતાં. પણ...
માસીએ કહ્યું બંન્નેનાં ઘરનાં રાજી હતાં પછી પ્રશ્ન શું થયેલો ? કેમ તારે બીજે.... નંદીનીએ કહ્યું હું હવે એજ કહું છું રાજ ભણવામાં ખૂબ હોંશિયાર હતો. એનાં પાપા અમદાવાદનાં હાઇકોર્ટમાં ખૂબ મોટાં જાણીતા એડવોક્ટ છે. એમની ઇચ્છા હતી કે રાજ આગળ ભણવા માટે US જાય.
માસાએ વચમાં પૂછી લીધું કે એડવોકેટ છે ? શું નામ ? હું કદાચ જાણતો હોઉ. મારે ઘણીવાર હાઇકોર્ટનાં કેસ આવતાં હતાં. નામ તો કહે....
નંદીનીએ કહ્યું એડવોક્ટ પ્રદ્યુમન જોષી અને મંમી નયના જોષી માસા વિચારમાં પડી ગયાં પછી બોલ્યાં મેં હમણાંથી મારી પ્રેક્ટીસ ઓછી કરી છે પણ મેં પ્રદ્યુમન જોષીનુ નામ સાંભળ્યું છે હમણાંજ કોઇ પોલીટીશીયનનો કેસ જીત્યાં છે અને એમને એક કેસમાં નિર્દોષ સાબિત કર્યા છે એ ઘણો મોટો વકીલ છે અને અમદાવાદમાં એમનું મોટું નામ છે એ હું જાણું છું.
નંદીનીએ કહ્યું હા એજ. મને એમનાં કોઇ કેસ અંગે માહિતી નથી પણ રાજ જેટલું કહેતો એ સાંભળતી અને એની પાસેથી એટલું જરૂર જાણતી હતી કે મોટાં વકીલ છે.
એ લોકો આપણાં ઘરે મંમી પપ્પાને મળવા પણ આવેલાં અને કહેલું કે રાજ ભણીને પાછો આવે પછી લગ્ન કરાવી આપશે. આપણે બ્રાહ્મણ એ લોકો પણ બ્રાહ્મણ છે એટલે ન્યાતજાતનો કોઇ પ્રશ્ન નહોતો પણ એ લોકો ખૂબ મોટાં માણસો આપણે સાવ સામાન્ય કુટુંબનાં હતાં. પણ રાજ મને ખૂબ પસંદ કરતો હતો એટલે એમણે સ્વીકારવું પડેલું એવું મને કાયમ લાગતું.
માસીને ખૂબ રસ પડી રહેલો એ ધ્યાનથી રસપૂર્વક સાંભળી રહેલાં એમનાંથી ના રહેવાયુ એમણે પૂછી લીધુ તો પછી વાંધો શું પડ્યો ?
નંદીનીએ કહ્યું માસી આજે હૈયુ ખોલીને બેઠી છું. બધુજ જે સાચું હશે હું કહીશ જ. માસાએ પૂછ્યું હાં દીકરા પછી શું થયું ? રાજ US ગયો ? નંદીનીએ કહ્યું રાજની ઇચ્છા ઓછી હતી US જવાની પણ પાપાનો ખાસ આગ્રહ હતો કે માસ્ટર્સ US જ કરવાનું અને સમાજમાં નામ-સન્માન સારુ મળે. પછી રાજ સાથે ખરીદી કરવા ગઇ બધી તૈયારીઓ થઇ ગઇ હતી. એકબાજુ પાપાની રોજ તબીયત વધુ બગડતી જતી હતી. રાજ ઇન્ડીયા હતો ત્યાં સુધી રોજ ઘરે આવી ખબર કાઢતો અને જરૂરી દવાઓ એજ લાવી આપતો હું ઘણુ ના કહેતી પણ એ એવું કહેતો તારાં મંમી પપ્પા મારાં નથી ? તને એકલીને નહીં કરવા દઊં.
રાજ US જતાં પહેલાં મુંબઇ કોર્ષ કરવા ગયો જે અચાનકજ ગોઠવાયું હતું પછી એ મુંબઇ...
વધુ આવતા અંકે ---- પ્રકરણ-61