DREAM GIRL - 35 books and stories free download online pdf in Gujarati

ડ્રીમ ગર્લ - 35

ડ્રીમ ગર્લ 35


જિગર ઘરે આવ્યો ત્યારે નવ વાગવા આવ્યા હતા. જિગરને એ સમજાતું ન હતું કે નિલુને સમજાવવી કેવી રીતે ? એક પ્રેમિકાને આવી વાત કરવી યોગ્ય હતી ? જિગર નિર્ણય લઈ શકવા સક્ષમ ન હતો. આખરે એણે મન મક્કમ કર્યું. નિલુને એ કોઈ આંચ આવવા દેવા માંગતો ન હતો.
જિગરના ફોનમાં રીંગ વાગી. પ્રિયાનો ફોન હતો. ઓહ, આ બધા ચક્કરમાં એ પ્રિયાને ફોન કરવાનું તો ભૂલી જ ગયો હતો. ઓહ, શીટ.... જિગરે ફોન રિસીવ કર્યો.
" હેલો... "
" જિગર, તું ગઈ કાલે આવવાનો હતો. કેમ આવ્યો નહિ ? કોઈ પ્રોબ્લેમ તો નથી ને ? "
" નો પ્રિયા, આઈ એમ ઓ.કે.., બટ મને આવતાં હજુ બે ત્રણ દિવસ થશે. "
" કેમ ? અહીં ફાવતું ન હતું ? "
" ના એવું નથી. પણ એક અગત્યનું કામ છે. પતાવીને આવું છું. "
" ઓ.કે.. એન્ડ ટેઈક કેર ... "
પ્રિયા સાથે આટલી વાત કરતાં જિગરને પરસેવો છૂટી ગયો. થોડીવાર એ ચુપચાપ બેસી રહ્યો. મનમાં વિચારોના ઘોડા આમથી તેમ અથડાતા હતા. જિગરે એક કપ ચ્હા અને સેન્ડવીચ બનાવી અને સોફા પર બેઠો. ચ્હાનો એક ઘૂંટડો ભરી એણે નિલુને ફોન લગાવ્યો.
" હેલો, ક્યાં છે તું ? "
" હું કોલેજની કેન્ટિનમાં તારી રાહ જોઉં છું. "
" ઓ.કે... મારી વાત ધ્યાન થી સાંભળ. "
" કાયમ ધ્યાનથી જ સાંભળું છું. "
" નિલુ, મઝાક નહિ. સિરિયસ મેટર છે. "
" ઓ.કે.. બોલ. "
" ગઈ કાલે જે વ્યક્તિ મારા ઘરે આવ્યો હતો એ એ.સી.પી. હેમંત હતો. એ મને એ વાત કહેવા આવ્યો હતો કે અભિજિતના દુશ્મનો મારા પર વોચ રાખી રહ્યા છે. તું અને હું સાથે બહાર ગયા ત્યારે પણ આપણો પીછો થતો હતો. હવે મારે એ લોકોને ગૂંચવાડામાં નાંખવા છે. "
" તો ? "
" આજે હું અમી સાથે આખો દિવસ ફરવા માંગુ છું. "
" એનાથી શું થશે ? "
" એનાથી એ લોકો કન્ફ્યુઝનમાં મુકાશે. "
" શેના કન્ફ્યુઝનમાં ? "
" એ જ કે મારી પ્રેમિકા કોણ છે. "
" પણ આવું કરવાની જરૂર શું છે ? "
" નિલુ, પ્લિઝ. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. હું તને જોખમમાં મુકવા નથી માંગતો. "
" અને એ લોકો એ અમીને કંઈક કર્યું તો ? "
" હું એમને એટલા કન્ફ્યુઝ કરીશ કે એ તમને કોઈને કશું નહીં કરે. "
નિલુ એક મિનિટ ચૂપ રહી... પછી બોલી. એનો અવાજ ધ્રૂજતો હતો.
" પણ તને કંઈ થયું તો ? ના, હું ઘરે આવું છું. પછી વાત. "
" નિલુ લિસન મી.. ટ્રાય ટુ અન્ડરસ્ટેન્ડ. તું ના આવીશ. "
" નો જિગર. તને કંઈ થયું તો ? અમારું શું ? બહુ સ્વાર્થી ના બનીશ. હું ઘરે આવું છું. "
નિલુએ ફોન કાપી નાખ્યો અને ફટાફટ કેન્ટિનની બહાર નીકળી. જિગર કોલ પર કોલ કરતો હતો. પણ નિલુ કોઈ કોલ રિસીવ કરતી ન હતી. નિલુને એક પળ વિચાર આવ્યો, પોતે એકલી કદાચ આ વાત હેન્ડલ ના કરી શકે તો ? અથવા જિગરની વાત સાચી હોય તો ? તો કોની મદદ લઉં ? નિલુને એકમાત્ર અમી યાદ આવી. અમી મનથી બહુ મજબૂત છે, એ જરૂર કોઈ રસ્તો કાઢી શકશે. અને કદાચ નિશિધની જરૂર પડે તો અમી એને પણ બોલાવી શકશે. યસ... નિલુએ અમીને ફોન કર્યો અને કોલેજના દરવાજે રિક્ષા ઉભી રખાવી રિક્ષામાં બેઠી.
" હેલો. "
" અમી, તારું અગત્યનું કામ છે. હું રિક્ષામાં આવું છું તું તૈયાર રહેજે. "
" ના બાબા, મારે એક્ઝામની તૈયારી કરવાની છે. હમણાં કોઈ સમય નથી. "
" અરે અહિયાં મારો જીવ જાય છે અને તારે એક્ઝામની પડી છે. "
" નિલુ સોરી, ફોન પર વાત કરી લે. મારાથી નહિ અવાય. "
" અમી પ્લિઝ. સમજ.. જિગરે પેલા અભિજિતને બચાવ્યો. એ ચક્કરમાં અભિજિતના દુશ્મનો જિગરનો પીછો કરે છે. જો અમી જિગરને કંઈ થયું તો હું જીવી નહિ શકું. "
સામે છેડે એક પળ ખામોશી છવાઈ ગઈ.
" તું નીચે આવી કોલ કર, હું તૈયાર છું. "
" થેન્ક્સ. "
નિલા એ કોલ કાપ્યો. અમી વિચારી રહી હતી.
" નિલુ, તને ક્યાં ખબર છે કે જિગરને કંઈ થયું તો હું પણ જીવી નહિ શકું. "

** ** ** ** ** ** ** ** ** **
જિગરે બારીની તિરાડમાંથી બહાર જોયું. સામે પેલા બન્ને જણ સહજતાથી પોતાના ધંધામાં લાગી ગયા હતા. જિગરને નિલુ પર ગુસ્સો આવતો હતો. એ બેવકૂફ આટલી વાત કેમ સમજતી નથી. હું ઘરે આવું છું... શું સમજે છે એ બેવકૂફ. એને ના ગમતું હોય તો પોતે અમી સાથે ક્યાંય નહીં જાય, પણ એને અહીં આવવાની શું જરૂર હતી.
જિગરે લેપટોપ ચાલુ કર્યું અને વિશિતાની ગાડીના ફોટા લેપટોપમાં લઇ, એમાં શક્ય ફેરફારો કરી, નવા મોડેલના ફોટા બનાવવામાં પરોવાયો. લગભગ 35 મિનિટ પછી ડોર બેલ વાગી. જિગરે દરવાજો ખોલ્યો. નિલુ અને અમી હતા. બન્નેની આંખોમાં જિગરને ચિંતાના ભાવ દેખાતા હતા. જિગરે રોડની સામેની બાજુ નજર કરી. મોચી મોબાઈલમાં કોઈને નમ્બર લગાવી રહ્યો હતો.

** ** ** ** ** ** ** ** ** ** **

" જિગર આપણે પોલીસમાં કમ્પ્લેન નોંધાવી દઈએ. "
" નિલુ, એવી કોઈ મેટર નથી. તું ખોટી ચિંતા કરે છે. હેમંત સર આપણી સાથે જ છે. એક કોલ જ કરવાનો છે. "
" તો એ આ લોકોને એરેસ્ટ કેમ નથી કરતા ? "
" નિલુ, એના માટે સબુત જોઈએ. "
" પણ આ લોકો તારો પીછો કેમ કરે છે ? "
" એ લોકોને કદાચ એવો ડાઉટ છે કે અભિજીતે મને કોઈ વસ્તુ આપી છે. "
" જિગર, અભિજીતે તને કંઈ આપ્યું છે ? "
" ના. "
નિલુ ઉભી થઇ અને જિગરનો હાથ પકડી પોતાના માથે મુક્યો.
" મારી સોગંધ ખા. "
જિગરને યુધિષ્ઠિર યાદ આવ્યો. અશ્વસ્થામા મરાયો. નરો વા કુંજરો વા. અભિજીતે ક્યાં એને કોઈ વસ્તુ આપી હતી. વસ્તુ તો એણે શોધી હતી.
" નિલુ, તારા સમ. અભિજીતે મને કોઈ વસ્તુ નથી આપી. "
સત્ય, સત્ય હોય છે. સત્યના પાલવમાં વીંટાળવાથી અસત્ય સત્ય નથી બનતું. કુદરતના ચોપડે આ અસત્ય જ હતું. અને જિગરને ખબર ન હતી કે આ અસત્યની એણે બહુ મોટી કિંમત ચૂકવવી પડશે.....

(ક્રમશ:)

09 માર્ચ 2021