TALASH - 27 books and stories free download online pdf in Gujarati

તલાશ - 27

સવા અગિયાર વાગ્યે એલાર્મ ના અવાજથી જીતુભા ઉઠ્યો હતો. અને ફ્રેશ થવા બાથરૂમમાં ગયો એ જ વખતે એના ફોનમાં ઘંટડી વાગી. અનોપચંદ એને ફોન કરતો હતો. તો એ જ વખતે હની પોતાની હોટલના રૂમમાં કંઈક વિચારમાં આટા મારતો હતો. સાડા બાર વાગ્યે એને હોટલ મુન વોક માં કોઈ અમીચંદને મળવાનું હતું, જેનો ફોટો મનસુખ જીરાવાળો એને ગઈકાલે આપવાનો હતો સાંજ સુધી એના તરફથી કોઈ મેસેજ ન મળતા હનીએ રાત્રે પોતાના માણસને મોકલ્યો હતો એની હોટેલ પર તપાસ કરવા તો જાણવા મળ્યું કે એ તો બપોરે જ હાર્ટએટેકથી મરી ગયો છે અને પોલીસ એની લાશ તથા સમાન લઈ ગયા છે. "નક્કી એ પેલા ઉંટ (પૃથ્વીનું) જ કામ હશે મનસુખને મારવાનું, પણ કઈ રીતે કઈ સમજાતું નથી. ખેર બીજા ફોટાનો તો બન્દોબસ્ત થઈ ગયો છે પણ ચોકન્ના રહેવું પડશે. ત્યાં થોડા માણસોને રેસ્ટોરાંમાં ગોઠવવા પડશે. એ અમીચંદનો કેટલો વિશ્વાસ કરવો એ પણ મળી ને જ નક્કી કરીશ. વિચારતા વિચરતા હની તૈયાર થતો હતો. કોઈ મારવાડી વેપારી જેમ માથે પાઘડી, નહેરુ જેકેટ અને ધોતિયું એણે પહેર્યા હતા. પોતાની ગન ચેક કરીને જેકેટના ખીસામાં મૂકી અને એ બહાર નીકળ્યો. એ જ વખતે સુરેન્દ્રસિંહની ફ્લાઇટ મુંબઈ એરપોર્ટ પર લેન્ડ થઈ રહી હતી.

xxx

"હેલો શેઠજી" જીતુભાએ બાથરૂમમાંથી બહાર આવી ફોન લગાવ્યો.

"સાંભળ જીતુ, આમ તો મારી પાસે તારા જેવા 100થી વધુ માણસો છે. પણ અત્યારે મુંબઈમાં કોઈ અવેલેબલ નથી, અને જે અવેલેબલ છે એ તારા જેવા કેપેબલ નથી. તો તને વાંધો ન હોય તો તું હોટલ મુન વોક પર જઈશ?"

"અમીચંદ તૈયાર થયો?" જીતુભાએ પૂછ્યું.

"હા આપણા પઠ્ઠાઓની 2-3 ઝાપટ માંજ માની ગયો."

"શેઠજી એ તમારો વહેમ છે. એ બહુ ઢીંટ માણસ છે. એ માની ગયો હોવાનો દેખાવ કરે છે, એને તોડવા માટે ઓછામાં ઓછા 7-8 કલાક જોઈએ. ઉપરાંત એને માનસિક રીતે તોડવો પડે. એ અત્યારે તમારી સામે તમે કહેશો એ હા એ હા કરશે જેવો એને બહાર કાઢસો કે પેલા લોકો સાથે ભળી જશે.

"તો બિન્દાસ્ત એને ગોળી મારી દે જે એને. અને તારા રસ્તામાં આવે એ બધાને. જરાય ગભરાતો નહીં. મેં છૂટ આપી છે. 24 કલાક પણ હવાલાતમાં નહીં રહેવા દઉં મારી ગેરંટી."

"એ તો બધું ઠીક છે. પણ આ બધું."

"મને ખબર છે તારા મગજમાં અનેક સવાલો છે. આવડી મોટી કંપનીનો માલિક અને આવું ગેંગસ્ટર જેવું વર્તન. પણ આજનો દિવસ વીતી જવા દે. કાલે સવારમાં ઓફિસ આવજે તને બધું કહીશ. ગન ચેક કરીને રાખજે એક્સ્ટ્રા મેગેઝીન ભેગું રાખજે. કોઈ પોલીસવાળા રોકે તો ક્રાઈમ બ્રાન્ચનું કાર્ડ તારી પાસે છે. કોઈ ઓફિસર સાથે વાત કરવાનું કોઈ કહે તો બિન્દાસ્ત મોહનલાલને ફોન જોડીને આપી દેજે. ગમે તેવો મોટો ઓફિસર તને 5 મિનિટ થી વધુ નહીં રોકે. હોટેલ પર પહોંચી પછી તારું અનોપચંદ એન્ડ કુ નું સિક્યોરિટી ઇન્ચાર્જ વાળું કાર્ડ વાપરજે એટલે હથિયાર સાથે ત્યાં અંદર જવા મળશે. મેં ત્યાં અનોપચંદ એન્ડ કૂ ની એક પાર્ટી માટે 6 ટેબલ બુક કર્યા છે આપણા લગભગ 15-18 માણસો ત્યાં હશે. અમીચંદના શરીરમાં માઈકની વ્યવસ્થા પણ કરી છે એ લોકોએ 8 નંબરનું ટેબલ બુક કર્યું છે તું 13 નંબરના ટેબલ પર બેસજે એટલે એને મળવા આવનાર તને દેખાય. તારા પાઉચમાં એક ચશ્માં છે. એ પહેરી રાખજે. જેટલી વાર એની દાંડીને અડીશ એટલી વાર એમાં ફોટો ક્લિક થશે. બાકી તું સમજદાર છે." જીતુભા આશ્ચર્યથી અનોપચંદને સાંભળતો રહ્યો.એને મનમાં વિચાર્યું. 'બાપરે કેટલી પહોંચ છે એની બિન્દાસ્ત 2-4 જણાને મારી નાખવાનું કહે છે. એને ગઈકાલે અનોપચંદે કહેલા શબ્દો યાદ આવ્યા 'રોજના 25-30 માણસો મારા ઈશારે દુનિયા છોડે છે તારા ઘરના 3 અને 5-7 સગાવ્હાલા દોસ્તો એમ 10-12 જણાને મારી નખાવીને મને કોઈ પસ્તાવો નહીં થાય.' બાપરે કેટલો ખતરનાક છે આ ઉદ્યોગપતિ.

xxx

12-20 વાગ્યે જીતુભા હોટલ મુન વોક પર પહોંચ્યો હતો. મુંબઈમાં હાઇએલર્ટ હતું પણ કોઈએ એને કે એની કાર ચેક કર્યા ન હતા. હોટેલ બહાર એક નાનકડું બેનર લગાવેલ હતું 'અનોપચંદ એન્ડ કુ.' એક્ઝિક્યુટિવ મેનેજર લંચ મિટિંગ. "વાહ શું મગજ ચલાવ્યું છે" જીતુભા મનોમન બોલ્યો. પછી એક નજર રેસ્ટોરાંમાં નાખી. લગભગ 2000 ફિટ માં ફેલાયેલ એ હોટલની જગ્યાને અંદરથી ગોળાકાર ડોમ જેવો આકાર આપવામાં આવ્યો હતો. અને એ ગોળાકાર ડોમમાં એકદમ વચ્ચે છત પર પૃથ્વીના આકારનો એક 2 ફૂટ નો ગોળો લગાવવામાં આવ્યો હતો એમાં એક દુધિયા પ્રકાશ રેલાવતો બલ્બ હતો. આ સિવાય ગોળાકાર ડોમમાં વચ્ચે ક્યાંક ક્યાંક નાનકડા તારાઓના આકારના 1-2 વોલ્ટ ના બલ્બ ઉપરની બાજુએ, તો થોડા બલ્બ દીવાલોમાં 6-7 ફૂટથી ઉપરમાં લગાવ્યા હતા એકંદરે એવો માહોલ હતો કે ચંદ્ર પર કોઈ પાર્ટી ચાલી રહી હોય. રોશની એટલી બધી ન હતી કે ચકાચોંધ થઈ જવાય અને સાવ 8-10 ફૂટ સુધી દૂરનું પણ ન દેખાય એટલી ઓછી પણ ન હતી.લગભગ 20 ટેબલ હતા. જેમાંથી 6 અનોપચંદ એન્ડ કુ એ બુક કર્યા હતા. 8 નંબરના ટેબલ પર અમીચંદ બેઠો હતો.એનો ચહેરો સહેજ નંખાયેલો હતો. એની બરાબર સામે 13 નંબરનું ટેબલ હતું. જે અત્યારે ખાલી હતું. અમીચંદને મળવા આવનાર હજી આવ્યો નહતો. તો અનોપચંદના બુક કરેલા બાકીના ટેબલ પર 3-4 જણા એમ કુલ 5 ટેબલ પર 16-18 જણા હતા જેમાંથી એકેયને જીતુભા ઓળખતો નહોતો. જીતુભાએ એક વેઇટર ને બોલાવીને વોશરૂમ વિશે પૂછ્યું. એ વોશરૂમથી બહાર આવીને 13 નંબરના ટેબલ પાસે ઉભો રહ્યો. અચાનક તાળીઓના ગડગડાટ વચ્ચે અનોપચંદના બુક કરેલ ટેબલ પરથી એક માણસ ઉભો થયો અને જીતુભા પાસે આવ્યો અને એના હાથમાં એક બુકે આપ્યો. અને બોલ્યો "વેલકમ જીતુભા અનોપચંદ એન્ડ કુમા તમારું સ્વાગત છે." ફરીથી તાળીઓ વાગી એણે જીતુભાને કહ્યું "મારું નામ મુકુંદ છે હું અનોપચંદ એન્ડ કુના એચ.આર. ડિપાર્ટમેન્ટમાં મેનેજર છું." જવાબમાં જીતુભાએ "થેન્ક યુ" કહ્યું. અને કહ્યું "ચાલો આપણે સાથે મળીને આ પ્રસંગ ને ઉજવીએ." દરમિયાનમાં 8 નંબરના ટેબલ પર એક મારવાડી સજ્જન આવીને ઉભા રહ્યા. જીતુભાએ ખિસ્સામાંથી ચશ્મા કાઢો અને આંખો પર લગાવ્યા. બધાને ઉદ્દેશીને કહ્યું. "ચાલો લંચ પછી કોન્ફરન્સ રૂમમાં મળીએ" આ એક ઈશારો હતો બધાને એલર્ટ થવાનો. હનીએ જોયું કોઈ કોર્પોરેટ કંપનીની સ્ટાફની લંચ + મિટિંગ લાગે છે. એને હાશ થઈ. એટલીસ્ટ અડધા ટેબલથી તો કોઈ ખતરો નથી. એ 8 નંબરના ટેબલ પર ગોઠવાયો. એનું મોઢું બરાબર જીતુભાની સામે આવતું હતું. અમીચંદ હનીની સામે બેઠો હતો. "મારુ કોઈ કુરિયર તમને ભુલથી આવી ગયું હતું એ લાવ્યા છો." હનીએ અમીચંદને પૂછ્યું.

"હાજી આ રહ્યું એ કુરિયર" કહીને ઓરિજિનલ ડોક્યુમેન્ટ હનીને આપ્યા. (ઝેરોક્સ અનોપચંદે કઢાવી લીધી હતી)

"આ તમારા ચહેરા પર શું થયું છે?" હનીએ એના સૂઝેલા ગાલ જોઈને પૂછ્યું. જેના પર ગઈ રાત્રે જીતુભાના હાથનો લોંખડી ફટકો પડ્યો હતો.

"હું ગઈ કાલે બહારગામ હતો અને વધુ પીવાઈ ગયું હતો એમાં બાથરૂમમાં પડી ગયો." કૈક મોઢું બગાડી અમિચંદે કહ્યું. દરમિયાનમાં હની એ ડોક્યુમેન્ટ તપાસવામાં પડ્યો. વચ્ચે વચ્ચે એ ચારે બાજુ બધા ટેબલ પર નજર નાખતો હતો. બધા ભોજન કરવામાં વ્યસ્ત હતા.દસ બાર મિનિટ આમ જ પસાર થઇ.

"સાહેબ, સાહેબ મારી પાછળ." અચાનક અમીચંદનો ફુસફુસાહટભર્યો અવાજ જીતુભાનાં કાનમાં પડ્યો.એને આપેલ બુકેમાં અમીચંદના માઇક્રોફોન કનેક્શન હતું. જીતુભાએ એલર્ટ થઇ અને ગન કાઢીને પોતાના હાથમાં લીધી. અને એનાઉન્સ કર્યું. "ચાલો લંચ પૂરું થયું હોય તો કોન્ફરન્સ હોલમાં" એ સાથે જ અનોપચંદના માણસો એલર્ટ થઈ ગયા.પણ એ 8-10 સેકન્ડમાં હની ચોંક્યો હતો. એણે આજુ બાજુના ટેબલ પર જોયું.જે જનરલ ટેબલ હતા.પણ એમાં અમુક ટેબલ પર હનીના માણસો જ હતા. અચાનક હનીએ ગન કાઢી અને અમીચંદને બરાબર છાતીમાં ગોળી મારી દીધી અને બોલ્યો. "સા . કૂતરા મારી જાસૂસી કરવી હતી તારે." કહીને ગન જીતુભા તરફ તાકી પણ ટાઈમિંગમાં ગરબડ થઈ ગઈ, અને એ નિશાન ચુક્યો કેમકે જીતુભા ઝૂકી ગયો, અને સહેજ આડો થઈને ફાયર કરી દીધો ચારેક વર્ષ પછી એણે કોઈ માણસ પર ગોળી ચલાવી હતી. એનો હાથ સહેજ ધ્રુજ્યો એટલે નિશાન ચૂકાઈ ગયું.અને ગોળી હનીના કપાળમાં વાગવાને બદલે પોણો ઇંચ ઉપર પાઘડીમાં વાગી.પાઘડી ઊડીને દૂર ફેંકાઈ ગઈ. હનીના માણસો એ સ્મોક બોમ્બ ફેંક્યા હતા અને અચાનક રેસ્ટોરાં ધુમાડાથી ભરાઈ ઉઠી. અને સામ સામે ગોળીબાર ચાલુ થયા. અનોપચંદના માણસોએ હનીના માણસોને ઓળખી ઓળખીને પકડવાનો પ્રયાસ કર્યો એમાં એ ઘણે અંશે સફળ પણ થયા પણ હનીના નસીબ બળવાન હતા. 24 કલાકથી ઓછા સમયમાં એ બીજી વાર મોત ને હાથતાળી આપવામાં કામિયાબ રહ્યો હતો. એ ડોમના બીજા દરવાજે કે જ્યાંથી કિચનમાં એન્ટ્રી હતી ત્યાંથી ભાગ્યો. ચારેક મિનિટ આ કેઓસ ચાલ્યું પછી ધીરે ધીરે બધાએ ડોમમાંથી બહાર નીકળવાનું શરૂ કર્યું.

xxx

દસ મિનિટ પછી પરિસ્થિતિ થાળે પડી હતી. અનોપચંદની ટીમના 2 લોકો ઘવાયા હતા. પણ એ ઇજા ગંભીર ન હતી. સામા પક્ષે હનીના 3 જણા ગંભીર રીતે ઘયલ થયા હતા જયારે અમીચંદ મરી ગયો હતો.

મુકુંદ જીતુભા પાસે આવ્યો અને કહ્યું "સાહેબ તમારા ચશ્માં મને આપી દો અને એના બદલે આ બીજા ચશ્મા રાખો.તમારી કીટ અપટુડેટ રહેશે..તમે લીધેલા ફોટો રેકોર્ડમાં ચેક કરવાના છે. અને હવે તમે નીકળો. હું બધું સાંભળી લઈશ ગમે તે મિનિટે પોલીસ આવી પહોંચશે." જીતુભાને ત્યાં રોકાવાનું મન હતું. પણ એને સુરેન્દ્ર સિંહ ઉપરાંત મોહિની હેમન્ત સાથે અગત્યની વાત કરવાની હતી અને સોનલના મગજમાં શું ચાલી રહ્યું છે એ પણ સમજવું હતું એટલે એ ત્યાંથી નીકળી ગયો. થોડીવારમાં પોલીસ આવી પહોંચી હતી. અનોપચંદ તરફથી પોલીસના ઉચ્ચ અધિકારીઓને અમીચંદ પાસેથી મળેલ માહિતીના અમુક ટુકડા આપવામાં આવ્યા હતા બદલામાં ત્યાં હાજર 'અનોપચંદ એન્ડ કુ.'ના અધિકારીઓ એ કરેલ ગોળીબાર અને એમની હાજરી મિટાવવા જણાવાયુ હતું.ઓળખીતા ઉચ્ચ ઓફિસરો દ્વારા અપાયેલી સૂચના મુજબ એમણે પંચનામું કરીને હોટેલને 2 દિવસ માટે રિનોવેટ કરવા બંધ કરી દીધી.એના માલિકોને મોઢું બંધ રાખવાનું કહેવામાં આવ્યું. સામાન્ય પબ્લિકમાં 3 મિત્રો કોઈ પાર્ટી કરવા આવેલા એમને "તમારે કોર્ટના ચક્કર માં ન ફસાવું હોય તો બધું ભૂલી જજો" કહીને ભગાડી મુકવામાં આવ્યા.

xxx

ચૂંદડીની વિધિ પુરી થયા પછી બધાએ ભોજન કર્યું. અને હોલમાં જ 7-8 રૂમ હતા એમાં આરામ કરવા લાગ્યા. સરલાબેનના ફૂવાંના 2 + ગિરધારીએ પણ ભોજન કરીને પોતપોતાની ગાડીમાં લંબાવ્યું. સાંજે સંગીતનું આયોજન હતું એટલે ઘરના બધા લેડીઝને બ્યુટી પાર્લર લેવા મુકવાની જવાબદારી ઘરના 2 ડ્રાઈવર પર હતી અચાનક કૈક વસ્તુની અરજન્ટ જરૂર પડી હવે ગિરધારી જ બચ્યો હતો. સરલાબેન ફુવા એ જનક જોશીને કહ્યું "તમે ડ્રાઈવર સાથે જઈને અમુક વસ્તુઓ લઇ આવશો?"

"પણ આપણી તો બન્ને ગાડી બ્યુટી પાર્લર પર છે. હું ટેક્સી કરીને લઈ આવું."

"ટેક્સી શું કામ? સરલાનો ડ્રાઈવર છે એને લઈ જાવને" ફુવા એ કહ્યું.

"શું? સરલાનો ડ્રાઈવર એટલે?"

"એટલે બહાર જે સુમો ઉભો છે એ સરલાએ બુક કર્યો છે. આ પ્રસંગ પૂરો થશે પછી એ છેક જેસલમેર સુધી તમને મૂકી જશે."

"આ સરલા પણ .. આટલા ખર્ચા કરાતા હશે. હમણાં એનો હાથ બહુ છૂટ થઈ ગયો છે. " બબડતા જનક જોશી સુમો પાસે આવ્યા અને કાચ ઠોકીને ગિરધારી જગાડ્યો. ગીરધારીએ તરત ડ્રાઇવરની બાજુનું બારણું ખોલીને કહ્યું. "બોલો સાહેબ ક્યાં જવાનું છે?' જનક જોશી એને ઓળખીને અવાચક થઈ ગયા અને મનમાં વિચાર્યું 'અરે બાપરે આ તો ઓલો છે. જેણે મને નીનાને હગ કરતા જોયો હતો.

xxx

બપોરના 3 વાગવા આવ્યા હતા. જીતુભ રિલેક્સથી પોતાની કાર ડ્રાઈવ કરતા કરતા સિગારેટ ફૂંકી રહ્યો હતો. એણે રસ્તામાં મોહિતને ફોન કરેલો તો મોહિતે કહ્યું ‘અત્યારે ડ્યુટી પર છું. કાલે સાંજે મળીશું.' સાથે જ જીતુભાનો આભાર પણ માન્યો કે એના પરની ઈન્કવાયરી પછી ખેંચાઈ હતી એનો મેસેજ સાંજે જીતુભાએ એને ફોન કર્યો એના અડધા કલાકમાં એને મળી ગયો હતો.

જીતુભાનું ઘર હવે 7-8 મિનિટના આંતરે હતું અચાનક જીતુભાએ જોયું કે મોહિનીની બાઈક એને ઓવરટેક કરીને નીકળી. એના પર મોહિની અને સોનલ હતા. એ બન્ને કૈક વાતોમાં મશગુલ હતા જીતુભાની કાર પર એમનું ધ્યાન ન હતું. જીતુભાએ સિગરેટ ફગાવી દીધી. અને કારની સ્પીડ વધારી એના ઘરથી 2 મિનિટના અંતરે મોહિની સોનલને ઉતારીને નીકળી ગઈ હતી, જીતુભાએ સોનલને રોડ ક્રોસ કરી પોતાના બિલ્ડીંગ બાજુ જતા જોઈ. પણ જીતુભાની કાર એ રોડ ક્રોસ કરે એ પહેલા સિગ્નલ બંધ થઈ ગયું. રોડની સામે પાર સોનલ દેખતી હતી અચાનક સોનલે હાથ ઉંચો કરીને કોઈક કારવાળાને લગભગ જબરદસ્તી ઉભો રાખ્યો અને એની સાથે કૈક વાત કરવા મંડી. જીતુભા આ બધું જોતો હતો. આ પહેલા સોનલે જીવનમાં કદી આવું કર્યું ન હતું. 'કોણ છે એ જેને ઉભો રાખીને સોનલ વાત કરે છે? જાણવું પડશે. કંઈક નવી ઉપાધિ ન આવે તો સારું.’ એટલામાં સિગ્નલ ખુલ્યું જીતુભાની કાર રોડ ક્રોસ કરે એ પહેલા પેલી કાર નીકળી ગઈ હતી. અને સોનલ બિલ્ડિંગમાં ચાલી ગઈ હતી. જીતુભા ઠગાયેલ માણસની જેમ ક્યારેક રોડ પર તો ક્યારેક બિલ્ડીંગ બાજુ જોતો રહ્યો.

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર