Smbandhni Parampara - 12 books and stories free download online pdf in Gujarati

સંબંધની પરંપરા - 12

હવે મામલો શાંત પડી ગયો છે.એવું વિચારી મોહન જાનબાઈની રજા લઈ ત્યાંથી જવા રવાના થાય છે અને ઘરે પહોંચે છે. સીતા મેડમ બધા સાથે ખુશ-ખુશાલ વાતો કરે છે. મોહન ડેલામાં આવી સીધો નળ પાસે જઈ હાથ મોઢું ધુવે છે. દોરી પરથી ટુવાલ લઈ ઓસરીની કોરે બેસી નિરાંતે પાણી પીધું. ત્યાં જ તેના મુખમાંથી 'હાશ્'નો શબ્દ સરી પડ્યો.

બધાનું ધ્યાન મોહન પર જ હતું.એક પશ્નાથૅ દ્રષ્ટિથી બધા તેને જોઈ રહ્યા હતા.એટલામાં તેના ભાભીને દિયરની મશ્કરી કરવાનું સુઝ્યું.

ભાભી : "મોહનભાઈ પ્રેમમાં પાગલપન કરતા પ્રેમીની વાતો તો સાંભળેલી. પણ, તમે આવું કરો એનો ભરોસો ન્હોતો."

મોહન : (મસ્તીમાં) "બસ , ભાભી મારા ભાઈની ચિઠ્ઠીઓ પહોંચાડતો ને તમારી પાસે. એને તમને મળાવવા આવતો એનો આવો જ બદલો?"

ભાભી : (શરમાઈને) અરે મોહનભાઈ, હું એવું ક્યાં કહું છું. આતો મારી દેરાણીને ઘર સુધી લાવ્યા અને અમને એનું મોઢું પણ ન બતાવ્યું એટલે કહું છું.

મોહન : (હસતાં-હસતાં) "ભાભી ,મેં ક્યાં મનાઈ કરી હતી. તમારે જઈને બોલાવી લાવવી હતી ને તમારી દેરાણીને."

બધા લોકો દિયર ભોજાઈની આ મીઠી તકરાર જોઈ આનંદ અનુભવતા બેઠા હતાં. એટલામાં મોહનના બાપુ ધનજીભાઈ આવ્યા. એ પણ પોતાના ગામના પ્રતિષ્ઠિત શિક્ષકને આટલા સમયે પોતાના ઘરે જઈ સુખથી આશ્ચર્ય પામ્યા.

ધનજીભાઈ : "આજ ડાયરો કાંઈ મોજમાં દેખાય છે ને !"

ગોમતીબાઈ: "આ બધી મોહનની મજા છે."

ધનજીભાઈ : "એ વળી શું?"

મોહન : "કંઈ નહીં."

ધનજીભાઈ : "રામરામ સીતાબેન."

સીતા મેડમ : (સહેજ ખચકાતા) "રામ,રામ."

ધનજીભાઈ : કેમ છો સીતાબહેન ?ગામ તમને એટલું દોહ્લું લાગ્યું કે રાતોરાત છોડીને જવું પડ્યું.

સીતામેડમ : "ના, ના, ભાઈ એવું ન્હોતું ."

ગોમતીબાઈ : "કોઈકને જાણ કરીને તો જવાય ને!"

ધનજીભાઈ : "જવાની જ શું જરૂર હતી ? તમને ભરોસો ન્હોતો કે શું ?"

સીતા મેડમ : "ભરોસો તો પૂરેપૂરો હતો. પણ,"

ધનજીભાઈ : "આજુબાજુનું એક ગામ એવું નહિ હોય, જયાં તમારી તપાસ ન કરી હોય. અને આ મારો મોહન નિશાળનો ચોર. જ્યારથી તમે ભણાવતા થયા ત્યારથી ઘરે ન રહેતો તમારા ગામ છોડી ગયા પછી એને તો અબોલા લીધા અને પછી બે દિવસ તો ખાધું પણ નહીં. બે દિવસે માંડ માંડ મનાવ્યો હતો એને."

સીતા મેડમ : (મોહનની સામે જોઈને) "આટલી બધી લાગણી ! તે કોઈ દિવસ કહ્યું તો નહીં?"

મોહન : ક્યારેય મોકો જ ના મળ્યો.

સીતા મેડમ : "આજે પણ હું તમારા મોહનની જીદને લીધે જ આવી છું."

ધનજીભાઈ : "હું કંઈ સમજ્યો નહીં !"

મોહન : "એ હું પછી નિરાંતે કહીશ. પહેલા તો હવે કકડીને ભૂખ લાગી છે. કંઈક ખાવાનું કરો તો સારું."

ભાભી : "દિયરજી તમારી જ રાહ જોવાતી હતી. રસોઈ તો તૈયાર જ છે. ચાલો,તમને આપી દઉં."

મોહન : "ના ભાભી , પહેલા સીતા મેડમને અને બા- બાપુજીને જમાડી લઈએ. ચાલો ,હું તમને પીરસવામાં મદદ કરું. ત્યાં મોટા ભાઈ પણ આવી જશે. પછી આપણે સાથે જમી લઈશું."

ભાભી : "સારું ,ચાલો.

(બંને રસોડામાં જઈ થાળી પીરસે છે અને બધાને પ્રેમથી જમાડે છે.)એટલામાં મોહનના મોટા ભાઈ કાનજીભાઈ પણ આવી જાય છે. ફળિયામાં આવી હાથ મોઢું ધોઈ અંદર જાય છે તો એ પણ બધાની જેમ આશ્ચર્યચકિત થઈ જાય છે.

કાનજીભાઈ : અરે સીતાબેન ! તમે? આવો આવો. ધન્ય ઘડી ધન્ય ભાગ્ય. ખૂબ મુશ્કેલીમાં રહેલ ઝંખનાને તમારા આવવાથી સાકાર થતી જોઈ. અમને ખૂબ ખૂબ આનંદ થયો.

મોહનના ઘરના દરેક વ્યક્તિ સીતામેડમ પ્રત્યે ખૂબ લાગણી ધરાવતા હતા. તે વાત હવે સાબિત થઈ ગઈ. દરેકના મુખે એક જ વાત તમારી ખૂબ શોધ કરી છતાં ન મળ્યા. આજે પણ એ વાત કરતા જ દરેકના ચહેરા પર દેખાતો રંજ અને એમને મળી અનુભવાતી ખુશી પણ ભારોભાર દેખાતી હતી.

ઘરના બધા લોકો વચ્ચે પણ સારા સંબંધો હતા . પછી તો, મોહન,કાનજી અને ભાભીએ નિરાંતે જમી લીધું. જમીને સાસુ વહુ કામે વળગ્યા. અને સીતાબેન તથા ઘરના બધા પુરુષો ફળિયામાં ખાટલો ઢાળીને બેઠા. મોહને બધી માંડીને વાત કરી કે કેવી રીતે એ અને મીરા શહેરમાં ગયા અને સીતા મેડમને લઈ આવ્યા. ગોમતીબાઈએ આ બધું સાંભળ્યું અને તે બહાર આવ્યા.

ગોમતીબાઈ : "તો તો મીરુંની જાનબાઈએ ખબર લઈ લીધી હશે.મોહન, તું એને છેક ઘરે મુકી આવ્યો તો ખરાં ને ?"

મોહન : "હા, અને ફોઈ સાથે બધી વાત કરીને પણ."

બીજી તરફ જાનબાઈનો ગુસ્સો હજી ઓછો ન્હોતો થયો. એતો મોહનને જોઈને ચુપ રહી ગયા. મોહનનાં ગયા પછી મીરુંને જોઈ એને ફરી ગુસ્સો આવી ગયો.

જાનબાઈ: "તને કેટલી વાર કીધું સે ક્યાંય જાવું હોય તો તારા બાપુને કેવાનું , આમ એકલી પુરૂષ હારે તને કોઈએ જોઈ લીધી હયશે તો ? અને ગોમતીબાઈને આ વાતની ખબર પડશે તો ક્યાંક... ? "

આટલું કહ્યું ત્યાં એના ચહેરા પર ફરી ચિંતાની છાયા પથરાઈ ગઈ. અને એક ઊંડા વિચારમાં સરી પડ્યા.મીરાંની આંખોમાં અશ્રુ હતા.એ જાનબાઈને ઉદ્દેશીને કહે.

મીરાં : "પણ, બા મોહન ક્યાં કોઈ અજાણ્યા છે.તું આટલી બધી ચિંતા શાની કરે છે? આ તારા ગુસ્સામાં મારા પ્રત્યે ખીજના બદલે ચિંતા દેખાય છે.એવું તો શું છે કે તું આટલી વ્યથિત થઈ જાય છે."

જાનબાઈ : "વરસો જૂની ઈ વાત મારા મનમાં ઘર કરી ગય સે.રખેને પાસુ કયાંક ?"

મીરાં : "એવી તો શું વાત છે ? જે મને નથી ખબર ને તને આટલી પરેશાન કરે છે !"

જાનબાઈ : "અસ્ત્રીની જાતને ઓરતા શેનાં ; એને તો કોક દોરે એમ દોરાવાનું."

મીરાં : ( અસમંજસમાં ) "બા , માંડીને વાત કરને.."

જાનબાઈ : "આજ નય પછી કોક દી .આજ તો બોવ મોડું થ્યુસે .તું ય ભુયખી હયશ.ખાઈ લે હાલ."

મીરાં :" તે ખાધું ?"

જાનબાઈ : "તારા વના મને કોળિયો ગળે કેમ ઊતરે!"

મીરાં :"બાપુ ક્યાં?"

જાનબાઈ : "ઈ તો બાજુને ગામ ગયા સે તે હવારે આવસે."

મીરાં : "તો ચાલો, આપણે બેય જમી લઈ."

બંને જમી પરવારી.ફળિયામાં જ પથારી કરી સુતા.જાનબાઈને તો થાકને લીધે તરત ઉંઘ આવી ગઈ.પણ , મીરાંને આજે ઉંઘ નથી આવતી એ પડખા ફર્યા કરે છે અને તારા ગણ્યા કરે છે.

વધુ આવતા અંકે...

-ડૉ.સરિતા (જલધિ )