Black fourteen books and stories free download online pdf in Gujarati

કાળી ચૌદસ

લેખ:- કાળી ચૌદસ વિશેની માહિતી
લેખિકા:- શ્રીમતી સ્નેહલ રાજન જાની


કાળી ચૌદશ એટલે દિવાળીની આગલી રાત. ધન તેરસ પછીનાં દિવસને કાળી ચૌદશ તરિકે ઉજવવામાં આવે છે. આજનાં દિવસે ખીર અને વડા બનાવવાનો રિવાજ છે, અને ખાસ કરીને તળેલી વસ્તુઓ બનાવીને ખાવામાં આવે છે, એમ માનવામાં આવે છે કે જેટલું તેલ બળે તેટલો કકળાટ ટળે. સાંજે ગૃહિણીઓ કાણા વાળા વડા અને પુરી, ઘર નજીકનાં ચાર રસ્તે મુકીને ઉતાર કાઢે છે. હનુમાન મંદિરે હનુમાનજીને તેલ ચઢાવીને તેલનાં દીવાની મેંશ પાડવામાં આવે છે, જે આંખોમાં આંજવાથી આંખો સારી રહે તેમ ઘરડાઓનું માનવું હતું. હાલમાં થયેલાં તબીબી સંશોધનો પરથી ડૉક્ટરો આવી મેંશ આંખમાં આંજવાનો વિરોધ કરે છે અને ખાસ કરીને બાળકોને મેંશ આંજવાની ના પાડે છે.


દિવાળીનાં પાંચ દિવસના તહેવારનો બીજો દિવસ એટલે કાળી ચૌદસ. શાસ્ત્રોક્ત રીતે એનું મહત્વ એવું છે કે આ દિવસે સાંજના સમયે યમરાજાને દીપદાન કરવામાં આવે તો નર્કલોકથી બચી શકાય. ધાર્મિક માન્યતા પ્રમાણે આ દિવસે વડા બનાવી ચાર રસ્તા મળતા હોય એ ચોકમાં મૂકી, એની ફરતે પાણીનું કુંડાળું કરી કકળાટ કાઢીએ તો આખું વર્ષ કકળાટ વગર પસાર થાય.


આ તો થઈ શ્રદ્ધા-અંધશ્રદ્ધાની વાતો, પરંતુ ક્યારેય આપણે અલગ દ્રષ્ટિકોણથી એમ વિચાર્યું છે કે આ દિવસને કાળી ચૌદસ શા માટે કહેવાય છે? કૃષ્ણ પક્ષની ચૌદસ એટલે અમાસનો આગલો દિવસ. અમાસ એટલે જ અંધારું. તો પછી એનો આગલો દિવસ અંધારો જ હોય ને? આમ છતાં, તેને કાળી ચૌદસ કહે છે. એવું પણ બની શકે કે દરેક અમાસ તો અંધારી જ હોય છે, પરંતુ દીપાવલી એ પહેલી અને એકમાત્ર એવી અમાસ છે જે અજવાળી છે અને એટલે જ કદાચ આ અજવાળી અમાસના આગળના દિવસને કાળી ચૌદસ કહેતા હશે.


અંધારું એટલે શું? સૂરજ આથમી જવાની સ્થિતિ એ અંધારું છે. કાળી ચૌદસ એ અંધકારની પરિસ્થિતી છે. આ અંધકાર એટલે આપણાં મનનાં વિચારોનો અંધકાર. કોઈનાં પણ વિશે ખરાબ કે એનાં વિશે બુરાઈ કરવાનો વિચાર આવે એને જ વૈચારિક અંધકાર કહેવાય. અંધારું થયા પછી બધું જ લગભગ ઝાંખું, અસ્પષ્ટ કે નહીવત્ દેખાતું હોય છે, પરંતુ એ જ અંધારામાં જો આપણે એકલા રહીએ તો આપણને આપણી જાત સ્પષ્ટ દેખાય છે. આ અંધારામાં જાતને જોયા પછી જે અવગુણો, જે ખામીઓ આપણી સામે આવે છે એમાંથી જો આપણે કંઈક શીખીને પોતાની જાતને સુધારી લઈએ તો આ જ અંધારું બીજા દિવસે દિવાળીનો ઉજાસ બનીને બહાર આવશે.


કાળી ચૌદશ, નરક ચર્તુદશી કે રૂપ ચૌદશના નામે ઓળખાતા આ પર્વમાં ઉપાસના, સાધના, હનુમાનજીની પૂજા, યંત્રપૂજન ઉપરાંત મંત્ર-તંત્રની આરાધના તેમજ રાત્રે અઘોર પંથીઓ સાધના કરવા માટે શ્રેષ્ઠ દિવસ ગણાય છે. તેમાં પણ જો કાળી ચૌદસ શનિવારે આવે તો મંત્ર તંત્રના સાધકો ખુશ ખુશ થઈ જાય છે. તેઓ આખી રાત પોતાની શક્તિઓ વધારવા માટે સાધના કરે છે. મોટા ભાગના સાધકો આ માટે સ્મશાન પસંદ કરે છે.


ઉપરાંત જેમની શનિની પનોતી ચાલતી હોય છે તેઓ આ દિવસે હનુમાનજી કે શનિદેવની આરાધના કરે છે. જૈન શાસ્ત્ર મુજબ ભગવાન ઘંટાકર્ણ મહાવીરની ઉપાસના પણ ફળદાયી બતાવેલ છે. આજે યંત્ર પૂજન, મશીન પૂજન અને વાહન પૂજન કરવાનો મહિ‌મા છે.


લોખંડ એ શનિની ધાતુ છે. તેથી લોખંડ ધાતુ ઉપર શનિ મહારાજનું પ્રભુત્વ છે. બપોરથી રાત્રી દરમિયાન ઉગ્ર દેવોની આરાધના કરવી સિદ્ધપ્રદ ગણાય છે. આ દિવસે આધિ, વ્યાધિ અને ઉપાધિનાં નિવારણ માટે હનુમાન ચાલીસાના યથાશક્તિ પાઠ કરવા. બિમારી, કલેશ, ભય અને શત્રુ તથા કર્જમાંથી મુક્તિ મેળવવા માટે, અનષ્ટિનાં નાશ અને ઈષ્ટની પ્રાપ્તિ માટે દરેકે પોતાના ધર્મ અનુસાર યથાશક્તિ મંત્ર જાપ કરવા. કારખાના, ફેક્ટરીમાં રાખેલ યંત્રની પૂજા વિદ્વાન બ્રાહ્મણ પાસે શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર દ્વારા કરવી જોઈએ.


યંત્ર ને શક્તિનો સ્રોત માનવામાં આવે છે. યંત્રપૂજન કર્યા પછી શ્રીફળ વધેરી તેનું જળ કારખાનામાં છાંટવું. સંસારનાં પાલનહાર ભગવાન શ્રીધરનાં નવમા શરીરી અવતારરૂપ શ્રીકૃષ્ણનાં પત્ની સત્યભામાએ આજના દિવસે નરકાસુર નામના રાક્ષસનાં ત્રાસમાંથી બધાંને મુક્ત કર્યા. તેથી આજે નરક ચતુર્દશી કહેવાય છે.


વામન અવતાર દરમિયાન ભગવાન વિષ્ણુએ ધનતેરસ, કાળીચૌદસ અને દિવાળીનાં દિવસોમાં ત્રણ દિવસમાં ત્રણ ડગલાં જમીન રાજા બલિ પાસેથી માંગી હતી, જે બલિએ આપી દીધાં બાદ ભગવાને વરદાન આપેલું કે, આ ત્રણ દિવસો પૃથ્વી પર બલિ રાજાનું રાજ્ય રહેશે. દરેક ઘરે દિપક પ્રગટશે અને ઉત્સવ થશે. આમ,આપણા પર અત્યારે મહારાજ બલિનું રાજ્ય છે અને આપણે તેના પ્રજાજનો છીએ એ આપણે ના ભૂલવું જોઈએ.


વળી, એક અન્ય લોકવાયકા પ્રમાણે આજે બ્રાહ્મણો અને નિર્ધનોને વિવિધ પ્રકારનું દાન આપવાની પણ પ્રથા છે. દરેકે જરૂરી અને અત્યંત અસહાય વ્યક્તિને આજે બનતી મદદ કરવી જોઈએ. એમ કરવાથી વિવિધ દેવતાની કૃપા ક્ષણભરમાં મળે છે, એવું પ્રાચીન ગ્રંથોમાં બહુ જ વિશ્વાસપૂર્વક કહેવાયું છે.


ચૌદસ ભલે કાળી છે, પરંતુ એ ધનતેરસ અને દીપાવલી જેવા પ્રકાશના પર્વનો સંગ કરીને પોતાનું મહાત્મ્ય વધારી શકી છે. આ બાબત ધ્યાનમાં રાખીને આપણે પણ આપણા વિચારો, વાણી અને વ્યવહારની ખામીઓ સુધારીને મનનો આ અંધકાર આવનારા પ્રકાશમાં ન ઓગાળી શકીએ? સારા મિત્રો, સારા સંબંધો, સારું વાંચન આ બધા જ આપણી આસપાસની ધનતેરસ અને દીપાવલી જેવા છે, જેના સંગે આપણે આપણા નકારાત્મક વિચારોની કાળી ચૌદસને દીપાવલીના અજવાસની હકારાત્મકતામાં ફેરવી શકીએ છીએ.


આપણાં સૌના વિચારોમાં ક્યાંકને ક્યાંક છૂપાયેલી નકારાત્મકતાની ચૌદસ આથમે અને હકારાત્મકતાના દીવડા ઝગમગે એવી જ કામના કરીએ.


વાંચવા બદલ આભાર.

સ્નેહલ જાની