The address of love books and stories free download online pdf in Gujarati

પ્રેમનું સરનામું

સારો-નરસો સમય ચાહે કોઈ પણ હોય, દરેક સમયમાં મારા મનને કંઈક કરવું ગમતું હોય તો એ છે વાંચન; સાહિત્ય વાંચન. આમજ એક દિવસ હું થોડી ઉદાસ હતી. જિંદગીની અમુક ઉલઝનોમાં અટવાયેલી હતી. શું કરું ન કરું?? ની દ્વિધામાં હંમેશની મુજબ મનને શાંતિ આપતી એક નવલકથા હાથમાં લઈ બેઠી હતી. ત્યાં જ ફોનમાં મેસેજ ટોન રણકી. ઓનલાઈન રીડિંગ કરવાનું થાય ત્યારે સ્વાભાવિકપણે હું મેસેજ પર ધ્યાન નથી આપતી. પરંતુ નોટિફિકેશન્સમાં ચમકેલું નામ હતું; પદ્માક્ષિબેન. જેને અવગણવાનું તો હું ભૂલથી પણ ન કલ્પી શકું. એ જ ઘડીએ મેં વાંચન સાઈડ પર રાખ્યું અને મેસેજ ઓપન કર્યા.

"યક્ષુ, તારું એક કામ છે." એમનો મેસેજ જોઈ ખુશ થતાં મેં તરત જ રીપ્લાય કર્યો, "અરે, આતો મારુ સદભાગ્ય. બોલો બોલો... તમને હું શું ઉપયોગી થઈ શકું?"

"એક બુકની પ્રસ્તાવના લખવાની છે." એમણે કહ્યું. તે જોઈ મારી આંખો જ પહોળી થઈ ગઈ. થાય પણ કેમ નહિ! પ્રસ્તાવના અંગે મને કશો જ ખ્યાલ ન હતો. ના કોઈ અનુભવ કે ના કોઈ આઈડિયા. લેખનક્ષેત્રે થોડું ઘણું નાનું મોટું લખી શક્તી હતી. વાંચનપ્રેમી અવશ્ય હતી પરંતુ કોઈ વિવેચક તો ન જ હતી કે, પ્રસ્તાવના લખી શકું. આ વાત મેં એમને જણાવી અને સાથે કહ્યું પણ ખરું! કે, "અરે!.. આ બધું ન આવડે મને. આ કામ તો તમારે કોઈ સારા લેખક કે કવિને સોંપવું જોઈએ." ત્યારે જવાબમાં એમણે ખૂબ જ પ્રેમપૂર્વક કહ્યું, "નહીં આવડે તો આવડી જશે પણ લખવાનું તો તારે જ છે. જે અને જેવું આવડે એવું. કારણ કે સારા અને મોટાં લેખક કવિઓ તો ઘણા છે ઓળખાણમાં! પણ મને કોઈ ખોટા અને વધુ વખાણ કરે એ ન ગમે. એટલે તું આ કવિતાની બુક વાંચ અને તને જે સમજાય, જે યોગ્ય લાગે એ લખ. જે કરે એ બસ ખરાં હૃદયથી કર..." એમની વાત સાંભળી હું એમના નિર્મળ હૃદય પર વારી ગઈ. લેખન થકી અમે સંપર્કમાં આવ્યાને હજી તો મહિના બે મહિના થયા હતાં. એક જ શહેરના હોવા છતાં રૂબરૂ મુલાકાત હજી શક્ય નહોતી બની. અને ત્યાં તો એ મને બુકની પ્રસ્તાવના લખવા જેવું સદભાગ્ય આપવા તૈયાર હતાં. એ મારા માટે ખરેખર અહોભાગ્યની વાત હતી. છતાં હજી હું મૂંઝવણમાં હતી એટલે મારા મનની દ્વિધા ઠાલવતા મેં કહ્યું, "આતો તમે બહુ મોટી વાત કરી પણ આ કામ મારા માટે સાવ નવું રહેશે. તો મને ખબર નથી હું કરી શકીશ કે નહી? અને કરી શકીશ તોય એ યોગ્ય રીતે પાર પડશે કે નહી!?..."

મારી મૂંઝવણ પારખી જતા એ બોલ્યાં, "દીકરા, ચિંતા ન કર. તું તારે જેવું સમજાય એવું લખ." મેસેજ વાંચતાની સાથે જ હું ગદગદ થઈ ગઈ. સાહિત્ય જગતમાં હજી હું નવી સવી હતી. એક-બે ખાસ મિત્રોને બાદ કરતાં ટૂંક સમયમાં મારા પર વિશ્વાસ મૂકી, મને આટલો પ્રેમ અને વ્હાલ આપનાર આ પહેલી વ્યક્તિ હતી. પછી તો મેં કશું જ વિચાર્યા વગર હા કહી દીધી અને બીજી જ ક્ષણે એમનું નામ એડિટ કરીને "પદ્મા મા" કરી નાંખ્યું. શબ્દોનાં સથવારે મળ્યા પછી અહીંથી શરૂ થઈ એક નવા સ્નેહ સંબંધની શરૂઆત. જે મારા માટે ખૂબ જ રોચક, ખુશીઓસભર અને અદ્ભૂત બની રહેવાની હતી.

એ પછી તો હું પ્રસ્તાવના લખવામાં એવી ખોવાઈ ગઈ કે મારી ઉદાસી ક્યાં ગાયબ થઈ ગઈ એનો પણ મને ખ્યાલ ન રહ્યો. એમની કવિતાની ઈ-બુક વાંચી અને હરખભેર પ્રસતાવના લખી નાંખી. જે એમને ગમી પણ ખરી!

પછી તો બસ આમજ વાતો થતી રહી. જો કે, મળવાનું હજી પણ શક્ય ન હોતું બન્યું. સાહિત્યજગતમાં મારી ખાસ કહી શકાય એવી ખૂબ ઓછી વ્યક્તિઓ હતી. જેમાં એક હતાં; પદ્મા મા. સૌથી નોખા ને નિરાળા. સમયની સાથે એમની સાથેનું બંધન પણ કંઈક એવું જ નોખું બની રહ્યું.

આ બધુંમાં જ મારા જીવનને ખુશીઓથી રંગી નાંખવું હોય એમ, એમણે મને પારડીનાં એમના જ સાહિત્ય ગૃપમાં જોડી દીધી. જેમાં મારા પહેલા માત્ર પાંચ વ્યક્તિઓ હતી; પદ્મા મા પોતે, મિલન લાડ 'મન' , રુચિ દેસાઈ 'સ્પૃહા' , હેતલ ગાંધી 'હેત' અને કિંજલ પંડ્યા 'કુંજદીપ'.... ખૂબ જ નજીકી અને એકબીજાની ખૂબ જ ખાસ. આ ગૃપમાં, આ વ્યક્તિઓ સંગ જોડાવાની સાથે જ મારા જીવનમાં ખુશીઓનું એક નવું છોગુ ઉમેરાયું. જે પદ્મા માની સાથે આ સૌને આભારી છે.

સમય વિતતો ગયો એમ એમ સૌનો પરિચય વધતો ગયો. ઉંમરનાં ભેદ ભૂલી, ધમાલ મસ્તી કરતું આ ગૃપ મને અવનવું જ્ઞાન અને સમજ આપતું ગયું. જે માત્ર સાહિત્ય પૂરતું સીમિત ન રહેતા જીવન સંબંધિત પણ હતું.

આખરે એ ઘડી પણ આવી પહોંચી. જેને મેં હૃદયથી ઝંખી હતી, કામથી બહાર જવાનું થયું ને હું એ ત્રણેને મળવા પહોંચી ગઈ. હા, પદ્મા મા, રુચિબેન અને હેતલબેનને ! કારણ એ ત્રણે શિક્ષિકાઓ એક જ શાળામાં ફરજનિષ્ઠ હતી. જ્યારે કિંજલબેન શિક્ષિકા તરીકે અન્ય સ્થળે તથા મિલનભાઈ ફેકટરી મેનેજર તરીકે ત્યાં ફરજગ્રસ્ત હતાં. સૌને મળીને ધાર્યાથી પણ વિશેષ પ્રેમ, આદર અને વહાલ મળ્યો. થોડી આ-તે વાતો કરી કિંજલબેન અને મિલનભાઈને વિડીઓકોલ થયા. હાઈ હેલો સાથે વાતોનો દોર આગળ વધ્યો, હસતા મુસ્કુરાતા પ્રેમાળ ચહેરાઓ સાથે આ સંબંધનાં રૂપમાં જાણે મને ફરી કોઈ ઋણાનુબંધ મળ્યું.

સમયનાં વહેતા વહેંણ સાથે આ સફર પણ આગળ વધતી ગઈ.

લોકડાઉનનાં કારણે પદ્મા માનાં એક પુસ્તકનું વિમોચન શાળામાં નજીકનાં સગા સ્નેહીઓની ઉપસ્થિતિમાં સાદગીપૂર્વક થઈ ગયું. હવે અમને સૌને રાહ હતી એમના બાકીના અગિયાર પુસ્તકોનાં વિમોચનની. જે છપાવવા માટે મોકલાઈ ચૂક્યા હતાં. લોકડાઉન પતે અને બાકીના અગિયાર પુસ્તકોનું વિમોચન જોરોશોરથી થાય અને આ સમારોહ એક અનેરા અવસર સમો બની રહે. અમે સૌ એની જ રાહ જોતાં બેઠાં હતાં.

આખરે લોકડાઉન પત્યું. પુસ્તકો છપાઈને તૈયાર થઈ ગયા. વ્યસ્તતાની વચ્ચે દિવાળી અગાઉ જ વિમોચન સમારોહ યોજવાનું નક્કી થયું ને તડામાર તૈયારીઓ શરૂ થઈ ગઈ.

ઉત્સવની વાટ જોતું એમના સૌ સગા સ્નેહી સહિત અમારું ગૃપ પણ ભારોભાર ઉત્સાહિત થતું એ અવસરને માણવા માટે થનગની રહ્યું હતું. સૌની આતુરતાનો અંત લાવતો, ૧ નવેમ્બર ૨૦૨૧નો એ દિવસ પણ હરખભેર આવી ઊગ્યો.

અનેક હસ્તીઓ, પોતાના કુટુંબીજનો, શિક્ષણ અધિકારીશ્રી, શાળાનાં આચાર્યશ્રીઓ, શિક્ષકો અને ખ્યાતનામ કવિગણો વગેરે સૌ પારડી ખાતે યોજાયેલા આ વિમોચન સમારોહમાં ઉપસ્થિત રહી સમારોહની શોભામાં અભિવૃદ્ધિ કરી રહ્યાં.

દીપ પ્રાગટય અને પ્રાર્થના સાથે સમારોહનો શુભારંભ થયો. ત્યારબાદ પદ્મા માને હસ્તે શ્રીમદ ભગવદગીતા અને પ્રાંજલ પુષ્પ દ્વારા કવિઓનું સન્માન કરાયું.
અવસરની દરેક ક્ષણ અંતર મન સાથે ઉજવાતી, કેમેરાઓમાં કેદ થઈ સૌના માટે જીવનનું અતૂલ્ય સંભારણું બનતી ગઈ.

તે પછી મહાનુભાવોનાં બે શબ્દો થકી કાર્યક્રમ આગળ વધ્યો. ભાવભીના શબ્દો સાથે હર મુખડું મલકાઈ રહ્યું તો ક્યાંક નિખાલસ મોજીલા શબ્દો સાથે હાસ્યની ફુલઝર ખીલી રહી.

મલકાતાં મુખડાં અને હરખાતા હૈયા સાથે દરેક પુસ્તકનાં પ્રસ્તાવના લખનારને હસ્તે જે તે બુકની રિબિન છૂટી. પૂરો હોલ તાળીઓનાં નાદથી ગૂંજી ઉઠ્યો. એકીસાથે અગિયાર-અગિયાર પુસ્તકોનું વિમોચન હસીખુશી પૂરું થયું. એ સાથે જ જાણે સૌ આનંદ ઉમંગભર્યો ઓડકાર લઈ રહ્યાં.

ત્યારપછી અવનવા વ્યંજનોની મહેક પ્રસરાવતો ભોજન સમારંભ શરૂ થયો. ખુલ્લા મને સૌ કોઈ ભોજનનો આસ્વાદ લઈ રહ્યાં. જમ્યા પછી ડિઝર્ટ વિના તો કેમ ચાલે! સારી રીતે જાણતાં પદ્મા માએ આઈસ્ક્રીમની પણ મસ્ત વ્યવસ્થા કરી હતી.

તે પછી કવિ સંમેલન શરૂ થયું. પુસ્તક વિમોચનનો પારડીમાં કદાચ પહેલી વખત આટલો મોટો અવસર ઉજવાયો હતો. સાથે જ કવિ સંમેલન પણ! જેમાં સાહિત્ય જગતની અનેક હસ્તીઓની શબ્દ સુરાવલી વહી. એકથી એક ઉત્કૃષ્ટ કવિતાઓ એટલી જ ઉત્કૃષ્ટ રીતે રજૂ થઈ.

પદ્મા મા જેમને વ્હાલથી ક્યારેક લાગણીવશ થઈ મિલિયા, ડોબા, ડફોળ જેવા ઉપનામોથી નવાજતા રહેતા, એ મિલનભાઈ જ્યારે કવિતા બોલ્યાં; એ પણ પદ્મા મા માટે જ લખાયેલી. ત્યારે તેમના રતુંબડા ચહેરા પર છવાયેલી લાલીમાં જોવા જેવી હતી. મિલનભાઈ કવિતા બોલતા ગયા ને હું તો એ બોલની પદ્મા માનાં ચહેરા પર થતી અસર જ જોઈ રહી. "લોહીનાં સગપણ વિનાના સંબંધો પણ કેવા હોય છે? એ જોવું હોય તો કોઈ એ બંનેનો લાગણીથી છલોછલ સંબંધ જુએ." મનમાં જ વિચારતી હું મલકાઈ રહી.

સવારથી શરૂ થયેલો કાર્યક્રમ સાંજે પૂરો થયો ને સૌ ઉષ્માભેર એકબીજાને ગળે મળી છૂટા પડ્યા; ફોનમાં અને હૃદયમાં વિમોચનની વિલક્ષણ પળોની તસવીરો સમાવીને જ તો!

આ સૌમાં એન્કરિંગનું સ્થાન શોભાવી રહેલા રુચિબેન અને એમની સાથે વચ્ચે ક્યાંક ક્યાંક પોતાની હાજરી પૂરાવી જતા હેતલબેનની કામગીરી દાદ માંગી લેનારી હતી. એ બંને એન્કરિંગમાં વ્યસ્ત રહી અને પદ્મા મા મહેમાનો સાચવવામાં. એમાં બાકી રહ્યાં હું, કિંજલબેન અને મિલનભાઈ. એ સૌ તો આવા અનેક કાર્યક્રમોમાં જતા રહેતા પણ મારા માટે આ અવસર પહેલીવાર અને થોડો અજાણ્યો હતો. જેમાં કિંજલબેને મારી ખૂબ કાળજી લીધી. થોડી થોડી વારે મને કંટાળો તો નહીં આવે ને? ભૂખ લાગી? જેવા પ્રશ્નો કે અન્ય વાતો કરી મારુ અજાણપણુ દૂર કરી રહ્યા. જેમાં મિલનભાઈયે પણ પૂરો સાથ આપ્યો.

હા, એ સૌ મારાથી મોટા છે છતાં ગૃપમાં ક્યારેક નામની સાથે બેન કે ભાઈ જોડવા નથી દેતા. જે હોય એ બસ નામ લઈને બોલાવવાનું, એવો એમનો પ્રેમભર્યો આગ્રહ.. જેમાં હું નાની હોવાને કારણે મારે માટે થોડું અઘરું બની રહેતું. પણ પછી તો હુંય ઘણીવાર નામથી બોલાવતી અને તુકારો પણ ક્યારેક અપાઈ જતો. છતાં બધા બિંદાસ. કોઈના મનમાં કોઈ જ ખટરાશ નહીં.

આતો શું.. આ લખતા તો મારે બધાની સામે જરા જોવું પડે એટલે નામ સાથે ભાઈ અને બેન જોડી દીધું. બાકી રહ્યાં ભલે નાના મોટા! આપણે બધા દોસ્તાર.. ભાઈ બેન નહીં.. હાહાહા...

આ સૌમાં ગૃપમાં મિલનભાઈ માટે વપરાતા; મિલિયો, ડોબો, ડફોળ જેવા નામો મને ખૂબ હસાવે છે. જ્યારે મારા માટે પણ ઘણીવાર ડોબી અને ડફોળ શબ્દ વપરાય જાય છે પણ ઉપર કહ્યું એમજ બસ પ્રેમથી! એટલે બધા ખુશમ ખુશ. બાકી પેલું કહેવાય છે ને અંગત હોય એને જ બિંદાસ ગમે એ કહીને બોલાવી શકાય.. બસ અહીં પણ એવું જ..!

"ઓસ્સમ! જલસા કરી લીધા એમને? આવા મીઠડા લોકો સાથે મળી!" બંને હાથની હથેળી પર હડપચી ટેકવી મને ક્યારની શાંત ચિત્તે સાંભળી રહેલી મારી મિત્ર વિહા બોલી.

"હાજ તો." એ યાદોમાંથી બહાર આવતાં મેં પણ પ્રાઉડ ફિલ કરતાં કહ્યું.

"ચાલ ત્યારે તારો આ યાદગાર દિવસ જાણીને મેં પણ માણી લીધો. હવે કંઈ બાકી છે?"

"હા... સાંભળવું છે?..." મેં પૂછ્યું.

"હા વળી. તું કહે ને હું ના પાડું એવું બને ખરું!"

"હાહા.. બહું ડાહી." કહેતી હું પણ ફરી એ યાદો વાગોળવામાં ખોવાઈ ગઈ.

તે દિવસે રાત્રે પદ્મા માનો મેસેજ આવ્યો. "યક્ષુ, મને આટલો પ્રેમ અને આદર આપવા બદલ તારી ઋણી રહીશ"

"અરે, ઋણી તો હું રહીશ તમારી. પહેલા પ્રસ્તાવના લખવાનું સદભાગ્ય આપવા બદલ, પછી આ ધમાલિયા ને મિઠડાં ગૃપ સાથે જોડવા બદલ, આટલાં મોટા વિમોચન અવસરનો હિસ્સો બનાવવા બદલ અને આ ઉંમરે કવિ સંમેલનમાં ભાગ લેવાનું અહોભાગ્ય આપવા બદલ."

"તું હકદાર છે એની બેટા," એમણે કહ્યું ને હું બસ મલકાઈ રહી...

આ યાદો વાગોળતા અત્યારે પણ હું મલકાઈ રહી હતી તે જોઈ વિહા બોલી, "ઓ.. યક્ષુડી... પછી મલકાયા કરજે. વિમોચન પછી સાંજે તે કવિતા લખી હતી ને? એમના માટે. એ સંભળાવ.."

"ઓકે બાબા.. સંભળાવું છું." કહી મેં ફાઈલમાંથી કવિતા શોધી એની સામે રજૂ કરી. જાણે પદ્મા માને કહેતી હોવ એ રીતે જ!

"શબ્દોનાં સથવારે મળ્યો 'તો, સ્નેહ સંબંધ એક અનુઠો,
ને મળ્યા વિનાય જોડાઈ ગયો 'તો, નાતો કેવો અદિઠો.

ભીનીભીની લાગણી કેરું ઈંધણ પુરાયું ચોખ્ખું ચટોર,
ને ધમધમ ગાડી ધપતી ગઈ કર્યા વિના કલશોર..

"ચિંતા ન કર દીકરા" શબ્દોનું ગુંજન જે 'દિ કાને ગુંજાણુ
લાગ્યું ત્યારે, આજ ઈશે દીધું મને અમુલ નજરાણું.

ખરો ઉમળકો કેવો હોય તમને મળી સમજાયુ,
પરે લોહીના સંબંધથી, એક બંધન અનોખું બંધાયુ.

હર્ષોલ્લાસની પાવન પળે, હર હૈયું હરખથી હરખાયુ,,
આંતર ઉમંગની વાત ન પૂછો, હર હોઠે આજ સ્મિત લહેરાયું.

વિશેષ આપના દિને આજના, ધરું શું હું સવાયું??
કરું દુઆ અભિનંદનની વર્ષા વચ્ચે, જીવો સંગ સાથી હસીખુશી શતાયુ."

"વાહહ.. બહુ મસ્ત." કહેતી વિહા મારો ગાલ ચીમળતી ઉભી થઈ અને જતાં જતાં બોલી, "ચાલ હવે હું જાઉં છું. ફરી કોઈ વાર્તા સંભળાવવાની હોય ત્યારે બોલાવજે. આપણે રેડી જ છીએ." કહી તે હસતી જતી રહી ને હું પણ હસી ઉઠી.

જીવનની એ યાદગાર ક્ષણોને મનમાં ફરી ફરી વાગોળતી હું ક્યાંય સુધી એમજ બેઠી રહી. આવા અદકેરા માણસો સાથે મારો મેળાપ કરાવવા બદલ અને એમનો આવો વ્હાલ આપવા બદલ મનોમન ઈશ્વરને વંદી રહી.

"સંયોગ તો જુઓ, પદ્માક્ષિ; પદ્મા વત્તા અક્ષિ. એમના નામમાં જ મારુ અડધું નામ સમાયેલું હતું. તો એમના હૃદયમાં તો હું સમાયેલી હોવાની જ ને!" વિચારતી હું મનોમન મલકી અને મારા મુખેથી સ્વગત જ શબ્દો સરી પડ્યાં, "આ ગૃપની અમારી ટોળકી એટલે ખુશીઓનું સરનામું અને પદ્મા મા એટલે પ્રેમનું સરનામું."


🌻🌹🍁🌿🙏🌿🍁🌹🌻

તારીખ ૧ નોવેમ્બર ૨૦૨૧નાં રોજ પારડી ખાતે યોજાયેલ પદ્માક્ષિબેન મનીષભાઈ પટેલ. "પ્રાંજલ" ના અગિયાર પુસ્તકોના વિમોચન સમારોહના સંદર્ભમાં આલેખાયેલી સંપૂર્ણ સત્ય ઘટના.

©યક્ષિતા પટેલ