Veer Meghmayo of Patan books and stories free download online pdf in Gujarati

પાટણનો વીર મેઘમાયો

🙏🏿"વીર મેઘમાયાની બલિદાનની ગાથા"🙏🏿
આપણે રાણીની વાવ જોવા જઈએ ત્યારે આથમણી દિશા તરફ એક નાનકડી માટીની ટેકરી ઉપર આ વીર મેઘમાયાની સ્મૃતિ રૂપ એક મંદિર છે. કહેવાય છે કે આ ટેકરી ફરતે "ધવલસાગર" (સહસ્ત્રલિંગ તળાવ) દટાયેલું છે. હાલ જે જોવા મળે છે તે સરસ્વતી નદી ને જોડતી આ તળાવ માટે પાણી આવાનું જાવન માટેની મૉરી (કેનાલ ) છે.આ તળાવ નો પાયો સિદ્ધરાજ જયસિંહના દાદા ધવલ પ્રસાદ રાજાએ નાખ્યો હતો.ગુજરાતની ધરા પર ઘણા રાજવીઓ અને રાજવંશનો ઈતિહાસ જોતાં દ્રષ્ટિગોચર થાય છે કે સોલંકી વંશનો સમયગાળો ગુજરાતનો સુવર્ણકાળ ગણાય છે.સોલંકી વંશનો સમયગાળો ઈ.સ. 942થી ઈ.સ. 1244 સુધીનો ગણાય છે આ સમયમાં સોલંકી વંશના કુલ 12 રાજાઓએ ગુર્જરી ધરતી પર રાજ કર્યું. Lસોલંકી વંશનાં શાસકોએ અનેક લોકોપયોગી કાર્યો કર્યા હતા. આ વંશનાં છઠ્ઠા ગાદી વારસ તરીકે સિદ્ધરાજ જયસિંહે ઈ.સ. ઈ.સ.1092 થી ઈ.સ.1142 સુધી ગુજરાતમાં રાજ્ય ચલાવ્યું.સિદ્ધરાજ જયસિંહ જે તળપદી ભાષામાં “સધરા જેસંગ” તરીકે પણ ઓળખાય છે.સમગ્ર સોલંકી વંશના રાજાઓ શિલ્પ અને સ્થાપત્યના શોખિન હતા. પરિણામે સોલંકી વંશના શાસનકાળ દરમિયાન ગુજરાતમાં સ્થાપત્ય કલાના નમુનારૂપ બાંધકામ થયાં.સિદ્ધરાજ જયસિંહ પણ એમાંનાંજ એક રાજા હતાં.સિદ્ધરાજ જયસિંહે પોતાનાં દાદાનાં સમયથી શરૂ થયેલું પ્રસિદ્ધ રૂદ્રમહાલય નું બાંધકામ પૂર્ણ કરાવ્યું.ધોળકાનુ મલાવ તળાવ પણ સિદ્ધરાજ જયસિંહનાં સમયગાળા દરમિયાનજ નિર્માણ પામ્યું હતું.આ ઉપરાંત સૌરાષ્ટ્રમાં પણ અનેક બાંધકામ સિદ્ધરાજ જયસિંહએ કરાવ્યાં હતાં.જેનાં અવશેષો આજે પણ ચોબારી,આણંદપુર,વઢવાણ વગેરે સ્થળોએ જોવા મળે છે.સિદ્ધરાજ જયસિંહના સમયગાળા દરમિયાન થયેલા સ્થાપત્યના ઉત્કૃષ્ટ બાંધકામમાં સર્વોત્તમ ગણાય એવું 1008 શિવલિંગથી અલંકૃત પાટણની શોભા વધારતું સહસ્ત્રલિંગ સરોવરનું નિર્માણ.સહસ્ત્રલિંગ સરોવરના નિર્માણના ઈતિહાસ સાથે વણકર સમાજની અસ્મિતા,શ્રદ્ધા અને આસ્થાનાં પ્રતિક સમા શિરમોર એવાં વીર મેઘમાયા દેવનાં સર્વોત્કૃષ્ટ બલિદાનનો ઈતિહાસ વણાટના તાણાવાણાની જેમ અમીટરૂપે વણાયેલો છે.વણકર સમાજની શ્રદ્ધા,અસ્મિતા અને આસ્થાનાં જીવંત પ્રતિક સમાન વીરમેઘમાયા દેવની યશસ્વી ગાથા ઈ.સ. 1138 માં મહા સુદ નોમના દિવસે જાગૃત,પવિત્ર ગુર્જર ધરા ઉપર સુવર્ણ અક્ષરે લખાઈ હતી.અણહિલપુર પાટણને રાજધાની બનાવી તે વખતે ગુજરાતનાં સિંહાસન ઉપર વિરાજમાન સિદ્ધરાજ જયસિંહના સિહાસન માથે સોલંકી વંશની યશસ્વી ધજા ફરકતી હતી.નયનરમ્ય અને ઉત્કૃષ્ટ સ્થાપત્યના બાંધકામના શોખિનસિદ્ધરાજ જયસિંહે પોતાનાં દાદા દુર્લભરાજ દ્વારા બંધાવવામાં આવેલાં અને ઘણાં વખતથી પાણી વગર સુક્કા પડેલા સરોવરનો જીર્ણોદ્ધાર કરી નવપલ્લવિત નવેસરથી ખોદકામ કરાવવાનો નિર્ણય કર્યો.સરોવર, તળાવનાં ખોદકામ માટે એ વખતે માલદેવના ઓડ સમુદાયનાં લોકો નિષ્ણાત ગણાતા હતા જે બનાસકાંઠા તથા રાજસ્થાનના વિસ્તારમાં રહેતા હતા,સિદ્ધરાજ જયસિંહે ઓડ સમુદાયનાં લોકોને સરોવરનો જીર્ણોદ્ધાર કરવા માટે તેડાવ્યા.ઓડ માલદેવ લોકોમાં એક ભીને વાન,સુંદર દેખાવ ધરાવતી પરિણિતા "જસમા" પણ સામેલ હતી.સિદ્ધરાજ જયસિંહ સરોવરના નિર્માણના કાર્યનું નિરીક્ષણ કરવા જતા રહેતા હતા,આ દરમિયાન સિદ્ધરાજ જયસિંહની નજર પરિણિતા જસમા ઉપર પડી અને રાજા જસમા તરફ આકર્ષિત,મોહિત થયા અને પરિણિત મહિલા એવા જસમાને પોતાની રાણી બનવા અનેક કહેણ મોકલ્યાં.રાજા તરફથી આવતાં અનૈતિક કહેણને પતિવ્રતા સતી જસમાએ ઠુકરાવી દીધાં.જોકે છતાં સિદ્ધરાજ જયસિંહના કહેણ ચાલુજ રહ્યાં.પોતાનાં સમુદાયની એક પરણિતાને રાજા દ્વારા થતી હેરાનગતિથી વ્યથિત,દુઃખી થઈને સત્તા આગળ શાણપણ નકામું એ ન્યાયે ઓડ સમુદાયના લોકોએ સરોવરનું ખોદકામ પડતું મુકીને રાતોરાત પોતાના વતન તરફ પરત પ્રયાણ કર્યું.મહારાજ સિદ્ધરાજ જયસિંહને તુરંત જાણ કરવામાં આવી કે ઓડ સમુદાયનાં લોકો કાર્ય છોડીને પરત ફરી રહ્યા છે.સિદ્ધરાજને જાણ થતાં જ ઓડ લોકો પરત લાવવા માટે પાછળ સૈનિકો દોડાવ્યા.સૈનિકોએ ઓડ લોકોને રસ્તામાં જ આંતરીને પરત ફરવા કહ્યું પરંતુ સ્વમાની સ્વભાવ ધરાવતા ઓડ લોકોએ પરત આવવાનું સ્પષ્ટપણે નકારી દીધું.ઓડ લોકોનાં નકારથી ઉશ્કેરાયેલા સૈનિકોએ જસમાનાં પતિની નિર્મમ હત્યા કરી નાખી અને પતિની નિર્મમ હત્યાથી દુઃખી,વ્યથિત અને ક્રોધિત જસમાને સિદ્ધરાજ જયસિંહ સમક્ષ રજૂ કરવામાં આવ્યા.ક્રોધિત જસમાએ ભર્યાં દરબારમાં સિદ્ધરાજ જયસિંહની ઉપસ્થિતિમાં ભેટમાં છુપાવી રાખેલી ધારદાર કટાર પોતાનાં પેટમાં ઉતારી દીધી અને મોતને ભેટયા.જીવનનાં છેલ્લા શ્વાસ ભરતાં ભરતાં સતી જસમા એ મહારાજ સિદ્ધરાજ જયસિંહને શાપ આપ્યો કે, “હે રાજન,તેં રક્ષક બનીને એક પતિવ્રતા સ્ત્રી ઉપર કુદ્રષ્ટિ કરી છે અને મારાં નિર્દોષ પતિની નિર્મમ હત્યા કરી છે.તેથી હું એક પતિવ્રતા સ્ત્રી તને શાપ આપું છું કે,તું જે દુર્લભ સરોવર બનાવી રહ્યો છે એ દુર્લભ સરોવરમાં ક્યારેય પાણી આવશે નહીં અને તારા રાજ્યના બધાં જ જીવો પાણી વગર ટળવળશે” સતી જસમાના શાપ થી પરમ શિવભક્ત સિદ્ધરાજ જયસિંહ ખુબ જ વ્યથિત થઈ પોતાના પાપ નું પ્રાયશ્ચિત સ્વરૂપ ગુજરાત તથા સૌરાષ્ટ્ર માં અનેક શિવમંદિર બંધાવ્યાં.સતી જસમાના શાપથી વ્યથિત સિદ્ધરાજ જયસિંહે અનેક શિવમંદિર બંધાવ્યાં. એવી જ રીતે 500 માઈલના ઘેરાવામાં દુર્લભ સરોવર ખોદાવીને એનાં કિનારે 1000 શિવલિંગ ધરાવતું સહસ્ત્રલિંગ સરોવર બંધાવ્યું.દરરોજ શિવમંદિરમાં આરતી થતી અને એ આરતીમાં વ્યથિત,શાપિત થયેલા મહારાજ સિદ્ધરાજ જયસિંહ પણ સ્વયં હાજર રહેતા.સતી જસમાનો શાપ સત્ય વચન હતો અને સહસ્ત્રલિંગ સરોવરમાં પાણી આવતું જ નહોતું, જેને લીધે પાટણમાં પાણીની સમસ્યા કારમી બની જીવો પાણી વગર તરફડવા લાગ્યાં.જૈન ધર્મ થી પ્રભાવિત રાજા સિદ્ધરાજ જયસિંહ જીવોના પાણી વગર તરફડાટને જોઈ શક્યા નહીં અને સતી જસમાના શાપના નિવારણ માટે,શાપમાંથી સહસ્ત્રલિંગ સરોવરને મુક્ત કરાવવા પોતાના પ્રધાન રાજ્યમંત્રી મુંજાલ દ્વારા અનેક વિદ્વાનો,ધર્માચાર્યો,જ્યોતિષશાસ્ત્રના નિષ્ણાતોની સભા બોલાવી,અનેકવિધ ચર્ચાઓ થઈ,પોથીઓ વંચાઈ,વિચારણાઓ થઈ,શાસ્ત્રોનો અભ્યાસ થયો અને અંતે ઉપાય જણાવવામાં આવ્યો કે સતી જસમાના શાપમાંથી મુક્તિ મળે અને પાટણના જીવમાત્રને પુરતું પાણી મળી રહે તથા એમને વલખવુ ન પડે તે માટે ધરતી માતા એક બત્રિસ લક્ષણા પુરુષનું બલિદાન માંગે છે,આ સાંભળતાંની સાથે જ મહારાજ સિદ્ધરાજ જયસિંહ સહિત સમગ્ર સભા સ્તબ્ધ થઈ ગઈ,અવાચક થઈ ગઈ.મહારાજ સિદ્ધરાજ જયસિંહે સભામાં ઉપસ્થિત રહેલા મહાનુભાવોને બલિદાન આપવા માટે હાકલ કરી,પ્રજાની સુખાકારી માટે ટહેલ નાખી પરંતુ કોઈ રાજી થયું નહીં,કોઈ આગળ આવ્યું નહીં.સભામાં થી કોઈ જ બલિદાન આપવા તૈયાર ન થતાં મહારાજ સિદ્ધરાજ જયસિંહે પોતાના સમગ્ર રાજ્યમાં જાહેર ઢંઢેરો પીટાવ્યો.સાત સાત દિવસ સુધી સમગ્ર ગુજરાત રાજ્યમાં આ ઢંઢેરો પીટવામાં આવ્યો પરંતુ કોઈ પોતાના જીવનું બલિદાન આપવા આગળ ના જ આવ્યું,સૌએ પોતાનું જીવન વ્હાલું લાગ્યું.ત્યારે ધોળકા પંથકના નાનકડા "રનોડા" ગામમાં રહેતાં વણકર સમાજનો "માયા" નામનો વીરપુત્ર પાટણના તરસ્યા જીવો,માનવીઓ માટે બલિદાન આપવા તૈયાર થયો.નાનપણમાં જ પિતા ધરમશીની છત્રછાયા ગુમાવ્યા બાદ દાદાના સંસ્કારની સ્નેહછાયામાં ઉછરેલાં માયાએ પોતાના નિર્ણયની જાણકારી પોતાનાં માતા ગંગાબાઈ (ખેતીબાઈ) તથા પત્ની હરખા (મરઘા બાઈ) ને આપી તથા દાદા સહિત સૌ પાસે યજ્ઞની વેદીમાં હોમાવાની પરવાનગી માગી.પોતાનાં દીકરાને પરમાર્થે બલિદાન થવાની પરવાનગી માતા તથા દાદાએ ભારે હૈયે ગૌરવ સહિત આપી દીધી ત્યારે માયાના પત્ની એ પણ હકારાત્મક વલણ રાખીને પરવાનગી આપી દીધી.
"રનોડા" ગામ તથા ધોળકાના રહેવાસી ઓ માનવશ્રેષ્ઠ "વીરમેઘમાયાને" વાજતે ગાજતે પાટણ સ્થિત રાજાના દરબારમાં લાવવામાં આવ્યા.પાટણના દરબારમાં બેઠેલાં કેટલાક જાતિવાદી માનસિકતા ધરાવતા બ્રાહ્મણો,દરબારીઓ તથા નગરજનો “મેઘમાયા”ને જોતાંવેંત જ ઊભા થઇ ગયા અને કહેવા લાગ્યા કે ” આ મેઘમાયોતો વણકર જ્ઞાતિનો અછૂત છે.એનું બલિદાન ધરતી માતા નહીં સ્વીકારે”,આ સાંભળતાંજ મહારાજ સિદ્ધરાજ જયસિંહે સભામાં ઉપસ્થિત વિદ્વાન જ્યોતિષીઓ તરફ નજર કરી,જ્યોતિષીઓએ મેઘમાયાના મુખ પરનાં તેજ ને ઓળખી ગયા. અને સમગ્ર સભામાં એક સ્વરે ઊંચા સાદે કહ્યું, ” હે રાજા,જીવમાત્ર માટે પ્રાણ ન્યોછાવર કરનાર વીર મેઘમાયો અછૂત નથી એતો આપણણો સૌનો ગુરુ છે,બત્રીસ લક્ષણો વીર છે.આ નરવીરનુ બલિદાન ધરતી માતા અવશ્ય સ્વીકાર કરશે.” બલિદાન માટે સિદ્ધરાજ જયસિંહે જ્યારે મેઘમાયા તરફ જોયું અને પુછ્યુ ત્યારે જન્મજાત નીડર,નિર્ભય અને તેજસ્વી એવાં મેઘમાયાએ રાજાને નમ્રતા lથી જવાબ આપ્યો:"હે મહારાજ અન્નદાતા,મારા જીવનના બલિદાનથી તરસ્યાં જીવો,માનવોને પાણી મળે તો આ મસ્તક હાજર છે,પરંતુ આપને નતમસ્તકે એક અરજ છે.”મહારાજ સિદ્ધરાજ જયસિંહે કહ્યું “બોલ વીર મેઘમાયા બોલ,ભય કે સંકોચ રાખ્યા વગર બોલ.”ત્યારે વીર મેઘમાયા એ ગૌરવવંતા ટટ્ટાર શરીરથી મસ્તક ઝુકાવીને કહ્યું ” મહારાજ અમારાં સમાજને ઘણાં દુઃખ છે.અમે ગરીબ છીએ અને અમારી ઉપર અસ્પૃશ્યતાનું કલંક લાગેલું છે.તે દૂર કરો,અમારાં સમાજ ઉપરનાં બંધનો દૂર કરી નગર વચાળે નિવાસ,આંગણે તુલસી ક્યારો,પીપળાનો છાંયો,ઉત્તમ વસ્ત્રો પહેરવાની છૂટ,વેલ- વંશાવળી માટે વહીવંચા બારોટ સહિત સ્વાભિમાનથી જીવન જીવવાના સમાન અધિકારો આપો.” આમ કહી વીર મેઘમાયાએ મહારાજ સિદ્ધરાજ જયસિંહને પ્રણામ કર્યા.પાટણ પતિ સિદ્ધરાજ જયસિંહે વીર મેઘમાયાની બધી જ માંગણીઓનો સ્વીકાર કર્યો તથા એને પૂર્ણ કરવાનું વચન આપ્યું.
🙏🏿વિક્રમ સંવત 1172 મહા સુદ સાતમને સવારે ઢોલ,શરણાઈ,ત્રાંસાની રમઝટ વચ્ચે નગરજનોના અબીલ ગુલાલ અને પુષ્પવર્ષા સાથે વીરમેઘમાયાની બલિદાન શોભાયાત્રા નીકળી જેમાં સ્વયં મહારાજ સિદ્ધરાજ જયસિંહ,નગર શેઠ, lજ્યોતિષાચાર્યો,બ્રાહ્મણો,ધર્મગુરુઓ તથા હજારો નગરજનોના મહેરામણના“વીર મેઘમાયાનો જયકાર” કરતાં,સતી જસમા ઓડણના શાપને મિટાવવા,પાટણ નગરનાતરસ્યા માનવો,જીવને બચાવવા,શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે વીર મેઘમાયા એ સહસ્ત્રલિંગ સરોવરમાં પગલું મુકતાંજ આકાશમાંથી જાણે ઈશ્વરનાં આશિર્વાદ સ્વરૂપ અમીછાંટણા થયાં અને સહસ્ત્રલિંગ સરોવરમાં પાતાળમાંથી અમૃત સમાન પાણીની ધારા છૂટી તથા એ પાણીમાં પરોપકારી,વીર મેઘમાયાએ "જળ સમાધિ" લીધી.
ભારતીય સમાજમાં અછૂત કહેવાતા સમાજને અધિકાર અપાવનાર સૌ પ્રથમ વીરમેઘમાયા હતા. તથા અત્યાર સુધીના ઈતિહાસને જોતાં અછૂત કહેવાતા સમાજને અધિકાર માટે પોતાના જીવનનું બલિદાન આપનાર એકમાત્ર વીર મેઘમાયા દેવ જ છે.પાટણનું સહસ્ત્રલિંગ સરોવર આજે પણ વણકર સમાજ ની અસ્મિતા,ગૌરવ,આસ્થા,શ્રદ્ધા અને શૌર્યનું પ્રતિક એવાં પરોપકારી જીવ માત્રના જીવનને બચાવવા પોતાના જીવનનું બલિદાન આપનાર વીર મેઘમાયાના બલિદાનનું સાક્ષી બનીને ઊભું છે.વણકર સમાજના વડીલો દ્વારા વીર મેઘમાયાના બલિદાનની સ્મૃતિ આવનારી પેઢી ચિરકાળ યાદ કરશે.વીર મેઘમાયાનું બલિદાન સમગ્ર દેશમાં ચિરંજીવ છે.પરોપકારી,નીડર,નિર્ભય,તેજસ્વી,અડગ એવા વીર મેઘમાયાનું વણકર સમાજ અતુટ શ્રધ્ધા, આસ્થાથી પૂજન કરે છે.વીરમેઘમાયાનાબલિદાનની ગૌરવવંતા ઇતિહાસની જાળવણી થાય,સ્મૃતિ કાયમ જળવાઈ રહે તે માટે સિદ્ધપુર પાટણનાં ગુજરાત વણકર સમાજ સંલગ્ન “વીર માયા સ્મારક સમિતિ” નાં અવિરત પ્રયાસોથી વીર મેઘમાયાના બલિદાન સ્થાન ઉપર ભવ્ય સ્મારક સંકુલ આકાર પામી રહ્યું છે,જેના માટે ગુજરાત સરકાર તરફથી 3 કરોડ રૂપિયા પણ ફાળવવામાં આવ્યાં છે.આ પ્રસ્તાવિત સંકુલમાં વીર માયા સ્મૃતિ મંદિર,સંશોધન કેન્દ્ર,ગ્રંથાલય, અતિથિ ભવન, બાલ ક્રિડાંગણ,ગુરૂકુળ તથા વીર મેઘમાયાની યશસ્વી ગાથા દર્શાવાશે.
(દેવેન્દ્રકુમારના વોલમાંથી સાભાર )
- સવદાનજી મકવાણા (વાત્ત્સલ્ય)