Ohhh ... poor Pedro !!! books and stories free download online pdf in Gujarati

ઓહહહ્... પુઅર પેડ્રો !!!

(પેડ્રો એ એક કાલ્પનિક પાત્ર છે જેના જીવનમાં ઉદભવતી કરુણ પરિસ્થિતિઓ હાસ્યાસ્પદ બનીને રહી જાય છે.)

*******************
("મદદ કરો... મદદ કરો... અહીં આવો.... અહીં આવો..." એક વ્યક્તિ કિનારે બૂમો પાડતો દોડી રહ્યો છે એક નાનકડી હોડીનાં સભ્યોનું પોતાની તરફ ધ્યાન દોરવા. એક સભ્યનું ધ્યાન જાય છે.)

"લિયો, કોઈ છે ટાપુ પર"

"આ નિર્જન ટાપુ પર કોણ હોવાનું! વ્હેમ છે તારો."

"ના. સાચે જ કોઈ છે. મદદ માંગે છે જો."

"હા ડિયો, પણ કોઈ લૂંટારો હશે તો?"

"તો પણ આપણી પાસેથી શું લૂંટી લેશે? છે શું આપણી પાસે?

"હમમમ્... છતાં જીવનું જોખમ તો ખરું!"

"પહોંચી વળશુ એવું કંઈ હોય તો... બાકી કિસ્મત. પરંતુ, એ વ્યક્તિને ખરેખર મદદની જરૂર હોય એવું લાગે છે."

"ઠીક છે. ચાલ કિનારે..."

(હોડી કિનારે આવે છે. એમાંથી બે વ્યક્તિઓ લિયો અને ડિયો ઉતરી એ મદદ માંગતી વ્યક્તિ પાસે આવે છે.
"ધન્યવાદ... ખૂબ ખૂબ ધન્યવાદ... મને અહીંથી લઈ ચાલો. મારી મદદ કરો."

એ લોકો એને હોડી પર લઈ આવે છે અને ઔપચારિક પરિચય કરી એનાં વિશે વિગતો પૂછે છે. પેલી હતપ્રત વ્યક્તિ પોતાની આપવીતી જણાવે છે.)

"હું પેડ્રો.... પુઅર પેડ્રો... ફ્રાંસના દરિયાઈ પટ્ટી પર વસેલાં નાઈસ (Nice) શહેરમાં the vielle ville નામનાં પ્રાચીન વિસ્તારમાં રહું છું."

"પુઅર પેડ્રો !!! આ કેવું નામ?! ગરીબ તો અમે પણ છીએ પણ આવું નામ નથી સાંભળ્યું કોઇ દિવસ..." લિયોએ હસતાં હસતાં પૂછ્યું.

"નામ તો પેડ્રો જ છે. 'પુઅર પેડ્રો' નામ તો મને મારા શહેરનાં લોકોએ આપ્યું છે. એ એક લાંબી વાર્તા છે."
(ઘણાં સમયે કોઈ માણસ મળ્યો હોય ને વાતો કરવાની જે તાલાવેલી લાગી હોય એ તાલાવેલી પેડ્રોમાં ઝળકી રહી હતી. લિયો અને ડિયોએ પણ એને બોલવાં દીધો. દરિયામાં સમય જ સમય હતો.)

"લોકોએ... કેમ?" ડિયોએ જીજ્ઞાસાથી પૂછ્યું.

"કારણ, શહેરમાં રહેતાં હજારો લોકોમાં એક જ વ્યક્તિ એવો કે જેને ઈશ્વર ક્દાચ સૌથી વધુ પ્રેમ કરે છે. આવું શાં માટે? ખબર નહીં પણ હું કોઇપણ કાર્ય કરું મારે છેલ્લે "હે ભગવાન!!!" બોલવું જ પડે છે. જ્યારે હું આ બોલું ત્યારે આખાં શહેરમાં "ઓહ... પુઅર પેડ્રો!!" નાં પડઘાં પડે ને આખાં શહેરની બત્રીસી ચમકી ઉઠે. ક્યારેક ક્યારેક તો એવું લાગે છે કે, ઇશ્વરે, પેડ્રો નામક પોતાનાં સૌથી પ્રિય મિત્રની ટિખળ કરવા એને પૃથ્વી પર ફેંક્યો છે. આ કરુણ રસમાં જબોળેલો પેડ્રો એટલે હું પોતે...

આમ તો, હું મોજિલો નવયુવાન. રહેવાનું મા સાથે. કામ જે મળે તે કરવાનું. એકરીતે તો આખાં શહેરનો ભાર મારા પર જ સમજો. કોઈને કોઈ પણ કામ હોય મેં કદી ના નથી કહ્યું અને હું કરું પણ મનથી છતાં મારી કરમ કઠણાઈ, કંઈક તો ન થવાનું થઇ જ જાય.. જોકે શહેરનાં લોકો મને ખૂબ ચાહે પણ છે. એમાં પણ શહેરમાં કંઈક અજુગતું થાય તો નાળિયેર પેડ્રો પર જ ફોડાય. (બધાં હસ્યાં)

એકવાર બાજુવાળીએ મને ઘઉં દળવા આપ્યા. હું બરાબર દળાવી લાવ્યો. બાજુવાળીએ લોટનો ડબ્બો હાથમાં લેતાં લેતાં મારા વખાણ શું કર્યા ત્યાં તો જાણે પૃથ્વીને શેષનાગે મસ્તક પર ધારણ કરી છે એમ ગરમાગરમ લોટને પોતાનાં માથે ધરનાર તળિયાને પોતાનું અપમાન થયું હોય એમ એ લોટને લઈને જમીનદોસ્ત.... પત્યું. આમાં મારો કોઈ વાંક? ડબ્બાનું તળિયું મેં ક્યાં તોડ્યું છતાં,

"પેડ્રો....." પડોશણ બરાડી.
"હે ભગવાન!!!" હું ઉપર જોઈ બોલ્યો.
"ઓહ.... પુઅર પેડ્રો!!!" પોતપોતાનાં ઘરોની બારીમાંથી ડોકું કાઢી નર-નારી બોલ્યાં.

આમ મારું નસીબ પાવરધું. હમણાં મને ઈનામમાં જહાજની મુસાફરી લાગી ફ્રીમાં. "હુર્રેરેર્રેઈઈઈઈઈ...... હું ફરવા જઈશ... હું ફરવા જઈશ... હું ફરવા જઈશ..." એમ નાચતો ગાતો હું શેરીઓમાંથી પસાર થઇ સુખરૂપ ઘરે પહોંચ્યો, માને ખુશખબર આપી. મા પણ ખુશ કે મારા જીવનમાં કંઈક તો સીધું, સાદુ અને સારું બન્યું. બધી તૈયારીઓ કરી મા અને મિત્રોએ મને જહાજમાં બેસાડી દીધો.

મેં દરિયા પર સરતાં જહાજમાં ખુશ થતાં થતાં બેડ પર આંખો બંધ કરી પણ ઉપર કોઈ ખીખીખી કરતું હોય એવું મને લાગ્યું.

નિદ્રા દેવીની શરણમાં પડેલો હું અને દરિયે પડેલું જહાજ ખબર નહીં ક્યાં કેફમાં સામાન્ય કરતાં વધું આમ-તેમ ડોલવા લાગ્યા. બધાં મુસાફરો જાગી ગયાં, હું પણ આંખો ચોળતો પોતાને સંભાળતો રૂમમાંથી બહાર આવ્યો. ત્યાં જહાજનો સહાયક કેપ્ટન સૌને માહિતગાર કરી રહ્યોં હતો.

"સાંભળો... શાંતિ રાખો. જહાજ સલામત છે. અમારા કાબૂમાં છે. સામે એક સુંદર ટાપુ દેખાઇ રહ્યો છે. કેપ્ટન ઇચ્છે છે કે આપ સૌ થોડાં સમય માટે એ ટાપુના સ્વચ્છ વાતાવરણ અને એથી પણ વિશેષ પારદર્શક છીછરાં કિનારાની સહેલગાહનો આનંદ માણો. ત્યાં સુધીમાં જહાજની તકનીકી ખામી ઠીક કરી લેવાશે."

ટાપુ આવતાં મુસાફરો સાથે હું પણ ઉતર્યો. કેટલાક મુસાફરો કિનારે ફરી રહ્યાં હતાં. કેટલાંક મખમલી મુલાયમ રેતમાં બેઠાં. હું પારદર્શક છીછરાં પાણીમાં ચાલી રહ્યો હતો ત્યાં એણે એક ચમકતાં મોતી જડેલ સુંદર સોનેરી ફૂલને પાણીમાં સરકતાં જોયું. કુતુહલવશ હું એની પાછળ પાછળ ચાલ્યો. મને થયું એક મોતી પણ મળી જાય તો મા ને ભેંટ આપીશ. પરંતુ, અસલમાં એ સ્ટાર ફીશ છે એ મને સમજાય એ પહેલાં જ જહાજનું ભૂંગળું વાગ્યું. મેં જોયું જહાજ મને છોડી જઈ રહ્યું છે. હું દોડ્યો, બૂમો પાડી પણ જહાજ નીકળી ગયું.

હું બોલ્યો, "હે ભગવાન!!"
ને જાણે એ પાણીમાં રહેતાં જીવો સાથે નિર્જન ટાપુ પણ બોલી પડ્યો, "ઓહ... પુઅર પેડ્રો !!!"

આજે એક અઠવાડિયું થયું, અહીં જ આ નિર્જન ટાપુ પર. તમે ન આવ્યાં હોત તો ખબર નહીં હજી કેટલાં દિવસ રહેવું પડત!"

"ઓહ... અઠવાડિયું!!! કંઈ રીતે કાઢ્યું એ વેરાન જગ્યામાં. ખાવા-પીવાનુ શું કર્યું?" લિયોએ પૂછ્યું.

"જહાજ ગયું એટલે ખબર તો પડી જ ગઈ કે, અહીંથી જલ્દી બહાર નહીં જવાય ને બહાર જવા જીવતું રહેવું પડે ને જીવવા માટે જમવું પડે તો કંઈક તો કરવું જ પડશે, કોઈની રાહ જોતાં જોતાં... આમ તો હું હોશિયાર.. તો હું કિનારેથી અંદર ગયો, નાળિયેર અને કેટલાક પાંદડા લઇ આવ્યો. મા મારી પાસે હંમેશા એક નાનકડું ચાકુ રખાવતી એ કામ આવ્યું. સાંજ સુધી રાહ જોઈ મદદગારની ને પછી સૂઈ ગયો પાંદડાઓ પર. બસ, આ જ નિત્યક્રમ..."

"કોઈ જાનવર કે સમુદ્રી જીવનો ડર ન લાગ્યો?"

"જીવને એનાથી વધુ શક્તિશાળી જીવનો ડર લાગે જ ને ડિયો..‌.."

"લિયો."

"માફ કરજો... નામની અદલાબદલી થઈ ગઈ."

"જાનવરો આગથી ડરે. આગ સળગાવી હશે એણે ડિયો."

"મારી માએ મને ચાકુ રાખતાં જ શીખવ્યું છે માચીસ નહીં એટલે ક્યાંથી સળગાવુ! હા... વાર્તાઓમાં આવે એમ બે પથ્થર ઘસીને પ્રયત્ન કરેલો પણ પથ્થર ઘસાયા તણખાં ન ઝર્યા."

"તો તો તું ખૂબ નાસીપાસ થઈ ગયો હોઇશ."

"હા પણ ને ના પણ... રઝળી રઝળી નાસીપાસ થયેલો માણસ થાકે... પછી સૂઈ જાય એમ પણ હું પણ સૂઇ જતો ને સવાર તો આશા લઈને જ આવે ને! પણ ડર તો લાગેલો છતાં ક્યાંક વિશ્વાસ હતો કે કોઈ તો આવશે જ... અથવા હું કંઇ પણ કરી અહીંથી બહાર જઈશ જ. હા એકલો થઈ ગયેલો, મા બહું યાદ આવી, શહેર બહું યાદ આવ્યું."

"ધાર કે અમે ન આવ્યાં હોત તો તું શું કરત? અહીં જ...."

"તમે ન આવ્યાં હોત તો આજે હું હોડી બનાવવાનું ચાલુ કરવાનો હતો."

"તને હોડી બનાવતાં આવડે છે?"

"ડચ..... ના. પણ અહીં નાળિયેરીનાં થોથાં બહું છે એને બાંધીને પાણીમાં નાખી ક્યાંક તો નીકળી જાત."

"હાહાહા... ક્યાંક એટલે ક્યાં? દરિયામાં દિશા ન મળે યંત્ર વગર."

"ક્યાંક એટલે જ્યાં કોઈ માણસ હોય. પછી તો ગમેતેમ શહેર પહોંચાય."

"યોજના તો સારી હતી."

"હમમમ્.... યોજનાઓ સારી જ હોય છે પણ પાર ઉતરે ત્યારે ખરું."

એટલાંમાં દરિયો તોફાની બન્યો. હોડી ડોલવા લાગી. લિયો અને ડિયો બંને હલેસાંની મદદથી હોડી સંભાળવા લાગ્યાં. લિયોને લાગ્યું કે હોડીમાં વજન વધું છે એટલે એણે પેડ્રોને થોડો સામાન ફેંકવા કહ્યું ને પેડ્રોએ એમ જ કર્યું. થોડીવાર રહી હોડી સ્થિર થઈ.

"લિયો, જમવાની સામગ્રી ક્યાં ગઈ?"

"ક્યાં ગઈ એટલે ત્યાં જ હશે ડિયો. બરાબર જો."

"અહીં નથી."

"તે ખૂણે ભોજન સામગ્રી હતી!" પેડ્રો એ ડર સાથે પૂછ્યું.

"હા" કહી લિયો અને ડિયોએ માથું પકડી લીધું.

"હે ભગવાન!" પેડ્રો બોલ્યો.

"હોડી, હોડીનો સામાન, પાણી અને નિર્જન ટાપુનો છૂટતો કિનારો પણ જાણે બોલી ઉઠ્યો, "ઓહ.. પુઅર પેડ્રો!!!"

- મૃગતૃષ્ણા
🌼🌼🌼


Share

NEW REALESED