A story of a dark night books and stories free download online pdf in Gujarati

એ અંધારી રાતનું વૃત્તાંત

આ કથા સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ સજીવ-નિર્જિવ કે ઘટના સાથે કોઈ જ સંબંધ નથી છતાં પણ સામ્યતા જણાય તો એ એક સંયોગ માત્ર હશે.
****************
અમાસની અંધારી રાત્રે, પોતાની જાતથી જ નાસીપાસ થઈ પડેલો ઘાયલ સૂરજ ધીરે-ધીરે આંખો ખોલી એ ગાઢ અંધકારને ઉકેલવાનો પ્રયાસ કરે છે પરંતુ તિમિરથી ઘેરાયેલ એને કંઈ દેખાતું નથી. તારલાઓ મઢેલી આકાશી ચુંદડી ઓઢેલી એક સ્ત્રી એની નજરે ચઢે છે. સ્વભાવગત પોતાની દશા ભૂલી, ચિંતાથી એ ચાલી જતી સ્ત્રીને પૂછે છે.

"કોણ છો તમે? આ અંધકારમાં આટલી મોડી રાત્રે અહીં શું કરો છો?"

"હું? હું તો વાસ્તવિકતાની ધરીએ ફરતી કાલ્પનિક પૃથ્વી. તમે કોણ? તમે અહીં આ હાલતમાં? કેવી રીતે?"

"હંહહહ્... આ હાલત..!!! આ હાલત જિંદગીએ કરી છે. જેને ઠંડક આપતી બરફની જાજમ ગણી ચાલ્યો એ ધગધગતું રણ નીકળ્યું. જેને ઉપવન સમજ્યો એ કાંટાળું વન નીકળ્યું. છોડો એ બધું... હું અંધકારમાં ડૂબેલો સૂરજ. પણ તમે જવાબ ન આપ્યો?"

"મારો પરિચય તો મેં આપી દીધો."

"એ જવાબ... એ જવાબ તો કોઈ લેખિકા કે કવિયત્રીનો હતો. હું તમારો વાસ્તવિક પરિચય જાણવા માગું છું. તમને મારાથી ડર તો નથી લાગતો ને! નિશ્ચિત રહેજો, તમે સુરક્ષિત છો."

"તમે સુરક્ષિત છો તો હું સુરક્ષિત છું...મને કોઇનો પણ ડર નથી."

"ગોળ ગોળ વાતો... લોકો સીધી વાતનો સીધો જવાબ કેમ નહીં આપતાં હોય! આ દુનિયા જ એવી છે. સીધાં માણસો માટે અહીં કોઈ સ્થાન નથી."

"મને એવું નથી લાગતું. સીધાં માણસોનાં કારણે જ તો દુનિયા ટકી છે આજસુધી."

"આ બધી મન મનાવવાની વાતો છે. ખરેખર તો આ દુનિયામાં સીધાં માણસોની જરૂર જ નથી."

"એ નક્કી કરનાર તમે કોણ?"

"એક સીધો માણસ."

"હાહાહા.... હાજર જવાબી છો."

"હા... સિધ્ધાંતવાદી અને સત્યવાદી પણ એટલે જ આ દુનિયાને લાયક નથી."

"લાયક છો કે નહીં એ પણ તમે જ નક્કી કરશો?"

"તો બીજું કોણ કરે?"

"એ તો મને શું ખબર પરંતુ એકલાં તમે તો નક્કી ન જ કરી શકો..‌.. કુદરત પણ છે."

"કુદરત... હંહ.... અહીં કુદરતને કોણ માને છે?"

"એ તો છે... તમે માનો છો કે નહીં?"

"હું? ખબર નહીં."

"અચ્છા તો કહો તમારા ઘરે કોણ કોણ છે?"

"તમારે તમારો પરિચય નથી આપવો ને મારા વિશે જાણવું છે?"

"હું પરિચય આપીશ સમય આવ્યે."

"હમણાં કેમ નહીં?"

"મારા પરિચય આપ્યાં બાદ તમે વાત કે સંવાદ નહીં કરો."

"એવું કેમ? તમે કોઇપણ હોવ હું વાત કરીશ. હું ભેદભાવ, જાતપાતમાં નથી માનતો. હું દ્વિમુખી કે મુખોટાધારી નથી."

"તમને દલીલો કરવી ખૂબ ગમે છે નહિ!! મારો પરિચય જાણ્યાં પછી, મારું અસલ સ્વરૂપ જોઈ તમે મને ધિક્કારશો."

"એવું કંઈ નહીં થાય હું તમને ખાતરી આપું છું."

"તો ઠીક છે જોઈ લો."

ને અચાનક એ સુંદર સ્ત્રી, રુંવે રુંવે દાઝેલી, કુરુપ અને કૃશકાય થઈ ગઈ. સૂરજ હેબતાઈ ગયો, ભયથી કે વિસ્મયથી થોડીવાર ચુપચાપ રહ્યો. એને જોઈને એ સ્ત્રી બોલી,

"મેં કહ્યું હતું ને કે મને જાણ્યાં પછી આપણે વાત નહીં કરી શકીશું!"

"ના... એવું કંઈ નથી. પણ હજુ પણ તમે તમારો પરિચય ન આપ્યો! અને તમારી આ હાલત કોણે કરી? તમે કોઇ વાર્તામાં આવતાં માયાવી છો કે શું?"

"હું માયાવી!... હું કોઈ માયાવી નથી ને તમને હાનિ પણ નહીં પહોંચાડું. હવે, મારો પરિચય સાંભળો. હું તમારી જિંદગી, તમારું આયખું અને મારી આ હાલત કરનાર વ્યક્તિ તમે પોતે."

"શું? શું વાત કરો છો? તમે મારી હાલત જોઈ રહ્યા છો. હું કંઈ રીતે તમારી આવી હાલત માટે જવાબદાર ગણાવ?"

"કેમ નહીં? તમે મને કહ્યું કે, તમારી આ હાલત માટે જિંદગી જવાબદાર છે તો મારી એટલે કે તમારી જિંદગીની બદહાલી માટે તમે કેમ જવાબદાર નથી?"

"એવું કેમ શક્ય બને!"

"તમારી સાથે જ તો હું જોડાયેલી છું. તમારા થકી જ તો હું છું. તમે જ મને શણગારી શકો, દુઃખી કરી શકો, મારી શકો... હું તો કઠપૂતળી કે રમકડું છું તમારું. તમારી દરેક સારી નરસી ક્રિયાઓ, દરેક જાતના વિચારો મને અસર કરે છે. મારી અત્યારની હાલત પણ તમારી મનોદશાને જ આભારી છે."

"પરંતુ, તમે નથી જાણતા મારી સાથે શું શું થયું છે! મેં જાણી જોઈને મારી આ હાલત નથી કરી કે નથી તમારી કરવા ઈચ્છી."

"જાણું છું પણ આજ સુધી ક્યારેય તમે મને બિરદાવી છે! ક્યારેય મને ક્ષણભર માટે ચાહી છે! કયારેય મારી માટે ખુશ થયાં છો! કોઈ નાનકડી ખુશી પણ મારી સાથે માણી છે! ક્યાંથી? હું તો તમારી માટે એક અદ્રશ્ય, નિર્જીવ વસ્તુ એટલે જ તમે મને આવી બનાવી દીધી... હા, સરખામણી કરી ધિક્કારી જરૂર છે. અત્યારે પણ ધિક્કારો જ છો. બરાબર ને!"

"હા... પણ..."

"દલીલો રહેવા દો. તમે જિંદગીને પોતાની ગણી જ નથી, પ્રેમ કર્યો જ નથી તો તમે બદલામાં જિંદગી સુંદર જ હોય એવી અપેક્ષા કેમ રાખો છો?

હું ક્યાં ભિન્ન છું તમારાથી! તમારો જ સમય છું, તમારી જ સમાંતર છું, પ્રતિબિંબ છું તમારું. છતાં માંકડાની જેમ પોતાના જ પ્રતિબિંબ પર શંકા.... આશ્ચર્ય છે!

લોકો જિંદગીને યુદ્ધ સમજે છે પણ મારું ધ્યેય ક્યારેય જીતવું રહ્યું જ નથી, મારું ધ્યેય તો વહેવું છે, જીવવું છે છતાં ખબર નહીં કેમ લોકો મારી સાથે દેખાદેખીથી સ્પર્ધામાં ઉતરી જીતવાની લ્હાયમાં મને હારી જાય છે.... હું જિંદગી છું જિંદગી... કોઈ સ્પર્ધક નથી. સમજો...."

"મને સમજાય ગયું છે જિંદગી... આજ પછી હું તને ચાહીશ અને હંમેશા હરહાલમા ખુશ રાખવાનો પ્રયાસ કરીશ. ભલે, કોઈ મારી સાથે હોય કે ન હોય..હું તારી માટે અને તું મારી માટે.... હવે પછીનો સફર આપણો હશે."

આટલું સાંભળતા જ એ સ્ત્રી રૂપી જિંદગી ફરી સુંદર બની ગઇ ને એ અંધારી રાતનાં વૃતાંતમાં નવો સૂરજ ઊગ્યો.

-મૃગતૃષ્ણા
🌼🌼🌼