Magic blank book books and stories free download online pdf in Gujarati

જાદુઈ કોરી કિતાબ

પંદર વર્ષે આ ઘરનાં આંગણામાં પગ મૂકું છું, પચાસી વટાવીને. બારણે લટકતું તાળું રાહ જોઇ જોઇને શિયાળામાં ચેપડા બાઝેલી આંખોની જેમ જામ થઇ ગયેલું છે. કેટલાંય પ્રયત્નો પછી એ કટાયેલી ચાવીની ઓળખાણ પડી હોય એમ એ અવાજ કરી ખૂલ્યું. રિસાયેલા દરવાજાઓએ પણ થોડોક ગુસ્સો વ્યક્ત કર્યો પણ કોઈ સ્નેહીને માફ કરી દે એમ મને પણ માફી સાથે ઘરમાં લઈ લીધો.

ઘરમાં પગ મૂકતાં જ પહેલું વહેલું તો બાળપણ અને તેની મધૂર યાદોં જ આવીને વળગી પડી ને હું ક્યાંય સુધી એ યાદીની સુગંધ માણતો રહ્યો.

બોલાવેલા માણસોનાં પ્રવેશ થયો એટલે યાદોને જરા હડસેલી એમને સફાઇનું કામ સોંપ્યું. એ લોકો કામે વળગ્યાં. થોડીવારમાં એક માણસે મારી સામે માળિયું સાફ કરતાં મળ્યો એ પુરાતન નક્શીકામવાળો પટારો મૂક્યો અને હું તત્કાળ જાદૂઈ રીતે મારા બાળપણમાં પહોંચી ગયો. આ મીઠું ફૂઈનો પટારો જે મને ખૂબ જ ગમતો, અમારો સહિયારો પણ ખરો. આમાં ફૂઈએ મારી માટે એક જાદુઈ કોરી કિતાબ, એક મોરપંખ અને એક પેન્સિલ રાખી હતી. આ જાદુઈ કોરી કિતાબમાં આંખો બંધ કરી ચહેરે મોરપંખ ફેરવી, પેન્સિલથી જે પણ લખે એ સાચું થઇ જતું અને થયું પણ છે.

મને બરાબર યાદ છે, એકદિવસ હું ખૂબ જીદે ચડ્યો હતો કે મને ચાવીવાળું સ્કૂટર જોઈએ જ. મારે મોન્ટુને બતાડી દેવું હતું કે એની પાસે કાર છે તો મારી પાસે ચાવી વાળું સ્કૂટર છે. મમ્મી-પપ્પાએ ના પાડી તો હું રિસાઇને માળિયે બેસી ગયેલો ત્યારે ફૂઈએ મને આ રહસ્ય કહ્યું હતું કે આપણી પાસે જાદુઈ કોરી કિતાબ છે. એમાં કંઈ પણ લખીએ તો એ સાચેસાચ મળી જાય ને મેં એમને ચાવી વાળું સ્કૂટર લખવા કહેલું, ત્યારે એમણે મને કિતાબનો નિયમ સમજાવેલો કે કિતાબ માત્ર તને ઉપયોગી વસ્તુઓ નહીં આપે, એ વસ્તુ બધાને ઉપયોગી હોવી જોઈએ. કોઈને નીચું દેખાડવા કે કોઈનું નુકસાન કરતી હોય એવી ઈચ્છા આ દૈવીય કિતાબ ક્યારેય પૂરી નહીં કરે. સાંજે કિતાબમાં લખી જવાનું અને સવારે જોઈ જવાનું. જો કિતાબમાં મોરપંખ એ પાનાં પર મળે તો એ ઇચ્છા પૂરી થશે નહીં તો નહીં. પરંતુ, સૌથી મોટી શરત કે આ વાત કોઈને ખબર ન પડવી જોઈએ નહિ તો કિતાબ કામ નહીં કરે.

સ્કૂટર તો કિતાબે ન મેળવી આપ્યું પણ બીજી ઘણી ઇચ્છાઓ આ કિતાબે પૂરી કરી હતી એ બરાબર યાદ છે.
* મોન્ટુને જલ્દી તાવ ઉતરી જાય.
* રેખાને નવી સ્કૂલ બેગ મળી જાય.
* ઘરમાં સગડી આવી જાય જેથી મમ્મીની આંખો અને હાથ ન બળે.
* સિધ્ધુને જન્મદિવસે બોલપેન આપવાની ઈચ્છા કેમ કે એને બોલપેન બહું ગમતી.
* રિન્કુનું ખોવાયેલું રબર મળી જાય.
* ભીખા બાપાની આંખો સારી થઈ જાય.
* નવરાત્રિમાં બધાને લાડવાનો પ્રસાદ મળે.
* વાડામાં વરસાદમાં નમી પડેલા ઝાડ પર રહેલો માળો સુરક્ષિત રહે.
* જન્માષ્ટમીમાં દિવસે રમતોત્સવ યોજાય.
* મોળાકતમાં છોકરીઓ સાથે છોકરાને પણ ફરવા લઇ જાય અને ખાવું મળે.
* ભૂરી કૂતરીના બચ્ચાંને ઠંડીથી બચાવી લેવાની ઈચ્છા.
* નાસ્તામાં શીરો કે લાપસી મળે તો મિત્રો સાથે ઉજાણીની ઈચ્છા.
* પીન્ટુનાં ખોવાયેલા બે રૂપિયા મળી જાય.
* ટીન્કુ વાછરડાંનો પગ સારો થઈ જાય.

ને એવું તો કેટલું બધું. બાળપણમાં આ કિતાબ મારું કલ્પવૃક્ષ હતું અને આજે મારી બાળસહજ સદ્ ભાવનાઓનું સ્મૃતિસંભારણું. મેં પટારો ખોલ્યો. કિતાબ ખોલી, દરેક પાને મને મારા સત્કર્મો મળ્યાં અને એ ઈચ્છાઓ પૂર્ણ થયાની ખુશી ફરી મારા ચહેરે ફરી વળી.

એ કોરી કિતાબ જાદૂઈ નહોતી પણ ફૂઈ હતી. મારામાં સદ્ભાવનાનાં સંસ્કારો રોપનાર જાદૂઈ પરી જે રોજ રાત્રે કિતાબનું લખાણ વાંચી એ પાને મોરપંખ મૂકી જતી અને પરીની જેમ ઈચ્છાઓ પૂર્ણ કરતી. જે દિવસે મોરપંખ ન મુકાયું હોય એ દિવસે મારી પાસે કંઈપણ કરી વાત કઢાવીને ઈચ્છા ન પૂરી થવાનાં કારણો સમજાવતી.

આ જાદુઈ કિતાબ થકી જ એણે મને જીવનનાં પાઠ ભણાવ્યા. દસ વર્ષે તો હું મમ્મી પપ્પા સાથે ગામ ઘર છોડી ગયેલો પણ એ સુસંસ્કાર અને સુવિચારો હંમેશા મારી સાથે રહ્યાં.

એક અવાજ કાનમાં ગુંજ્યો, "અહીં શું તકલીફ છે તમને? ખબર નહીં ગામડાનું શું વળગણ છે તમને? સેવા અહિયાં પણ થાય. ત્યાં ગામડે કોણ ધ્યાન રાખશે તમારું પપ્પા? અમને તમારી ચિંતા છે એટલે ના પાડીએ છીએ પણ તમારે સમજવું જ નથી તો તમારે જવું હોય તો જાવ પણ અમારી આશા ન રાખતાં." આજે ફૂઈ નથી, કોઈ નથી જે મને સમજી શકે, મારી સેવાની જરૂર અહીં વધુ છે એ દિકરાને કેમ સમજાવું! પણ જાદૂઈ કિતાબ હજું પણ છે...

મેં એક આશે પાનું ખોલ્યું અને લખ્યું, "હું આ ઘરમાં પાછો ફરું, પહેલાં જેવો જ બની, અને આ જાદુઈ કિતાબ ક્રિશુને વારસામાં આપી શકું ફૂઈની જેમ." ત્યાં જ ટેબલ પર પડેલું મોરપંખ હવાથી ઉડી પાનાં પર આવી ગયું અને મારા ચહેરાને બાળપણનું એ વિજય સ્મિત મળ્યું ન મળ્યું ત્યાં તો ફરી હવા આવી પણ મેં એને એ પાને જ દબાવી રાખ્યું.

- મૃગતૃષ્ણા
🌼🌼🌼