Devdivala's Dandai books and stories free download online pdf in Gujarati

દેવડીવાલાની દાંડાઈ

આ વાર્તા એક મનોરંજન માત્ર છે. પાત્રો અને ઘટનાઓ પૂર્ણ પણે કાલ્પનિક છે. જો ક્યાંક કોઈ વ્યક્તિ કે ઘટના સાથે સામ્યતા જણાય તો એ માત્ર એક સંયોગ હશે.

********************

સવારની પહોરમાં આછાં અજવાળે બગીચામાં જઈ યોગાભ્યાસ કરવાનું વિચાર્યું અને ચાલી મૂક્યું. ફૂલગુલાબી ઠંડીની મજા માણતાં માણતાં પ્રકૃતિને નજર અને શ્વાસોમાં ભરતાં ભરતાં દિનચર્યા વિશે વિચારો અચાનક મગજમાં ચકરાવે ચઢ્યા, ખાસ તો ઓફિસમાં આવેલા બદલાવના વિચારો...

આજે એક પગે ઉભા રહી વૃક્ષાસન કર્યું.... આસન તો થઈ ગયું પણ વૃક્ષ જેવી સ્થિરતા ન આવી મનમાં. વિચારો તો પાંદડા માફ્ક ફફડતા જ રહ્યાં.

આ વૃક્ષો કેમ કરી ખામોશી ઓઢી લેતાં હશે! નક્કી હું પણ પ્રયત્ન કરીશ. આજે તો ઘડ-માથા વગરની વાતો નહીં જ સાંભળું. દેવડીવાલાને મિત્રો નથી તો શું એ મારી ભૂલ છે? આખો દિવસ બાજુમાં બેસી, કામનાં ટેન્શનમાં એનો બકવાસ પણ સાંભળવાનો ને પાછો એ જ વાહિયાત વાતો બીજાંને મારા નામે ચોટાડે... એની જગ્યા બદલતા એણે મારી બાજુની બેઠક સંભાળી પણ મને હલાવી નાંખ્યો...આટલાં દિવસથી દયા ખાઈને એનું મન ખાલી થાય તો એને શાંતિ થાય એમ વિચાર્યું પણ આ તો પાતાળકૂવો. દયાની માને ડાકણ ખાય એવો ઘાટ થયો. હવે..... હવે હદ થાય છે. દેવડીવાલા તો અપરિમિત, કોઈ સીમા જ નહીં. સવારે નવ વાગ્યેથી શરું થતું દેવડીવાળાનું રેકોર્ડ નથી ઘસાતું નથી બગડતું પણ બપોરે બાર વાગ્યા સુધીમાં મારું મગજ બગડી જાય છે.

આટલો સમજું અને જ્ઞાની માણસ આવો કેમ? એ પ્રશ્નનાં સમાધાન સુધી પહોંચવાનું ઘણીવાર મન થાય પરંતુ, દેવડીવાળાની નોન-સ્ટોપ ધસમસતી વાતોની વણઝારની એવી બીક પેસી ગઈ છે કે શબ્દોય મોઢામાંથી બહાર નીકળવાની ના પાડી દે છે.

આવા બધાં તુગલખી વિચારો સાથે ઓફિસ પહોંચ્યો ને જોયું તો દેવડીવાલા પહેલાંથી જ પોતાની જગ્યાએ ગોઠવાયેલાં હતાં. ઔપચારિક સુપ્રભાતનુ અભિવાદન પૂરું કરી છટકવાનુ વિચારું એ પહેલાં જ દેવડીવાલા એ 'યુ નો વોટ?' થી શરું કરેલું આખ્યાન 'શાળા, શિક્ષકો, બગડેલા બાળકો, તેથી વધું બગડેલા વાલીઓને ટાપી બૉસ, ફેરિયાવાળા, શાકવાળા અને પાણીપૂરીવાળાની જોહુકમીની બૂરી વલે કરી 'આપણે શું? મેં તો કંઈ બોલું જ નઈ.' પર સમાપ્ત થઈ. પણ એ સમાપનમાં મારું યોગદાન લાવારસ જેવું રહ્યું....

નવથી બારનાં એ શૉમાં ચુપ રહેવાનો મારો નિર્ણય આગમાં ઘી સાબિત થયો. દેવડીવાલાની વાતો જે જ્વાળાઓ ઉત્પન્ન કરતી હતી મારામાં એમાં મારા ચુપકીદીનાં નિર્ણયે મને જ સળગાવી મૂક્યો.

છેલ્લે, ન રહેવાયું. સહનશીલતાની હદ આવી અને જ્વાળામુખી ફાટયો.
'દેવડીવાલા... ન હું તારા શાકભાજી વાળાને ઓળખું ન પાણીપુરી વાળાને, ન વંઠેલ બાળકો કે એનાં વાલીઓને, લોકો જેમ જીવતાં હોય એમને જીવવા દે ને! બસ કર...મારે નથી સાંભળવું.' આવું મારા કાન, મગજ અને મારું આખેઆખું અસ્તિત્વ એકસાથે ઉકળતાં બોલ્યાં.

બોલ્યાં પછી પસ્તાવો પણ થયો કે, એની વાતો કોઈ સાંભળે નઈ એટલે એ મને સંભળાવે. આખરે માણસને માણસ તો જોઇએ ને સાંભળવા માટે...

ત્યાં જ ફરી, 'યુ નો વોટ!' સંભળાયું ને ખરેખર ચુપકીદી મને ઘેરી વળી... સાપે છછુંદર ગળ્યા જેવી હાલત મારી... આનો કોઈ તોડ નથી એમ મન મને કાનમાં કહી ભાગી ગયું.

સાંભળ્યું હતું કે મૌનથી મોટું કોઈ અસ્ત્ર નથી પણ અહીં એ વિફળ રહ્યું, મૌન નામનું અસ્ત્ર જેને મેં બ્રહ્માસ્ત્ર ગણેલું એણે તો હનુમાનજીની જેમ દેવડીવાલાની પ્રદક્ષિણા શું એનાં રડાર સુધી પહોંચી પાછું વળી મારા પર જ પ્રહાર કર્યો ને હું ધ્વસ્ત, ત્રસ્ત કાનને ફોગટ સાંત્વના આપતો કામમાં માથું મારતો બેસી રહ્યો...

~ મૃગતૃષ્ણા
🌼🌼🌼