Jivan Sathi - 23 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 23

ડૉ. જીનલ શાહ આન્યાને સમજાવવાની કોશિશ કરે છે, " આન્યા બેટા, સાંભળ આ તારા મમ્મી-પપ્પા છે અને તારે થોડા સમય માટે અહીં તેમની સાથે રહેવું પડશે કારણ કે આ તારો ભાઈ દિપેન છે ને તેને એક મહિના માટે બહારગામ જવાનું થયું છે તો તું તારા મમ્મી-પપ્પાની સાથે રહીશને બેટા ? "

અને આન્યા ફરીથી નકારમાં માથું ધુણાવતી ધુણાવતી દિપેનને વળગી પડે છે જાણે કે તે કહેવા માંગતી હોય કે, ભાઈ મને પણ સાથે લઈને જ જા...

ફરીથી આ ની આ જ વાત ડૉ. જીનલ શાહે આન્યાને સમજાવવાની કોશિશ કરી અને છેવટે આન્યાએ દિપેનને પોતાના ઘરે જવાની સંમતિ આપી અને સાથે એવી શર્ત પણ રાખી કે એક મહિના બાદ દિપેન અહીંયા આવીને પોતાને લઈ જશે.

આમ, દિપેન પણ દુઃખી હ્રદયે આન્યાને તેના મમ્મી-પપ્પાને સોંપીને પોતાના ઘરે જવા માટે નીકળી ગયો.

બીજે દિવસે સવારે......
આન્યા ઊંઘમાંથી ઉઠી અને પોતે ક્યાં છે અને કેમ અહીંયા આવી છે તેમ મોનિકા બનને પૂછવા લાગી...મોનિકા બેન તેને પ્રેમથી સમજાવતાં કહે છે કે.... " બેટા આ તારું જ ઘર છે તું પહેલા અહીંયા જ રહેતી હતી અને આ તો અમારે આઉટ ઓફ ઈન્ડિયા જવાનું થયું માટે તને એક મહિનો ભાઈના ઘરે રહેવા માટે મોકલી હતી અને એક મહિનામાં તો તારા મમ્મી-પપ્પાને ભૂલી ગઈ બેટા " (અને મોનિકા બેન આન્યાને ખૂબજ પ્રેમથી ભેટી પડે છે અને તેમની આંખમાં આંસુ આવી જાય છે આન્યા પણ મોનિકા બેનનો નિર્દોષ પ્રેમ જોઈને તેમને વળગી પડે છે.

મોનિકા બેનને તો જાણે વર્ષો પછી પોતાની લાડલી પાછી મળી હોય તેવો અહેસાસ થાય છે અને એટલામાં ડૉ. વિરેન મહેતા આન્યાના આલિશાન બેડરૂમમાં પ્રવેશે છે અને મા-બેટીનુ મધુરું મિલન જોઈને ખુશ થઈ જાય છે તેમને હવે પાક્કો વિશ્વાસ બેસી જાય છે કે આન્યાની સ્મૃતિ થોડાક જ સમયમાં પાછી આવી જશે અને તે આ બંનેના પ્રેમમાં ભાગીદાર બનવા માટે આ બંનેની નજીક જાય છે અને મા-બેટી બંનેને પોતાના બાહુપાશમાં લઇ લે છે અને બોલી પડે છે કે, " બંને મળીને આ ગરીબ બાપને પાછા ભૂલી ન જશો. " અને ત્રણેય જણા હસી પડે છે. (માણસ પાસે બધુંજ હોય છતાં પણ તે પ્રેમનો ભૂખ્યો હોય છે.)

મોનિકા બેન અને ડૉ. વિરેન મહેતાની લાગણી અને અનન્ય પ્રેમ જોઈને આન્યાને મનોમન લાગ્યું કે, હા આ મમ્મી-પપ્પા જ લાગે છે બાકી મારા ખાવા પીવાથી માંડીને, ઊંઘવાથી માંડીને મને ડૉક્ટર પાસે લઈ જવાની ચિંતા કોને હોય ?

અને આજે જાણે તેના મન અને હ્દહ ઉપર અણગમાનો જે ભાર હતો તે તેને દૂર થતો લાગ્યો અને એક અદ્ભુત માનસિક શાંતિનો તેણે અનુભવ કર્યો.

"માં તે માં બીજા બધા વગડાના વા" દુનિયામાં ઘણાંબધાં સુખ પૈસાથી ખરીદી શકાતા હશે પરંતુ માતા-પિતા નહીં. કદાચ એની ખબર અનાથને વધારે હશે.

મોનિકા બેને આન્યાને ફ્રેશ થઈને તૈયાર થવા માટે સમજાવ્યું અને તેની સામે તેનું આખું વોર્ડ્રોબ ખોલીને મૂકી દીધું.

આન્યા પોતાનું વોર્ડ્રોબ જોઈને વિશ્મયમા મૂકાઈ ગઈ અને મોનિકા બેનને પૂછવા લાગી કે, " આ બધા કોના કપડા છે? "
એટલે મોનિકા બેન તેની બાજુમાં આવીને ઉભા રહે છે અને એક એક કપડું પોતાના હાથમાં લઈને આન્યાને યાદ અપાવવાની કોશિશ કરતાં કહે છે કે, આ ટી-શર્ટ તે અહીંથી લીધી હતી અને આ પેન્ટ તે અહીંયાથી લીધું હતું. "

આન્યા પોતાના દિમાગ ઉપર જોર લગાવે છે પરંતુ તેને કંઈજ યાદ નથી આવતું એટલે તે બોલી પડે છે કે, " મોમ, મને કંઈજ યાદ નથી આવતું. "

મોનિકા બેન આન્યાના મોંમાંથી સરી પડેલા "મોમ" શબ્દથી ભાવવિભોર થઈ જાય છે અને આન્યાને માથે હાથ ફેરવતાં કહે છે કે, " ધીમે ધીમે તને બધું જ યાદ આવી જશે બેટા અત્યારે તું નાહી ધોઈને તૈયાર થઈ જા અને તારા ગમતાં કપડા પહેરી લે આજે તને મળવા માટે તારા ફ્રેન્ડસ આવવાના છે. " અને આન્યા રેડી થવા માટે પોતાના વોશરૂમમાં જાય છે. મોનિકા બેન તેમજ ડૉ. વિરેન મહેતા ઘણી રાહત અનુભવે છે..

હવે આન્યાના ફ્રેન્ડ્સ તેને મળવા માટે આવે ત્યારે શું સીન ક્રિએટ થાય છે તે હવે પછીના ભાગમાં..... વાંચતા રહેશો અને પ્રતિભાવ આપતા રહેશો તેવી વિનંતી 🙏

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
16/11/2021