Sexaholic - 3 books and stories free download online pdf in Gujarati

સેકસાહોલિક - ભાગ - ૩

સાંજે સ્કૂલથી ઘરે જતી વખતે દર્પણ ફૂલ્યો ન સમાતો હતો. એના મનમાં ગર્વ હતો કે મળેલા ઇનામમાં પૈસાથી એ પોતાના પરિવારની મદદ કરી શકશે. દર્પણ બસમાં બેસી ઘરે જઈ રહ્યો હતો ત્યારે એક અજાણી છોકરી આવીને પૂછ્યું.
' તું એજ છે ને જેને આજે સ્પર્ધામાં વિજેતા જાહેર કરવામાં આવ્યો હતો ?' એણે પૂછ્યું.
' હા હું એજ છું.' દર્પણે કહ્યું.
એ છોકરી દર્પણ સાથે વાત કરવાની કોશિશ કરી રહી હતી પણ દર્પણ હતો કે એનો પીછો છોડવા કોશિશ કરતો હતો. દર્પણ છોકરાઓની સ્કૂલમાં ભણ્યો હોવાથી એને પહેલાથી છોકરીઓ સાથે વાત કરવાની ફાવતું ન હતું માટે તે હંમેશા છોકરીઓ થી દૂર જ ભાગતો. તે દિવસ પણ એણે એમ જ કર્યું. પોતાનું ગામ આવતાં દર્પણ ફટાફટ બસમાંથી ઉતરી ઘર તરફ દોટ મારી જાણે એણે કોઈ ભૂત જોઈ લીધું હોય.
દર્પણ ઘરે પહોંચ્યો ત્યારે એના માતા પિતા વચ્ચે હોળીનાં તહેવારની ઉજવણીને લઈને વાતચીત ચાલી રહી હતી. જે દર્પણના આવતાં જ બંધ થઈ ગઈ. દર્પણે ટેબલ પર જઈ પોતાનું બેગ મૂકી દીધું એને એમાંથી પેલું પરબીડિયું કાઢી એના પિતાના હાથમાં પકડવતા કહ્યું ' લો આના થી કામ થઈ જશે.' દર્પણના પિતાએ પરબીડિયું ખોલ્યું તો એમાં સો સો ની પાંચ નોટ હતી. પાંચસો રૂપિયા બે હજાર સાત આઠ ની સાલમાં ઘણા કહેવાતા હતા જેના થી વ્યવસ્થિત સામગ્રી આવી જતી હતી. દર્પણના પિતાના ચેહરા પર ખુશી છલકાઈ આવી. દર્પણ, એના માતા પિતા અને બહેન બધાના ચેહરા ઉપર મુસ્કાન છવાઈ ગઈ હતી. દર્પણના પિતા જે રામદેવપીરના ભગત હતા એમને પીરજી નો આભાર માન્યો અને બીજા દિવસે હોળીના તહેવારને લાગતો સામાન લઈ આવ્યાં.

દર્પણ નવમું ધોરણ પાસ કરી હવે દસમામાં આવ્યો હતો. દસમાંની પરીક્ષા બોર્ડ દ્વારા લેવામાં આવતી અને ઉત્તરવહી ની ચકાસણી પણ બોર્ડ દ્વારા કરવામાં આવતી માટે આ વખતે દર્પણને ખરેખર ગણિતમાં મહેનત કરવી જરૂરી હતી અને દર્પણ પણ એ વાત ને સમજતો હતો માટે એ જ્યારે પણ કોઈ પીરીયડ ખાલી હોતો ત્યારે એ એના ટ્યુશન કરતા મિત્રો પાસે ગણિતના દાખલા શીખતો. આમ કરતાં કરતાં દસમાની બોર્ડની પરીક્ષા આવી ગઈ જેમાં દર્પણે સારી તૈયારી સાથે પરીક્ષા આપી. દર્પણને માત્ર ડર ગણિતનો હતો બાકી બીજા વિષયો પ્રત્યે એ નિશ્ચિત હતો.

દર્પણની દસમાંની પરિક્ષા પૂરી થઈ ચૂકી હતી. બસ હવે માત્ર દસમાંના પરિણામની રાહ જોવાઇ રહી હતી. એક દિવસ જમતાં જમતાં દર્પણના ભવિષ્યની વાત નીકળી. ' દસમાં પછી શું વિચાર્યું છે ? પાસ થયા બાદ તું સાયન્સ જ લઈશ ને ?' રામુભાઇએ પૂછ્યું.
' ના, હું સાયન્સમાં એડમિશન લઈ કોઈપણ પ્રકારનું જોખમ લેવા નથી માંગતો. ગણિત લઈ એન્જિનિયરિંગ કરું એના કરતા દસમું પાસ કરી ડિપ્લોમા એન્જિનિયરિંગ કઈ લઉં એ પરવડે મને. એક તો મારું ગણિત કાચું છે, સાયન્સમાં નાપાસ થયો તો પ્રોબ્લેમ થશે. માટે હું ડિપ્લોમા એન્જિનિયરિંગ કરીશ અને ત્યારબાદ વિચારીશ આગળ શું કરવું.' દર્પણે કહ્યું.
' જેવી તારી મરજી.' રામુભાઇએ કહ્યું.
દર્પણને ડર ગણિતની સાથે સાથે સાયન્સમાં આવતા ખર્ચા નો હતો. ટ્યુશનમાં ખર્ચો કરતાં પણ જો એ નાપાસ થાય તો બધો ખર્ચો માથે પડે, પણ જો ડિપ્લોમામાં ગણિતમાં નાપાસ થાય તો એમાં બીજી વાર પરીક્ષા આપી પાસ કરી શકાય, માટે દર્પણે ડિપ્લોમા એન્જિનિયરિંગમાં કોઈપણ વિષયમાં એડમિશન મળે તે લઈ લેવાનું વિચાર્યું, દર્પણે ડિપ્લોમા એન્જિનિયરિંગ કરવાનો દ્રદ નિશ્ચય કરી લીધો હતો.

દર્પણનું દસમાનું પરિણામ આવ્યું જેમાં એના ૭૦ ટકા આવ્યાં. દર્પણ અને એના પરિવારે ખુશી અનુભવી પણ ગણિતમાં આવેલા એના ઓછા ગુણ કદાચ એનું ડિપ્લોમા ઇજનેરીમાં એડમીશન થવામાં અડચણ ઊભા તેમ હતા. તો પણ દર્પણે પરિણામની ચિંતા કર્યા વગર ફોર્મ ભારી દીધું. દર્પણના પાંચ વિષયના માર્ક નું મેરીટ ઓછું હતું માટે એનો મેરીટ નંબર ઘણો વધુ હતો. દર્પણને તો માત્ર એડમીશન જોઈતું હતું પછી ભલે ને એ કોઈ પણ ફિલ્ડ માં મળે. દર્પણ નું નસીબ સારું હતું જેથી એને આહવાની સરકારી પોલીટેકનિકમાં કેમિકલ ઈજનેરીમાં એડમિશન મળી ગયું. એડમિશન મળવાનું એક કારણ એ પણ હતું કે આહવા જેવા વિસ્તારમાં અમુક લોકો પોતાના બાળકોને ભણવા મોકલવા માંગતા નથી. તેઓ સારી સારી સિટીમાં અને સારી સારી કોલેજોમાં પોતાનાં બાળકોને ભણાવવાનું વિચારતાં હોય છે. ગમે તે હોય પણ ફાયદો તો દર્પણ ને થયો. કોલેજમાં રિપોર્ટિંગ કરવા ગયા ત્યારે ખબર પડી કે આહવા માં તો કોઈ કોલેજ જ નથી. હજી એનું બાંધકામ ચાલતું હતું. જેટલા પણ વિદ્યાર્થીઓએ ત્યાં એડમિશન લીધું હતું તેઓને ભણવા માટે સુરતની એસ.એસ.ગાંધી કોલેજમાં મોકલવામાં આવ્યા. દર્પણને જાજી તકલીફ થાય એમ ન હતી કારણ કે એના સગા મામા સુરતમાં જ રહેતા હતા. દર્પણના એડમિશન ને લાગતી માહિતી મળ્યાં બાદ એમણે દર્પણને સુરત બોલાવી લીધો. દર્પણના મામા એટલે કે પરેશભાઈ જાણતાં હતા કે દર્પણના પિતાજી એટલે કે એમના બનેવી દર્પણના ભણતરનો ખર્ચ ઉઠાવી શકે એમ નથી. તો એમણે દર્પણના ભણતરને લગતો તમામ ખર્ચો ઉપાડવાનો નિર્ણય લઈ લીધો. એમણે દર્પણના માતા પિતા જોડે વાત કરીને તમામ બાબતો નિશ્ચિત કરી લીધી.

દર્પણે પરેશભાઈને કહ્યું કે જ્યારે પોતે કમાતો થઈ જશે ત્યારે હું તમારો બધો પૈસો દૂધે ધોઈને આપી દઈશ. આમ કહેતાં પરેશભાઈએ દર્પણને ઠપકો આપ્યો અને કહ્યું કે તું કોઈ પારકો થોડો છે. તું મારી બહેનો દીકરો છે માટે તારી બધી જ જરૂરિયાત પૂરી કરવી એ મારી ફરજ છે. હું તારા ઉપર કોઈ ઉપકાર નથી કરી રહ્યો બલ્કે હું તો મારી ફરજ નિભાવી રહ્યો છું. દર્પણને પોતાની કહેલી વાત ઉપર ઘણો પસ્તાવો થયો.
દર્પણ પહેલાથી જ ગામડામાં રહ્યો હતો. એણે કોઈ દિવસ શહેરી જીવન માળ્યું ન હતું, અને હવે તો એને સુરત જેવા શહેરમાં રહેવાનું હતું. એને ત્યાંના વાતાવરણમાં ભળીને શિક્ષણ મેળવવાનું હતું. દર્પણે કોલેજ જવાનું કર્યું. એણે જોયું કે એના ક્લાસ માં છોકરીઓ પણ હતી જેનાથી એ થોડો અસ્વસ્થ થયો પણ પછી એણે વિચાર્યું કે હું અહીંયાં ભણવા માટે આવ્યો છું ન કે એ જોવા કે અહીંયાં કોણ અને કેવા લોકો ભણવા આવે છે. ધીમે ધીમે દિવસો જતા ગયા ને દર્પણ ના મિત્રો બનતાં ગયા...