Punjanm - 49 books and stories free download online pdf in Gujarati

પુનર્જન્મ - 49


પુનર્જન્મ 49
અનિકેતની કોઈને મળવાની ઈચ્છા નહતી. પણ આટલા વર્ષો પછી કોઈ કેમ મળવા આવ્યું હશે? શું કારણ હશે? બધું સલામત તો હશે ને.? આવા કેટલાય સવાલો મનમાં ઉદ્દભવ્યા. અને એના જવાબ માટે સુરભિને મળવું જરૂરી હતું. એ મન મક્કમ કરી આગળ ચાલ્યો. સ્નેહાના સ્ટેટમેન્ટ પછી આજે પહેલી વાર કોઈ મળવા આવ્યું હતું.
સુરભિ સાથે આંખ મિલાવવાની એની તાકાત રહી નહતી. પણ વર્ષો પછી ઘરનું કોઈ સભ્ય આજે મળવા આવ્યું હતું. એક પળ મૌન છવાયેલું રહ્યું. સુરભિ એની માજણી બહેન હતી. કોઈ પરાઈ નહતી. અનિકેતે એના પગ તરફ જોયું. એના પગમાં મહેંદી હતી. અનિકેતને આશ્ચર્ય થયું. અનિકેતે નજર ઉંચી કરી સુરભિ તરફ જોયું. એનું હદય ધડકી ઉઠ્યું. સુરભિના ગળામાં મંગળસૂત્ર હતું. માંગમાં સિંદૂર હતું. એના હાથમાં સૌભાગ્ય કંકણ હતા. મતલબ એના લગ્ન થઈ ગયા? મારા વગર? મતલબ એણે પ્રેમલગ્ન કર્યા? ના.. ના..
" સુરભિ... "
સુરભિ જેલની કાળી પડી ગયેલી દિવાલોને તાકી રહી હતી.
" અનિકેત, હું તારી સાથે કોઈ ચર્ચા કરવા માટે નથી આવી. કેમકે જે થયું એ મારા હાથમાં ન હતું. માટે હું જે કહું એ ચૂપચાપ સાંભળજે. પ્લીઝ... "
અનિકેત પોતાની આ અવદશાનું કારણ નહોતો સમજી શકતો. પણ હવે કોઈ દલીલને અવકાશ રહ્યો નહતો.
" બોલ સુરભિ. બોલ.... હવે સાંભળવા સિવાય હું કંઈ કરી શકું એમ પણ નથી. બોલ... "
" તારા અહીં આવ્યા પછી માની તબિયત ખરાબ રહેતી હતી. મામા આવીને મને અને માને એમના ઘરે લઈ ગયા હતા. છ મહિના પછી મા મને એકલી મૂકી પરલોક સિધાવી. "
સુરભિની વાત વચ્ચે કાપી અનિકેત બોલ્યો.
" વોટ, મા ગઈ. મારા અહી આવ્યાના છ જ મહિનામાં ? "
" હા... "
" અને મને બોલાવ્યો નહિ. માના અંતિમ સંસ્કાર પણ મારા નસીબમાં નહિ... અંતિમદર્શન પણ નહિ. ઓહ... ઓહ મા.. "
" એ માનો નિર્ણય હતો. માએ મારા સામે મામાને સૂચના આપીને ગઈ હતી... "
સુરભિ એક પળ અટકી. અનિકેતને એવું લાગ્યું પૃથ્વીની ગોળ ગોળ ફરવાની સ્પીડ વધી ગઈ છે. અનિકેતને એવું લાગ્યું કે પૃથ્વીની સાથે બધું ગોળ ગોળ ફરે છે. અનિકેતને એવું લાગ્યું કે એ ઉભો નહિ રહી શકે. અનિકેતે દિવાલનો સહારો લીધો.
" મામાએ બતાવેલ ઠેકાણે મારા લગ્ન થઈ ગયા. કાલે હું કેનેડા જઈશ. કદાચ કાયમ માટે. ઘર અને ખેતર તારા નામે મેં કરી દીધું છે. ઘરની એક ચાવી જમનામાસીને આપી છે. એક ચાવી તને આપું છું. બની શકે તો મારા શાંત જીવનથી દુર રહેજે. "
સુરભિએ એક ચાવી અનિકેત તરફ નાંખી અને પાછી વળી ચાલી ગઈ. અનિકેત ચાવી લેવા નીચે નમ્યો. ચાવીમાં બહેનનું વ્હાલ, હતાશા અને તિરસ્કારની મિશ્ર લાગણી એ અનુભવતો હતો. ચાવીમાં હજારો ટનનું વજન હતું. એનાથી ત્યાં બેસી પડાયું. એણે સુરભિ જ્યાં ઉભી હતી ત્યાં હાથ લાંબો કર્યો. એ પવિત્ર ભૂમિને એ સ્પર્શી રહ્યો.
અનિકેતથી ઉભું થવાતું નહતું. ભૂમિ એના આંસુઓથી ભીની થઇ રહી હતી. એ જે દિવસે જેલમાં આવ્યો એ દિવસે પણ આટલું રડ્યો ન હતો. આટલો હતાશ થયો ન હતો. બધું જ ખતમ થઈ ગયું હતું. અને એના માટે જવાબદાર હતો બળવંતરાય... હા.. બળવંતરાય..

*** *** *** *** *** *** ***

રોજ રાત થતી, તારાઓ ટમટમતા. સૂર્યોદય થયે વિદાય લેતા... રાત્રે પાછા આવતા.. પણ અનિકેતના નસીબમાંથી જે ગયું એ કદાચ ક્યારેય પાછું નહિ આવે.
માના અગ્નિસંસ્કાર એ ના કરી શક્યો. એકનો એક પુત્ર અને ભાઈ. બહેન એની હાજરી વગર પરાઈ થઈ. ચોખાના ચાર દાણા નાખવાનો મોકો પણ એને ના મળ્યો. બહેનની વિદાય પર બે આંસુ પણ એ વહાવી ના શક્યો. કોને ખબર હતી એના ખોરડાની આવી અવદશા થશે.
અનિકેત બેઠો થયો. આજે મા અને બહેન ખૂબ યાદ આવતા હતા. જેલમાં એ રાત્રે એ જાગ્યો હતો. આખી રાત જાગ્યો હતો. એણે એ રાત્રે નક્કી કર્યું હતું. હજુ સુરભિ છે. ભલે મા ગઈ. પોતે લડશે. સુરભિ માનભેર ઘરમાં આવે, પિયરમાં આવે, ગામમાં આવે એ માટે એ લડશે. પોતાની નિર્દોષતા સાબીત કરશે.
પણ છતાં ખબર ન હતી એ સમય ક્યારે આવશે. દર મહિને, બે મહિને એને બહેન યાદ આવતી અને એ આખી રાત જાગતો. એ ચાંદામામાને નાના બાળકની જેમ વિનવતો. મારી બહેનને સાચવજો. એને કહેજો, એનો ભાઈ એને યાદ કરે છે. આ ખેતર, આ ઘર કંઈ નથી જોઈતું. એકવાર.. બસ એકવાર ભાઈના સુના કાંડા પર રાખડી બાંધી જા. એકવાર વીરાને મળી જા..
અનિકેત ઉભો થયો. આંસુથી ભરાયેલ ચહેરા પર પાણી છાંટી હળવા થવા કોશિશ કરી.
મા અને બહેનની વેદના લઈ એ જેલમાં રહ્યો. એ વેદના આગળ જેલની બધી વેદના એને તુચ્છ લાગી. અને એનો જેલવાસ પૂરો થયો હતો. એ મુક્ત થયો, આઝાદ થયો હતો. પોતાનું સ્વપ્ન પૂરું કરવા. અને એને યાદ આવ્યો જેલમુક્તિનો એ દિવસ જ્યારે સચદેવા એને મળ્યો હતો.

*** *** *** *** *** *** ***

આખી રાત આમ જ વીતી. વહેલી સવારે તૈયાર થઈ એ મંદિરે ગયો. જયારે જયારે આમ એ આખી રાત જાગતો ત્યારે એ વહેલો તૈયાર થઈ મંદિરે જતો. બસ હવે થોડા દિવસ હતા ચૂંટણીના પ્રચાર માટે. પછી પ્રચાર પૂરો. બસ પછી મોનિકા પાછી આવશે.
આઠ વાગે બળવંતરાયનો ફોન આવ્યો. અનનોન નમ્બર હતો. એટલે અનિકેતને ખબર ના પડી કે કોનો ફોન હશે.
" હેલો... કોણ? "
" અનિકેત, હું બળવંતરાય. "
અનિકેત એક પળ ખચકાયો.
" અનિકેત બપોરે બાર વાગે તું હોસ્પિટલ આવી શકીશ. એકવાર. "
અનિકેત કંઈ ના બોલ્યો.
" અનિકેત એક છેલ્લી વાર. ફરી ક્યારેય કંઈ નહી માંગુ. પ્લીઝ "
" ઓ.કે.. "
અનિકેતે ફોન કાપ્યો અને બળવંતરાયના ચિંતાગ્રસ્ત ચહેરા પર હળવાશના ભાવ આવ્યા.

(ક્રમશ:)

27 ઓક્ટોબર 2020