Jivan Sathi - 25 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 25

મોનિકા બેન આન્યાને પોતાના બેડરૂમમાં લઈ ગયા જ્યાં ડૉ. વિરેન મહેતા પોતાના ક્લિનિક ઉપર જવા માટે તૈયાર થઈ રહ્યા હતા. આન્યા પોતાના ડેડને વળગીને ખૂબજ રડવા લાગી. ડૉ‌ વિરેન મહેતાની આંખમાં પણ આંસુ આવી ગયા અને એક હ્રદયદ્રાવક દ્રશ્ય સર્જાઈ ગયું.

ડૉ‌. વિરેન મહેતાએ આન્યાને શાંત પાડી અને મોનિકા બેનને તેની દવા તેને આપવા કહ્યું જેથી આ બધી વાતોની આડ અસર તેના દિલોદિમાગ ઉપર ન પડે અને તે બિલકુલ નોર્મલ જ રહે.

અને પછી ડૉ. વિરેન મહેતા આન્યાને પૂછવા લાગ્યા કે, " હવે આગળ શેમાં એડમિશન લેવાનું છે આ મારા વાઘને..? "
અને આન્યાએ જવાબ આપ્યો કે, હું વિચારીને તમને કહું ડેડ...

આન્યા પોતાના ડેડની જેમ એક ખ્યાતનામ કાબેલ ડૉક્ટર બનવા માંગે છે તેથી તેણે પોતાના ડેડને સ્પષ્ટ શબ્દોમાં જણાવી દીધું હતું છતાં
ડૉ. વિરેન મહેતા આન્યાને પોતાની બાજુમાં બેસાડીને મેડિકલમાં એડમિશન લીધા પછી તેણે કેટલી અને કેવી મહેનત કરવી પડશે તે પણ સમજાવે છે.

પરંતુ આન્યા પોતાની વાત ઉપર અડગ જ હતી એટલે મોનિકા બેન તેમજ ડૉ. વિરેન મહેતા આન્યાને નજીકની કોલેજમાં એડમિશન મળે તેમ જ ઈચ્છે છે જેથી પોતાની લાડલીને પોતાનાથી દૂર મોકલવી ન પડે પણ આન્યાની તૈયારી તો દૂરની કોલેજમાં એડમિશન મળે તો પણ તે પોતાના ઘરથી અને મમ્મી-પપ્પાથી દૂર હોસ્ટેલમાં રહીને પણ ભણવાની તૈયારી બતાવે છે એટલે બાપ-બેટીએ ઓનલાઈન ફોર્મ રજીસ્ટ્રેશન કરાવ્યું હતું તેમાં આગળ શું પ્રોસેસ થઈ છે તે જોવા માટે લેપટોપની સ્ક્રીન સામે ગોઠવાઈ જાય છે.

જેમ જેમ સમય પસાર થતો જાય છે તેમ તેમ આન્યા પોતાના મમ્મી-પપ્પાની સાથે બરાબર સેટ થતી જાય છે.

હવે તેને નસીબથી મમ્મી-પપ્પાની ઈચ્છા હતી તેમ જ પોતાની સીટીમાં જ બી.જે.મેડિકલ કોલેજમાં એડમિશન મળી જાય છે જેથી મમ્મી-પપ્પા અને આન્યા બધાજ ખૂબ ખુશ થઈ જાય છે.

આજે કોલેજનો પહેલો દિવસ છે આન્યા ખૂબજ ખુશ છે અને કોલેજમાં જવા માટે એક્સાઈટેડ પણ છે.

કોલેજના પહેલા દિવસે એક જ ક્લાસમાં બધાને ભેગા કરવામાં આવે છે અને દરેક સ્ટુડન્ટે પોતે પોતાની ઓળખાણ આપવાની રહે છે.

આન્યા પણ પોતાની ઓળખાણ આપવા માટે ઉભી થાય છે તેને
પોતાના જ ક્લાસમાં પોતાની સ્કુલનો જૂનો એક મિત્ર મળી જાય છે જે તેનાથી બે વર્ષ આગળના ક્લાસમાં હોય છે.

સ્મિત... સ્મિત શાહ..જેને આન્યા પહેલેથી જ ખૂબ ગમતી હોય છે પણ આન્યાને તેનામાં કે એવી કોઈ વાતમાં પણ કોઈ રસ નથી હોતો તેથી જ તો તે સ્મિતની સાથે વાત કરવાનું પણ ટાળતી રહેતી હતી પણ આજે તેને સ્મિતને અહીં અજાણી જગ્યાએ જોઈને ખૂબ આનંદ થયો જાણે બંને જૂના જોગી મળ્યા હોય તેમ અને તેથી જ તો સ્મિતને જોઈને રસ્તો બદલી દેનારી આન્યાએ આજે સામેથી સ્મિતને બોલાવ્યો તેની સાથે હાથ મિલાવ્યો અને પછી તે તેની સાથે વાતો કરવામાં તલ્લીન થઈ ગઈ.

સ્મિત તો ખૂબજ ખુશ થઈ ગયો તેને તો પોતાના નસીબ આગળથી જાણે દુઃખનું પાંદડું ખસી ગયું હોય અને સુખની લીલીછમ ચાદર છવાઈ ગઈ હોય અને ઈશ્વરે પોતાની વર્ષો જૂની ઈચ્છા પૂરી કરી દીધી હોય તેમ તે ઉપર જોઈને પરમાત્માને થેંક્સ કહેવા લાગ્યો અને એકીટસે આન્યાને નીહાળી રહ્યો. કદાચ આન્યા શું બોલી રહી છે તે સાંભળવામાં તેને રસ ન હતો તેનાથી વધારે રસ તેને આન્યાની વાળની લટ જે તેના ગુલાબી ગાલ સાથે અથડાતી હતી અને આન્યા તેને વારંવાર પોતાના કાન પાછળ ધકેલી રહી હતી તે જોવામાં હતો.

આન્યા આ વાતથી બિલકુલ અજાણ હતી અને એટલામાં તો વાત વાતમાં સ્મિતે આન્યાને એમ પણ પૂછ્યું કે, " તું શેમાં કોલેજ આવી છે ? "

આન્યા: બસ, આજે તો પહેલો દિવસ હતો એટલે ડેડ જ ક્લિનિક ઉપર જતાં પહેલાં મને અહીં ડ્રોપ કરીને ગયા.

સ્મિત: ઑહ, તો પછી આપણે અહીં ઉભા ઉભા વાતો કરીએ તેના કરતાં ચાલ હું તને મારી કારમાં તારા ઘર સુધી ડ્રોપ કરી જઉં અને સાથે સાથે રસ્તામાં આપણે થોડી મજેદાર વાતો પણ કરી લઈશું.

આન્યા સ્મિત સાથે તેની કારમાં જવા માટે તૈયાર થાય છે નહીં..??
જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ...

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
3/12/2021