Broken relationship books and stories free download online pdf in Gujarati

વટલાયેલો સંબંધ

આ વાર્તા સંપુર્ણપણે કાલ્પનિક છે. કોઈ જીવિત કે મૃત વ્યક્તિ સાથે એનો કોઈ સંબંધ નથી અને જો એમ જણાય તો એ એક યોગાનુયોગ છે એમ જાણવું.

ભગવા પાર્ટીના કાર્યકરોથી ભરેલો આખો ટાઉનહોલ કબીરનું તેજાબી ભાષણ સાંભળીને તાળીઓથી ગુંજી ઉઠ્યો. કબીર નામ જેવા એનામાં એકેય ગુણ નહોતા એ કટ્ટર હિન્દુત્વવાદી વિચારધારા ધરાવતો હતો.કબીર ભગવા પાર્ટીની યુવા પાંખનો યુનિવર્સિટીની સેનેટનો AISA (All India Student Association ) નો યુવા લીડર હતો અને રાજકીય પાર્ટીઓમાં લઘુમતી વિરુદ્ધમાં આજકાલ પોતાના જલદ ભાષણોથી ખૂબ જ લોકપ્રિય બની ગયો હતો. એમાં પણ જ્યારે આજે સ્ટેજ પર હાજર દિગ્ગજ નેતાઓએ ભાષણ બાદ એની પીઠ થાબડી ત્યારે એ સાતમા આસમાને પહોંચી ગયો.

ભાષણ બાદ મળેલી વાહવાહી ને શાબાશિના કૈફમાં એ ઘરે આવ્યો ને હંમેશની જેમ ઘરમાં આવતા અને જતા પપ્પાના દર્શન કરી શકે એ રીતે દરવાજાની સામે રાખેલા એના પપ્પાના ફોટાને નમન કર્યા. આ સંસ્કાર રોહિતે એને નાનપણમાં આપ્યા હતા. રોહિત જેનો ફોટો દરવાજાની સામે લાગેલો હતો તે, કબીરના પપ્પા. કબીર નાનો હતો ત્યારે હંમેશા રોહિતને ઘરની બહાર જતા અને આવતા રોહિતનાં પપ્પાને એનાં દાદા બચુભાઈના ફોટાને પગે લાગતા જોયો હતો. આ સંસ્કાર એને નાનપણથી જ આવ્યા હતા.
રોહિતના ફોટા પર ચઢાવેલ હારથી ખબર પડતી હતી કે રોહિતને ગુજરી ગયે હજી બે-ચાર દિવસ જ થયા હશે.
કબીર ઘરે આવ્યો ત્યારે મમ્મીએ કહ્યું હાથ પગ ધોઈ ખાઈ લે ને પછી તારા પપ્પાનું ખાનુ ચેક કરી લે એમાં એમની પોલિસીને બીજા કેટલાક પેપર્સ છે. જમ્યા પછી કબીરે એના પપ્પાની તિજોરી નું ખાનું ખોલ્યું અને એમાંથી પોલીસી ના પેપર કેટલાંક જુના બિલ ને બીજા કાગળિયા વગેરે કાઢ્યા. ત્યાં ખાનામાંથી એના હાથમાં એક ચાવી આવી. એણે મમ્મીને બૂમ પાડીને પૂછ્યું આ પપ્પાના ખાનામાં ચાવી શેની છે? મમ્મીએ કહ્યું તિજોરીમા તારા પપ્પાનું એક લોકર છે એની છે. કબીરે એ ચાવી દ્વારા લોકર ખોલ્યું તો એમાંથી એને કેટલાક જુના ફોટોગ્રાફ એની નેગેટિવ ને પત્રોનું એક બંચ મળ્યું. કબીરે પત્રો જોયા, ખોલ્યા અને વાંચ્યા. એ પત્ર રોહિતના કોઈ મિત્ર કાદર ને રોહિતે લખેલા હતા. એ જેમ જેમ એક પછી એક પત્ર ખોલતો ગયો એમ એમ કબીરને રોહિત અને કાદરના સમયની ઘણી વાતો જાણવા મળી.
વોટ્સ એપ, સ્નેપ ચેટ ને ઈમેલનાં કીડાને પત્રોમાં ઇન્ટરેસ્ટ પડ્યો.એક પત્રમાં રોહિતે લખ્યું હતું અહીંયા અમેરિકામાં ખૂબ જ ઠંડી પડે છે.ચારે તરફ બરફની ચાદર છવાઈ જાય છે. અહી 3W ની કોઈ ગેરેન્ટી નથી હોતી ક્યારેય પણ બદલાઇ જાય. Work, Wife અને Weather. કબીરને નવાઈ લાગી કે એનાં પપ્પા ક્યારેક અમેરિકા પણ ગયા હતા ! પત્ર આગળ વાંચતા કાદર ને રોહિતની દોસ્તીની એને ખબર પડતી ગઈ. કબીરને એ વાતનું પણ આશ્ર્ચર્ય હતું કે પપ્પાએ એને એમના મિત્ર કાદર વિશે ક્યારેય કોઈ વાત કહી ન હતી કેમ ? એણે બીજો પત્ર ખોલીને વાંચ્યો લખ્યું હતું "અહીંયા અમેરિકામા કપડાનો કોઈ છોછ નથી. બીચ પર છોકરીઓ બિકિનીમાં ફરતી હોય છે તો કેટલીક તો કપડા વગર સનબાથ લેતી હોય છે.

અહીં બધી ધોળી છોકરીઓ હોય છે પણ ધોળી છોકરીઓ માછલી જેવી હોય છે ઠંડી. અહી મળતી અલગ અલગ ચોકલેટની જેમ થોડીવાર મમળાવવી ગમે પણ આપણી બાજરાના રોટલા જેવી ઇન્ડિયન છોકરી જેવી મજા ન આવે. જેને રાત્રે ગરમ ગરમ ખાવ તોય મસ્ત લાગે ને સવારે ચા જોડે ઠંડો ખાવ તો એની ય મજા આવે.ભરી ભાદરી ઇન્ડિયન બ્યૂટી ગરમ અને ગરમીથી ભરેલી હોય છે.

એ વાંચીને મનમાં બોલ્યો , પપ્પા પણ......
કદાચ આ જ લેટર એણે થોડો નાનો હોત અને વાંચ્યો હોત તો એને શોક લાગ્યો હોત કે પપ્પા એમના ફ્રેન્ડ સાથે આવી પણ વાતો કરે છે? પણ કબીર એ ઉંમરમાં હતો કે એને આ વાત વાંચીને શોક ન લાગે. એ પપ્પાની ફીલિંગ સમજી શકે એમ હતો.
બીજા પત્રો વાંચતા વાંચતા એને ખબર પડતી ગઈ કાદર જે પપ્પાનો ફ્રેન્ડ હતો એણે પપ્પાને એમના ખરાબ સમયમાં ઘણી બધી હેલ્પ કરી હતી એમણે રોહિતના લગ્ન માટે ને રોહિત ની બેનના લગ્ન માટે પૈસા આપ્યા હતા. પપ્પા ને એટલે કે રોહિતને નવો બિઝનેસ શરૂ કરવો હતો ત્યારે પણ એણે ભણતા ભણતા કમાતો હતો એ પૈસા પણ આપ્યા હતા. પત્ર વાંચતો ગયો એમ એમ કબીરની સામે રોહિત અને કાદરની દોસ્તીનો સમય, સ્થળ, કાળ, જગ્યાઓ, ઘટનાઓ બધું જ પત્રોની સાથે-સાથે ખુલતું ગયું , વંચાતું ગયું અને મગજમાં છપાતુ ગયું.

છેલ્લે એક પત્ર એના હાથમાં આવ્યો જે ખુબ જ સાચવીને મૂકવામાં આવ્યો હતો

કદાચ પોસ્ટ પણ નહોતો કરવામાં આવ્યો. કદાચ એ લખાયો હશે અને પછી એને પોસ્ટ કરવાનો સમય નહી મળ્યો હોય કે સમયે નહિ રહ્યો હોય કે પછી સમય જ નહીં આવ્યો હોય કે પછી સમય બદલાઈ ગયો હશે

એવું લાગતું હતું. તેણે પત્ર ખોલ્યો અને વાંચ્યો જેમાં લખ્યું હતું,

પ્રિય મિત્ર રોહિત.........

પત્ર વંચાઈ ગયો.

એ પત્રો વાંચ્યા પછી કબીરને આખી રાત ઊંઘ ન આવી એ બેચેન બની ગયો હતો. સવારે એને ફરી એક યુવા કાર્યકરોની શિબિરમાં ભાષણ કરવા જવાનું હતું.

એ ગયો પણ.....

આજના ભાષણમાં કબીર કબીર ન હતો જે આગલા દિવસે ટાઉનહોલમાં હતો. કબીરના ભાષણમાં લઘુમતી માટે આજે થોડી નરમાશ દેખાતી હતી. કબીરે યુવા કાર્યકરોને એક વાત પણ કરી કે કદાચ લઘુમતીને લઈને મારા જે વિચારો છે એ ખોટા પણ હોઈ શકે .કોઈના પણ વિશે કે કોઈપણ કોમ વિશે મત બાંધતા પહેલા એકવાર તમારે તમારી વિવેકબુદ્ધિનો ઉપયોગ કરવો જોઈએ. કબીર ઘરે આવ્યો સાથે એક ફોટો લાવ્યો હતો. એણે એ ફોટો દરવાજાની સામે લગાવ્યો.
તેના ભાષણમાં જે નરમાશ આવી હતી એ તેણે છેલ્લે વાંચેલા પત્રમાંથી આવી હતી. એ પત્રમાં લખ્યું હતું.
પ્રિય મિત્ર કાદર
તું મજામાં હોઈશ પણ હું મજામાં નથી. કાલે મને અચાનક લોહીની ઊલટી થઈ. ડોક્ટરને બતાવવા જવાનો છું પણ symptoms પ્રમાણે મને નથી લાગતું કે મારી પાસે વધુ સમય હોય. દોસ્ત મેં તારાથી એક વાત છુપાવી છે. જે આજે હું તને કહું છું. હું જ્યારે 3 મહિના પહેલા અમદાવાદ આવ્યો હતો ત્યારે રોહિણીને મળ્યો હતો. તું તો એને જાણે જ છે. રોહિણી ને હું અમે બંને જણા એક દિવસ માટે હોટેલમાં રોકાયા હતા. કાલે જ રોહિણીનો ફોન આવ્યો હતો કે She is Caring એ પ્રેગનેન્ટ છે. એણે abortion કરાવવાનો પ્રયત્ન કર્યો પણ ડોક્ટર કહે છે કે એનાથી રોહિણીનાં જીવને પણ જોખમ છે ને જો abortion કરવામા આવશે તો રોહિણી ફરી કદી માં નહીં બની શકે. રોહિણી પોતે પણ બાળકને ગુમાવવા નથી માંગતી. મેં એને મારી પરિસ્થિતિની જાણ નથી કરી પણ હું નથી ઇચ્છતો કે એ બાળકને જન્મ આપીને મુશ્કેલીમાં મુકાઈ જાય તું એને સમજાવજે કદાચ આ મારો છેલ્લો પત્ર છે. મારા ને રોહિણીના સંબંધ વિશે કોઈ નથી જાણતું માત્ર હું અને રોહિણી ને હવે તું જાણે છે. આશા રાખું છું દોસ્ત કે તું આ વાત કોઈને નહીં કે અમારા સંબંધને અકબંધ રાખીશ.
તારો
જે હવે થશે પ્રભુને પ્યારો
રોહિત

ને સામે વળતો જવાબ કે

જે પોસ્ટ ન્હોતો થયો કદાચ એ લખાયો હશે અને પછી એને પોસ્ટ કરવાનો સમય નહી મળ્યો હોય કે સમયે નહિ રહ્યો હોય કે પછી સમય જ નહીં આવ્યો હોય કે પછી સમય બદલાઈ ગયો હશે એવું લાગતું હતું.

એ પત્રમાં લખ્યું હતું.

પ્રિય મિત્ર રોહિત
અમેરિકામાં જરાય ચિંતા ના કરતો. તારો પત્ર મળ્યો. હું રોહિણીને મળ્યો.મે એની સાથે વાત કરી મે એને સમજાવી છે અને કાલે હું ધર્મ પરિવર્તન કરી એની સાથે લગ્ન કરીશ ને મારૂં નામ પણ રોહિત રાખીશ જેથી તારા બાળકની પાછળ બાપ તરીકે તારું નામ જ આવે.હું તારા બાળકને અને રોહિણીને આખી જિંદગી સાચવીશ તું જરાય ચિંતા ના કરતો તું તારો ઈલાજ કરાવને જલ્દી સાજો થઇને પાછો આવ જેથી તારી અમાનત તને સોંપી શકું. ખાવામાં ધ્યાન રાખજે અને અહીંની જરાય ચિંતા ના કરતો.ટેક કેર.
તારી રાહ જોતો
તારો જીગરી કાદર

આ એજ પત્ર હતો જે પોસ્ટ થાય એ પહેલા જ અમેરિકાથી ખબર આવ્યાં હતાં કે

" Rohit is No More ".

કબીરને એનાં ઘણાં સવાલોના જવાબ મળી ચુક્યા હતાં જેવા કે......
કબીરને ઘણીવાર થતું કે મમ્મી પપ્પા ક્યારેય દરવાજો બંધ રાખીને કેમ નથી સુતા? એ સમજણો થયો ત્યારથી અત્યાર સુધી એને યાદ છે કે મમ્મી હંમેશા બેડ ઉપર અને પપ્પા હંમેશા નીચે પથારી કરતા. કબીર પૂછતો ત્યારે કહેતા મને જમીન પર સૂવું જ ગમે છે અને તારી મમ્મીને પલંગ પર.
એને એ પણ યાદ આવી ગયું કે રોહિત એટલે કે કાદર એણે ક્યારેય રોહિણીને તું કહીને નથી બોલાવી. કબીરના મમ્મી પપ્પા એકબીજાને તમે જ કહેતા કેમ? આ બધી વાતોનો તાળો એને આજે આ પત્રો દ્વારા મળ્યો.

કબીરને આજે ફરી યુવા કાર્યકર્તાઓની એક શિબિરમાં ભાષણ આપવા જવાનું હતું. પોતાની રોજની આદત મુજબ ઘરની બહાર નિકળતા એણે ફોટા સામે જોયું તો ફોટો એ જ હતો જે પહેલાં લગાવેલો રોહિતનો પણ ફોટાની નીચે નામ લખ્યું હતું.

કાદર અબ્દુલભાઇ શેખ