Believe me Diwali, if not Holi ..! books and stories free download online pdf in Gujarati

માને તો દિવાળી, નહિ તો હોળી..!


માને તો દિવાળી, નહિ તો હોળી..!

પ્રસંગ કે, તહેવાર પ્રમાણે જ મગજનું ‘પાવર-હાઉસ’ ઝગારા મારે, એ મહત્વનું નથી. અમુકના મગજ તો એવાં કે પ્રસંગ ને તહેવાર આવે તો જ ચાકે ચઢે..! એવાં તકવાદી, ને તકલાદી..! સપરમાં દિવસોમાં ઘસાતું તો બોલવું ના જોઈએ પણ, શરીરના ફેસીયલમાં જ આજે લોકો મસ્ત ને વ્યસ્ત..! ચહેરો ઝમઝમ થવો જોઈએ, બાકી મગજની ઈમારત ભલે મોગલે આઝમના ખંડેર કિલ્લા જેવી હોય..! શબ્દ, વિચાર, વાણી, વર્તન અને વ્યવહાર સાથે તો એનો સાંધો જ ના હોય. પોતે ક્યાં ફરતો હોય, એના મગજની ધરી ક્યાં ફરતી હોય..! પણ જેનો જેવો સંગ તેવો તેનો રંગ..! જેટલી મજુરી દેહ માટે કરે, એટલી આત્મા માટે કરતો હોય તો, પરમાત્મા પણ પૂછવા આવે કે, ‘મારા નામની હેડકી તો ચાલુ છે ને..?’ આવી જણસો આમસમાજમાં બુદ્ધિપ્રસાદને બદલે, ‘બાઘા-પ્રસાદ’ થી જ ઓળખાય..! એક સંતે સરસ કહ્યું છે કે, ‘સૂળી ઉપર સંગ કરાવે, તોયે અમે સાધુ સંગે રહીએ..!’ પણ પવન જોઇને જ સૂપડાં ફેરવવાની જેને આદત હોય, એને આ વાત કેમની સમજાય..? એવાં પછી તહેવાર જોઇને જ તાકા ફાડે..! ક્યારે છટકે, ક્યાં ભટકે ને ક્યાં જઈને અટકે, એનું નક્કી નહિ. હોકાયંત્ર હોય તો ચોક્કસ દિશા પણ બતાવે, પણ આ તો મોકા-યંત્ર..! દિશા નહિ બતાવે, દશા જ ખરાબ કરે..! જ્યાં જાય ત્યાં મોકા જોઈને જ મમરા કાઢે..!
દિવાળી માટે ભલે કહેવાતું હોય કે, અંધકારમાંથી પ્રકાશમાં લઇ જવાનો સમય એટલે દિવાળી. પણ જેના લોહીમાં સત્સંગ અને હરિ સ્મરણનો છાંટો ના હોય, ધાર્મિક ભાવનાના બિયારણ ના હોય, એને દિવાળી હોય કે હોળી, કયા ફરક પડતા હૈ..? બધું જ રગડા-પેટીસ..! મનાવે તો દિવાળી નહિ તો હોળી..! શુભેચ્છા અને આર્શીવાદના મલમ પણ કાળોતરા લાગે. શુભાશિષ તો મારો સહજાનંદ સ્વામી જ આપે..! એમની રટણમાં રહેવું પડે..! બાકી. દિવાળી આવે તો જ વ્યવહારમાં ચમક આવે, એ તો ઝાંઝવાના લક્ષણ છે. મારા મિત્ર ચમનીયાની વાત કરું તો, એને અહર્નિશ શુભાશુભ..! મંગળ સાથે અમંગળ પણ ફ્રીમાં મળેલું. બંદાના ઘરનું સરનામું હોળીચકલા, ને ઘરવાળીનું નામ દિવાળી..! નહિ હોળીની નવાઈ, નહિ દિવાળીની નવાઈ..! પછી તો જ્યાં દિવાળી હોય ત્યાં બોંબ-ફટાકડાના ધડાકા તો થાય જ..! સુરસુરિયા પણ થવાના, ને ‘એવરીથીંગ ઓકે’ હોય તો આતશબાજી પણ થવાની. આવાં લોકોના ગળામાં, ભલે રંગબેરંગી ટાઈ ટીંગાતી હોય, પણ ખિસ્સામાંથી ભીના રૂમાલ પણ નીકળે..! બંદાને દિવાળી સાથે જ એવો બારમો ચંદ્રમાં રહે કે, ઢીંચણમાં પાણી ભરાય ગયું હોય એમ પરણ્યો ત્યારથી દુખી-દુખી..! રાંધવા કરતા વઘાર વધારે થાય, એમ જીવવા કરતાં ઝઝૂમવાનું વધારે આવે..!
જો દાદૂ..! નવરાત્રીમાં ગમે એવી ‘ફેવિકોલ’ વાળી શ્રદ્ધાથી દાંડિયા-દોઢીયા કર્યા હોય, લેટેસ્ટ સ્ટેપવાળા ગરબા કૂદીને ભલે ઘૂંટણીયા તોડ્યા હોય,..? પણ ઘરવાળી સાથે માથાકૂટ થઈ તો, એકેય માતાજી સમાધાન માટે નહિ આવે. વાઈફની મુખમુદ્રા જોઇને એમ લાગે કે, નવરાત્રી પછી મહાકાળીમાતા વાઈફના અંગમાં જ મહેમાન બનીને રોકાય ગયાં કે શું..? મોટી મોટી આંખ, ને લાંબી લચક લાલ જીભ તો એવી નીકળે કે, એ જોઇને પગને ધ્ડેરુજારી છૂટવા માંડે. માતાજી ક્યાંક લપેટમાં તો નહિ લે ને..? ચેતતો નર સદા સુખી ભાઈ..! વાઈફ એટલે કંઈ કુકર, ઓવન, વોશિંગ-મશીન કે, ફ્રીઝની આઈટમ થોડી છે કે, એક્ષચેન્જ ઓફરનો લાભ લઇને, જૂની આપીને નવી લવાય..? માંડ મળી હોય તો સાચવી જ લેવાની. વાઈફ વગરના ખાલી ખોખાં જેવા જે વાંઢેશ છે, તે હજી ઓટલે બેસીને બુશકોટના બટન ચાવે છે..! લગનનો ગાળો લાંબો થયા પછી, પેલાં કંકોતરીવાળા ટહુકા તો ભૂલી જ જવાના. લાંબા ગાળે એમાં કોઈ મોરલા ટહુક્વાના નથી. ને થનગનાટ પણ કરતા નથી. એ કકળાટ જ કરવાના..! બહુ ઉકળાટ થાય તો મધર ઇન્ડિયા નું પેલું ગીત યાદ કરવાનું, દુનિયામે હમ આયે હૈ તો જીના હી પડેગા, જીવન હૈ અગર, ઝહર તો પીના હી પડેગા.! “ વાર્તા પૂરી.!
પતિદેવ માટે માળિયા કાતરીયા ઉપર ચઢીને સાફસફાઈનો ટાસ્ક જ્યારે આવે, ત્યારે તો લંગડાતી ઘોડીને ડુંગરના શિખર સુધી જવાની સવારી મળી હોય એટલું દુખ થાય..! કેડ અને કમરનું કચુમ્બર થઇ જાય. અંગ કસરતના એ ખેલ બહુ આકરા હોય મામૂ..! ફટાકડા તો પછી ફૂટે, એ પહેલાં ઘરવાળી સાથે જે તડાફડી થાય, તેમાં આપણા ફટાકડાં ફૂટી જાય.! તે પછી માંડ દિવાળી કાઢે ત્યાં સાલમુબારકની મૌસમ આવે. આખું વર્ષ આડું જોઇને ચાલનારો, સાલમુબારક આવે એટલે એવો પોતીકો બની જાય કે, જાણે આપણો વારસદાર ના હોય..? જેવું સાલમુબારક જાય, એટલે તાલીબાની..! ‘તેરા ગયા ઔર મેરા ખેલ ગયા..!’
જુના ઐતિહાસિક કાળમાં, યુદ્ધ પત્યા પછી રણમેદાનની હાલત જોવાની. યોદ્ધાઓ ઘાયલ થઈને વેરવિખેર પડ્યા હોય. કોઈનો ભાલો ક્યાંક પડ્યો હોય, કોઈનો ટોપો ક્યાંક રખડતો હોય તો, કોઈનું બખ્તર બિનવારસી રખડતું હોય. કોઈ લોહીલુહાણ થઈને મેદાનમાં જ કણસતો હોય..!બસ, એવી જ હાલત આપણા ઘરે દિવાળીમાં બનાવેલી વાનગીઓની થાય. અમુક ઘૂઘરાનું અડધું અંગ જ ગાયબ થયું હોય, ખરખરીયાના એવાં ભુક્કં ભુક્કા બોલી ગયાં હોય કે, પોતાની ઓળખ જ ગુમાવી ચુક્યા હોય. ગાંઠીયા અને ચકરીઓ ફેક્ચરના દર્દીની માફક એકાદ છાબડીમાં કણસતા હોય.વધેલી મીઠાઈઓ ઉપર પીએચડી કરવા માટે, કીડીઓનું આખું વિદ્યાર્થીવ્રુંદ એકત્ર થયું હોય એમ, સજ્જડ ચોંટીને બેઠી હોય..! મેળો પૂરો થયાં પછી જેમ શીંગોડા ને બાફેલી સીંગના છોતરાં, પેપરના ડૂચા, પાણી અને ગુટખાના ખાલી પાઉચ વેરણ છેરણ પડ્યા હોય, એમ દિવાળીની વધેલી વાનગીઓ પણ, ઘરમાં ખૂણેખાંચરે અટવાતી હોય..! એવું તો બને જ નહિ ને કે, દિવાળી માટે બનાવેલો વાનગીનો સ્ટોક સો ટકા ખતમ થઇ જાય. ક્યાં તો છેક દેવદિવાળી સુધી ચાલે, ક્યાં તો મજુર અને કામવાળીને પધરાવતાં તેમના વાન ખીલવા માંડે..! મુદ્દિદાની વાત એ છે કે, દિવાળી ક્યારથી શરુ થાય, એના પ્રમાણ શાસ્ત્રકારોએ આપ્યા, પણ ક્યારે પૂરી થાય એના કોઈ પૂર્ણવિરામ બતાવ્યા નથી. કહેવું તો ના જોઈએ, પણ માંદો પડવાનો થયો હોય, તે જ લાભપાંચમ પછી કોઈને ત્યાં સાલમુબારક કરવા જતો હશે..! જે વધ્યું ઘટ્યું હોય તે જ ભટકાડે ને..? ખાસ કિસ્સા સિવાય, ઘરધણીયાણી કંઈ નવી વાનગી થોડી બનાવે..? વાસી ખાધા પછી, પેલાનું પેટ એવું છૂટવા માંડે કે, ઘર કરતાં વોશરૂમમાં રહેવાનો સમય વધી જાય..! સારાંશ એટલો જ કે, સમયે સાલમુબારક કરવા જવું, એ આરોગ્ય માટે હાનીકારક હોતું નથી..!
મને તો એ જ સમજાતું નથી કે, સાલમુબારકમાં હાથ મિલાવવાનો રીવાજ શોધેલો કોણે..? સાલમુબારક કરવામાં એવાં બેવડ વળી જઈએ કે, સાંજ સુધીમાં તો હથેળી પણ હથોડો બની જાય. સાલમુબારક કરવામાં હાથ તો એવો દબાવે કે, જાણે શોલેવાળા ઠાકુરના ખીલાવાળા બુટ તળે ગબ્બરસિંહનો પંજો નહિ છુંદાતો હોય..? ગયાં વરસે કયો ખુજલીખોર મને સાલમુબારક કરી ગયેલો, કે તેની ખુજલી હજી મારી હથેળીમાં બિનવારસી લાશની માફક પડી છે. લોકો જ્યારે ખાજલીનો ટેસ્ટ કરતાં હોય, ત્યારે હું ખૂજલી ખંજવાળવાનો ટેસ્ટ માણું. અમુક તો એવાં સાલમુબારક કરવા આવે કે, પોતીકા છે કે, પોત નાંખવા આવ્યો છે, એ જ નક્કી નહિ થાય..! વળી સાલમુબારક થઇ ગયાં પછી પણ, મઠીયા-પેંડાની થાળી પૂરી કર્યા વગર ઉઠે નહિ. આખો દિવસ સાલમુબારક બોલી બોલીને, એવાં બેભાન થઇ જઈએ કે, ક્યારેક તો વાઈફને પણ ભૂલમાં પગે પડી જવાય..!
સુરજને કંઈ જ ખબર નથી હોતી કે, આજે મારે પૃથ્વીસ્થો માટે દિવાળીનો ઝંડો ફરકાવવાનો છે. ચાંદમાં વધઘટ થાય, બાકી એમને તો હોળી હોય કે દિવાળી બધું સરખું. દિવાળીનો જેવો સૂરજ ઉગે, એટલે મોબાઈલમાં ધડાધડ સળગતા દીવડા આવતા થઇ જાય. ભાતભાતની મીઠાઈના ફોટા આવવા માંડે. એ તો સારું છે કે, દીવડાથી મોબાઈલ સળગી ઉઠતો નથી, ને મીઠાઈથી મોબાઈલને ડાયાબીટીશ થતો નથી. ને શુભકામનાનું સેલ તો એવું નનીકળે કે, એને ભૂંસવામાં અંગુઠો પણ ટચલી આંગળી જેવો થઇ જાય..! મુદ્દાની વાત એ કે, આસોપાલવના તોરણો બાંધવાથી કે ફટાકડાના ધુમાડા કાઢવાથી, દિવાળી આવતી નથી. દિલમાં ઉજાસ કરીએ તો જ દિવાળી ગૃહ-પ્રવેશ કરે. સૌને દિવાળીની શુભકામના અને સાલમુબારક..!

---------------------------------------------------------------------------------------------------------------------