Jivan Sathi - 27 books and stories free download online pdf in Gujarati

જીવન સાથી - 27

સ્મિત કારમાંથી નીચે ઉતરીને આન્યા તરફ ગયો અને દરવાજો ખોલીને તેને નીચે ઉતરવા માટે કહ્યું. આન્યા ચૂપચાપ નીચે ઉતરી ગઈ. બંને જણાં સી સી ડીમાં પ્રવેશ્યા.

સ્મિતે કોર્નરવાળુ ટેબલ બેસવા માટે પસંદ કર્યું અને બંને માટે કોફી ઓર્ડર કરી.

આન્યાને આટલી બધી નર્વસ જોઈને
સ્મિત થોડો ઉદાસ થઈ ગયો હતો કે, મેં સંયમના સમાચાર આન્યાને અત્યારે ન આપ્યા હોત તો સારું હતું..!! પણ હવે જે થઈ ગયું તે થઈ ગયું...!!

સ્મિતે પોતાનો હાથ પ્રેમથી આન્યાના હાથ ઉપર મૂક્યો અને શાંતિથી આન્યાને સમજાવવાની કોશિશ કરવા લાગ્યો કે, " આન્યા સોરી યાર મને ખબર ન હતી કે તને નથી ખબર કે સંયમ ઈઝ નોટ મોર... "

આન્યા: સ્મિત આઈ કાન્ટ બીલીવ કે સંયમ...અને આન્યા વધારે એક શબ્દ પણ ન બોલી શકી અને રડી પડી.

સ્મિત: આન્યા હવે જે થવાનું હતું તે થઈ ગયું જીવન અને મૃત્યુ આપણાં હાથમાં નથી યાર, તો આપણે શું કરી શકીએ ? કદાચ, આપણો સંયમ સાથેનો નાતો આટલો જ હશે..!! આપણે હવે તેના આત્માની શાંતિ માટે ઈશ્વરને પ્રાર્થના કરવાની અને તેનો બીજે જ્યાં પણ જન્મ થાય ત્યાં સારી જગ્યાએ થાય તેવી ઈશ્વરને પ્રાર્થના કરવાની.

અને સ્મિતની સમજણભરી વાતોથી આન્યા થોડી શાંત પડી એટલામાં બંનેની કોફી આવી ગઈ એટલે સ્મિતે આન્યાને જરા ફ્રેશ થઈને કોફી પીવા કહ્યું.

આન્યા વોશરૂમમાં જઈને પોતાનું મોં ધોઈને ફ્રેશ થઈને આવી ગઈ પછી બંનેએ કોફી પીધી પરંતુ આન્યાના મગજમાંથી સંયમ, સંયમની વાતો અને સંયમ સાથે વિતાવેલો મજાનો સમય કશું જ ખસતું ન હતું...!! તેનું મન ફરી ફરીને સંયમ ઉપર અટકી જતું હતું..!

કોફી પીવાઈ ગઈ એટલે સ્મિતે આન્યાને પૂછ્યું કે, " તું ઓકે છે હવે? આપણે નીકળીશું ઘરે જવા માટે કે હજી થોડી વાર અહીં બેસવું છે?

આન્યાના મનમાં ચાલતા અવિરત વિચારો આજે અટકવાના ન હતા.. તેણે માથું ધુણાવીને જ બેસવા માટે ના પાડી અને ઘરે જવાની ઈચ્છા બતાવી એટલે બંને પાછા સ્મિતની કારમાં ગોઠવાઈ ગયા.

આન્યા નિઃશબ્દ હતી અને સ્મિત કંઈનું કંઈ બોલીને આન્યાને મૂડમાં લાવવાની કોશિશ કરી રહ્યો હતો. છેવટે તેણે ટેપ રેકોર્ડર ચાલુ કર્યું કે આન્યાનું ધ્યાન બીજી કોઈ વાતમાં પરોવાય પરંતુ આન્યા આજે સંયમને ભૂલી શકે તેમ ન હતી.

આન્યા ફરીથી વિહવળ અવાજે બોલી કે, " પણ મને એ નથી સમજાતું કે, મારા મમ્મી-પપ્પાએ મારાથી સંયમના સમાચાર છૂપાવ્યા કેમ ? સંયમ મારો બેસ્ટ ફ્રેન્ડ હતો તેમણે મને સંયમના સમાચાર કહેવા જોઈએ ને..." અને ફરીથી આન્યાની આંખમાં આંસુ આવી ગયા.

સ્મિતે પોતાની કારની સ્પીડ થોડી વધારી દીધી અને વિચારવા લાગ્યો કે, આજે રસ્તો પણ કપાતો નથી, જલ્દીથી આન્યાનું ઘર આવી જાય તો સારું હું તેને તેના ઘરે મૂકીને નીકળી જવું તેનું આમ રડ રડ કરવું મારાથી નથી જોવાતું અને મનમાં ને મનમાં બોલવા લાગ્યો કે, હે ભગવાન આન્યાનું ઘર જલ્દી આવી જાય.

એટલામાં આન્યાના સેલફોનમાં રીંગ વાગી પણ આન્યા ફોન ઉપાડીને વાત કરે એટલી સ્વસ્થ ન હતી તેથી રીંગ વાગતી જ રહી. સ્મિતે તેને કોનો ફોન આવે છે જોવા માટે કહ્યું તો આન્યાએ ફોન સીધો સ્મિતના હાથમાં પકડાવી દીધો.

આન્યાના ડેડનો ફોન હતો ઉપાડુ કે ન ઉપાડુ તેમ સ્મિત વિચારી રહ્યો હતો પરંતુ આન્યાના પપ્પાને પણ આન્યાની સખત ચિંતા હતી એટલે ફોનની રીંગ સતત ચાલુ જ હતી છેવટે સ્મિતે ફોન ઉપાડ્યો અને કહ્યું કે તે આન્યાને પોતાની કારમાં તેના ઘરે મૂકવા માટે જઈ રહ્યો છે તેમણે આન્યા સાથે વાત કરવા માટે કહ્યું પણ સ્મિતે આન્યાના ડેડીને સમજાવ્યું કે તે અત્યારે વાત કરવાની બિલકુલ ના પાડે છે. આન્યાના ડેડીને આન્યાની વધુ ચિંતા થવા લાગી કે અચાનક આન્યાને શું થયું ? અને પોતે પણ પોતાના ક્લિનિક ઉપરથી ઘરે જવા માટે નીકળી ગયા.

આન્યાનું ઘર આવી ગયું એટલે સ્મિતે કાર ઉભી રાખી અને આન્યાને નીચે ઉતરવા કહ્યું તેમજ તેના ઘર સુધી તે આન્યાને મૂકીને પણ આવ્યો અને તેણે પોતે ભૂલથી કરેલી સંયમની વાત પણ આન્યાની મમ્મીને જણાવી દીધી.

આન્યાની મમ્મી મોનિકાબેને સ્મિતને બેસવા માટે કહ્યું અને ચા-પાણી કરીને શાંતિથી નીકળવા કહ્યું પરંતુ આન્યાની આ હાલતને લઈને સ્મિત થોડો ડિસ્ટર્બ હતો તેથી તે નેક્સટ ટાઈમ આવીશ આન્ટી, મારી ચા તમારે ત્યાં ઉધાર તેમ કહી નીકળી ગયો.

એટલામાં આન્યાના ડેડ આવી ગયા એટલે ઘણાં સમયથી ડિસ્ટર્બ આન્યા તેના ડેડને વળગીને ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી... આ વાતની અસર તેની તબિયત ઉપર તો નહીં થાય ને...?? જાણવા માટે વાંચો આગળનું પ્રકરણ....

~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
22/12/21