Without Bhajiya, monsoon feels like a golden ray ..! books and stories free download online pdf in Gujarati

ભજીયા વગર ચોમાસું સુનું રે લાગે..!

ભજીયા વગર ચોમાસું સુનું રે લાગે..!

હવા એક હોય, ખાતર પાણી એક હોય, જમીન એક હોય, છતાં એના કપાળમાં કાંદા ફોડું જુદા-જુદા ઝાડવે જુદા-જુદા ફળ અને ફૂલ થવાનું રહસ્ય શું..? આવું જાણવાના ચહકડા મને બાલ્યાવસ્થાથી જ આવે..! પછી ખાવાનો શોખીન થયો, ત્યારે ભજીયાં અડફટમાં આવ્યા. સેવ-પાપડી-ગાંઠીયા-ફાફડા-ફૂલવડી જેવાં અનેક ટેસ્ટીફરસાણ વગેરે ચણાના લોટમાંથી જ બને, છતાં એમાંથી એકેય ભજીયાની લોકપ્રિયતાના મુકામ સુધી કેમ પહોંચ્યું નાં હશે..? સ્વાભાવિક છે કે, મગજવિકસતું હોય ત્યારે પૂર્ણવિરામ કરતા અલ્પવિરામ, અને અલ્પવિરામ કરતાં સવાલચિહ્નનનો ભરાવો વધારે થાય. ભજીયાનો એ ગુણધર્મ છે કે, ઘાણ ઉતરવા માંડે ત્યારથી, ખાનારની જીભ લપકારા લેવા માંડે કે, 'ક્યારે હું ભજીયાંને ગૃહપ્રવેશ કરાવું..?' ભૂખ હોય કે ના હોય, ભજીયું સામાવાળાની ભૂખ ઉઘાડે. લય અને તાલ તો એવાં ચુકાવી દે કે, સામે ભજીયા દેખાયા તો મંજીરાવાળો ને તબલાવાળો પણ તાલ ચુકી જાય, વટેમાર્ગુ લારી જોઇને અટકી જાય. દાંતના ચોગઠા કાઢીને ખિસ્સામાં મુક્યા હોય તો, ભજીયાની સુગંધ પામીને ખિસ્સામાં ડાન્સકરવા માંડે..! જીભકા લપકારા કુછ ભી કર શકતા હૈ બાબૂ.! ગુજરાતના ૧૮૫૪૪ માંથી કોઈ ગામ એવું બાકી ના હોય કે, જેના ઘરમાં ભજીયા ના બન્યા હોય, કે કોઈએ જોયા ના હોય..! છતાં લારીના ભજીયાં જેટલાં લોકપ્રિય થયા, એટલા ઘરવાળીના કદાચ નહિ થયાં હોય..! આ તો એક અનુમાન..! લારીના ભજીયા મોંઢે ચઢાવ્યા વગર જ એની સુગંધથી નશાખોર બનાવી દે. વરસાદ વરસતો હોય, શરીરને ભીંજવતો હોય, ત્યારે ગમે એવો જેન્ટલમેનપણ મોભો તોડીનેભજીયા-પ્રેમીબની લારીને વીંટળાય જાય. રસેન્દ્રિયો સોળે કળાએ ખીલવા માંડે. એમાં જો ઘરવાળીની નાની બેન જેવી, તમતમતી ચટણી અને સાળા જેવું ચટાકેદાર મરચૂં હોય, પછી તો પૂછવાનું જ શું..? ઘરવાળી કરતાં સાળી ઉપર વ્હાલ વધારે ઉપજે એમ, ચટણી જોઇને ભજીયાનો ઉપાડ વધવા માંડે. મેનકાને જોઇને જેમ મહર્ષિ વિશ્વામિત્રનું તપોભંગ થયેલું, એમ, લારી ઉપર તળાતાં ભજિયાંને જોઇને મોંઢામાં એવાં ફૂવ્વારા છૂટે કે, બપોરનું લંચતો ભજિયું ભુલાવી જ દે..! જો કે, ભજીયાંનો બહુ ભરોસો નહિ થાય. પછી તો જાય, પણ ક્યારેક કુદરતી દૌડાદોડી પણ કરાવે. બાકી એક વાત ચોક્કસ કે, ભજીયાં ખાવાથી કદાચ ફાંદમાં વધારો થાય, પણ વજનનો કાંટો તો તત્ક્ષણ વધવા નહિ દે..!

ઝરણું નાનું હોય કે મોટું, ઝરણાને એનો કોઈ ક્ષોભ હોતો નથી. દરિયાને પામવાની કે, સ્વયં દરિયો બનવાની ઈચ્છા એને થતી જ નથી. એ એના નિજાનંદમાં જ મસ્ત હોય. એમ ભજીયાને શ્રેષ્ઠ પકવાન થવાની લાલસા થતી જ નથી, કે ૧૬ પકવાનની બળતરા થઇ નથી. એની સુગંધ જ એના આશિકની રસેન્દ્રિય ઉઘાડવામાં કાફી..! લારી ઉપરના ગરમા-ગરમ ભજીયા ખાવામાં જે લહેજત મળે, એ કદાચફાઈવ-સ્ટારહોટલના ડેકોરેટેડ ડાઈનીંગ ટેબલ ઉપર પણ નહિ આવે...! વળી ભજીયા ખાવાની જે મઝા પંગતમાં આવે એ ઈમ્પોટેડ ડાઈનીંગ ટેબલ ઉપર પણ નહિ આવે. ચાલુ પંગતે મારામારી થાય તો, છુટ્ટા લાડવા મારવાનો જીવ નહિ ચાલે. પણ છુટ્ટાં ભજીયાથી મારામારી કરવાની કોઈ મઝા જ અલગ..! સામેવાળો ભજિયું ઝીલી લે તો ખાય જાય, બાકી ઘાયલ તો હરગીઝ નહિ થાય..!

શાસ્ત્રકારોએ ભલે નવ-રસને મહત્વ આપ્યું હોય, બાકી દશમો રસ એટલે ભજિયું ખાવાનો રસ..! જીભલડીને ચણાના લોટમાં વરસાદનું પાણી ઉમેરી, ઉપરથી આંથીને ભગવાને મોકલી હોય એમ, જેવી વાદળની ગર્જના થાય, ઝરમર ઝરમર મેહુલીયો વરસવા માંડે, એટલે મગજમાં ભજીયાં ઉછળવા માંડે. વરસાદના દેવતા વરુણ નહિ યાદ આવે, પણ ભજીયાં વહેલાં યાદ આવવા માંડે..! ક્યાં તો ભજિયું ખાવા ઘરવાળી યાદ આવે ક્યાં તો ભજીયાની લારી દેખાવા માંડે. દુકાનદારોએ તો ચોમાસું બેસે એટલે સ્પેશ્યલ સેલની સ્કીમ રાખવી જોઈએ કે, ૫૦૦ રૂપિયાની ખરીદી ઉપર ૫૦૦ ગ્રામ ભજીયાની પ્લેટ ચટણી સાથે ફ્રી..! પછી જુઓ, આપોઆપ ઘરાકી વધે કે નહિ...! ઘેલાં હો માનવીબનીને ગ્રાહક પાંચ-છ કિલો ભજીયા તો ઉભો-ઉભો જ ઉલેળી નાંખે, એમાં ધંધો પણ વધે..! કોઠાઉપરથી આવતી ઢોલકની થપાટ, ઘૂંઘરુંનો અવાજ અને નર્તકીની ગાયકીનો નાદ સાંભળી ને, કોઈપણ સજ્જનને હાથના કાંડે મોગરાના ફૂલની વીંટ લગાવી કોઠા-દર્શનકરવાની ઈચ્છા જાગે, એમ ભજીયા દબોચવાનું મન થઇ આવે. ભજીયાની સુગંધમાં એ જાદુ છે દાદૂ..! કઠણ કાળજાનો કટકાવાળો પણ ભજીયાની લારીને નજર અંદાજ કરી શકતો નથી. ભૂલમાં પણ ભજીયા ખાધા વગર લારીથી પસાર થયો તો, ભજીયાની સુગંધ એનો કોલર પકડીને પાછો ખેંચી લાવી લારી આગળ સ્ટેન્ડ કરી દે..!

ભજીયાની શોધ જેમણે પણ કરી હોય, એ ૧૦૦ ટકા સુરતી હશે, એવું અનુમાન નકારી નાં શકાય. કારણ કે, કેડ જેટલા રેલના પાણીમાં પણ ભજીયાની મૌજ સુરતી જ માણી શકે. ભલે કોઈ એમ કહેતું હોય કે, ‘સુરતી લોકોના નસીબમાં સેવ-ખમણ વગરનું કંઈ નથી, પણ મૌજ મસ્તી અને મહેફિલ એ તો સુરતીઓનું વેન્ટીલેટર છે. કોઈ જગ્યાએ ભજીયાનો ઘાણ ઉતરતો હોય, ને દશ જણા દૌડે એમાં પહેલો સુરતી જ હોય..! આવાં ટેસ્ટીભજીયાની શોધ કરનારને તો સો તોપની સલામી આપીએ તો પણ ઓછી પડે.

જેમ બાપના બધાં જ દીકરા વિખ્યાત થતા નથી, એમ બેશનમાંથી બનેલી ભજીયાની જ એક પ્રોડક્ટ એવી કે, એ જોઇને કાગડા પણ ભજીયા-પ્રેમી થઇ જાય. આજે પણ શ્રાદ્ધના થાળ સાથે પૂર્વજોને ભજીયા મુકવાનો મહિમા છે. થાળમાં જો ભજીયા નહિ મુકાયા તો કાગડા પણ લોકડાઉનઉપર ઉતરી જાય..! શ્રીશ્રી ભગાના સ્વ. ડુંગરશીદાદા ડુંગળીના ભજીયા ખાવાના એટલા શોખીન હતા કે, એમનું સન્માન કરવા માટે પણ ભજીયાના હારનો જ ઉપયોગ થતો. એ પોતે જ યજમાનને કહેતા કે, સન્માન પતે એટલે ફૂલો ફેંકી દેવાના થાય, એના બદલે ભજીયાનો હાર પહેરાવી દેવાનો. નવરા બેઠાં-બેઠા ખાવા તો થાય..! દુખની વાત એટલી જ કે, ભજીયા આટલાં પ્રભાવશાળી હોવાં છતાં, એકેય નિશાળમાં એવો નિબંધ નથી પૂછાયો કે, ‘ ચોમાસામાં ભજીયા વધારે કેમ ભાવે છે..?’