Gop Abhir Vika Apa Bharwade tore the lion's jaw - Gop Abhir Vika Apa Bharwade did not tear the l books and stories free download online pdf in Gujarati

ગોપ આભીર વિકા આપા ભરવાડે સિંહનું જડબું ચીરી નાંખ્યુ - ગોપ આભીર વિકા આપા ભરવાડે સિંહનું જડબું ચીરી ના

ગોપ આભીર વિકા આપા ભરવાડે સિંહનું જડબું ચીરી નાંખ્યું.....

”ઓહો ! તને ખોટુંય તરત લાગી જાય, આ તો મને થયું કે આ દેરાણી આવે ઈ’ પેલા તમે વાઘ મારી ધાક જમાવી દેશો એટલે મારાથી બોલાય ગયું !”
ભાભીએ વિકાને ચીડવતા મજાક સાથે ઘીથી નીતરતો રોટલો, કઢી અને ગોળ પીરસ્યા. ધોમધખતા સૂરજના તાપમાં ઘેર આવેલા વિકાના મગજમાં ગરમીનો પારો ચડી ગયો હોય મજાક સહન ન થતા ભર્યા ભાણાને બેય હાથ જોડી ભૂખ્યા પેટે ઊભો થઈ ગયો.
“અરે, વીકા શું થયું ? કેમ રોટલો ખાધા વગર ઊભો થઈ ગયો ?”
”ભાભી, તેં તો આજ મારી આંખ ઉઘાડી દીધી; હવે તો બબ્બર શેરને માર્યા વગર રોટલાનું બટકુંય મારા માટે હરામ છે !”
“અરે, વીકા મેં અભાગણીયે મજાક કરી એમાં આટલો નારાજ થઈ ગયો ? મને માફ કર્ય અને નિરાંતે ખાઈ લે, હવે એક વેણ નહીં બોલું !”
”ભાભી, હવે તો કાળિયા ઠાકરની મરજી હશે તો બબ્બર શેરને મારીને તારા હાથે રોટલા ખાઈશ !”
આમ કહી પડથારે પડેલી તેલ પાયેલી મજબૂત કડીયાળી ડાંગ હાથમાં લેતા ડાંભો ભરતા વીકાએ શેત્રુંજ્ય પર્વતનો મારગ લીધો. તે જોઈ મોંઘી રોતી કકળતી વિકાને રોકવા બૂમો પાડી પાછળ દોડતા નેહડામાંથી આઠ-દસ ભરવાડો મોટા ડંગોરા લઈ દોડ્યા. પણ વિકો તો મારમાર કરતો શેત્રુંજ્ય ડુંગરના પગથીયેથી યાત્રાળુનું મારણ કરી ભાગેલા બબ્બર શેરનું પગેરું દાબતો ટેકરીઓ વચ્ચે આવેલ એક ગુફા સામે આવી જોરથી પડકારો કર્યો.
મારણ ઉપર બેઠેલા માનવભક્ષી સાવજે અચાનક પડકારો સાંભળ્યો, અને જાણે કોઈ માથા ફરેલ મગતરૂ લલકાર કરતું હોય તેમ ગણકાર્યા વગર શિકારને ચૂંથી રહ્યો હતો. આજે વિકો વિફર્યો હતો; તેણે ગડગડીયો પથ્થર હાથમાં લઈ માનવદેહની મીજબાની માણી રહેલા સિંહનું નિશાન લેતા ઘા કર્યો અને બંદૂકની ગોળી છૂટે એમ પથ્થર સિંહની પીઠમાં વાગતા તે વિફરતા ત્રાડ નાંખતો ઊભો થયો. અને પીઠ પર જોરથી પુંછડુ પછાડી મોઢું ફાડતા સાવજે ફરીથી ત્રાડ પાડી.
સિંહ ગર્જનાથી શેત્રુંજીની વનરાઈ ધ્રુજી ઊઠતા પશુ-પંખીઓ ભયભીત થઈ ચારેબાજુ નાસભાગ કરવા લાગ્યા. સાક્ષાત કાળ સ્વરૂપ બબ્બર શેરે સામે પાંચ હાથ પુરો વિશાળ ભૂજાઓ, આગના ગોળા જેવી આંખો ધરાવતા માથા ફરેલા માનવીને હાથમાં ગજવેલી ડાંગ સાથે અડીખમ ઊભેલો જોયો. નિર્ભયતાથી ઊભેલા ભડવીર ભરવાડને જોઈ બબ્બર શેર એક ડગલું પાછો હટી ગયો. એ જોઈ વિકો ભરવાડ છલાંગ ભરતો સાવજ પાસે પહોંચી ગયો. અને પહેલો ઘા રાણાનો કહેવત સાર્થક કરવા કડીયાળી ડાંગની પકડ મજબૂત કરી પૂરી તાકાત સાથે લાકડીનો ઘા કરતા સાવજ જરાક હટતા ખોપરીનો ઘા કેશવાળી ઉપર પડ્યો. અને કડીયાળી ડાંગના ઘા સાથે જંગલનો રાજા બે ગોથા ખાતો જમીન ઉપર પડ્યો.
બબ્બર શેરને પહેલી વખત કોઈ કાળા માથાનો માથા ફરેલો માનવી મળ્યો હતો, પણ એમ હાર માને તો તે વનરાજ કેમ કહેવાય ? વિકો કંઈ વિચારે તે પહેલા સિંહે વીજળી વેગે જાત સંભાળી જડબું ફાડતા ધારદાર છરા જેવા મોટા વિકરાળ દાંતો અને પંજાના તીક્ષ્ણ નખોનું નિશાન લઈ છલાંગ મારી. સિંહના વળતા હુમલા માટે વીકો તૈયાર હતો, તેણે કડીયાળી ડાંગનો જોરથી જડબા ઉપર ઘા કરતા સિંહનો એક દાંત તોડી નાખ્યો; પણ એ સાથે વિકાના હાથમાંથી ડાંગ છટકી ગઈ.
સિંહનો વાર ખાલી જતા તે ભોંય ઉપર પડ્યો પણ ત્વરીત પાછો ઊભો થઈ જતાં ફરી છલાંગ મારી. અને બબ્બર શેરે વિકાના ખંભા ઉપર પંજો મારતા તે લથડીયું ખાતા તરત સાવધ થઈ ગયો.
વિકો મરણીયો થયો હતો, તો સિંહ પણ હાર માનવા તૈયાર ન હતો. સિંહે કાળઝાળ થતા ત્રાડો ઉપર ત્રાડો પાડતા જમીન ઉપર પંજા પછાડી વિકા ઉપર ફરી હાવી થતા છલાંગ મારી, એ સાથે વિકાએ પળનોય વિલંબ કર્યા વગર બેય ભૂજાઓથી સિંહના બેય જડબા પકડી લીધા અને જોરથી ઝાટકો માર્યો. અને ઝટકા સાથે સિંહે પીડાના માર્યા મરણ ચીસ પાડતા પોતાનો પંજો જોરથી વિકાના પેટ ઉપર માર્યો. અને સિંહના નહોર પેટ ઉપર વાગતા જ વિકાના પેટના આંતરડા બહાર નીકળી ગયા. એ સાથે દૂધમલીયા વિકાએ ઝનૂને ચડતા સિંહના જડબાને ચીભડાની જેમ ચીરી નાંખતા તેને ભોંય ભેગો કરી દીધો.
વિકાએ પેટ બહાર નીકળેલા આંતરડા પાછા પેટમાં ગોઠવી તેની ઉપર ભેટ બાંધી દીધી એટલામાં લોકો ત્યાં પહોંચી ગયા. વિકા પાસે ઝાઝો સમય બચ્યો ન હતો, તેણે ટોળા સાથે આવેલ પોતાની વહાલી ભાભીના ખોળામાં માથું રાખી સૌને કાળિયા ઠાકર કરતા વૈકુંઠનો માર્ગ લીધો.
બસો વર્ષ પહેલાની વીરતાભરી આ વાતની સાક્ષી પુરતો વિકા ભરવાડનો પાળિયો આજેય શેત્રુંજય પર્વતની પવિત્ર તીર્થભૂમીમાં ઊભો છે.

લેખક કાળુજી મફાજી રાજપુત