Prem - Nafrat - 13 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૧૩

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૩

રચનાએ માન્યું કે તેણે મા બીમાર હોવાથી જલદી હાજર થઇ શકાય એમ ન હોવાનું કારણ આપ્યું હતું એ કારણે આરવ ખબર જોવા આવવા કહી રહ્યો છે. આમ અચાનક આરવ ઘરે આવવાની વાત કરશે એવી કલ્પના તેણે કરી ન હતી. કંપનીમાં હજુ પોતે કામે લાગી નથી ત્યાં જ આટલી લાગણી બતાવી રહ્યો છે. તેને સમજાતું ન હતું કે આરવને ના કેવી રીતે પાડવી. મા ઘરે ન હોવાથી તેની સામે મારી વાત ખોટી સાબિત થઇ જશે તો?

'હલો...હલો રચના?' આરવનો અવાજ સામા છેડેથી સતત આવી રહ્યો હતો.

'...હા...હા સર, અવાજ સંભળાય છે. હું કહેતી હતી કે માને ઘણું સારું છે. બહુ ચિંતા કરવા જેવું નથી. તમે અહીં સુધી નહીં આવો તો ચાલશે...' રચના વિનંતીના સ્વરમાં બોલી.

આરવને ખ્યાલ આવી ગયો કે રચના એમ માની રહી છે કે તે એની માતાની ખબર જોવા આવવાની વાત કરી રહ્યો છે. અસલમાં આરવને અચાનક જ વિચાર આવી ગયો હતો કે હવે મોબાઇલના નવા ફીચર વિશે રચના સાથે ચર્ચા કરવી પડશે. રચના ચાર દિવસ પછી આવશે તો મોડું થઇ જશે. એને આઇ.ટી. ની જગ્યા માટે પસંદ કરી લેવામાં આવી હોવાથી એના આઇડિયા જાણવાની જરૂર હતી. તેની મદદ ઉપયોગી સાબિત થઇ શકે એમ હતી. 'સુપર ફાસ્ટ મોબાઇલ' કંપનીના નવા મોબાઇલને ટક્કર આપવા કંપનીની એક કર્મચારી તરીકે રચના પાસે સૂચન મેળવવામાં કોઇ વાંધો ન હતો. આરવ ખુલાસો કરતાં બોલ્યો:'તારી માતાની તબિયત સારી છે એ જાણી આનંદ થયો. હું તારી સાથે કંપનીના નવા મોબાઇલ વિશે ચર્ચા કરવા માગું છું. આપણે નવો મોબાઇલ લોન્ચ કરી રહ્યા છે એમાં તું પણ તારા સૂચન આપશે તો ગમશે...'

'હા સર, મને પણ એ ગમશે! અત્યારે તમે ઘરે આવશો તો હું મળીશ નહીં. એક કામથી હું બહાર નીકળી છું...આવતીકાલે થોડીવાર માટે કંપની પર આવી જઇશ.' રચનાએ તેને ટાળવાનો પ્રયત્ન કર્યો.

'ઓહ...! તો પછી એક કામ કર. તું જ્યાં હોય ત્યાંનું મને લોકેશન મોકલી દે. હું થોડી જ વારમાં ત્યાં આવું છું...' આરવે અત્યારે જ મળવાનો રસ્તો બતાવ્યો.

આરવની વાત સાંભળી રચના ચમકી ગઇ. તે ઘરે જ હતી. તેની પોલ પકડાઇ શકે એમ હતી. તેણે ચાલુ ફોનમાં જ મોબાઇલ ડેટા બંધ કરીને બોલી:'અહીં નેટવર્ક બરાબર પકડાતું નથી...એક કામ કરો પંદર મિનિટ પછી ગણરાય બજાર પાસેની કાઠિયાવાડી હોટલમાં મળો. હું ત્યાં જ પહોંચું છું...' કહીને રચનાએ ઝડપથી બહાર નીકળવાની તૈયારી શરૂ કરી.

'ચોક્કસ! મારી રાહ જો...' કહી આરવે ફોન મૂકી દીધો.

આરવના મનમાં પુષ્પો ખીલી ઉઠ્યા. ગુલાબની ખૂશ્બૂ મનમાં વ્યાપી રહી. રચના પણ તેને મળવા આતુર છે! શાંતિથી વાત થઇ શકે એ માટે ઘરે કે રસ્તામાં નહીં પણ હોટલમાં બોલાવ્યો છે. આરવ ઝડપથી પોતાની ઓફિસમાંથી નીકળીને ખુલ્લી જીપને કાઠિયાવાડી હોટલ તરફ હંકારવા લાગ્યો. જીપમાં તેની લાગણી સાથે તાલ મિલાવતું કિશોરકુમારનું ગીત વાગતું હતું:'ચલા જાતા હૂં કિસી કી ધુન મેં, ધડકતે દિલ કે, તરાને લિયે...મિલન કી મસ્તી, ભરી આંખોં મેં, હજારોં સપને, સુહાને લિયે, ચલા જાતા હૂં...'

આરવને થયું કે તે જાણે વ્યાવસાયિક વાત કરવા નહીં પરંતુ દિલની લાગણીઓ વ્યક્ત કરવા જઇ રહ્યો છે!

ત્યાં ફોન રણક્યો. આરવને થયું કે રચના પહોંચી ગઇ હશે અને એનો ફોન આવ્યો છે. તેણે સ્ક્રિન પર નજર નાખી. મમ્મીનો ફોન હતો:'હા મા...'

'બેટા, ક્યાં છે?'

'મા, એક કામથી બહાર નીકળ્યો છું...'

'એક કામ કર. સીધો ઘરે જ આવી જા.'

'કેમ શું થયું? કોઇ કામ છે?'

'હા, મારા માટે વહુ જોવાની છે. શૈલી પંદર મિનિટમાં એની મા સાથે આવે છે...'

'શું?' આરવથી જીપને બ્રેક લાગી ગઇ.

***

આરવને કાઠિયાવાડી હોટલમાં બોલાવીને રચનાએ ઝટપટ તૈયાર થઇને રીક્ષા પકડી. તે મનોમન વિચારતી હતી:'સારું થયું કે આરવે ઘરે આવવાનો આગ્રહ ના રાખ્યો. મા અત્યારે ગામ ગઇ છે અને ખરેખર માંદી છે. પોતે સાવ ખોટું બોલી નથી. આ ખોટું બોલાવું જરૂરી હતું. હું ઇચ્છતી નથી કે કારણ વગર મા સાથે આરવની મુલાકાત થાય. મારે અત્યારે એની કંપનીમાં જમાવટ કરવાની છે. એ પછી...'

રચના મનોમન વિચારી રહી. એ વિચારતી હતી ત્યારે એને પણ ખબર ન હતી કે નસીબ એને ક્યાં લઇ જવાનું હતું અને કેવા ખેલ બતાવવાનું હતું.

ક્રમશ:
Share

NEW REALESED