NARI-SHAKTI - 16 books and stories free download online pdf in Gujarati

નારી શક્તિ - પ્રકરણ-16 ,(સૂર્યા-સાવિત્રી, ભાગ-4)

નારી શક્તિ પ્રકરણ-16 ,( સૂર્યા- સાવિત્રી ભાગ-4 )
[ હેલ્લો વાચક મિત્રો નમસ્કાર ! "નારીશક્તિ"- પ્રકરણ 16,સૂર્યા- સાવિત્રી, ભાગ-4 માં આપ સર્વે નું હાર્દિક અભિવાદન છે ,સ્વાગત છે. ભાગ ૩ માં આપણે જોયું કે સૂર્યા સાવિત્રી પતિ ગૃહે આવે છે અને અહીં ગૃહસ્થાશ્રમ ધર્મનો અર્થ સમજાવવામાં આવ્યો છે .સૂર્યા સાવિત્રી દેવોના વડીલોના બધાના આશીર્વાદ મેળવે છે . હવે ભાગ-4 માં ગૃહસ્થાશ્રમ ધર્મની મર્યાદા અને લગ્ન સંસ્થા નો એક પવિત્ર હેતુ સંતાનોત્પતિ છે, એની વાત અહીં રજૂ કરું છું. મને આશા છે કે આપ સૌને આ સૂર્ય સાવિત્રી ની કથા પસંદ આવી હશે. આપના પ્રતિભાવની અપેક્ષા એ... આપના સૂચનો આવકાર્ય છે.આપનો ખૂબ-ખૂબ આભાર !!!માતૃભારતી નો પણ ખૂબ ખૂબ આભાર!!! ધન્યવાદ!!!]
હવે આગળ,, પાણિગ્રહણ નો હેતુ ગૃહસ્થાશ્રમ ધર્મની મર્યાદા અને કામેચ્છા ની પૂર્તિ તથા સંતાનોત્પતિ ને પ્રજનન છે. સ્ત્રી પુરુષ વિવાહ સંબંધ ને એટલા માટે સ્વીકાર કરે છે કે પરિવારના વિકાસમાં સહાયક બની શકાય,આ ઉદ્દેશની પૂર્તિ માટે કહેવામાં આવ્યું છે કે,
હે પૂષા દેવતા! જે સ્ત્રીમાં પુરુષ બીજ રોપે છે, જે અમારી કામના કરે છે અમે પરસ્પર કામ વશ છીએ એવી ઉત્તમ કલ્યાણકારી સ્ત્રીને મારા પ્રતિ પ્રેરિત કરો. (મંત્ર 37)
પુરુષની પૂર્ણતા માટે જાયા અને પ્રજા બંનેને આવશ્યક માનતા સૂર્યા દેવોને સંબોધિત કરતા પ્રાર્થના કરતાં કહે છે કે,
હે અગ્નિદેવતા ! ગંધર્વો એ સૂર્યાને સર્વપ્રથમ તમને સોપી, સમર્પિત કરી, તમે દહેજ સાથે એને સોમને અર્પણ કરી.હે અગ્નિદેવ! તમે ફરીથી પ્રજાનીસાથે-સાથે જાયા ( પત્ની)ને એના પતિને પ્રદાન કરો.( મંત્ર-38)
અગ્નિદેવે ફરીથી આયુષ્ય અને તેજ સાથે પત્નીને તેના પતિને સોંપી, તેનો પતિ છે તે સો વર્ષ જીવિત રહે. (મંત્ર-39) પતિના દીર્ઘાયુ ની ઇચ્છા આ મંત્ર વ્યક્ત કરવામાં આવી છે.
કન્યા પર વિવિધ દેવોનો અધિકાર માનતા સૂર્યા કહે છે કે,
સોમદેવે સર્વપ્રથમ તને પત્ની રૂપમાં પ્રાપ્ત કરી ત્યારબાદ બીજા પતિ તારા ગંધર્વ થયા અને ત્રીજા પતિ અગ્નિ, મનુષ્યજ એટલે કે માનવ તારો ચોથો પતિ છે.( મંત્ર 40)
અહીં કેવળ ચોથા પતિને મનુષ્યજ કહેવામાં આવ્યો છે. તેથી બહુપત્નીત્વ પ્રથા પ્રમાણિત થતી નથી, કારણકે, કન્યાના પ્રથમ ત્રણ પતિ સોમ,, ગાંધર્વો અને અગ્નિ જે પતિ બતાવ્યા છે, તે હકીકતમા એ દિવ્ય શક્તિઓ છે જેના સંરક્ષણમાં કન્યા પિતૃ કુળમાં રહે છે . વિવાહના સમયે અગ્નિ સાક્ષી વિવાહ દ્વારા અગ્નિ, કન્યાને તેના વાસ્તવિક પતિને પ્રદાન કરે છે, આ તથ્યને આગળના મંત્રમાં સમજાવવામાં આવ્યું છે.
સોમદેવે ગાંધર્વ ને સોપી, ગાંધર્વ એ અગ્નિને સોંપી, એ પછી અગ્નિએ ઐશ્વર્ય તથા સંતતિ ની સાથે મને( પતિને) સોંપવામાં આવી. (મંત્ર 41)
તે પછી નવવધૂને સૌભાગ્યના એ પતિગૃહે પ્રવેશ કરાવતા કહેવામાં આવ્યું છે કે હે નવવધૂ! તમે બંને અહીં રહો, ક્યારેય એકબીજાથી વિમુખ ન થાવ એટલે કે જુદા ન પડો.સંપૂર્ણ આયુષ્ય પ્રાપ્ત કરો, સુખમય જીવન ભોગવો, પુત્ર પૌત્રાદિક વગેરે સાથે આનંદપૂર્વક પોતાના ઘરમાં રહો (મંત્ર 42) પ્રજાપતિ અમને ઉત્તમ સંતાન આપે અને અર્યમાદેવતા વૃદ્ધાવસ્થા સુધી અમારી સાથે રહો. અહીં પણ ઉત્તમ સંતાન સાથે સુખી દાંપત્યજીવનની કામના કરવામાં આવી છે.
હે વધૂ! તું મંગલી બનીને ગૃહમાં પ્રવેશ કર, અમારા બાંધવો, પશુઓ ,પરિવાર બધાને માટે કલ્યાણકારી ણી બન! (મંત્ર 43)
વળી આગળ કહે છે કે હે વધૂ! તું શાંત દ્રષ્ટિ વાળી બનો ! અમને કોઈને પણ તું ક્રોધ પૂર્ણ દ્રષ્ટિથી ન જોવે એટલે કે અહીંયા નવવધૂને શાંત પ્રકૃતિની રહેવા શિખામણ છે.
આગળ નવવધૂને વધારે શિખામણ આપતા કહેવામાં આવ્યું છે કે પતિને દુઃખ ન દેવા વાળી અને પતિ નો વિનાશ ન કરવા વાળી તો બનો! તું સુંદર મન વાળી, સુંદર તેજ વાળી અને વીર પુત્રને જન્મ દેવાવાળી બનો! તું હંમેશા દેવો પ્રત્યે ભક્તિ રાખવાવાળી બંધુ-જનો અને અમારા પરિવારજનો, પશુ વગેરે પ્રત્યે મંગલમયી બનો ( મંત્ર 44)
આગળના મંત્રમાં કહેવામાં આવ્યું છે કે હે જળની વર્ષા કરવાવાળા ઇન્દ્ર! આ નારી ને ઉત્તમ પુત્ર અને સૌભાગ્યથી સંપન્ન કરો આને દસ પુત્રો પ્રદાન કરો અને તેનો પતિ તેનો 11મો પુત્ર બને. (મંત્ર 45) ઈન્દ્રની સ્તુતિ સાથે એક આદર્શ નારી માટે તેનો પતિ પણ તેના સંતાન રૂપ છે, તેવી ભાવના વ્યક્ત કરવામાં આવી છે.
આગળ ઉપર કામના કરવામાં આવી છે કે હે વધૂ! તું સાસુ ,સસરા, નણંદ અને દેવર ની સામ્રાજ્ઞી બનો એટલે કે આ બધાની સ્વામીની બનો મંત્ર( 46) કેટલી ઉદાત્ત ભાવના અહીં ચરિતાર્થ થઈ છે! સ્ત્રીને કહેવામાં આવ્યું છે કે "સામ્રાજ્ઞી સ્વસુરે ભવ".
ત્યાર પછીના મંત્રમાં પણ ખૂબ જ ઉદાત્ત ભાવના દ્રષ્ટિગોચર થાય છે બધા દેવતાઓ અમારા હૃદય નું મિલન કરાવે.જળ, વાયુ અને બધા જ ફળો ની દાત્રી સરસ્વતી અમારા બંનેનો સંયોગ કરાવે એવી પ્રાર્થના વ્યક્ત કરવામાં આવી છે( મંત્ર 47)
અહીં જળ, અગ્નિ, વાયુ વગેરે બધા જ દેવતાઓ ને વરવધૂને એક કરવાની પ્રાર્થના કરવામાં આવી છે. સૂર્યા ની દ્રષ્ટિમાં શારીરિક મિલન થી અધિક મહત્વપૂર્ણ છે મનનું મિલન.
મનનો મેળ એ વિવાહ સંબંધમાં સ્થાયિત્વનો આધાર છે.
જળ સંપૂર્ણ સૃષ્ટિનો આધાર અને જીવન રસનું પ્રતીક છે. વાયુ પ્રાણ સ્વરૂપ છે, સરસ્વતી વાણીની અધિષ્ઠાત્રી છે ,તેથી આ ત્રણે ને વધૂને સંયુક્ત કરવાની પ્રાર્થના કરવામાં આવી છે, અભિપ્રાય એ છે કે બંનેના પ્રાણ એક હોય જીવનનો રસ એટલે કે આનંદ એક હોય વાણી-એક હોય અને બંને માં કોઈપણ પ્રકારનો મતભેદ ન રહે એટલે કે લગ્ન જીવન સફળ બને.
સુખી દાંપત્યજીવનની આવી વિભાવના કદાચ વિશ્વની બીજી કોઈ પણ સંસ્કૃતિમાં ક્યાંય પણ નહીં હોય. વૈદિક સંસ્કૃતિ- ભારતીય સંસ્કૃતિ વિશ્વમાં અજોડ છે. ગૃહસ્થાશ્રમ અને દામ્પત્યજીવન ની વિભાવના જે ઋષિ-મુનિઓએ આપી છે તે અદ્વિતીય છે ,આવકારદાયક છે લોકોને માટે કલ્યાણકારી છે.
આ પ્રકારે સૂર્યાનો આ વિવાહ "વિવાહ સૂક્ત"ની એક આદર્શ મહનીય કલ્પનાને પ્રસ્તુત કરે છે. જે પરિવારને સુખ શાંતિ અને અભ્યુદયનો આધાર છે. આ સૂક્તમાં જીવનના એ શાશ્વત મૂલ્યોની સ્થાપના કરવામાં આવી છે. જે હર કાળમાં હરેક સમયે પ્રાસંગિક છે, નિત્ય નવીન છે ક્યારેય પૂરાણી નથી.આદર્શ અને સુખી દાંપત્ય જીવનનું પથ પ્રદર્શન સૂર્યા નો આ વિવાહ સૂક્ત છે, જે સમગ્ર વિશ્વ ને કલ્યાણના માર્ગે દોરી જાય છે. અથર્વવેદના 14માં કાંડમાં સૂર્યા ના બે વિવાહ સૂકતો આવે છે બંને વિવાહસૂક્તની મળીને મંત્ર સંખ્યા 139 થાય છે . આ પ્રકારે ઋષિઓમાં સૂર્યા નું કવયિત્રી તરીકેનું પ્રદાન સર્વશ્રેષ્ઠ છે. ધન્ય નારી!!! ધન્ય વૈદિક સંસ્કૃતિ!!! ધન્ય ગૃહસ્થાશ્રમ!!!
[ © & By Dr. Bhatt Damyanti ]