You become your Gandhi friend ..! books and stories free download online pdf in Gujarati

તું જ તારો ગાંધી બની જા દોસ્ત..!


તું જ તારો ગાંધી બની જા દોસ્ત..!

આઝાદી એટલે અમૃતકુંભ, આઝાદી એટલે સ્વાતંત્ર્યની જ્યોતનું પ્રાગટ્ય, આઝાદી એટલે શહીદો અને સ્વાતંત્ર્ય વીરોએ મા ભારતીને માથે કરેલી તાજપોશી..! આઝાદી એટલે શુરાતનની ભેટ, રાષ્ટ્રીય શાયર ઝવેરચંદ મેઘાણી કહે એમ છેલ્લો ઝેરનો કટોરો પીધા પછી ખોળામાં પડેલો સંજીવનીનો મહોત્સવ..! વિચાર તો કરો, કુદરતના કેટલાં લાડકવાયા દીકરા છે કે, ૧૯૪૭ થી ૨૦૨૧ સુધીના આઝાદીના અમૃત મહોત્સવને માણવા આપણે વિદ્યમાન અને સાક્ષી છીએ. ભગવાન શ્રી કૃષ્ણએ ગીતામાં સાચે જ કહ્યું છે કે, ‘ સમ-દુખ-સુખમ ધીરમ સ: અમૃતત્વાય કલ્પતે’. અર્થાત, જે સુખ-દુ:ખ, આરામ પડકારોની વચ્ચે પણ ધીરજની સાથે અટલ અડગ અને સમ રહે છે, એ જ અમૃતને પ્રાપ્ત કરે છે, અમરત્વ મેળવે છે. અમૃત મહોત્સવથી ભારતના ઉજ્જવળ ભવિષ્યનું અમૃત મેળવવા માટે આપણા માર્ગમાં આ જ મંત્ર આપણી પ્રેરણા બનીને રહ્યો છે. આઝાદીનો અમૃત મહોત્સવ એ આપણો રાષ્ટ્રીય યજ્ઞ છે. અમૃત મહોત્સવના આ આયામમાં દ્રઢ સંકલ્પ સાથે આપણે પણ આનંદની અભિવ્યક્ત કરવાની છે. મા ભારતીના વીર સપૂતોએ બક્ષેલી આ ગૌરવગાથાને મહેકાવી દેશના ખૂણે ખૂણે, ગામે ગામ એની સુગંધને સંસ્કારિતાથી પ્રસરાવવી છે. આજે દરેક રાજ્ય, દરેક ક્ષેત્રમાં આ પ્રયાસ થઈ રહ્યા છે, ત્યારે પ્રસાર ભારતીના માધ્યમ દ્વારા આપણે પણ કેમ એના નિમિત નહિ બનીએ..? કંઈ કેટલાં બલિદાનો પછી ભારતને મળેલી આઝાદીનો આ અમૃત મહોત્સવ ને શહીદોને શ્રદ્ધા-સુમન અર્પણ કરવાનો આ અવસર છે. ‘હાકલ પડી છે મા-ભોમની’ એવું બ્યુગલ વાગતાં જ, મા-ભોમના અનેક લાડકવાયા નરબંકાઓ ગામ-ઘર-અભ્યાસ અને ધંધાપાણી નેવે મૂકી, આઝાદીના લડવૈયા બની ગયેલા. મેઘાણીજીએ લખ્યું છે એમ, ‘ખબર નહિ, અમારે પંથ શું હાકલ પડી છે, ખબર છે એટલી કે, મોતની હાકલ પડી છે’ એમ જીવ અને જીવતરની પણ પરવાહ કર્યા વિના કેટલાંય શૂરવીરોએ અગન-પિછોડી ઓઢી લીધેલી..! મેઘાણીસાહેબનું પેલું ગીત યાદ આવે છે ખરું..? (ગાયકીમાં)

રક્ત ટપકતી સો સો ઝોળી સમરાંગણથી આવે,

કેસરવરણી સમરસેવિકા કોમલ સેજ બિછાવે:

ઘાયલ મરતાં મરતાં રે

માતની આઝાદી ગાવે.

કોની વનિતા, કોની માતા, ભગિની ટોળે વળતી,

શોણિતભીના પતિ-સુત-વીરની રણશય્યા પર લળતી,

મુખથી ખમા ખમા કરતી

માથે કર મીઠો ધરતી.

આપણે સૌ આઝાદીના અમૃત મહોત્સવની પાળે બેઠાં છીએ, છતાં આ ગીત જ્યારે પણ સાંભળવા મળે ત્યારે આંખોમાં દરિયો ઘુઘવાવા લાગે. આંખો છલકાવા લાગે. હે ભરતપુત્રો..! આ આઝાદીના અમૃત મહોત્સવના રસપાન એમને એમ નથી મળ્યા. આજે પણ કંઈ કેટલી ખાંભીઓ તળે આપણા નરબંકાઓ કાયમી નિંદરમાં પોઢેલાં છે. આઝાદીનો અમૃત મહોત્સવ એ આપણો આખરી પડાવ નથી. આપણે તો વિશ્વ-ગુરુ બનવાનું છે. અને એ માટે હજી લાંબી મજલ કાપવાની છે. કોઇ પણ રાષ્ટ્રનું ગૌરવ ત્યારે જાગૃત રહે છે, જ્યારે તે પોતાના સ્વાભિમાન અને બલિદાનની પરંપરાઓના પાઠ તેની આગામી પેઢીને પણ શીખવે. દેશ ભક્તિની ગૌરવગાથાના પંચામૃતની વહેંચણી કરે. આઝાદીના ઇતિહાસની સરવાણી વહેતી કરી, આજના યુવાનોને એ પ્રેરિત કરે. રાષ્ટ્રનું ભવિષ્ય પણ ત્યારે જ ઉજ્જવળ રહે, જ્યારે તે પોતાના અતીતના અનુભવો અને વારસાના ગર્વ સાથે ક્ષણ-ક્ષણ જોડાયેલું રહે. જેથી કરીને આ ભરતભૂમિમાં બીજા ભગતસિંહ, સુભાષચંદ્ર બોઝ, મહાત્મા ગાંધીજી, ચંદ્રશેખર આઝાદ, મહારાણી લક્ષ્મીબાઈ , લોકમાન્ય તિલક કે સરદાર વલ્લભભાઈ પટેલ જેવાં નરબંકાઓ આ ભારત ભૂમિમાં પુનર્જન્મ લઈ શકે..! આઝાદીના અમૃત મહોત્સવ ટાણે આવો આપણે સમુહમાં સંકલ્પ કરીએ કે, ભારતની પાસે ગર્વ લેવા માટેનો અપાર ભંડાર છે, એની વૃદ્ધિ કરીએ. સમૃદ્ધ ઈતિહાસ અને ચેતનાનો સાંસ્કૃતિક વારસો છે, એનું સંવર્ધન કરીએ. આઝાદીના 75 વર્ષોનું રસપાન આજની પેઢી કરશે તો, નવી દિશા અને ચેત્નાઓમાં ઉઘાડ આવશે. આપણા વેદોમાં એક વાક્ય છે કે, ‘મૃત્યો: મુક્ષીય મામૃતાત’ અર્થાત આપણે સૌ દુ:ખ, કષ્ટ, ક્લેશ અને વિનાશથી નીકળીને અમૃત તરફ આગળ વધીએ, અમરતા તરફ આગળ વધીએ. આઝાદીના અમૃત મહોત્સવનો આ સંકલ્પ, આદર્શ અને ભારતીય અભિમાન છે. આઝાદીનો અમૃત મહોત્સવ એટલે આઝાદીની ઉર્જાનું અમૃત, આઝાદીનો અમૃત મહોત્સવ એટલે સ્વાધીનતા સેનાનીઓ પાસેથી પ્રાપ્ત થયેલી વિચારધારાઓનું અમૃત. નુતન ભારતની પરિકલ્પના, વિશ્વ-ગુરુની દિશામાં પ્રયાણ..! આત્મ નિર્ભરતાનું સ્વદેશાભિમાન. અમૃત-મહોત્સવ એટલે રાષ્ટ્રના જાગરણનો મહોત્સવ. સ્વરાજ મારો જન્મ સિદ્ધ અધિકાર છે, એની પ્રાપ્તિ પછીની આગેકુચ..! આ મહોત્સવ વૈશ્વિક શાંતિનો, અને વિકાસનો મહોત્સવ છે. (ગાયકીમાં)

દુનિયાના વીરોનાં લીલાં બલિદાનોમાં
ભભક્યો કસુંબીનો રંગ;
સાગરને પાળે સ્વાધીનતાની કબરોમાં
મહેક્યો કસુંબીનો રંગ. – રાજ
મને લાગ્યો............

મારા ભારતને જ્યારે આઝાદીના અમૃત મહોત્સવની વસંત મળી છે, ત્યારે આ ગીત કેવું કર્ણપ્રિય લાગે છે નહિ..? જેને સાંભળતા જ શબ્દો પણ એના સ્થાન ઉપર ઉભા થઈને, અદબથી ભારતની ધૂળને માથે ચઢાવતાં હોય એવું લાગે..! અરે..? આ ગીતનો ગાનાર કેમ દેખાતો નથી ? મારા બાપુનું પ્રિય અને ઝવેરચંદ મેઘાણીસાહેબે લખેલું આ ગીત કોણ ગાય છે ભાઈ..? ગીત છેડીને તેં તો અમારા હૃદયમાં શૂરાતનના વાવેતર નાંખી દીધાં..! આઝાદીના સંગ્રામના સાક્ષાત્કાર કરાવી દીધાં..! આખે-આખું આવડતું હોય તો, ગીત આખું જ ગાજે દોસ્ત..! ગીત ગાઈને અમારા ભારતની આઝાદીના અમૃત મહોત્સવને તેં તો શુકનિયાળ બનાવી દીધો. તમે દેખાતા કેમ નથી..? પ્રગટ થાઓ ને..? મારે તમને જોવા છે. હું કોઈ સ્વાતંત્ર સેનાની તો નથી, ને સાચો દેશભક્ત છું કે કેમ, એની પણ મને ખબર નથી. તો પછી મારા આંગણે આવીને ગાવાનું કોઈ કારણ..?

હું કોણ છું, એ જાણવાની જીજ્ઞાશા નહિ રાખ માણસ. તને કહેવા આવ્યો છું કે, તું જ તારા મન-વચન કર્મથી તારો ગાંધી બની જા દોસ્ત..!

- તમે કોણ છો યાર..? પ્રગટ થવા કરતાં, પ્રવચન વધારે આપો છો..? અરે..? તું તો મારા ખભે ચઢી ગયો, મારે ઉતર, નીચે ઉતર..! સહેજ કોઠું આપ્યું, એમાં મારા ખભે શેનો ચઢી ગયો..? મને લાગે ધીરે ધીરે તું મારા માથે ચઢી જશે. ઉતર..! નીચે ઉતર..! તું તો હદ કરે છે યાર..? (ગાયકીમાં)

પિડિતની આંસુડાધારે - હાહાકારે
રેલ્યો કસુંબીનો રંગ;
ઓલા..શહીદોના ધગધગતા નિઃશ્વાસે નિઃશ્વાસે
સળગ્યો કસુંબીનો રંગ. - રાજ૦

- ઓહહહ..! એટલે કે, અત્યાર સુધી તું જ આ ગીત ગાતો હતો એમ ને ? તું તો વાનર છે, પ્રાણી છે, તું અમારી જેમ બોલી જ કેમ શકે.?

- તને ખબર નહિ હોય, માણસ..! ગાંધીજીના ત્રણ વાંદરા પૈકીનો એક વાંદરો તે હું પોતે છું. આ તો મને થયું કે, લાવ, આઝાદીના અમૃત મહોત્સવની ખુશાલી પામવા એક આંટો ગુજરાતમાં લગાવી આવું. ને મારા બાપુના ગુજ્રરાતની ખુશ્બુ લેતો આવું,..!

એઈઈઇ, તું વાંદરવેડા ના કર, ને ગપ્પાં મારવાનું છોડ. ગાંધીજીને વાંદરા નહિ, ત્રણ વાંદરાનું રમકડું વ્હાલું હતું. એકને દેખાતું નહિ, બીજાને સંભળાતું નહિ, ને ત્રીજાથી....!

જેનાથી નહિ બોલાતું તે જ હું..! પણ ફેર એટલો કે, સમયની સરવાણી સાથે અમે રમકડાંમાંથી જીવતા વાનર થઇ ગયા. ને તું એકબીજાના હાથનું રમકડું થઈ ગયો..! હવે હું બોલતો થઇ ગયો છું. મારી જેમ બાકીના બે વાંદરા પૈકી એક દેખતો થઇ ગયો. બીજો સાંભળતો પણ થઇ ગયો. વાંદરા સુધરી ગયાં, માટે હે માણસ..! અમૃત મહોત્સવ આવ્યો છે, તો હવે તું પણ સુધરી જા. તું જ તારો ગાંધી બની જા. ચાલ હવે આપણે ભેગા મળીને ગાઈએ...! (ગાયકીમાં)

એઈઈઇ...જનનીના હૈયામાં પોઢંતા પોઢંતા પીધો કસુંબીનો રંગ

ધોળા ધાવણ કેરી ધારાએ ધારાએ પામ્યો કસુંબીનો રંગ..!

બોલો આઝાદ હિન્દ ઝીંદાબાદ (3)

---------------------------------------------------------------------------------------------------------------------