All of a sudden books and stories free download online pdf in Gujarati

અચાનક

પ્રેમાં.. ઓ પ્રેમા.. ચાલ જમી લે..પ્રેમા જમણા પડખે ફરી ને પોતાની જાતે ઉભી થવાની કોશિશ કરતી હતી,તરત જ તેને પ્રેમે ટેકો આપ્યો,અને હસી ને તેને બેઠી કરી.પછી એક ઓશીકું તેની પીઠ પાછળ અને એક તેના ખોળા માં ગોઠવી તેના પર તેનો હાથ ટેકવ્યો,સામે એક નાનું ટેબલ ગોઠવી ને જમવાની થાળી તેના પર મૂકી પ્રેમે પેલો કોળિયો પ્રેમા ના મોં માં મુક્યો.

પ્રેમ અને પ્રેમા એટલે સ્નેહ ની રેશમી ગાંઠે બંધાયેલા બે જીવ,જેમના ખોળિયા અલગ પણ આત્મા એક જ.બંને ના લવ મેરેજ નહિ પણ કોઈ જોવે તો એવું જ લાગે કે જાણે જન્મો જન્મ નો પ્રેમ એ બંને વચ્ચે હોઈ તેવું લાગે.

આમ તો ઘર માં સાસુ સસરા સાથે રહે,પણ કોરોના એ દરેક ને એકબીજા થી અછૂત બનાવી દીધા હતા.પ્રેમ અને પ્રેમા બંને તે ઝપેટ મા આવી ગયા,બંને ને સાથે જ કોરોના પોઝિટિવ આવ્યો,એટલે ઘર માં જ કોરોન્ટાઇન થયા હતા. એટલે પ્રેમા ની સાસુ રસોઈ કરી અને બંને ની થાળી રૂમ ના દરવાજે મૂકી આવે,પ્રેમા ને થોડી નબળાઈ વધારે એટલે લગભગ પ્રેમ જ બંને નું બધું કામ કરતો.

જો કે પ્રેમ નું ધ્યાન રાખતા રાખતા જ પ્રેમા ને આ રોગ લાગુ પડ્યો હતો,લગભગ પંદર માં દિવસે પ્રેમ નો રિપોર્ટ નેગેટિવ આવી ગયો,પ્રેમા ને હજુ બાર દિવસ થયા હતા, જો કે હવે તે પહેલાં કરતા વધુ સ્વસ્થ હતી તો પણ પ્રેમ જ તેની જમવાની થાળી લઈ જતો,પણ પ્રેમા હવે તેને વધુ દૂર જ રાખતી.પ્રેમ કાઈ કહે તો પોતે રડવા લાગતી કે તને કઈ થશે તો હું કેમ જીવીશ,એટલે તું દૂર રહે અને આપડા બાળકો નું ધ્યાન રાખવામાં મમ્મી ને મદદ કર.

તેરમાં દિવસે પ્રેમા થોડી સ્વસ્થ લાગતી હતી,આજ એને નબળાઈ પણ ઓછી લાગતી હતી,બસ હવે કાલે હું રિપોર્ટ કરાવી લવ એટલે નિરાંત,પછી કોઈ ખતરો,કોઈ ઉપાધિ નહિં.પ્રેમા મન મા ને મન મા જ આવા વિચારો કરતી હતી, આજ તો તે પોતાની જાતે રોજ કરતા વહેલી જાગી ગઈ, અને પછી રોજીંદુ કામ પતાવી યોગા પણ કર્યા.સાથે સાથે પોતે ઘર ના ક્યાં ક્યાં કામ કરવાના છે એ પણ યાદી કરવા લાગી.થોડી વાર માં તેનો સવાર નો નાસ્તો આવી ગયો,તેને ન્યાય આપી તે ફરી આરામ કરવા લાગી.તેની આંખ મીંચાઈ ગઈ.

બપોરે પ્રેમે તેને જમવા બોલાવી તે બેઠી થઈ પણ અત્યારે તેને થોડું અલગ લાગતું હતું કંઈક વિચિત્ર !! પ્રેમે તેને જમવાની થાળી આપી અને તેને પીવાનું પાણી આપ્યું જેવું તે પાણી પીવા લાગી કે પાણી એક તરફ થી બહાર નીકળવા લાગ્યું,તેને તો કઈ સમજાયું નહીં પણ પ્રેમ આ જોઈ ગયો અને તરત જ કોઈ જાત નો વિચાર કર્યા વગર તેને હોસ્પિટલ લઈ ગયો,જો કે પ્રેમે તેને ઉપાડી ને જ ગાડી માં સુવડાવી દીધી.

બધું ચેક અપ કર્યું કોરોના નેગેટિવ આવી ગયો,પણ થોડીવાર માં તેને લાગ્યું કે તેના હાથ ભારે થઈ ગયા છે,કે પછી તેનાથી તેનો હાથ ઉચકાતો નથી!!તે ઘડીક ડોક્ટર તરફ અને ઘડીક પ્રેમ તરફ જોયા કરતી,ડોક્ટર તેને હાથ ઉચકવાનું કહેતા પણ તે કઈ કરી શકતી નહતી,તેને પ્રેમ સામે જોયું ,પ્રેમે તેની આંખ માં આંસુ જોયા,જે રહી રહી ને બહાર ડોકિયાં કરતા હતા.અને અચાનક જ પ્રેમે જોયું કે તેના હોઠ સહેજ એક તરફ થી વંકાયા તેની તરફ જોઈ ને તેનાથી મોં માંથી અચાનક જ ચીસ નીકળી ગઈ. પ્રેમા....

પ્રેમા ને ત્યાં સુધી માં અર્ધું અંગ પેરેલાઇસ થઈ ગયું હતું,અને પ્રેમ તેની પાસે બેસી ને તેને જોયા કરતો હતો...

✍️ આરતી ગેરીયા...