Prem - Nafrat - 14 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૧૪

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૪

'હા બેટા, તું જલદી આવી જા...' સુલોચનાબેન ખુશીથી બોલી રહ્યા હતા. ઘરમાં ત્રીજી વહુ લાવવાનો થનગનાટ એમના શબ્દોમાં હતો.

'મા, હું એક કામથી બહાર નીકળ્યો છું. મને એકાદ કલાક થઇ જશે. મારી સાથે વાત કર્યા પછી એમને બોલાવવાના હતા ને?' આરવને લાગ્યું કે છોકરીની વાત આવે ત્યારે મા ઉતાવળ કરે છે. અગાઉ આ રીતે તેને બે-ત્રણ વખત તેડાવી લીધો હતો. ઘરે પહોંચ્યા પછી જ્યારે એણે છોકરીને જોઇ ત્યારે તે વધારે પડતી રૂપાળી લાગી હતી. એ છોકરીઓને મળ્યા પછી તેણે માને કહ્યું હતું પણ ખરું કે આપણે ઘરમાં પરીને જોઇતી નથી. મારી પસંદ અલગ છે.

'બેટા, આ વખતે તને ગમે એવી છોકરી પસંદ કરી છે. તું જલદી આવજે. હું એમને બેસાડી રાખું છું...' કહી ફોન મૂકી દીધો. સુલોચનાબેનને સમજાતું ન હતું કે આજકાલના છોકરાઓને ચાંદનો ટુકડો જોઇતો હોય છે ત્યારે આરવ ઘરરખ્ખુ છોકરી શોધી રહ્યો છે. સુલોચનાબેનની લાગણી આરવ સાથે વધારે જોડાયેલી હતી. એક તો એ સૌથી નાનો પુત્ર હતો અને એની સાથે વધારે ફાવતું હતું. બીજા બંને છોકરા એમની વહુઓ સાથે જ વધારે સમય ગાળતા હતા અને બંને વહુઓ વચ્ચે સંપ વધારે હતો. એ સંપ એમના સ્વાર્થ માટે વધારે હતો. આ વખતે એમણે દેખાવે થોડી સામાન્ય છોકરી શૈલીને બોલાવી હતી. પહેલી મુલાકાતમાં એનો સ્વભાવ પણ ગમ્યો હતો. તેમને આરવની એ વાત સાચી લાગી હતી કે કેટલીક રૂપવતી છોકરીઓ સામાન્ય કામમાં રસ ધરાવતી નથી. એમને એમની સુંદરતાની ચિંતા પરિવાર કરતાં વધારે હોય છે. ઘરમાં બંને સુંદર વહુઓએ બાળક લાવવામાં ઘણા વર્ષ કાઢ્યા હતા. એમને પરિવાર કરતાં પોતાની સુંદરતાની- શરીરની વધારે ચિંતા રહે છે.

મા માની ગઇ છે એ ખ્યાલથી તેને રાહત થઇ હતી. તેણે જીપની ગતિ વધારી દીધી. કાઠિયાવાડી હોટલ પાસે પહોંચ્યો અને સામે જ રચનાની રીક્ષા આવીને ઊભી રહી.

આરવે જીપ પાર્ક કરીને રચનાને આવકાર આપ્યો અને આ રીતે બોલાવવા બદલ ક્ષમા યાચી. રચનાએ આરવને 'માફી માગવાની ના હોય' એમ કહીને ઉદારતા બતાવી.

બંને હોટલના એક ખૂણામાં ટેબલ પર બેઠા. આરવે ઝડપથી કોફી અને નાસ્તો મંગાવી મૂળ વાત પર આવતાં કહ્યું:'રચના, અમને આનંદ છે કે તું અમારી કંપનીમાં જોડાઇ રહી છે. તને તાત્કાલિક બોલાવવાનું કારણ એ છે કે અમે મોબાઇલનું એક નવું મોડેલ લોન્ચ કરવાના છે. એમાં તારા તરફથી સૂચન જોઇતા હતા. આપણે મોડેલમાં એવી સુવિધાઓ આપવી છે કે અગાઉ કોઇ કંપનીએ આપી ના હોય. જેથી તેનું વેચાણ ઝડપથી થાય...'

'હં...સારી વાત છે. મેં ગઇકાલે જ બીજી કંપનીઓના મોબાઇલોનો અભ્યાસ કર્યો હતો. એ પ્રકારે તમે પણ જોતા તો રહેતા જ હશો. જેમકે એની કિંમત ૧૫૦૦૦ થી ઓછી હોય છે, ઓનલાઇન પ્લેટફોર્મ પર ડિસ્કાઉન્ટ અપાય છે, જૂના ફોનની એક્સચેન્જ ઓફર હોય છે, જો સાથે એસેસરીઝ લે તો વધુ બચત થાય છે. રેમ ૪ જીબી અને સ્ટોરેજ મેમરી ૬૪ જીબી ઓછામાં ઓછી હોય છે. અને સાઇઝ સાડા છથી પોણા સાત ઇંચની પરંતુ એમાં કલરની પસંદગી ઓછી હોય છે. મોટાભાગની કંપની બેથી ત્રણ રંગની જ ચોઇસ આપે છે. આપણે એક- બે કલર વધુ આપી શકીએ છીએ...'

'યસ રચના, તારું અવલોકન સારું છે. સ્માર્ટ ફોનની કંપનીના કર્મચારી સ્માર્ટ હોવા જોઇએ! કલર અંગેનું સૂચન મેં નોંધી લીધું છે. પણ આ બાહ્ય પસંદગીના ધોરણ છે. મોબાઇલમાં કંઇક એવું હોવું જોઇએ જે ગ્રાહકને વાપરવા માટે ઉપયોગી બને. જેટલી વધુ સુવિધા હશે એટલું વધારે વેચાણ થશે. આપણે કંઇક એવું નવું આપીએ કે એમને પોતાનો અગાઉનો ફોન જૂનો લાગવો જોઇએ...'

'બરાબર છે...' બોલીને રચના આંખો બંધ કરી વિચારવા લાગી.

આરવ એને જોઇ જ રહ્યો. એના સાદગીભર્યા ચહેરાને આંખોમાં ભરી તેણે પણ આંખો બંધ કરી દીધી. તે મનોમન ગાવા લાગ્યો:'તેરે ચેહરે મેં વો જાદૂ હૈ, બિન ડોર ખિંચા આતા હૂં...'

અચાનક રચનાએ જાણે એના મનોભાવ જાણી લીધા હોય એમ આંખો ખોલીને બોલી:'તમને ગીત સાંભળવાનો બહુ શોખ છે ને? એમ બધાને જ હોય છે. સંગીત રસિયાઓ માટે આપણે સારી સાઉન્ડ સીસ્ટમ આપી શકીએ. એમાં વધુ સ્ટીરીઓ હોય એમ કરી શકીએ...અને એમ કરવાથી ફોનનું બજેટ વધશે નહીં.'

'હા, આ સૂચન સારું છે...' આરવ આંખો ખોલીને રંગમાં આવતાં બોલ્યો.

બંનેએ થોડીવાર સુધી સાઉન્ડ સીસ્ટમ વિશે ચર્ચા કરી. વાત પૂરી કરીને રચનાએ જલદીથી કામ પર આવવાનું કહી રજા લીધી. આરવે જીપમાં ઘરે છોડી જવાનો આગ્રહ કર્યો પણ રચના બીજા કામનું બહાનું આપી રીક્ષામાં નીકળી ગઇ.

રચનાએ રીક્ષામાં બેસીને જ સંજનાને ફોન લગાવ્યો:'તું કહેતી હતી ને કે 'સુપર ફાસ્ટ મોબાઇલ' નું નવું મોડેલ આવવાનું છે? એમને ૧૫૦૦૦ થી નીચેના ફોનમાં સાઉન્ડ સીસ્ટમમાં સુધારો કરવાનું સૂચન કરજે. 'ઓલ ઇન વન મોબાઇલ' થી પહેલાં એમનું મોડેલ આવી જાય એવું કરાવજે...'

ક્રમશ: