NARI-SHAKTI - 17 books and stories free download online pdf in Gujarati

નારી શક્તિ - પ્રકરણ-17, ( જુહૂ-બ્રમજાયા )

નારી શક્તિ પ્રકરણ-17, ( જુહૂ-બ્રહ્મજાયા )
[હેલ્લો વાચક મિત્રો! નમસ્કાર, નારી શક્તિ પ્રકરણ-17 માં આપ સર્વે નું હાર્દિક અભિવાદન કરું છું. ગયા એપિસોડમાં આપણે સૂર્યા- સાવિત્રી રચિત વિવાહ સૂક્ત ની વાત કરી હતી. આ એપિસોડમાં જુહુ- બ્રહ્મજાયા ની વાત કરવા જઈ રહી છું, આ કથામાં જુહુ ને તેના પતિ તરફથી પરિત્યાગ કરી દેવામાં આવે છે અને પછી દેવો ના પ્રયત્નોથી એનો ફરીથી સ્વીકાર થાય છે એ વાત વર્ણવવામાં આવી છે. સ્ત્રીના પરિત્યાગ ની આવી ઘટના બહુ પ્રાચીન છે આ પહેલાં એક અપાલા ની પણ કથા આવી જ આવી ગઈ છે કે જેનો એના પતિ દ્વારા ત્યાગ કરવામાં આવે છે . આપ સર્વેનો સાથ અને સહકાર તેમજ પ્રતિભાવ મળતો રહે એવી અભિલાષા સાથે આપનો ખૂબ-ખૂબ આભાર !!! માતૃભારતી નો પણ ખૂબ ખૂબ આભાર !!! ધન્યવાદ.]
પ્રસ્તાવના:-
ઋગ્વેદના દસમા મંડળની 109 માં સૂક્તની ઋષિકા દ્રષ્ટા 'જુહૂ- બ્રહ્મજાયા' છે. જોકે વૈકલ્પિક રૂપમાં બ્રહ્મપુત્ર પણ આ સૂક્તના ઋષિ કહેવામાં આવ્યા છે. તેમ છતાં શૌનક ઋષિ દ્વારા સ્ત્રી ઋષિઓની એક યાદી પરિગણિત કરવામાં આવી છે. જેમાં જુહૂ ને પણ આ સૂક્તની ઋષિ માનવામાં આવે છે. સૂક્તમાં કુલ સાત મંત્ર છે.
જુહુ- બ્રહ્મજાયા નું આ સૂક્ત ભારતીય સમાજમાં માન્ય વિવાહ સંસ્થાની પવિત્રતા અને નારી ચરિત્રની ઉદારતાનો એક અમૂલ્ય દસ્તાવેજ છે.
ભારતીય સમાજ વ્યવસ્થામાં અનાદિ કાળથી જ નારી ને પોતાના સતિત્વની અથવા શુદ્ધ ચરિત્ર ની પરીક્ષા હંમેશા આપવી પડી છે આ વાતને ઉજાગર કરતી કથા એક પ્રાચીન કાળની નારી ની કથા એટલે 'જુહૂ -બ્રહ્મજાયા'ની કથા અહીં વર્ણવવામાં આવેલ છે. ચરિત્ર દોષ અથવા પાપની આશંકા માત્રથી જ પતિ દ્વારા પરિત્યકતા થાય છે. તપ અને સંયમની અગ્નિમાં તપીને સ્વયંને શુદ્ધ બનાવીને સુવર્ણ સમાન પોતાના તેજને ઉદ્ભાસિત કરે છે.પોતાના ચરિત્રને શુદ્ધતાને પ્રમાણિત કરવા વાળી જુહૂ- બ્રહ્મજાયા ને પતિ દ્વારા પુનઃ ગૃહિત કરવામાં આવે છે( સ્વીકાર કરવામાં આવે છે) તેવી જ એક નિષ્કલંક નારી ની કથા એટલે જુહુ- બ્રહ્મજાયા.
જુહૂ બૃહસ્પતિની પત્ની છે, બૃહસ્પતિને વાચસ્પતિ, બ્રહ્મ અથવા બ્રાહ્મણ પણ કહેવામાં આવ્યા છે .સંપૂર્ણ સૂક્ત માં જુહુ નો પરિચય બ્રહ્મ-જાયા તરીકે મળે છે. જુહૂ નો વિવાહ વિધિ પૂર્વક બૃહસ્પતિ સાથે થયો હતો. વિશ્વ દેવો એટલે કે બધા જ દેવતાઓ એ જુહૂ ને તેના પતિને સમર્પિત કરી હતી. પ્રાચીન પરંપરામાં વેદકાળમાં કન્યાને જ્યારે વિવાહ થાય ત્યારે દેવો છે તે એના પતિને સમર્પિત કરે છે એવું વર્ણન મળે છે. એટલે અહીં પણ વિશ્વ દેવોએ જુહૂને બૃહસ્પતિને સમર્પિત કરી હતી. કદાચ કોઈ દોષની આશંકાને કારણે જુહૂને તેના પતિ બૃહસ્પતિએ ત્યાગી દીધી હતી. આ પ્રકારે અકારણ જ જુહૂ નો ત્યાગ કરવાથી બૃહસ્પતિ પાપના ભાગીદાર બન્યા હતા. ત્યારે આદિત્ય વગેરે દેવોએ શુદ્ધ ચરિત્ર વાળી જુહૂને ફરીથી એમની સાથે મિલાપ કરાવ્યો.(પતિ સાથે મિલાપ કરાવ્યો ) જુહૂની આ કથા તેણે પોતે સ્વયં કહેલી છે તેમ છતાં ત્રીજી વ્યક્તિ ને ઉદેશીને અથવા ત્રીજી વ્યક્તિની વાત કરવામાં આવી હોય તે રીતે પોતાની શૈલીમાં આ કથા નીચે પ્રમાણે અભિવ્યક્ત કરવામાં આવેલી છે.
બૃહસ્પતિ દ્વારા પોતાની પત્નીનો ત્યાગ કરવાથી મુખ્ય દેવતાઓ બધા જ બ્રહ્મના (જુહૂ નાં પતિની) આ પાપની બાબતમાં ચર્ચા કરવા લાગ્યા.
જુહૂના આ દુર્ભાગ્ય ઉપર વિચાર કરવાવાળા દેવતાઓ હતા--- પૃથ્વીથી ખૂબ જ દૂર દેવલોકમાં પોતાના તેજથી ચમકતા સૂર્ય, જળના અધિષ્ઠાતા વરૂણ( પાણી) તીવ્ર તેજ ગતિવાળો વાયુ, (માતરિશ્વા ) અંધકાર ને હરી લેવા વાળો ચંદ્ર, ઉગ્ર તેજથી યુક્ત કલ્યાણકારી અગ્નિ તથા સોમ ,આ બધા અને સર્વપ્રથમ જન્મ લેવા વાળા દિવ્ય જળ, આ બધા દેવોએ ચર્ચા-વિચાર કરી અને ઉપાય શોધી અને બ્રહ્મની ( જુહૂ નાં પતિની) પાસે તેનું પ્રાયશ્ચિત કરાવ્યું. (મંત્ર -1)
દેવોના પ્રમુખ સોમરાજા એ બધાની સંમુખ બ્રહ્મ જાયા જુહૂ ને પુનઃ બૃહસ્પતિને પ્રદાન કરી એટલે કે સોમદેવે ફરીથી જુહૂ ને તેના પતિને સોંપી. વરૂણ, મિત્ર વગેરે દેવતાઓએ આ શુભ કાર્ય ને અનુમોદન આપ્યું.
દેવોના આહવાન કરતા તથા મનુષ્યનો યજ્ઞ સંપાદન કરતા અગ્નિદેવ બ્રહ્મજાયાનો હાથ પકડીને બૃહસ્પતિની નજીક લાવ્યા, અને કહ્યું કે બધા દેવોએ અગ્નિદેવને વિનંતી કરી અને કહ્યું કે હે અગ્નિ હોતા!! આ ના હાથ ને સ્પર્શ કરો તે આપની વિવાહિત પત્ની છે.( મંત્ર 2)
તેને શોધવા માટે આપણે જે દૂત મોકલ્યા હતા તેની સામે પણ આણે આત્મા પ્રકાશ કર્યો નહીં એટલે કે પોતાની વેદના દર્શાવી નહીં. જેવી રીતે છાત્ર શક્તિથી સંપન્ન ક્ષત્રિય રાષ્ટ્રની સુરક્ષા કરે છે તેવી રીતે આત્મશક્તિ થી આનું ચારિત્ર સુરક્ષિત છે.(મંત્ર 3)
ચતુર્થ મંત્રમાં જુહુ ઉગ્ર તપસ્યા થી સર્વથા નિષ્કલંક થઈને બ્રહ્મજાયાની શુદ્ધતા ને પ્રમાણીત કરતાં કહે છે કે,
આદિત્ય વગેરે સનાતન દેવોએ પણ આની શુદ્ધતાના વિષયમાં પ્રમાણ આપ્યું છે તપ અને ઉગ્ર તેજથી તેઓએ પણ એમ જ કહ્યું છે બૃહસ્પતિની નજીક લાવવામાં આવેલી આ જાયા ભીમા તપ અને ઉગ્ર તેજથી તેજસ્વીની બની છે અને સંપૂર્ણ નિષ્કલંક છે.
અહીં આલેખવામાં આવેલી જુહૂ ની શુદ્ધતા ની કથા બ્રહ્મ જાયા ની પવિત્રતા ની કથા એ નારી ચારિત્રની ગરિમાની સાક્ષી પૂરે છે, ભારતીય સમાજ અને સંસ્કૃતિમાં હર હંમેશ પ્રાચીન કાળથી લઇને અર્વાચિન કાળ પર્યંત નારી ની પવિત્રતા પર સમાજે હંમેશા આંગળી ઉઠાવી છે અને સ્ત્રીને પોતાની પવિત્રતા સાબિત કરવી પડી છે એ વાતની આ કથા સાક્ષ્ય પ્રદાન કરે છે.
તપ અને સત્યનું આચરણ નિમ્ન સ્થાનમાં પડેલા કોઈપણ ને નિકૃષ્ટ થી લઈને પરમ વ્યોમ માં એટલે કે ઉન્નત સ્થાન પર ઉત્તમ લોકમાં સ્થાપિત કરે છે (મંત્ર 4.)
પોતાના તપની શક્તિ થી પણ પતિને પુનઃ પ્રાપ્ત કર્યા પછી પણ બ્રહ્મજાયા જુહૂ દેવતાઓને સંબોધિત કરીને કહે છે કે,
હે દેવતાઓ ! મારા પતિ પત્ની ના ત્યાગના કારણથી બ્રહ્મચર્યનું આચરણ કરતા રહ્યા છે , તેઓ બધા જ યજ્ઞોમાં એકજ અંગ થી પ્રસ્તુત રહ્યા છે એટલે કે એકલા જ પહોંચ્યા છે અથવા એકલા જ યજ્ઞ માં હાજર રહ્યા છે. જેવી રીતે પૂર્વે તેઓએ સોમથી પોતાની પત્નીને મેળવી હતી તેવી જ રીતે આ સમયે પણ મને જુહૂ-બ્રમજાયા ને પત્ની રૂપમાં ફરીથી પ્રાપ્ત કરી છે (મંત્ર 5)
જુહૂ અને બ્રહ્મનું પુનર્મિલન દેવો ની સાક્ષીમાં રાજાઓ અને ગણમાન્ય જનોની ઉપસ્થિતિમાં સંપન્ન થયું. આ સામાજિક સાક્ષ્યનુ વિવરણ કરતાં જુહૂ કહે છે કે દેવો તથા મનુષ્યોએ બૃહસ્પતિ માટે એમની પત્નીને પુનઃપ્રદાન કર્યું છે. રાજાઓએ પણ સંપ્રદાન ને સત્ય કરીને શપથ સાથે શુદ્ધ ચરિત્રા આ પત્ની ને સમર્પિત કરી. (મંત્ર 6)
આ રીતે દેવો એ તપથી શુદ્ધ બનેલી જાયા ને પુનઃ પ્રદાન કરીને બૃહસ્પતિને કલંક માંથી મુક્ત કર્યા અને નિષ્પાપ બનાવ્યા. ત્યારબાદ પૃથ્વીમાં સર્વશ્રેષ્ઠ અન્ન ( ઉપભોગ્ય વસુઓ) બંને પરસ્પર વહેંચીને ઉપભોગ કરતાં તેઓ પ્રસંશનીય બાર્હસ્પત્ય( બૃહસ્પત્ય) યજ્ઞની ઉપાસના કરવા લાગ્યા. (મંત્ર 7) જુહૂની આ કથા દ્વારા અનાયાસ માનસપટ પર એક અન્ય કથા પણ ઊભરી આવે છે જેમાં શ્રીરામ દ્વારા સીતાનો ત્યાગ કરવાની કથા, રામાયણ ના સાક્ષ્ય અનુસાર લંકામાં સ્વયમ અગ્નિ દેવતા ની સમક્ષ સીતાની શુદ્ધિ ને પ્રમાણિત કરવામાં આવી ત્યાર પછી જ શ્રી રામ ને સમર્પિત કરવામાં આવી હતી. પરંતુ અયોધ્યા આવ્યા પછી પણ લોક નિંદાને કારણે ફરીથી સીતાનુ નિર્વસન થાય છે એટલે કે ત્યાગ થાય છે. બ્રહ્મચર્યનું પાલન કરતા એકાકી રામ રાજધર્મનું પાલન કરે છે , અયોધ્યાની રાજસભામાં મોટી સંખ્યામાં જનસમર્થન કરતાં વાલ્મિકી દ્વારા સીતા ની શુદ્ધતા નું પ્રમાણ આપવામાં આવે છે અને શુદ્ધતાની પ્રમાણિતતા વાલ્મિકી આપે છે.
જુહુના ચારિત્રને અને સીતાના ચારિત્ર ની તુલના કરી શકાય. જુહૂ ની કથા સુખાંત હતી, જ્યારે સીતા ની કથા દુ:ખાન્ત છે. પરંતુ ભભૂતી ના ઉત્તરરામચરિત માં શ્રીરામના આ કલંકને દૂર કરવા માટે જ સંભવતઃ ભવભૂતિએ જનક નંદિની અને શ્રી રામનું પુનર્મિલન કરાવ્યું છે- અસ્તુ.
[ © & By Dr.Bhatt Damyanti ]