The Next Chapter Of Joker - Part - 27 books and stories free download online pdf in Gujarati

The Next Chapter Of Joker - Part - 27

The Next Chapter Of Joker

Part – 27

Written By Mer Mehul


સાંજના સાડા છ થયાં હતાં. એક જીપ પોલીસ સ્ટેશન બહાર આવીને ઉભી રહી. તેમાંથી હિંમત અને ત્રીસેક વર્ષનો યુવાન નીચે ઉતર્યા. બંને ચાલીને અંદર પ્રવેશ્યાં. જુવાનસિંહ ત્યારે ઓફિસમાં જ બેઠા હતાં.
“બેસો અહીં…” એ વ્યક્તિને જુવાનસિંહનાં રૂમ બહાર બેન્ચ પર બેસવાનો ઈશારો કરીને હિંમત રૂમમાં ગયો. એકાદ મિનિટ પછી એ બહાર આવ્યો અને એ વ્યક્તિને અંદર આવવા કહ્યું.
“સર, આ ઓમકાર મેડિકલ સ્ટોરનાં માલિકનો દીકરો પાર્થ છે” હિંમતે પાર્થની ઓળખાણ કરાવી, “તેનાં કહેવા મુજબ, છેલ્લાં બે દિવસથી તેનાં પિતા લાપતા છે”
“તારા પિતાનાં ગૂમ થયાની ફરિયાદ નોંધાવી છે ?” જુવાનસિંહે પૂછ્યું.
“ના સર….પપ્પા ઘણીવાર બ્રેક લઈને આવી રીતે નીકળી જતાં. દર વખતે તેઓ સાંજ થાય એટલે ઘરે આવી જતાં અથવા તો કૉલ કરીને જણાવી દેતાં, મને લાગ્યું આ વખતે થોડો વધારે સમય લાગશે પણ પોતાની રીતે પાછા આવી જશે એટલે મેં ફરિયાદ નથી નોંધાવી”
“હં…સમજ્યો…” જુવાનસિંહે હુંહકાર ભર્યો, “મેડિકલ સ્ટોર પર કોણ બેસે છે ?”
“પપ્પા જ બેસે છે પણ પપ્પા નથી એટલે આજે હું બેઠો હતો”
“એક સેક્સ રેકેટનાં કેસમાં તારા પપ્પાનું નામ જોડાયું છે અને તેઓ કોઈ હસમુખ નામનાં વ્યક્તિનાં કહેવાથી બધાને નશાની અથવા ઊંઘની દવાઓ સપ્લાય કરતા”
“હોય શકે…” પાર્થે કહ્યું, “માણસ રૂપિયા માટે કંઈ પણ કરી શકે છે…”
“બરાબર…હિંમત, દરવાજો બંધ કરી દ્યોને પ્લીઝ…” જુવાનસિંહે ઉભા થતાં કહ્યું.
જુવાનસિંહને ઊભા થતાં જોઇ પાર્થની હાલત કફોડી બની ગઈ. તેનો ચહેરો ધોયેલાં મૂળા જેવો ધોળો થઈ ગયો.
“સર…હું સાચું જ કહું છું…તમે દરવાજો કેમ.બંધ કરાવો છો ?” પાર્થે ગભરાયેલાં અવાજે પૂછ્યું.
“એમાં એવું છે ને કે દરવાજો ખુલ્લો હોય તો અહીં આવેલા લોકો સાચું બોલે છે કે ખોટું એની જાણ નથી થતી, હમણાં દરવાજો બંધ થશે એટલે ટેબલ પર એક બલ્બ રાખવામાં આવશે, જો તમે સાચું બોલશો તો ગ્રીન લાઈટ થશે અને ખોટું બોલશો તો રેડ લાઈટ” જુવાનસિંહે હસીને કહ્યું.
“જૂની ફિલ્મોની સ્ટૉરી શા માટે કહો છો સર…” પાર્થ પણ પરાણે અને બનાવટી હસ્યો, “તમારી પૂછપરછ પુરી કરીને મને જવા દ્યો ને.!!”
“જેમ તું કહે એમ બસ….” જુવાનસિંહે આવીને તેની સામે ટેબલને ટેકો આપીને ઉભા રહી ગયા, “પણ મારી એક શરત છે, જો તું જુઠ્ઠું બોલ્યો તો સીધો જેલમાં પુરી દઈશ”
“હું શા માટે જુઠ્ઠું બોલું ?”
“એ પણ સાચું.., તું શા માટે જુઠ્ઠું બોલે..!” જુવાનસિંહે કહ્યું, “તો મને એમ જણાવ કે આજે સવારથી સાંજ સુધી સ્ટોર પર કોણ બેઠું હતું ?”
“હું જ બેઠો હતો સર….” પાર્થે કહ્યું, “મેં કહ્યું તો સહી કે પપ્પા….”
“હા એ મને ખબર છે…” જુવાનસિંહે કહ્યું, “તું સ્ટોર પર બેઠો હતો ત્યારે કોઈ વ્યક્તિનો એ દવાનાં ડોઝ લેવા માટે કૉલ આવ્યો હતો ?”
“ના સર…એવો તો કોઈ કૉલ નથી આવ્યો” પાર્થે કહ્યું.
જુવાનસિંહ ઊભા થયા અને પાર્થ નજીક જઈને તેનાં ગાલ પર એક તમાચો ચોડી દીધો.
“મેં કહ્યું હતુંને કે જુઠ્ઠું બોલીશ તો જેલમાં પુરી દઈશ…”
“પણ…પણ…સર….” પાર્થની જીભ થોથવાઈ, “હા સર…યાદ આવ્યું, એક કૉલ આવ્યો હતો અને ઊંઘની દવા માંગતા હતાં. પણ અમે પ્રિસ્ક્રિપ્શન વિના એ દવા નથી આપતાં એટલે મેં ના પાડી દીધી હતી”
“હજી જુઠ્ઠું બોલે છે સાલા…” કહેતાં જુવાનસિંહે બીજા ગાલ પર લાફો ચોડી દીધો. ત્યારબાદ ગજવામાંથી મોબાઈલ કાઢીને સવારે પાર્થને કરેલા કૉલનું રેકોર્ડિંગ શરૂ કર્યું.
રેકોર્ડિંગ સાંભળીને પાર્થનો ચહેરો નક્કર પથ્થર જેવો થઈ ગયો. પરસેવાને કારણે તેનો ચહેરો ચમકવામાં લાગ્યો હતો. તેણે ગજવામાંથી હાથ રૂમાલ કાઢ્યો અને ચહેરો લુછ્યો. તેણે બંને હોઠ પર જીભ ફેરવીને સુકાઈ ગયેલાં હોઠને ભીનાં કર્યા.
“બોલ હવે કંઈક કહેવું છે ?” જુવાનસિંહે કહ્યું.
“હા સર…” પાર્થે હોઠ ફફડાવ્યા, “હું જ એ દવા સપ્લાય કરતો હતો પણ આ સેક્સ રેકેટમાં હું શામેલ નથી સર…મારે તો એડવાન્સમાં એકાઉન્ટમાં રૂપિયા જમા થઈ જતા એટલે હું દવા આપી દેતો હતો”
“હમણાં તે જ કહ્યું હતુંને કે પ્રિસ્ક્રિપ્શન વિના આવી દવા ન આપી શકાય”
પાર્થે કોઈ જવાબ ન આપ્યો. તેની પાસે જવાબ હતો જ નહીં.
“કોનાં કહેવાથી તું આ દવા બધાને આપતો અને અત્યાર સુધીમાં કોને કોને આ દવા આપી છે ?” જુવાનસિંહે પૂછ્યું.
“બે મહિના પહેલા અજાણ્યા નંબર પરથી એક કૉલ આવેલો, દવાની જેટલી કિંમત હતી તેની બમણી કિંમત આપીને તેણે દવા ખરીદવાનો પ્રસ્તાવ મૂક્યો અને પેમેન્ટ એડવાન્સમાં આપવાની વાત કરી. મને રૂપિયા સાથે મતલબ હતો. મેં તેને હા પાડી દીધી. ત્યારે તેણે એક સાથે ત્રણસો ડોઝનો ઓર્ડર આપ્યો હતો. એ ડોઝ લેવા ત્રણ કૉલ આવશે એમ જણાવ્યું હતું. જેમાં C – 3, P – 4 અને B – 7 નો કોડ આપીને એ લોકો સો-સો ડોઝ માંગશે એવું કહ્યું હતું”
“આ ત્રણ કોડવાળાનાં નામ ખબર છે તને ?” જુવાનસિંહે પૂછ્યું.
“પહેલા બે કોડનાં નામ તો નથી ખબર પણ B – 7 કોડવાળી વૈશાલી નામની છોકરી છે” પાર્થે કહ્યું.
“વૈશાલી વિશે જણાવ….”
“નરોડા પાટિયા પાસે વૈશાલીની બ્યુટી પાર્લરની દુકાન છે. તેની દુકાનથી ત્રીજા કોમ્પ્લેક્સમાં જ અમારી મેડિકલ સ્ટોર છે એટલે ઘણીવાર એ મારી સ્ટોર પર દવા લેવા આવતી. જ્યારે મેં પહેલીવાર તેનો અવાજ સાંભળ્યો ત્યારે હું તેને ઓળખી ગયો હતો. જ્યારે મેં તેને આટલાં બધાં ડોઝ ખરીદવાનું કારણ પૂછ્યું ત્યારે તેણે બહાનું બનાવીને વાત ટાળી દીધી હતી”
“છેલ્લા અઠવાડિયામાં તે કોને કોને આ ડોઝ સપ્લાય કર્યા છે ?” જુવાનસિંહે પૂછ્યું.
“B - 4 કોડને પચાસ ડોઝ આપ્યાં હતાં” પાર્થે કહ્યું.
“આ ડોઝ વિશે જણાવ…એની અસર કેવી રીતે થાય છે ?”
“આ ડોઝ બે રીતે આપી શકાય છે…એક ઇન્જેક્શન દ્વારા અને એક ટેબ્લેટ દ્વારા, બંનેની અસર સરખી જ થાય છે. દવા લોહીમાં ભળે એટલે માણસ પોતાનું માનસિક સંતુલન ગુમાવે છે અને આઠ-દસ કલાક માટે નિંદ્રાવસ્થામાં ચાલ્યો જાય છે”
“એ લોકો આ ડોઝનો કેવી રીતે ઉપયોગ કરે છે એ તને ખબર છે ?, માસૂમ છોકરીઓને એ ડોઝ આપીને બેહોશ કરી દેવામાં આવે છે અને પછી ગણિકાઓનાં પેશા માટે તેને મુંબઈ લઈ જવામાં આવે છે” જુવાનસિંહનો અવાજ અચાનક ઊંચો થઈ ગયો.
“મને આ બાબતે કશું જ ખબર નથી સર…હું તો માત્ર…” પાર્થની વાત અધૂરી રહી ગઈ. સહસા રૂમનો દરવાજો ખુલ્યો અને બધાનું ધ્યાન દરવાજા તરફ ગયું. દરવાજા પર પચાસેક વર્ષનો એક વર્દીધારી વ્યક્તિ ઉભો હતો. તેનાં શોલ્ડર પર ત્રણ સ્ટાર હતાં, કમિજનાં પોકેટ પર ‘એ.સી.પી. ચંદ્રકાંત ઝા’ નો બેચ લગાવેલો હતો. ચંદ્રસિંહ ઝા પુરા છ ફૂટનો ઊંચો અને મજબૂત બાંધાનો વ્યક્તિ હતો. એ કમર પર હાથ રાખીને ટટ્ટાર થઈને ઉભો હતો.
ચંદ્રસિંહ ઝાને જોઈને જુવાનસિંહ સાથે પુરી પોલીસ ટીમ ટટ્ટાર થઇ ગઇ. ચંદ્રસિંહ ઝા રૂમમાં પ્રવેશ્યાં એટલે બધાએ તેને સલામી ભરી. ચંદ્રસિંહ ઝાએ હાથ વડે ઈશારો કરીને હાથ નીચે રાખવા કહ્યું.
“આ બધું શું છે જુવાનસિંહ !!?” ચંદ્રસિંહ ઝાએ આવતાની સાથે જ રોષે ભરાયા, “સસ્પેક્ટને આવી રીતે ઇન્ટ્રોગેટ કરાય ?”
“સૉરી સર, શું કહ્યું તમે…!!!” જુવાનસિંહ પ્રશ્નસૂચક નજરે ચંદ્રસિંહ સામે જોયું.
“કંઈ નહીં…” ચંદ્રસિંહ ઝાએ શાંત થતાં કહ્યું, “રમણિક શેઠ મર્ડર કેસની તપાસ ક્યાં સુધી પહોંચી ?”
“મર્ડર મિસ્ટ્રી હજી સુધી અકબંધ જ છે પણ એ કેસે નવો વળાંક લીધો છે, અમારાં હાથમાં જે માહિતી મળી છે તેને આધારે અમે નવા પરિણામ સુધી પહોંચીશું”
“જુવાનસિંહ…”ચંદ્રસિંહ ઝાનો અવાજ ફરી થોડો ઊંચો થઈ ગયો, “મારા પર ઉપરી અધિકારીઓનું પ્રેશર આવે છે, એક મર્ડર કેસમાં આટલો બધો સમય આપશો તો બીજા કેસોની ફાઇલો પર ધૂળ ચડી જશે. આ કેસનાં કાતિલને શોધો અને ચાર્જશીટ બનાવીને કેસ ક્લોઝ કરો. નવો વળાંક કે નવા પરિણામની આપણે કોઈ જરૂર નથી”
“સૉરી સર…પણ મને ઓર્ડર મળ્યા છે એ મુજબ હું સીધો સેન્ટ્રલ ઇન્ટેલિજન્સી અન્ડર આવું છું. મને આ કેસ સોંપવામાં આવ્યો હતો ત્યારે મારા પર કોઈ ઉપરી અધિકારી દ્વારા નજર રાખવામાં આવશે એવું જણાવવામાં નથી આવ્યું…”
“જુવાનસિંહ…” ચંદ્રસિંહ ઝાનો અવાજ માખણ જેવો નરમ થઈ ગયો, “તમે ગલત સમજો છો…કેસ જેટલો વધુ લંબાશે, લોકો પોલીસની એટલી જ મજાક ઉડાવશે…બાપુનગર સ્ટેશન મારા અન્ડર આવે છે અને મારાં એરિયામાં કોઈ પણ કેસ આટલો લાંબો સમય સુધી નથી ખેંચાયો એટલે હું ભાવુક થઈ ગયો”
“તમારી વ્યથા હું સમજી શકું છું સર…પણ કેસ બંધ કરવાનાં ઈરાદાથી હું કોઈ નિર્દોષ વ્યક્તિને સજા નહિ અપાવું” જુવાનસિંહે કહ્યું.
ચંદ્રસિંહ ઝાનો ચહેરો તમતમી ગયો. પોતે હોદ્દામાં જુવાનસિંહ કરતાં ઉપર હતો તો પણ એ કશું નહોતો કરી શકતો.
“સારું…” કહેતાં ચંદ્રસિંહ બહાર તરફ ચાલ્યો.
“એક મિનિટ….” જુવાનસિંહે કહ્યું, “જે લોકો તમને પ્રેશર આપે છે એને મારી સાથે વાત કરવાનું કહેજો…હિંમત, સરને ગાડી સુધી છોડી આવ”
ચંદ્રસિંહ ઝાની ઈજ્જતનાં કાંકરા થયા હતાં. પોતે જેટલા અહમથી ચોકીમાં પ્રવેશ્યો હતો એટલો જ બેઇજત થઈને બહાર નીકળ્યો હતો. હિંમત તેની પાછળ ગાડી સુધી આવ્યો. ગાડી બહાર ડ્રાઇવર સિગરેટ સળગાવીને ઉભો હતો. ચંદ્રસિંહ ઝાને પગ પછાડતો આવતો જોઈ તેણે સિગરેટ નીચે ફેંકી દીધી.
“ગાડી કાઢ…” ચંદ્રસિંહ ઝાએ ગુસ્સામાં ગાડીમાં બેસતાં કહ્યું.
ડ્રાઇવર ઉતાવળથી સીટ પર બેઠો અને ગાડી શરૂ કરીને બહાર તરફ દોરી લીધી.
બીજી તરફ જુવાનસિંહ પણ એક્શનમાં આવ્યાં હતાં. ચંદ્રસિંહનાં બહાર નીકળ્યાં પછી તરત જ જુવાનસિંહે કોઈને ફોન જોડ્યો હતો.
“હેલ્લો સર….” જુવાનસિંહે કહ્યું, “તમે મને આ કેસ નિષ્પક્ષ તપાસ માટે સોંપ્યો હતો. તો પછી ઉપરી અધિકારી અહીં આવીને પ્રેશર શા માટે આપે છે ?”
“પહેલા તમે શાંત થાઓ જુવાનસિંહ…”સામેથી શાંત અને અનુભવી વ્યક્તિનો અવાજ સંભળાયો, “આવું થશે એની મને ખબર જ હતી પણ તમે ચિંતા ના કરશો. તમે તમારી રીતે તપાસ શરૂ રાખો”
સામેનાં વ્યક્તીનો અવાજ સાંભળીને જુવાનસિંહ શાંત થઈ ગયાં.
“કાર્યવાહી ક્યાં સુધી પહોંચી ?” થોડીવારની ચૂપકીદી પછી એ વ્યક્તિએ પૂછ્યું.
“થોડાં મહોરા વિશે માહિતી મળી છે સર…બધા વિશે માહિતી મળે એટલે તમને ફાઇલ સોંપી દઈશ” જુવાનસિંહે કહ્યું.
“સારું…”
“જય હિંદ સર…” કહેતાં જુવાનસિંહે ફોન કટ કરી દીધો.
એટલામાં હિંમત પણ ચંદ્રસિંહ ઝાને છોડીને પાછો આવી ગયો.
“હિંમત..તમે પાર્થનું સ્ટેટમેન્ટ લખી લો” જુવાનસિંહે હિંમતને ઉદ્દેશીને કહ્યું, ત્યારબાદ તેઓ પાર્થ તરફ ફર્યા, “અને પાર્થ તું…પહેલીવાર તને જવા દઉં છું..હવે જો કોઈને પણ પ્રિસ્ક્રિપ્શન વિના દવા આપી છે તો દસ વર્ષ માટે જેલમાં ધકેલી દઈશ અને બીજીવાત, આ દવા માટે હવે કોઈનો ફોન આવશે તો પહેલા તું અમને જાણ કરીશ… સમજી ગયો ને…!!”
“હા સર..બરાબર સમજી ગયો” પાર્થે કહ્યું.
જુવાનસિંહનો ફોન રણક્યો. જુવાનસિંહે હિંમતને તેનું કામ કરવા ઈશારો કર્યો એટલે પાર્થને લઈને હિંમત બીજા રૂમમાં ચાલ્યો ગયો. જુવાનસિંહે ફોન હાથમાં લીધો.
“હા કેયુર…” જુવાનસિંહે ફોન રિસીવ કરીને કહ્યું.
“રાકેશની બાતમી મળી છે સાહેબ…” કેયુરે કહ્યું, “રોજ રાત્રે દસ વાગ્યે એ નિકોલમાં આવેલી કોઠીયા હોસ્પિટલની મુલાકાતે આવે છે, ત્યાં અડધી કલાક રહીને એ એસ.પી. રિંગ રોડ કોઈને મળવા જાય છે અને રાત્રે બાર વાગ્યે એ પોતાનાં ઘર તરફ નીકળે છે”
“સારું…બીજી કોઈ માહિતી મળે તો કોશિશ કરો નહીંતર રાત્રે આપણે તેની મુલાકાત લેશું”
“જી સાહેબ…” કહેતાં કૉલ કટ થઈ ગયો. જુવાનસિંહે કાંડા ઘડિયાળ પર નજર ફેરવી. હજી સવા સાત જ થયાં હતાં. દસ વાગ્યે કોઠીયા હોસ્પિટલે જવાનું હતું એટલે તેઓની પાસે હજી થોડો વધુ સમય હતો. જુવાનસિંહે પોકેટ ડાયરી હાથમાં લીધી અને કેસની લીધેલી બધી માહિતી વાંચવા લાગ્યાં.
પહેલાં ત્રણ પેજ પર મી. તથા મિસિસ બલરે આપેલી માહિતિ હતી. બીજા પેજ પર રમણિક શેઠનાં ભત્રીજા આરવ પાસેથી મળેલી મહિતી હતી. વારાફરતી જુવાનસિંહ બધી માહિતીને ધ્યાનપૂર્વક વાંચવા લાગ્યાં. સહસા તેઓની આંખો ચમકી, જુવાનસિંહની સામે એ દિવસની ઘટનાં ઘુમવા લાગી જ્યારે તેઓએ મી. બલરનાં ઘરે પૂછપરછ કરી હતી.
મી. બલર જ્યારે જુવાનસિંહને બહાર છોડવા આવ્યા હતાં ત્યારે તેઓએ પોતાની પત્નીની બીમારી વિશે જણાવ્યું હતું અને લાંબી દાઢી તથા વાળવાળો વ્યક્તિ છે જ નહીં એવું જણાવ્યું હતું. જ્યારે જુવાનસિંહે રાજુ પાસે પૂછપરછ કરી ત્યારે રાજુ જ મિસિસ બલરને મંદિરે લઈ જતો એવું જાણવા મળ્યું હતું.
‘મી. બલર ખોટું શા માટે બોલ્યાં હશે ?’ જુવાનસિંહ મનમાં બોલ્યાં. ત્યારબાદ તેઓએ ડાયરીનાં થોડાં પેજ ફેરવ્યા અને એક પેજ પર આવીને અટકી ગયાં. જુવાનસિંહની નજર એ પેજ પર રહેલી માહિતી પર ઝડપથી ફરવા લાગી.
“ઓહહ….” જુવાનસિંહ એક જગ્યાએ અટકીને બોલ્યાં.
(ક્રમશઃ)