The Next Chapter Of Joker - Part - 26 books and stories free download online pdf in Gujarati

The Next Chapter Of Joker - Part - 26

The Next Chapter Of Joker

Part – 26

Written By Mer Mehul

છેલ્લી પાંચ સેકેન્ડમાં બાજી પલટી ગઈ હતી, જે મરઘી ઉપરા ઉપર સોનાનાં ઈંડા આપતી હતી તેનું ગળું કપાઈ ગયું હતું. વાટલીયાએ પોતાનાં તરફથી બધી જ માહિતી જણાવી દીધી અને ત્યારબાદ પોતાનાં હાથે જ પોતાનાં લમણે ગોળી મારી દીધી હતી.
“આ શું થઈ ગયું સર….!” હિંમતે આશ્ચર્યવશ પૂછ્યું, “વાટલીયાએ પોતાને જ ગોળી મારી દીધી…”
જુવાનસિંહ ઉભા થયાં. પોતાનાં કપડાં વ્યવસ્થિત કર્યા અને વાટલીયાનાં ગળે બે આંગળી રાખીને રગ તપાસી.
“વાટલીયા મૃત્યુ પામ્યો છે…” જુવાનસિંહે શાંત અવાજે કહ્યું.
“સર….” જુવાનસિંહની વાત સાંભળીને હિંમતને વધુ આશ્ચર્ય થયું, “આપણો ગવાહ મરી ગયો છે...આને આગળ કરીને આપણે કેસમાં આગળ પ્રોગ્રેસ કરી શકતાં હતાં”
“એ તો હજી પણ કરી શકીશું હિંમત..” જુવાનસિંહે કહ્યું, “વાટલીયા પાસે જેટલી માહિતી હતી એ આપણને મળી ગઈ છે, આમ પણ હવે વાટલીયા આપણા કંઈ કામનો નહોતો. જો એને કેદ કર્યો હોત તો સરકારને જ માથે પડેત…અને આવા જાનવરને પાળવા કરતાં મારી નાંખવામાં જ ભલાઈ છે અને આ તો સામે ચાલીને મૌતને ભેટ્યો છે”
“તો હવે આગળ શું કરીશું સર ?” હિંમતે પુછ્યું.
“મારી પાસે એક સોલીડ આઈડિયા છે…” જુવાનસિંહે કહ્યું, “વાટલીયા મરી ગયો છે એ વાત માત્ર આપણે ત્રણ લોકો જ જાણીએ છીએ… આપણે એક ફેક ન્યૂઝ લીક કરવાનાં છે…જેમાં આ સેક્સ રેકેટનો ઉલ્લેખ કરવાનો છે અને તેનો એક સપ્લાયર આપણાં હાથમાં છે એવું જણાવવાનું છે. જ્યારે આ વાત તેનાં લીડર કે અન્ય સપ્લાયર સુધી પહોંચશે ત્યારે બધા સહીસલામત છે કે નહીં એ જાણવા કૉલ કરશે અને આપણે ત્યારે જ એને ઝડપી લઈશું”
“કેયુર…જ્યાં સુધી સ્કૂલનો ટાઈમ પૂરો ના થાય ત્યાં સુધી તમે કોઈને આ ઓફિસમાં નહિ આવવા દો…કોઈ પૂછે તો પોલીસની પૂછપરછ ચાલી રહી છે એવું જણાવજો…ત્યારબાદ એમ્બ્યુલન્સ બોલાવીને, વાટલીયાને માનસિક તણાવને કારણે મૂંઝારો થાય છે એવું બહાનું બતાવીને તેની ડેડબોડીને હોસ્પિટલમાં ખસેડી લો. હોસ્પિટલમાં પણ ડોક્ટરોને આ વાત ખાનગી રાખવા કહી દેજો”
“જી સાહેબ…”કહેતાં કેયુર ચાવડા દરવાજો ખોલીને બહાર ઉભો રહી ગયો.
“હિંમત…” જુવાનસિંહે હિંમતને ઉદ્દેશીને કહ્યું,”પુરી ઓફિસની તલાશી લો….કામની વસ્તુ મળે એટલે મને કૉલ કરજો…મારે થોડાં કૉલ્સ કરવા છે એટલે હું જીપમાં બેઠો છું”
“ઑકે સર….” હિંમતે કહ્યું.
“અને મારી સિવાય બીજું કોઈ દરવાજો ખોલવા કહે તો દરવાજો ના ખોલતાં”
હિંમતે સહમતી પૂર્વક ડોકું હલાવ્યું. જુવાનસિંહ ગજવામાંથી ફોન કાઢી, તેમાં ધ્યાન આપતાં બહાર નીકળી ગયાં.
બહાર નીકળીને જુવાનસિંહે સવારે આવેલા કૉલ પર કૉલબેક કર્યો. જુવાનસિંહનાં આશ્ચર્ય વચ્ચે કૉલ કનેક્ટ થઈ રહ્યો હતો. બે રિંગ વાગી પછી કૉલ કટ થઈ ગયો. થોડીવાર પછી કૉલ આવશે જ એ વાતની જુવાનસિંહને ખાતરી હતી એટલે તેઓ જીપમાં બેસીને રાહ જોવા લાગ્યાં અને થયું પણ એવું, જુવાનસિંહ જેવા જીપમાં બેઠા એટલે એ જ નંબર પરથી કૉલ આવતો હતો.
“હેલ્લો…” જુવાનસિંહે કૉલ રિસીવ કરીને કહ્યું.
“એમ.એસ. વાટલીયાની ધરપકડ થઈ ગઈ ?” પૂર્વવત અસ્પષ્ટ અવાજ જુવાનસિંહને સંભળાયો.
“એણે પોતાનાં જ લમણે ગોળી મારી દીધી છે…” જુવાનસિંહે કહ્યું.
“સારું થયું…આમ પણ એ જીવવાને લાયક નહોતો” સામે છેડેથી હુંહકાર નીકળ્યો, “એણે કશું જણાવ્યું છે ?”
“હા, ઘણુંબધું…”
“બરોબર…કૉલ શા માટે કર્યો હતો ?”
“મારે તમારી મદદ જોઈએ છે…” જુવાનસિંહે કહ્યું, “આપણે મળી શકીએ ?, તમારી પહેચાન ગુપ્ત રહેશે એની જવાબદારી હું લઉં છું”
“સૉરી સર…એ શક્ય નથી. હું તમને કોલનાં માધ્યમથી જ મદદ કરી શકું છું”
“ઑકે…” જુવાનસિંહે કહ્યું, “આ બધી માહિતી તમારી પાસે કેવી રીતે આવી ?”
“કેવી રીતે આવી એ મહત્વનું નથી સર…માહિતી હાથમાં લાગી છે તો અપરાધીઓને કેવી રીતે રોકવા એ મહત્વનું છે. તમને જાણકારી માટે કહી દઉં કે આપણે અત્યારે બે મિનિટ વાત કરી એટલા સમયમાં એક છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ હશે”
“જો ભાઈ…” જુવાનસિંહનો મિજાજ થોડો બદલાયો, “હું બધી જગ્યાએ પહોંચી શકું એવો સુપરહીરો નથી, નાગરિકોને પણ પોતાની ફરજ સમજવી જોઈએ અને તમે જે મદદ કરો છો એ તમારી ફરજ બજાવો છો. તો તમે જેટલી ઝડપથી મદદ કરશો તો આ કેસ જલ્દી સોલ્વ થશે”
“હું તો તૈયાર જ છું… મારી પાસે જેટલી માહિતી હતી એ મેં તમને આપી દીધી છે અને મારા તરફથી હું આગળની પ્રોસેસ કરીશ જ. પણ પોલીસ વચ્ચે ના આવે એની જવાબદારી તમારે લેવાની છે”
“સારું…જરૂર પડશે તો હું કૉલ કરીશ” જુવાનસિંહે કહ્યું અને જવાબ સાંભળ્યા વિના કૉલ કટ કરી દીધો. ત્યારબાદ મોબાઈલમાં તારીખ જોઈ. આજે ચૌદ તારીખ હતી. તેઓએ કંઈક વિચારીને જૈનીતને કૉલ જોડ્યો.
“હેલ્લો…” કૉલ રિસીવ થયો.
“વિજય પેલેસ હોટેલનું નામ સાંભળ્યું છે ?” જુવાનસિંહે સીધું પૂછી લીધું.
“હા, આગળ જણાવો” જૈનીતે પુરી વાતનો સાર સમજી લીધો હતો.
“આપણે તારો કેસ પૂરો કર્યો ત્યારે એક કડી છૂટી ગઈ હતી, વિક્રમ દેસાઈએ તેનાં અંગત માણસ હસમુખને અમદાવાદ મોકલી દીધો હતો. આ હસમુખ અત્યારે અમદાવાદમાં મોટું સ્કેમ ચલાવે છે. જેમ સુરતમાં જુદી જુદી જગ્યાએથી છોકરીઓને ઉઠાવવામાં આવતી તેમ અમદાવાદમાં અને બીજા બધા શહેરોમાંથી છોકરીઓને ઉઠાવીને મુંબઈ મોકલવામાં આવે છે. હસમુખ સૌનો લીડર છે અને તેને બાનમાં લેવો જરૂરી છે. વિજય પેલેસ હોટેલમાં એ મહિનાની દર પંદર તારીખે મોહનલાલ નામનાં વ્યક્તિને મળે છે અને સુરતમાંથી પણ મોહનલાલ જ છોકરીઓ પહોંચાડવાનું કામ કરતો હશે એવી મને આશંકા છે” જુવાનસિંહે કહ્યું.
“હું તપાસ કરું છું…” જૈનીતે કહ્યું.
“સારું…બીજું કંઈ મળશે એટલે હું કૉલ કરીશ” જુવાનસિંહે કહ્યું.
બંને બાજુથી કૉલ કટ થઈ ગયાં. જૈનીત સાથે વાત થયા પછી જુવાનસિંહે સાગરને કૉલ લગાવ્યો. રિંગ પુરી થઈ પણ કૉલ રિસીવ ના થયો એટલે જુવાનસિંહ જીપમાંથી બહાર નીકળીને સ્કૂલ તરફ ચાલ્યાં. ચાલતાં ચાલતાં તેઓએ કાંડા ઘડિયાળ પર નજર કરી. બાર વાગવામાં દસ મિનિટની વાર હતી.
“મળ્યું કંઈ ?” જુવાનસિંહે વાટલીયાની ઑફિસમાં પહોંચીને હિંમતને પૂછ્યું. હિંમત ત્યારે કબાટની ફાઈલો ચૅક કરતો હતો.
“ના સર…હજી સુધી કંઈ નથી મળ્યું” હિંમતે જવાબ આપ્યો.
“પેલાં વીડિયોમાં હસમુખે વાટલીયાને એક વિઝિટિંગ કાર્ડ આપ્યું હતું… એ કાર્ડ અહીં જ હોવું જોઈએ..” જુવાનસિંહે કહ્યું, “વાટલીયાનાં પોકેટ જોયા ?”
“ના સર…” હિંમતે કહ્યું, “બોડીનું એક્ઝામીનેશ તમે જ કરી લો”
“સારું…” કહેતાં જુવાનસિંહ વાટલીયાની બોડી પડી ત્યાં ઉભડક બેઠાં. વાટલીયાનાં શર્ટનાં ખિસ્સામાં એક પેન હતી અને સાથે પોકેટ ડાયરી હતી. જુવાનસિંહે ડાયરી કાઢીને ખોલી. તેમાં બધા શિક્ષકોનાં લેક્ચર અને ક્લાસનો સમય લખવામાં આવતો હતો.
જુવાનસિંહને એ ડાયરીમાં ખાસ રસ ના પડ્યો એટલે તેઓએ પેન્ટનાં ગજવા તપસ્યા. પેન્ટનાં એક ગજવામાં હાથ રૂમાલ હતો અને બીજું ગજવું ખાલી હતું. જુવાનસિંહે વાટલીયાની બોડીને ધક્કો મારીને ફેરવી અને પાછળનું ગજવું તપાસ્યું. પાછળનાં ગજવામાં વાટલીયાનું પાકિટ હતું. જુવાનસિંહે એ વોલેટ હાથમાં લીધું. વોલેટ બ્રાઉન રંગનું મોબાઈલનાં કવર જેવું હતું, જેમાં ડાબી બાજુએ વાટલીયાનાં આઈ.ડી. પ્રૂફ અને ડેબિટ કાર્ડ હતાં, જ્યારે જમણી બાજુએ થોડાં રૂપિયા અને થોડાં વિઝિટિંગ કાર્ડ હતાં. જુવાનસિંહનું ધ્યાન વિઝિટિંગ કાર્ડ પર કેન્દ્રિત થયું. વિઝિટીંગ કાર્ડની થપ્પી હાથમાં લઈ તેઓએ પાકિટ સાઈડમાં રાખ્યું અને વારાફરતી બધા વિઝિટિંગ કાર્ડ તપાસવા લાગ્યાં.
પહેલું કાર્ડ કોઈ સ્ટેશનરી હતું, બીજું કોઈ વકીલનું અને ત્રીજું કાર્ડ ‘ઓમકાર મેડિકલ સ્ટોર’નું હતું. જુવાનસિંહે તેમાંથી નંબર મેળવીને કૉલ લગાવ્યો. બે રિંગ પછી કૉલ રિસીવ થયો.
“હેલ્લો…ઓમકાર મેડિકલ સ્ટૉર…?” જુવાનસિંહે પૂછ્યું.
“હાંજી…બોલો…” સામે છેડેથી પુરુષનો અવાજ આવ્યો.
“વાટલીયા સાહેબે તમારો નંબર આપ્યો હતો, મારે પેલી દવા જોઈએ છે ?” જુવાનસિંહે પૂછ્યું.
થોડીવાર માટે સામે છેડે ચૂપકીદી છવાઈ ગઈ. ત્યારબાદ એ વ્યક્તિએ જવાબ આપ્યો, “કેટલા ડોઝ જોઈએ છે ?”
“સોએક જેટલા…” જુવાનસિંહે મુસ્કુરાઈને કહ્યું.
“સાંજે આઠ વાગ્યે કૉલ કરજો…”
“તમારું શુભ નામ ?” જુવાનસિંહે પૂછ્યું. એની સાથે જ કૉલ કટ થઈ ગયો.
“હિંમત…” જુવાનસિંહે હિંમતને ઉદ્દેશીને કહ્યું, “આ કાર્ડ લો અને મેડીકલનાં માલિકને ઉઠાવી લો”
“જી સર…” કહેતાં હિંમતે કાર્ડ હાથમાં લીધું.
બાર વાગ્યા એટલે સ્કૂલમાં રજા પડી ગઈ. બધા બાળકો દોડીને દરવાજા બહાર નીકળવા લાગ્યાં જ્યારે શિક્ષકો સ્ટાફ રૂમ તરફ ચાલ્યાં. ચાવડા વાટલીયાની ઓફીસ બહાર જ ઉભો હતો, અંદર આવવા ઇચ્છતા લોકોને એ ‘પૂછપરછનું બહાનું’ બતાવીને પાછા મોકલી દેતો હતો. ધીમે ધીમે બધા શિક્ષકો પણ નીકળવા લાગ્યાં. હવે સ્કૂલના માત્ર થોડો સ્ટાફ, પટ્ટાવાળા અને પોલીસ જ હતી.
“એમ્બ્યુલન્સ બોલાવી લો” જુવાનસિંહે કહ્યું.
હિંમતે હોસ્પિટલમાં ફોન જોડ્યો અને સ્કૂલનું એડ્રેસ આપ્યું. સહસા જુવાનસિંહનો ફોન રણક્યો. ડિસ્પ્લે પર ‘સાગર’ લખેલું હતું. જુવાનસિંહે કૉલ રિસીવ કર્યો.
“જી સર…” સાગરે કહ્યું.
“શું થયું ?”
“અવિનાશને છોડી દેવાનો.ઓર્ડર મળ્યો છે અને બીજીવાર આવું ન થાય એનાં માટે ચેતવણી આપવામાં આવી છે” સાગરે કહ્યું.
“તમે ચાર્જશીટ માટે સમય માંગ્યો હતો ?”
“હા…એક મહિનામાં ચાર્જશીટ તૈયાર કરવા કહ્યું છે”
“ગુડ…અવિનાશને ચોકીએ લઈને પહોંચો” જુવાનસિંહે કહ્યું.
“યસ સર…” સાગરે કહ્યું અને બંને બાજુથી કૉલ કટ થઇ ગયાં.
“હવે આગળ શું કરવાનું છે સર ?” હિંમતે સામે ચાલીને પૂછ્યું.
“જે કરવાનું છે એ હવે જ કરવાનું છે…” જુવાનસિંહે કહ્યું, “તમે મેડીકલ સ્ટોરનાં માલિકને રિમાન્ડ પર લેશો અને એ કોને કોને આ દવાની સપ્લાય કરતો એની જાણકારી મેળવશો. કેયુર, તમે આજ સાંજ સુધીમાં રાકેશ અને તેનાં ડ્રાઇવર પર નજર રાખશો.. બંને ક્યાં જાય છે, કોને મળે છે એ બધી જ વિગતો નોંધશો”
“જી સાહેબ…” ચાવડાએ ડોકું ધુણાવીને કહ્યું.
થોડીવારમાં એમ્બ્યુલન્સ આવી એટલે વાટલીયાની બોડીને સફેદ કપડું ઢાંકીને એમ્બ્યુલન્સમાં ખસેડવામાં આવી. ચાવડા એમ્બ્યુલન્સ સાથે હોસ્પિટલ તરફ રવાના થઈ ગયો.
“હું અહીંથી શટલ કરી લઉં છું…તમે મેડિકલ સ્ટોરનાં માલિકને શોધો” એમ્બ્યુલન્સ નીકળી ગઈ એટલે જુવાનસિંહે હિંમતને ઉદ્દેશીને કહ્યું.
“હું છોડી જાઉં તમને…”
“ના.. હું ચાલ્યો જઈશ…તમે તમારું કામ પતાવો” જુવાનસિંહે આગ્રહથી કહ્યું.
“ઑકે સર…” હિંમતે સલામી ભરી અને નીકળી ગયો.
જુવાનસિંહ નરોડાથી શટલ કરીને બાપુનગર પોલીસ સ્ટેશને પહોંચ્યા ત્યારે બે વાગી ગયા હતા. બહાર અવિનાશ બેન્ચ પર બેઠો હતો. જુવાનસિંહને આવતાં જોઈ એ ઉભો થઇ ગયો.
“હેલ્લો સર…” અવિનાશે કહ્યું.
“હાય...અવિનાશ…” જુવાનસિંહે ઉત્સાહિત અવાજે કહ્યું, “સોળ દિવસની જેલ પછી કેવું ફિલ થાય છે ?”
“લોકો જેલથી શા માટે આટલા ડરે છે એ હવે સમજાઈ રહ્યું છે સર…” અવિનાશે હળવું હસીને કહ્યું.
“હાહા…” જુવાનસિંહ પણ હસ્યાં, “સોળ દિવસ સોળ મહિના જેવા લાગ્યાને ?”
“હા સર, એક મિનિટ એક કલાક જેટલી લાગતી હતી”
“સારું હવે તારું ધ્યાન રાખજે અને બીજીવાર આવા ચક્કરમાં ના ફસાતો” જુવાનસિંહે શિખામણ આપતાં કહ્યું.
અવિનાશે હકારમાં માથું ધુણાવ્યું.
“કૉન્સ્ટબલ…” જુવાનસિંહે એક કૉન્સ્ટબલને સાદ કર્યો. કૉન્સ્ટબલ ચાલીને જુવાનસિંહ પાસે આવ્યો.
“અવિનાશને ઘરે છોડી આવો અને રસ્તામાં સારી જગ્યાએ જમાડી લેજો” કહેતાં જુવાનસિંહે ગજવામાંથી પાકિટ કાઢીને બસ્સોની નોટ આપી.
“જી સાહેબ..” કૉન્સ્ટબલે નોટ લઈને કહ્યું.
“સર…” અવિનાશે કહ્યું, “અંકિતાને ક્યારે છોડવામાં આવશે ?”
“અંકિતાને કેદ કરીને રાખવામાં નથી આવી અવિનાશ… અમે અંકિતાને પ્રોટેક્શન આપીએ છીએ, જ્યારે કેસ સોલ્વ થઈ જશે ત્યારે તેને સલામતી સાથે ઘરે છોડી દેવામાં આવશે”
“ઑકે સર…” અવિનાશે કહ્યું, “થેંક્યું”
જુવાનસિંહે સ્મિત વેર્યું. અવિનાશે પણ એ જ રીતે જવાબ આપ્યો અને જીપ તરફ ચાલતો થયો. કૉન્સ્ટબલે પાર્કિગમાંથી જીપ બહાર કાઢીને વિજય ચોક તરફ દોરી લીધી.
*
મુંબઈનાં અંધેરી વેસ્ટમાં આવેલા સેટેલાઇટ ક્લબમાં અત્યારે લોકોની ભીડ વધતી જતી હતી. સાંજના સાત થવા આવ્યાં હતાં એટલે પૂરો દિવસ પોતાનાં કામમાં વ્યસ્ત રહેલા લોકો પોતાનો થાક ઉતારવા લોકો અહીં શરાબ પીવા આવતાં હતાં. ઘણા યુવાન-યુવતીઓ નશાની હાલતમાં એકબીજાને વીંટળાઈને સંગીતનાં તાલે શરીર ડોલાવી રહ્યા હતાં. જે લોકો શરમાતા હતા અથવા ડાન્સ કરવાની હાલતમાં નહોતાં તેઓ સોફા પર બેસીને આ નજારો નિહાળીને સંતોષ મેળવી રહ્યા હતાં.
એક સોફા પર બ્રિટિશ લાગતો એક ચાલીસેક વર્ષનો વ્યક્તિ હાથમાં ગ્લાસ પકડીને બેઠો હતો. તેની બાજુમાં તેનાં જ જેવી એક ગોરી યુવતી બેઠી હતી. એક વેઈટર તેઓની સેવા માટે ખડે પગે ઉભો હતો. વારંવાર એ વેઈટર ઝુકીને પેલાં વ્યક્તિને કંઈક જવાબ આપી રહ્યો હતો. વેઈટર જવાબ આપીને ઊંચો થઈ, ક્લબનાં કાઉન્ટર પર ઊભેલી એક છોકરી તરફ જોતો હતો. જવાબમાં એ છોકરી ઘડિયાળ તરફ જોઈને આંખોની ભમરો ચડાવતી હતી.
ક્લબનો દરવાજો ખોલીને અનુપમ દીક્ષિત અંદર પ્રવેશ્યો. તેનું પાછળ હિના પણ ક્લબમાં પ્રવેશી. બંને જ્યાં લોકોની ભીડ હતી તેની વિરુદ્ધ દિશામાં પડતો દરવાજો ખોલીને અંદર ચાલ્યાં ગયાં. અનુપમ દીક્ષિતને ક્લબમાં જોઈને કાઉન્ટર પર ઊભેલી છોકરીએ તથા વેઇટરે રાહતનાં શ્વાસ લીધાં. દસેક મિનિટ પછી હિના બહાર આવી અને કાઉન્ટર પર ઊભેલી છોકરીને ઈશારો કર્યો. છોકરીએ વેઈટર તરફ જોયું અને મહેમાનોને અંદર લઈ જવા ઈશારો કર્યો. વેઈટરે ઝુકીને કશું કહ્યું એટલે બંને બ્રિટિશર ઊભા થયાં. વેઇટર આગળ ચાલ્યો અને બંનેને દરવાજા સુધી લઈ ગયો, તેણે આગળ ચાલીને દરવાજો ખોલ્યો એટલે બંને બ્રિટિશર અંદર ચાલ્યાં ગયાં.
બંને બ્રિટિશર અંદર ઘુસ્યા એટલે તેઓની આંખો અંજાઈ ગઈ. બહાર જે રંગબેરંગી લાઈટો થતી હતી તેની જગ્યાએ અહીં માત્ર સફેદ લાઈટો જ હતી અને આજુબાજુની વસ્તુઓ પણ સફેદ જ હતી. બહાર જેટલો કોલાહલ હતો તેની જગ્યાએ અહીં એટલી જ શાંતિ હતી. બ્રિટિશરોની સામે મોટા અને લાંબા ત્રણ સોફા કાચનાં દોઢ ફૂટ જેટલા ઊંચા ટેબલ ફરતે વ્યવસ્થિત ગોઠવેલાં હતાં. સોફાનાં કવર પણ સફેદ રંગનાં જ હતાં. ટેબલ પર મોંઘી વિસ્કીની બોટલો અને તેની બાજુમાં ચાર ગ્લાસ ગોઠવેલાં હતાં. એક સોફા પર અનુપમ દીક્ષિત અને તેની બાજુમાં હિના બેઠી હતી. હિનાએ લાલ રંગનું લાબું, ચમકતું ગાઉન પહેરેલું હતું. તેણે જાણી જોઈને વ્રુક્ષસ્થળેથી ગાઉન નીચે સરકાવીને રાખ્યું હતું.
“વેલકમ હેરી…” અનુપમ દીક્ષિતે ઊભા થઈ, હાથ લાંબો કરીને કહ્યું, “વેલકમ બેલા…”
“થેંક્યું મી. દીક્ષિત” બંનેએ કહ્યું. શેકહેન્ડ બાદ દીક્ષિતે બંનેને બાજુનાં સોફા પર બેસવા ઈશારો કર્યો. બંને બ્રિટીશરે સોફા પર બેઠક લીધી.
“ક્યા પીના પસંદ કરેગે ?, વિસ્કી, વાઇન, બિયર..?”
“વો સબ ડિલ ખત્મ હો જાને કે બાદ મી. દીક્ષિત..” હેરીએ હિંદીમાં કહ્યું. તેની બોલીમાં બ્રિટિશ લહેકો હતો.
“બોલીએ…અબ આપકી ક્યાં રિક્વાયરમેન્ટ હૈ ?” દીક્ષિતે પૂછ્યું.
“હમે ઔર એસી તીનસો લડકીયા ચાહીએ…” હેરીએ કહ્યું, “વો ભી જલ્દી સે જલ્દી…!”
“કામ હો જાયેગા લેકિન કમ ટાઇમને ઇતની જ્યાદા લડકીયા ઢૂંઢને કે લિયે ખર્ચા જ્યાદા લગેગા” દીક્ષિતે કહ્યું.
“ઇન્ડિયા કી પોપ્યુલેશન કે હિસાબ સે તો આપ ચુટકી બજાતે હી હજારો લડકીયો કા ઇન્ટેજામ કર સકતે હૈ મી. દીક્ષિત…તીનસો તો મામૂલી ડિજિટ હૈ…!”
“આપ ભી તો ચાર સાલ સે ઇન્ડિયામેં હૈ હેરી…બજાઈયે ચુટકી ઔર લે જાઈયે લડકીયા…”
હેરી હળવું હસ્યો.
“ઇતનાં આસાન હોતા તો મેં ખુદ દીક્ષિત નહિ બન જાતાં..!” હેરીએ હસતાં હસતાં કહ્યું.
“ઇસી લિયે બોલ રહા હું…ખર્ચા જ્યાદા લગેગા”
“આપ રૂપયોકી ફિકર છોડ દીજીયે….હમ એડવાન્સ મેં દે રહે હૈ…આપ બસ કલ શામ તક ઇન્તેજામ કર દીજીયે”
“હો જાયેગા…અબ બોલીએ ક્યાં લેંગે ?”
“વન ગ્લાસ વિસ્કી ઓન્લી…” હેરીએ કહ્યું. દીક્ષિતે હિના તરફ નજર કરી. હિના ઉભી થઇ અને ચારેય ગ્લાસમાં વિસ્કી રેડી. બધાને ગ્લાસ આપી, પોતાનો ગ્લાસ હાથમાં લઈને એ દીક્ષિતની બાજુમાં બેસી ગઈ.
“ચિયર્સ…” હેરીએ ગ્લાસ ઊંચો કરીને કહ્યું.
“ચિયર્સ…” બાકીનાં બધા બોલ્યા.
વિસ્કી ખતમ થઈ એટલે દીક્ષિતે હિના તરફ જોઈને ઈશારો કર્યો.
“ચલીએ હેરી…મેં આપકો બહાર તક છોડ દેતી હું..” હિનાએ ઉભા થતાં કહ્યું. દીક્ષિતે અને હેરીએ ઊભા થઈને હાથ મેળવ્યો, ત્યારબાદ હિના બંને બ્રિટિશરને દરવાજા સુધી છોડી આવી.
બંને બહાર ગયા એટલે દીક્ષિતે પોતાનો મોબાઈલ હાથમાં લીધો અને ‘વાલ્મીક દિલ્હી’ લખેલો નંબર શોધીને કૉલ કર્યો.
“યસ બોસ…” કૉલ રિસીવ થયો એટલે સામેનાં છેડેથી અવાજ આવ્યો.
“કિતની લડકીયા હૈ ?”
“બીસ જીતની હૈ બોસ…”
“દિલ્હી મેં ઇતની હી લડકીયા હૈ ?”
“થોડે દિનસે પુલીસ જ્યાદા હેરાન કર રહી હૈ બોસ…”
“ભેજ દો સબ…”
“ઠીક હૈ બોસ…” દીક્ષિતે કૉલ કટ કરી દિધો. ત્યારબાદ તેણે જુદા જુદા રાજ્યમાં સાતેક કૉલ કર્યા. બધી જગ્યાએથી મળીને કુલ અઢીસોએ આંકડો પહોંચ્યો. છેલ્લે તેણે ‘હસમુખ ગુજરાત’ લખેલા નંબર પર કૉલ જોડ્યો.
“યસ બોસ…” કૉલ રિસીવ કરીને હસમુખે કહ્યું.
“કેટલી છોકરીઓ હાથમાં છે ?” દીક્ષિતે ગુજરાતીમાં પૂછ્યું.
“તમને ગુજરાતી બોલતાં આવડે છે ?” હસમુખે ચોંકીને કહ્યું.
“હા બકા..બોલતાં પણ આવડે છે અને લખતાં પણ…તું મને પચાસેક છોકરીઓ શોધી આપ તો પચાસ લાખનો ચૅક તારા નામે મોકલાવી આપું” હસમુખે માખણ લગાવીને કહ્યું.
“બે દિવસ પહેલા તો સો છોકરીઓ મોકલતી હતી બોસ…હવે પચાસ થવી મુશ્કેલ છે…”
“તું ગુજરાતી જ છો ને બકા !!??, મને તારા પર શંકા થાય છે, કારણ કે ગુજરાતીઓ માટે કશું મુશ્કેલ નથી. તું ધારે તો ચપટી વગાડીને સો છોકરીઓ મોકલી શકે”
“એ તો છે બોસ…” હસમુખ ગેલમાં આવી ગયો, “ક્યારે જોઈએ છે ?”
“કાલ સાંજે..”
“મળી જશે બોસ…” હસમુખે કહ્યું.
“તો તારો ચૅક પણ તને મળી જશે” દીક્ષિતે કહ્યું.
“થેંક્યું બોસ…”
બંને બાજુથી સંબંધ વિચ્છેદ થઈ ગયો. હિના બંને બ્રિટિશરોને બહાર છોડીને રૂમમાં પ્રવેશી.
“તું મસ્ત લાગે છે હો ફટાકડી…” દીક્ષિતે હસીને કહ્યું.
“ક્યાં ફટાકડી..?, ફિર સે બોલો તો…” હિનાએ ગુંચવાઈને પૂછ્યું.
“કુછ નહિ…ઇસ તરફ આ જાઓ…” દીક્ષિતે ફરી હસીને કહ્યું.
(ઈન્ટરવલ)

Share

NEW REALESED