Prem - Nafrat - 15 books and stories free download online pdf in Gujarati

પ્રેમ - નફરત - ૧૫

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૧૫

રચના સંજનાને ફોનમાં સૂચના આપતી વખતે મનોમન મુસ્કુરાઇ રહી હતી. સંજનાએ જવાબમાં કહ્યું:'ચોક્કસ! પણ એ સાઉન્ડ સીસ્ટમની પૂરતી માહિતી આપજે. મેં મેનેજરને કહી જ રાખ્યું છે કે નવા મોબાઇલમાં એક સુધારો આપીશ. મને ખબર ન હતી કે તું આટલી જલદી-સુપર ફાસ્ટ માહિતી આપીશ!'

'મને પણ ક્યાં ખબર હતી કે હું નોકરી શરૂ કરું એ પહેલાં કામ કરતી થઇ જઇશ. તું વાત જ જવા દેને!' રચના ટ્રાફિકમાં મોટા અવાજે બોલી.

'કેમ શું થયું?' સંજનાએ નવાઇથી પૂછ્યું.

'અરે! આરવે તો મને આજે જ મળવા બોલાવી લીધી. જેમતેમ એને મળવાનું ગોઠવ્યું...મુલાકાત શાંતિથી પતી પણ ગઇ...' રચના બચી ગઇ હોય એમ હાશ અનુભવતી બોલી.

'એને કોઇ શંકા તો પડી નથી ને?' સંજનાએ ચિંતા વ્યકત કરી.

'પડશે એવા દેવાશે એમ વિચારીને જ મેં નોકરી લીધી છે. મારું ઘર આવી ગયું છે, પછી વાત કરીશ...' કહી રચનાએ ફોન કાપી નાખ્યો.

***

આરવને રચના સાથે મુલાકાત કરીને આનંદ આવી ગયો હતો. રચનાએ આપેલા સૂચનો તેને ગમ્યા હતા. પછી મનોમન ખુશ થતાં બોલ્યો:'એ પણ ગમી જાય એવી જ છે!'

આરવને અચાનક યાદ આવ્યું કે મમ્મી તેની રાહ જોતી હશે. તેણે રચના વિશે વિચારવાનું પડતું મૂકી શૈલી વિશે વિચાર કર્યો. 'મમ્મીને કેમ સમજાવીશ કે હમણાં લગ્ન માટે છોકરી જોવાની ઉતાવળ કરવી નથી...' લાંબું વિચારીને તેણે કંઇક નક્કી કરી લીધું.

આરવ ઘરે પહોંચ્યો ત્યારે શૈલી અને તેની માતા આવી ચૂક્યા હતા. આરવે બંને તરફ નજર નાખી અને નમસ્કાર કર્યા. સુલોચનાબેને આરવનો પરિચય આપ્યો.

શૈલીની માતાએ ખુશ થઇ કહ્યું:'અમે તમારા મોબાઇલ જ વાપરીએ છીએ! ખરેખર સસ્તા અને સુંદર હોય છે. પેલી ચાઇનીઝ કંપની કરતાં આપણા ભારતીય મોબાઇલ જ વાપરવા જ જોઇએ એવું અમે માનીએ છીએ...'

સુલોચનાબેન એમને પ્રશંસા કરતાં અટકાવતાં હોય એમ બોલ્યા:'આભાર બેન! શૈલી તારા વિશે થોડી વાત કરીશ?'

'આંટી! હું શું કહું...? મેં એમબીએ સુધીનો અભ્યાસ કર્યો છે. હવે વધારે ભણવાની ઇચ્છા નથી. મમ્મી કહે છે કે હમણાં નોકરી કરવાનું રહેવા દે. તારા લગ્નની વાત શરૂ કરીએ છીએ. સાસરે જઇને તારા પતિ અને એમનો પરિવાર કહે તો કામ કરજે...' શૈલી શરમાતી હોય એમ બોલી.

આરવે ઉડતી નજરથી શૈલીને જોઇ લીધી હતી. તે એકદમ સુંદર ન હતી. કદાચ રચના જેટલું જ સાદગીભર્યું સૌંદર્ય ધરાવતી હતી. હા, શૈલીનો વાન થોડો વધુ ઉજળો હતો. એ મોટા ઘરમાં ઉછરી છે. એણે વધારે ટાઢ- તડકો અનુભવ્યા નહીં હોય! કદાચ મમ્મીએ એટલે જ એને બોલાવી હતી.

શૈલીની માતાએ તેની વાતનું અનુસંધાન કર્યું:'કોને ખબર? તું આ પરિવારમાં જ આવવાની હોય! પણ નક્કી કરતાં પહેલાં તમે બંને એક-બે વખત મળીને એકબીજાને ઓળખી લો એ જરૂરી છે...'

સુલોચનાબેનને એ વાત ગમી હોય એમ હસીને બોલ્યા:'હા-હા, અત્યારે જ પહેલી મુલાકાત કરી લે તો સારું છે...આરવ, ઉપરના માળે હોલમાં મળી લો. ત્યાં કોઇ નથી. મારી બંને વહુઓ એક સામાજિક પ્રસંગે બહાર ગઇ છે. નહીંતર એમની મુલાકાત પણ થઇ જાત...'

આરવ કહ્યાગરા દીકરાની જેમ શૈલી સાથે ઉપરના માળ પર આવેલા હોલમાં પહોંચ્યો. આરવે શૈલીને મળતાં પહેલાં જ એક નિર્ણય લઇ લીધો હતો.

બંને થોડી ક્ષણો ચૂપ જ રહ્યા. આખરે આરવે કહ્યું:'જુઓ... મમ્મીના આગ્રહથી હું તમને મળવા આવ્યો છું. અસલમાં અત્યારે મારો લગ્ન કરવાનો ઇરાદો નથી...'

'તમે તો મારા મનની વાત છીનવી લીધી...' શૈલીએ ખુશ થતાં કહ્યું.

'શું? મતલબ કે તમારે પણ હમણાં લગ્ન કરવા નથી?' આરવને થયું કે ટાઢા પાણીએ ખસ જશે.

'હા, મારી મમ્મીના આગ્રહથી જ હું તમને જોવા આવી છું...' શૈલીએ શરમાતા કહ્યું.

'બહુ સરસ! પણ આપણે હમણાં જ પાછા જઇને આપણા વિચાર જાહેર કરીશું તો એમને દુ:ખ થશે. થોડીવાર બેસી રહીએ!' આરવ ઉત્સાહથી બોલ્યો.

બંને કોઇ વાત કરવાને બદલે મોબાઇલમાં સમય પસાર કરવા લાગ્યા.

અચાનક શૈલીના મોબાઇલમાં કિશોરકુમારનું ગીત ગુંજ્યું:'હમેં તુમ સે પ્યાર કિતના, યે હમ નહીં જાનતે, મગર જી નહીં સકતે તુમ્હારે બિના...' અને આરવ નવાઇથી એની તરફ જોવા લાગ્યો.

'તમને કિશોરદાના ગીતોનો બહુ શોખ છે ને!' શૈલી જાણતી હોય એમ બોલી. આરવ કોઇ જવાબ આપે એ પહેલાં જ તે આગળ બોલી:'એમના ગીતો જીવનને સ્પર્શતા હોય છે નહીં? એમના ગીતની વાત જાણે આપણા દિલની વાત હોય એવું લાગવા લાગે છે નહીં?'

આરવ નવાઇથી શૈલીને જોઇ રહ્યો. તેને શૈલી સમજાઇ રહી ન હતી. તે કોઇ વાત ઇશારામાં બોલી રહી હોય એમ લાગ્યું.

શૈલીને થયું કે આરવ એટલો પણ ભોટ નથી કે મારી વાત સમજી ના શકે!

આરવ ઘડિયાળમાં જોઇ એની વાતને અવગણતાં બોલ્યો:'ચાલો આપણે નીચે જઇએ? અને નક્કી છે કે આપણી એકબીજા માટે ના છે.'

'હા ચોક્કસ!' કહી શૈલી હસી અને મનમાં કંઇક બબડી.

ક્રમશ: