talash - 47 - last part in Gujarati Detective stories by Bhayani Alkesh books and stories PDF | તલાશ - 47 - અંતિમ પ્રકરણ

તલાશ - 47 - અંતિમ પ્રકરણ

તલાશ વિષે થોડુંક.

31 જુલાઈ 2021 થી શરૂ થયેલી ‘તલાશ' આજે પૂર્ણ થાય છે. સહુથી પહેલા તો ખુબ ખુબ આભાર મારા અસંખ્ય વાચકોનો જેમણે ધીરજ પૂર્વક મારી નોવેલ તલાશના બધા એપિસોડ વાંચ્યા ઉપરાંત કોમેન્ટ કરીને કે રેટિંગ આપીને પ્રોત્સાહ આપ્યું. આ ઉપરાંત વોટ્સ એપ થી મેસેજ કરીને કે ફોન કરીને સતત પ્રોત્સાહિત કરતા રહ્યા. જો પહેલા એપિસોડથી જ એમનો પ્રેમ ન મળ્યો હોત તો આ 'તલાશ" પુરી થઇ જ ન હોત. આ સાથે જ આજના 47માં પ્રકરણમાં 'તલાશ 'પૂર્ણ થાય છે. પણ ....

'તલાશ' હજી અધૂરી છે. ઘણા બધા પ્રશ્નોના ઉત્તર મળી ગયા છે. છતાં હજી કેટલાક પ્રશ્નો ઉભા છે. જેમ કે, અનોપચંદે કહેલું કે 'મદ્રાસમાં ટૂંક સમયમાં કંઈક એવું થવાનું છે. તેના પડઘા આખા દેશમાં પડશે.સમજ્યા" એ શું થવાનું છે? ઉપરાંત પાકિસ્તાની જાસૂસ હની-ઈરાની મદ્રાસમાં શું નવા કાંડ કરવા માંગે છે.? શું નાઝનીન પોતાનો બદલો લેવા પછી ભારતમાં આવશે કે પછી અઝહરને પરણશે. કે શાહિદને પરણશે. ગિરધારીને કંપનીમાં કોઈ કામ સોંપાશે.? ભીમ સિંહને વધુ જવાબદારી મળશે.? ...

આ બધા સવાલોના જવાબ મળશે 'તલાશ-2' માં. ટૂંક સમય માં તો વાંચતા રહો માતૃભારતી ગુજરાતી

ઉપરાંત લેખક મિત્રો, આશુ પટેલ, પ્રવિણ પીઠડીયા, પરમ દેસાઈ, રૂપેશ ગોકાણી, ભાવીશા ગોકાણી એ સતત મને પ્રોત્સાહન અને માર્ગદર્શન આપ્યું છે એમનો ખુબ ખુબ આભાર.

ખુબ ખુબ આભાર મહેન્દ્રભાઈ, જયેશભાઇ તથા ટિમ માતૃભારતી ગુજરાતી.

ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. આમ આવતા તમામ પ્રસંગો કાલ્પનિક છે. અને આ લખવાનો હેતુ માત્ર મનોરંજનનો છે.

"મોહનલાલ, મારે અનોપચંદજી સાથે વાત કરવી છે. શક્ય હોય એટલી જલ્દી."

"શેઠજી એરપોર્ટ માટે નીકળ્યા છે. દિલ્હી થી."

પ્લીઝ એમને કોન્ફરન્સમાં જોડો ને."

"ઠીક છે ચાલુ રાખો" કહી મોહનલાલે બોર્ડની લાઈનમાં અનોપચંદ ને એડ કર્યા અને પછી સુરેન્દ્ર સિંહને કહ્યું. "શેઠજી લાઈન પર છે."

"શેઠજી તમને ડિસ્ટર્બ કરવા બદલ દિલગીર છું પણ તમે મને સિક્યુરિટી અપગ્રેડ કરવા માટે કન્સલ્ટન્ટ તરીકે રાખ્યો છે. તો એનો પહેલો રિપોર્ટ હાજર છે"

"સુરેન્દ્રસિંહ અત્યારે એ સમય નથી. મને મોડું થાય છે."

"સર તમારા સેંકડો માણસ તમારી સિક્યુરિટી સિસ્ટમ પર નિર્ભર છે. એમને મનના કોઈક ખૂણે એક આશા હોય છે કે કંપની અમે મુસીબતમાં મૂકશું તો અમને બચાવવા કંઈક કરશે."

"એ વાત સાવ સાચી છે. બોલો શું રિપોર્ટ છે."

"મેં તમારા સિક્યુરિટી સિસ્ટમ અપગ્રેડના રિપોર્ટ વાંચ્યા છે. જેમાં 200 ઘડિયાળ ખરીદાઈ છે જેથી પહેરનારનું લોકેશન ટ્રેસ થઇ શકે."

"હા એમાંથી એક જીતુભા પાસે છે અને એનાથી જ એ ક્યાં છે એ સમજાઈ રહ્યું છે." મોહનલાલે કહ્યું.

"બસ આજ ખામી છે આપણી આધુનિક સિસ્ટમમાં. આમ આપણે જે ડિવાઇસમાં એ સાધન ફીટ કર્યું હોય એ ડિવાઈસ નું લોકેશન મળે એટલે કે જો કોઈએ એ કાંડા ઘડિયાળ પહેરી હોય તો એનું લોકેશન ટ્રેસ થાય. પણ જો એ ઘડિયાળ બીજા કોઈને આપી દે તો....."

"ઓહ્હ. ગોડ એ તો સાવ સાચી વાત છે."

"બસ શેઠજી આ જ વાત હતી. જીતુભા સલામત છે. હા એના પર એટેક થયેલો પણ જીતુભા માટે મામૂલી લોકો હતા. જીતુ પર પાછળથી હુમલો કર્યો પછી એક અવાવરું ગોડાઉનમાં બાંધીને ફોટો શેશન કર્યું પણ જીતુએ એ લોકોને માંડ 2 મિનિટમાં પાડી દીધા અને અત્યારે એના પર હુમલો કરનાર પોલીસ લોકઅપમાં છે."

"સુરેન્દ્રસિંહ હું પાછો આવું પછી આ વિશે વિસ્તૃત વાત કરીશું. અને મોહનલાલ અત્યારે જેટલા ડિવાઇસ વપરાશમાં છે. એમની સાથે વાત કરીને એમની સલામતી કન્ફર્મ કરો ઉપરાંત. બધા માટે પ્લાન બી એક્ટિવ કરી દો. મારા દરેક માણસો કિંમતી છે. "

"જી શેઠ જી. અને હું હવે ભીમ સિંહ ને કહું છું કે જીતુભાની ચિંતા છોડ એ એકલો બધા માટે પૂરતો છે. અને હવે પ્રદીપ શર્માના ગામમાં એની સલામતી માટે પહોંચવાનું કહી દઉં છું."

xxx

"જો પ્રદીપ મારી વાત સાંભળ, હજી પ્રેમથી કહું છું આ ગામ આંખમાં વાત તો ફેલાઈ જ ગઈ છે કે મોહિનીના લગ્ન અમર સાથે થવાના છે. હવે જો તું મોહિનીને બીજે પરણાવીશ તો મારી આબરૂ ગામમાં નહીં રહે."

"એ તારો પ્રોબ્લેમ છે ત્રિલોકી, તારા આગ્રહથી હું ગામના પંચ સાથે છેલ્લી વાર ચા પાણી પીવા આવ્યો હતો. અને આમેય ચા-નાસ્તો થઈ ગયા. અને ગામના પંચની ગામના વિકાસ માટે જે માંગ હતી એ પણ મેં આપી દીધા અમે બુક કરેલી ટેક્સી આવવાની તૈયારીમાં છે."

"સાંભળ પ્રદીપ આ મોતિયાને 4 દિવસથી રોટલા અમથા નથી દીધા સમજ્યો" પોતાના અવાજને ખતરનાક કરતા ત્રિલોકીએ કહ્યું અને ઉમેર્યું "આ જો તારા થનાર જમાઈ જીતુભા અત્યારે કઈ હાલતમાં છે." કહીને જીતુભાને બાંધીને 2 પિસ્તોલ વાળા ઉભા હતા એ ફોટો બતાવ્યો. આ જોઈએ સીધા સાદા બિઝનેસમેન પ્રદીપ શર્માને પરસેવો વળી ગયો. એમની આવી હાલત જોઈને ત્રિલોકીએ કહ્યું "હવે આ કાગળમાં નજર નાખ" કહીને નકલી લગ્ન રજિસ્ટ્રેશનનો કાગળ બતાવ્યો. એ જોઈને પ્રદીપશર્મા ને ચક્કર આવી ગયા એને એ બેઠા હતા એ ખુરસી પરથી ઢળી પડ્યા. આ જોઈ અને હેમા બહેન દોડતા એમની પાસે આવ્યા. થોડે દૂર ગામની અન્ય યુવતીઓ સાથે બેઠેલી મોહિનીએ એ જોયું અને બોલી"અરે બાપરે પપ્પાને શું થયું" કહી પ્રદીપભાઈ પાસે જવા દોડી તો અમરે એને પકડી લીધી અને કહ્યું "કઈ નથી થયું જાનેમન, એ વેવાઈવેલા ની વાતો છોડ અને આપણી પતિ પત્નીની વાત કરીએ એમાં ધ્યાન દે. હાલો એ બાયું, થોડા આઘાપાછા થાવ અમને 2 માણસને થોડી વાત કરવા દો"

"હલકટ અમર છોડ મારો હાથ,"

"નહીં છોડું શું કરી લઈ.....ઓઓઓઓ "અમરનું વાક્ય પૂરું થાય એ પહેલા એના શબ્દો ચીસમાં બદલાઈ ગયા.અને ગામના શાહુકારના આવા છિનાળ વેડા જોઈને, ન જોયું કરનાર ગામના આગેવાન પંચ અને બીજા ફોકટનું ખાવા ભેગા થયેલા લોકો આ ચીસ સાંભળીને ચોંક્યા. લગભગ 50 ડગલાં દૂર ઉભેલા ભીમસિંહે આ દ્રશ્ય જોયું હતું, પ્રદીપ શર્માને સંભાળવામાં એનું ધ્યાન મોહિની પરથી હટ્યું હતું. પણ અમરની ચીસે ફરીથી એ મોહિની તરફ ભાગ્યો. એણે જોયું તો અમરના જમણા હાથમાં કોણી થી ઉપરના ભાગમાંથી લોહી નીકળતું હતું અને અમર અને મોહિની વાડીમાં બનાવેલા જે લાકડાના ટોડલા ની બાજુમાં ઉભા હતા એ ટોડલમાં એક ચાકુ ખૂંપેલું હતું. અચાનક બાજુમાંથી મોતી ઠાકુર દોડી આવ્યો અને અમરને પૂછ્યું "શું થયું.અમરું"

"કોઈ એ કોઈ એ મને ચાકુ માર્યું" અમરે ધ્રુજતા અવાજે કહ્યું એ ડરપોક માણસ હતો.

"કોણ છે જેનું મોત આવ્યું છે. કે મારા અમરું ઉપર ચાકુ ફેંક્યું "

"હું છું એ બે માથાળો માણસ બોલ શું કરી લઈશ" ત્રિસેક ફૂટ દૂર થી અવાજ આવ્યો અને બધાનું ધ્યાન એ અવાજ બાજુ ખેંચાયું. ત્યાં ખુંધયો અડધો વાંકો ઉભો હતો અને એના હાથમાં એવું જ એક બીજું ચાકુ હતું જેવું ચાકુ લાકડાના ટોડલમાં ખૂંચેલું હતું. "આ મેડમની સલામતી મારી જવાબદારી છે અને એમની ઈચ્છા વિરુદ્ધ એમને હાથ પણ લગાવનાર ને હવે કોઈ ચેતવણી નહીં આપું મારુ આ ચાકુ સીધ્ધુ એની છાતીમાં ખુંપી જશે." ખુંખાર અવાજે એણે કહ્યું.

"હવે જોયો મોટો ચાકુના દાવ દેખાડનાર કુબડા ખૂંધિયા" કહીને મોતી ઠાકુર ખૂંધિયા તરફ ધસ્યો પણ એ એના સુધી પહોંચે એ પહેલાં ભીમસીહે એને પકડ્યો અને એક જોરદાર ફેટ એના પેટમાં મારી જેનાથી મોતિયો ઉછળીને પડ્યો. પછી ભીમસિંહ ખૂંધિયા પાસે ગયો અને કહ્યું "વાહ મારા ફુલકુંવર હુ તો તને બોજ સમજતો હતો પણ મારુ થોડું ધ્યાન હટ્યું અને મેડમ પર મુસીબત આવી તો અચાનક એની મદદમાં આવી પહોંચ્યો સાબાશ પણ તું આવી ચાકુબાજી ક્યાં શીખ્યો?"

"એનો જવાબ મારી પાસે છે. ભીમસિંહ" પાછળથી આવેલા એક પ્રભાવશાળી અવાજે બધા ચોંકી ઉઠ્યા.બધાનું ધ્યાન એ અવાજ બાજુ ખેંચાયું. ત્યાં જીતુભા ઉભો હતો મોહિનીએ જીતુભાને જોયો અને જેમ કોઈ રણનો તરસ્યો મુસાફર ઝરણું જોઈને પાણી પીવા ભાગે એમ જીતુભા તરફ ભાગી અને ગામના વડીલોની અમાન્ય મૂકી ને એને વળગી પડી. જીતુભાને સલામત જોઈને અત્યાર સુધી રોકી રાખેલા આંસુ આંખમાંથી સતત વહી રહ્યા હતા. જીતુભા એ એના વાંસામાં હાથપસવારીને એને શાંત કરી અને હળવેથી કહ્યું."તારા પપ્પાને તો જોવા દે શું થયું છે?" કહીને મોહિનીને પોતાનાથી હળવેકથી દૂર કરી અને પ્રદીપભાઈની પાસે ગયો અને એમનો હાથ પોતાના હાથમાં લઇ અને હૂંફાળા સ્વરે પૂછ્યું."શું થયું અંકલ?" જીતુભાનો આવજ સાંભળીને પ્રદીપ ભાઈ સ્વસ્થ થયા એમણે જીતુભાને સલામત જોઈ અને પ્રભુનો આભાર માન્યો પછી જીતુભાને કહ્યું "આ ખતરનાક લોકો છે. એમણે તને ભડકાવવા અને ગામવાળા ને દેખાડવા અમરના અને મોહિનીના લગ્નના નકલી પેપર તૈયાર કર્યા છે."

"અંકલ મને ખબર છે.પટવારીએ રાત્રે ફોન કરીને મને બધું સાચું કહી દીધું હતું. હું છું ને, એના બધા પેપર હમણાં ઉડી જશે."

"એ લોકો એ ચાર પાંચ ગુંડા બોલાવી રાખ્યા છે"

"એમાંથી ત્રણ અત્યારે હવાલાત માં છે અને એ લોકો નસીબદાર છે બાકી આ મોતિયો અને એનો એક સાથીદાર પોતાના હાડકા ભંગાવી પછી હવાલાતમાં જશે." કોન્ફિડન્સથી જીતુભાએ કહ્યું.

"પણ જીતુભા સવારે શું થયું હતું અને જો આ ફોટો સાચો હોય તો તમે આ લોકોના સકંજામાંથી છૂટ્યા કેવી રીતે?"

"સવારે મોહિનીનો ફોન આવ્યો અને હોટલની રુમમા નેટવર્ક ન હતું. એટલે મેં વિચાર્યું કે 'ચાલો થોડું વોકિંગ કરી લઉં અને બહાર રોડ પર જઈને મોહિની સાથે વાત પણ કરી લઉં.' એમ વિચારીને હું બહાર નીકળ્યો થોડું આગળ ચાલ્યો ત્યાં 3 જણાએ મને કંઈક એડ્રેસ પૂછવા ઉભો રાખ્યો અને.પાછળથી મારા માથા પર કંઈક વજનદાર વસ્તુ મારી.એમને એમ હતું કે હું બેહોશ થઈ ગયો છું. પણ આવાતો કંઈક ઘાવ મેં ખાધા છે. પછી એ લોકો મને બાજુમાં જ આવેલ એક સબ્જી મંડીના એક ખાલી ગોડાઉનમાં લઇ ગયા. એને એક ખુરશી સાથે બાંધી દીધો પણ એ લોકો સાવ નવા નિશાળિયા જેવા હતા.કોઈને કેવી રીતે મજબૂતાઈથી બંધાય એ પણ એમને આવડતું ન હતું. પછી 2 જણા મારી પાસે પિસ્તોલ લઇ અને ઉભા અને એક જણે ફોટો પડ્યો પછી એ કેમેરા બહાર એની રાહ જોતા 4થા સાથીને આપી અને પાછો આવ્યો એટલી વારમાં મેં અંદર રહેલા 2 જણાને બેહોશ કરી નાખ્યા હતા. 3જો અંદર આવ્યો એટલે એની પણ એજ હાલત થઇ પછી એ ગોડાઉનમાં પડેલા ખાલી કોથળામાં એ લોકોને ભરીને હું આરામથી બહાર આવી ગયો. મારે ભીમસિંહ આ પરિસ્થિતિમાં શું કરે છે એ જોવું હતું."

"તો એ લોકો પોલીસ કસ્ટડીમાં કેવી રીતે પહોંચ્યા અને તમારું લોકેશન વારે વારે બદલાતું હતું એનું શું કારણ?" ભીમ સિંહે પૂછ્યું.

"એનો જવાબ તો આ પરબત પણ આપી દેશે" જીતુભાએ ફુલકુંવર તરફ ઈશારો કરતા કહ્યું.

"એ ભાઈ મારુ નામ ફૂલ કુંવર છે અને પોલીસને ખબર કેવી રીતે પહોંચી અને તારું લોકેશન એ બધું મને કેવી રીતે ખબર પડે, મને તો ભીમસિંહે વર્દી આપી હતી મુંબઈના મહેમાન ને લાવવાની અને પછી એમને કહ્યું પાછા એરપોર્ટ પહોંચાડજો એટલે મારા પેસેન્જરની રક્ષા કરવાનું મારી ફરજમાં આવે બાકી મને શું ખબર પડે."

"ભીમસિંહ હજી ન સમજ્યો." હવે જીતુભાએ ભીમસિંહને કહ્યું. "આ એજ પરબત છે જેની સાથે તું ગઈકાલે વાત કરતો હતો." સાંભળીને ખૂંધિયો ટટ્ટાર થઇ ગયો. "ભીમ સિંહ જોયો ચમત્કાર" જીતુભાએ કહ્યું અને પછી ખૂંધિયા તરફ ફરીને કહ્યું. "તને તો હું પછી મળું છું પરબત, પહેલા આ શું નામ હા ત્રિલોકી કાકાના ગાલ થોડા લાલ કરી દઉં એમને દીકરો પરણાવવાની ઉતાવળ છે." ભેગા થયેલા ગામ લોકો આ તમાસો જોતા હતા. મફતમાં મનોરંજન એમને મળી રહ્યું હતું. આ જવાન કોણ ટપકી પડ્યો? જેને આજુ બાજુના 10 ગામમાં ધાક છે એવા મોતી ઠાકુરનોય ભય નથી. અને હવે ત્રિલોકી ના શું હાલ થશે. "હાલો અમર, ત્રિલોકી અંકલ તમારી હારે થોડી વાત કરવી છે. પ્રદીપ અંકલ આંટી મોહિની તું પણ ચાલ સામેના ઓરડામાં."બધા એ ઓરડા બાજુ જતા હતા ત્યારે જીતુભા એ જોયું કે મોતિયો હવે ઉભો થઇ ગયો છે અને એણે પોતાનું ચાકુ હાથમાં રાખ્યું છે અને એનો એક સાથી પણ હુમલો કરવાની તૈયારીમાં છે એટલે એણે ભીમસિંહ ને કહ્યું. "ભીમ તારે મદદની જરૂરત છે આ પરબત મારી સાથે અંદર આવે છે?"

"ના જીતુભા હું સવારથી આ સમયની રાહ જોઈ રહ્યો છું તમારી ચિંતામાં મેં હાથ સાફ ન કર્યા. નહીં તો.."

એનું વાક્ય કાપીને જીતુભાએ કહ્યું "તારી પાસે ગણી ને 4 મિનિટ છે. પોલીસ ટિમ પહોંચતી જ હશે. એટલી વારમાં તારી ઈચ્છા પુરી કરી લે." કહીને ઓરડામાં ઘૂસીને બારણું બંધ કરી દીધું.

xxx

"હા તો ત્રિલોકી કાકા હવે શું કરવું છે. જલ્દી બોલો 2-3 મિનિટમાં પોલીસ આવી પહોંચશે. લગ્નનું ખોટું રજીસ્ટ્રેશન કરનાર ક્લાર્ક અત્યારે પોલીસ હિરાસતમાં છે અને એણે, તમે તેને લાંચ આપી હતી એમ લેખિતમાં કહ્યું છે. પટવારીએ પણ સાક્ષી આપી છે કે તમે મોતી ઠાકુરની ગેંગની મદદ વડે એના દીકરાને કિડનેપ કરવાની ધમકી આપેલી એટલે એણે મોહિનીના ફેમિલી ને છેતરીને સહી કરાવી લીધી."

"જુવાન મને માફ કરી દે. હું દીકરાના સુખના સ્વાર્થમાં આંધળો બની ગયો હતો અને ઘરમાં ગુંડા ટોળી ઘુસાડી. મારી પાસે રૂપિયા છે. પણ ગામમાં ઈજ્જત નથી. હવે જો પોલીસ અમને લઇ જશે તો આપઘાત કરવા સિવાય કોઈ રસ્તો અમારી પાસે નથી બચ્યો."

"ત્રિલોકી કાકા, જીતુભા ને હું કહીશ તો એ તમારી ધરપકડ કર્યા વગર પોલીસને પાછી મોકલી આપશે. તમારા પર કોઈ કેસ પણ નહિ થાય" જીતુભા કઈ કહે એ પહેલા મોહિનીએ કહ્યું.

"દીકરી તો તો તારો ખુબ ખુબ આભાર. જિંદગીભર તારા આ અહેસાનને નહીં ચૂકવી શકું."

"પણ તમારે એ માટે અમરના લગ્ન ગોમતી સાથે બહુ જલ્દીથી કરાવવા પડશે. અને એનું એનાઉન્સમેન્ટ આજે જ ગામલોક સમક્ષ કરવું પડશે."

"પણ મોહિની એ ફરી જશે તો? અને લગ્ન પછી તું કહે છે એ છોકરીને દુઃખી નહીં કરે એની શું ખાત્રી" જીતુભાએ પૂછ્યું.'

"હું નહીં ફરું. હું ગોમતીને પ્રેમ કરતો હતો. બાપુ એ મને ભરમાવ્યો હતો રૂપિયાની લાલચ દેખાડીને."અમરે કહ્યું. પછી પ્રદીપભાઈએ ત્રિલોકી ને કહ્યું. "ત્રિલોકી, જરા યાદ તો કર તારા બાપુ ગામના નગરશેઠ કહેવાતા. કેવો એમનો પ્રભાવ. ગામ લોકો પાસેથી જ રૂપિયા કમાયા. પણ ગામના અનેક ગરીબોના ઘરે એની મહેરબાની થી રોટલા થતા. અને કોઈને કઈ ખબર પણ ન પડતી. અને તું. શરમ આવે છે મને મારી જાત ઉપર કે હું તને દોસ્ત માનતો હતો. જા બહાર જઈને એનાઉન્સ કર ગોમતીનો બાપ મરવાને વાંકે જીવે છે કે કોક દી એની દીકરીને ન્યાય મળશે. તને એમ કે હું ગામ બહાર છું તો મને કઈ ખબર નહિ પડે. પણ હું બધું જાણું છું." કહી બારણું ખોલીને પ્રદીપ ભાઈ બારણું ખોલીને બહાર આવ્યા. અને જોયું તો મોતિયો અને એનો સાથી લોહી લુહાણ હાલતમાં પડ્યા હતા. અને ભીમસિંહ એક ખુરસી પર બેઠો હતો એટલામાં પોલીસ વાન આવીને ઉભી રહી એમાંથી એક ઇન્સ્પેક્ટર અને 4 હવાલદાર બહાર આવ્યા. ઇન્સ્પેક્ટર સીધો જીતુભા પાસે આવ્યો અને કહ્યું. "થેંક્યુ જીતુભા. આ આજુબાજુના 10 ગામના માથાના દુખાવાને પકડાવવામાં મદદ કરવા બદલ."

"અરે સુરજ સિંહ એમાં આભાર શાનો. મેં તો મારી ફરજ બજાવી છે."

"ઓકે.હવે આ બાપ દીકરા નું શું કરવાનું છે" સુરજસિંહે અમર અને ત્રિલોકી તરફ જોતા કહ્યું.

"સૂરજ સિંહ, ત્રિલોકી શેઠ એમના દીકરા અમરના લગ્ન ટૂંક સમયમાં કરવાના છે એમાં હાજરી આપજો."

"કેમ એમને અમારા મહેમાન નથી થવું?"

"ના હમણાં નહીં." .

"ઠીક છે. તો હું આ લોકો ને લઈને નીકળું?"

"હા. અને ઓલા મેરેજ રજીસ્ટ્રેશન કરનાર ક્લાર્કને પણ થોડો ઠમઠોરિને છોડી દેજો"

"ભલે જેમ તમે કહો એમ" કહીને સુરજ સિંહ ની ટિમ મોતિયાને અને એના સાથીને લઈને વિદાય થઈ. કે તરત જ ત્રિલોકી એ. ગામના આગેવાનોની કહ્યું કે, "સાંભળો હું મારા દીકરાના લગ્ન ગોમતી સાથે કરવાનો છું. કાલે જ પંડિતજીને પૂછીને સારો દિવસ જોઈને જેમ બને એમ જલ્દીથી લગ્ન કરાવી નાખીશ. મારે આ સમાચાર મારા મિત્રની હાજરીમાં જ જાહેર કરવા હતા એટલે આટલો વખત બટુક લાલને રાહ જોવડાવી. દીકરી ગોમતી ક્યાં છે તું. ખુશ ને હવે." થોડે દૂર ઊભેલી ગોમતી શરમાઈને એની પાસે આવી અને એના પગમાં પડી. "રહેવા દે. દીકરી - વહુ પગે લાગે એ સારી વાત નથી." બટુક લાલ પ્રદીપભાઈ ની પાસે આવીને એનો આભાર માન્યો. અને કહ્યું."અમે સાંભળ્યું હતું કે તારી દીકરીના લગ્ન અમર સાથે થવાના છે એટલે ગોમતી આપઘાત કરવાની હતી.માંડ એને રોકી. તારો ખુબ આભાર.

xxx

"આ ઈન્સ્પેક્ટર ને તો હું ય નથી ઓળખતો. તે એની સાથે દોસ્તી કેવી રીતે કરી લીધી જા રે જા" પોતાની નકલી ખૂંધ કાઢતા કાઢતા પૃથ્વીએ કહ્યું. એ સીધો ઉભો થયો ત્યારે ભીમસિંહ એને ઓળખ્યો અને કહ્યું. "હુકમ તમે, તમને મેં કેટલું ભલું બૂરું કહ્યું. પણ તમારે આમ વેશ બદલવાની શી જરૂર હતી."

"એનો જવાબ આ જા રે જા બાપુ આપશે."

"જવાબ તો મારે તારી પાસે કેટલાય લેવાના છે પરબત, એ ઇન્સ્પેકટરની બહેન મુંબઈમાં રહે છે. એની કેટલીક અશ્લીલ તસ્વીર કોઈકે ખેંચી લીધેલી અને એને શારીરિક અને આર્થિક રીતે કેટલાક લોકો બ્લેકમેલ કરતા હતા. થોડા દિવસ પહેલા આ સુરજસિંહનો મારા પર ફોન આવ્યો હતો પોતે પોલીસ ઓફિસર હોવા છતાં પોતાની બહેનને આમ બ્લેકમેલ થતી લાચારીથી જોઈ રહ્યો હતો. કોઈકની ઓળખાણથી મને રિક્વેસ્ટ કરી. અને મેં 3-4 દિવસમાં એ બધી તસ્વીર પછી મેળવીને એને હંમેશ માટે બ્લેક્મેલરથી બચાવી હતી. હવે ભીમસિંહના સવાલનો જવાબ આપી દઉં. "એને તારી નિર્ણય શક્તિ અને હિંમત જોવા હતા. મને લાગે છે કે તને કૈક પ્રમોશન અપાવવાના મૂડમાં છે આ રાજકુમાર." આ વાત ચાલતી હતી ત્યાં મોહિની એની પાસે આવી એ બધા ગામ લોકોથી થોડે દૂર ઉભી વાતો કરતા હતા. "જીતુ..ભા સાંભળ્યું? ઓલી ગોમતી આજે આપઘાત કરવાની હતી. તે એનો જીવ બચાવ્યો. થોડા દિવસ પહેલા કોલેજ ના ફંક્શનમાં પાયલનો જીવ બચાવ્યો હતો. કેટલો મહાન છે. તું.. સોરી તમે."

"બીજાના જીવ બચાવવાની એને આદત છે મેડમ. અને એની શરૂઆત એણે મારો જીવ બચાવીને કરી હતી." પૃથ્વીએ કહ્યું.

અરે ફુલ કુંવર ભાઈ તમારી ખૂંધ ક્યાં ગઈ?"

"એ નાટકીયો છે. ક્યારેક મરી જાય, ક્યારેક રાજકુમાર બની જાય, ક્યારેક ખૂંધિયો તો ક્યારેક ડ્રાઈવર. બહુરૂપિયો છે આ પરબત."

“આ પરબત અને જા રે જા એ શું છે.” ભીમસિંહે પૂછ્યું.

"ખડકસિંહનો દીકરો હોવાથી હું એને પરબત કહું છું. ગઈ કાલે સાંજે તું મને પાન ખાવા છેક ક્યાંય દૂર લઇ ગયો ત્યારે જ મને સમજાઈ ગયું કે તું કોઈના ઈશારે ચાલે છે. અને મેં તને વારંવાર આવતા ફોન કોણ કરે છે એ પૂછ્યું અને તે કહ્યું તારો કઝીન પરબત. એ જ વખતે હું સમજી ગયો કે એ પૃથ્વી જ છે.

"એક મિનિટ હમણાં તે શું કહ્યું સોરી તમે શું કહ્યું."

"મોહિની મેડમ તમે એને તું કહેશો તો એને વધારે આનંદ થશે. હું એને ઓળખું છું."

"શઉઉઉ જીતુ, આ, આ, ઓલા સોનલ વાળા રાજકુમાર. ફ્લોદી વાળા."શુ નામ હતું. હા પૃથ્વી સિંહ છે.?"

"હા મારો ભાઈબંધ જે સોનલને મળ્યો હતો.જેણે સોનલનું અપહરણ કર્યું હતું, એ ડોબીને ખબર પડે એ વગર. પણ પરબત તું બચ્યો કેવી રીતે, તારી શહીદીની વાત તો છાપામાં પણ છપાઈ હતી. હું તો લગભગ 3 મહિના હોસ્પિટલમાં હતો. મને મામા એ કહ્યું હતું કે તારા યુનિટના તમામ લોકો શહીદ થઈ ગયા છે."

"હું પણ 3-4 મહિના હોસ્પિટલમાં હતો. અને લગભગ 4 દિવસે ભાનમાં આવ્યો તો સામે મોહનલાલ બેઠા હતા. એની ટીમના લોકોએ મને બચાવ્યો પણ ખરો અને દુનિયાની નજરમાં શહીદ બનાવીને દેશ સેવામાં લગાડી દીધો. પણ તે દિવસે તું ગાંડો થયો હતો જા રે જા? મને આપણી યુનિટના વાહનમાં લોક કરીને તું આતંકવાદીઓ સામે એકલો ધસી ગયો.?"

"મેં તને મનોમન મારો બનેવી ધારી લીધો હતો પરબત, અને સોનલના થનારા વરને હું જોખમમાં ન મૂકી શકું."

"તો અબ મેં એ રિશ્તા પક્કા સમજુ.?" પૃથ્વીએ હસતા હસતા કહ્યું.

"પહેલા ખડકસિંહ બાપુ સાથે વાત કરવી પડશે. તમારે લોકોએ માગુ નાખવા આવવું પડશે, પછી અમે જવાબ આપશું." જીતુભાએ કહ્યું.

"મોહિની મેડમ તમે પ્લીઝ તમારી થનારી નણંદ સાથે મારા લગ્ન કરાવશો.પ્લીઝ." પૃથ્વીએ કહ્યું.

"પહેલા તમારો એક ફોટો આપો. સવાર વાળા ગેટઅપમાં. હું મારી થનારી નણંદને મોકલી આપું જો એ હા પડશે તો ચોક્કસ કરાવી દઈશ" મોહિનીએ આમ કહ્યું એટલામાં જીતુભાનાં ફોનમાં રિંગ વાગી એણે જોયું તો સોનલ નો ફોન હતો.."હેલો હા બોલ સોનલ શું કહે છે."

"જીતુડા હાશ તું સલામત તો છે. દિલથી કહું છું ખરેખર તારી ચિંતા થતી હતી."

"અરે વા મારી વ્હાલી ડાહીડમરી બેન મારી ચિંતા કરે છે. અચ્છા સાંભળ મને ઉતાવળ છે એટલે હું ફ્લોદી નહીં જઈ શકું. રાત્રે જ મુંબઈમાં પાછો આવું છું. પણ એક સરસ છોકરો તારા માટે જોયો છે. લગભગ 45 વર્ષનો છે. ખાનદાની છે. હા થોડી ખૂંધ છે વાંસામાં ચાલશે?"

"જીતુડા હું તારું ખૂન કરી નાખીશ"

"સોનુડી, ચિબાવલી હા પાડી દે" પાછળથી મોહિનીએ કહ્યું.

"ડફર, મોહિની હમણાં ફૈબાને કહીને તારું અને જીતુ નું કેન્સલ કરવું છું." સોનલ હવે વિફરી હતી.

"પ્લીઝ મને એક વાર તો તમારા પતિ બનવાનો મોકો આપો. હું ફ્લોદીનો ટીલાંટ રાજકુમાર છું મારું નામ પૃથ્વીસિંહ પરમાર છે." ફોનમાં બોલાતા આ શબ્દો સાંભળીને સોનલની આંખમાં ખુશીના આંસુ આવી ગયા. એના મનગમતા ભરથારની તલાશ પૂર્ણ થઇ હતી.

સંપૂર્ણ

આપને આ વાર્તા કેવી લાગે છે? પ્લીઝ કોમેન્ટ જરૂર કરજો તમે મને પર્સનલી વોટ્સ એપ પણ કરી શકો છો. 9619992572 પર

Rate & Review

Priti Patel

Priti Patel 4 months ago

Dipakkumar Pandya

Dipakkumar Pandya 9 months ago

Bhayani Alkesh

Bhayani Alkesh Matrubharti Verified 2 years ago

Jay Dave

Jay Dave Matrubharti Verified 9 months ago

ખૂબ અદ્ભુત રજુઆત 🙏🙏

Jigna Shah

Jigna Shah 10 months ago