Mohru - 12 books and stories free download online pdf in Gujarati

મહોરું - 12

(પ્રકરણ : ૧ર)

‘તમે લોકોએ જેના રૂપિયા ચોર્યા છે ને, એ હથિયારોના વહેપારી એન્ટોનિયોના માણસો છીએ અમે !’ કરડી આંખોવાળા આદમીએ પોતાની આંખો ઓર વધુ કરડી કરતાં કહ્યું, અને એ સાથે જ વૅન એક આંચકા સાથે ઉપડી અને પૂરપાટ ઝડપે એન્ટોનિયોના અડ્ડા તરફ દોડી એટલે અત્યારે અચલ અને બુશરાએ બન્નેએ એકબીજા સામે જોયું. બન્નેના ચહેરા પર ભય આવી ગયો હતો, તો કલગી પણ ફફડી ઊઠી હતી.

રોકસાના અને એના ઉપરી અધિકારી સમીઉલ સાથે કલગીની એવી વાતચીત થઈ હતી કે, તે અચલ સાથે બૅન્કમાંથી ડૉલર લઈને બહાર નીકળશે કે તુરત જ રોકસાના અને સમીઉલ પોતાના સાથીઓ સાથે ધસી આવશે અને અચલને ઝડપી લેશે.

એના બદલે આ તો હથિયારોના વહેપારી એન્ટોનિયોના આદમીઓ વૅનમાં ધસી આવ્યા હતા અને એમણે તેને તેમ જ અચલ અને બુશરાને ઝડપી લીધા હતા.

તો શું...તો શું કયાંક એવું તો નહિ હોય ને કે, રોકસાના અને સમીઉલે તેને મૂરખ બનાવી હોય ! અસલમાં એ બન્ને જણાં એન્ટોનિયોના સાથીઓ હોય અને એમણે તેની પાસેથી આ રીતના બૅન્કમાંથી ડૉલર કઢાવવા માટે, એ બન્ને જણાં ઈન્ટરપોલના ઑફિસરો છે, એવું જુઠ્ઠાણું ચલાવ્યું હોય.

જો..જો આવું જ હોય તો તેના માટે ઊલમાંથી ચૂલમાં પડયા જેવું હતું ! તે અચલના હાથમાંથી છૂટીને પાછી એન્ટોનિયોના ખૂની પંજામાં પકડાઈ હતી !

કલગીએ મનોમન એક નિશ્વાસ નાંખતાં આગળ જોયું.

આગળ એક તગડો માણસ વેન ચલાવી રહ્યો હતો. એની બાજુમાં બેઠેલો કરડી આંખો-વાળો આદમી હજુ પણ તેમને ત્રણેય જણાંને ખાઈ જવાની નજરે જોઈ રહ્યો હતો. જ્યારે તેમની પાછળ બેઠેલા બીજા ત્રણેય આદમીઓએ તેમની ગરદન પર પોત-પોતાની રિવૉલ્વરોની અણીઓ અડાડી રાખી હતી.

કલગી અને અચલ તેમજ બુશરા પૂતળા જેવા બની ગયા હતા. અચલ અને બુશરા શું વિચારી રહ્યા હતા એ કલગીને ખબર નહોતી, પણ કલગીની હાલત સારી નહોતી. તેને હવે જીવતા બચવાનું મુશ્કેલ જ નહિ પણ કલગી થરથરી ઉઠી. ‘તેણે જિંદગીમાં એકવાર મરવાનું તો હતું જ ! પણ કોઈ પણ વાંક-ગુના વિના ! અને એ પણ આવા ક્રૂર મોતે ? !’

અશકય જ લાગતું હતું. તે મનોમન ઈશ્વરના નામનું રટણ કરતાં એ જ રીતના બેસી રહી.

અત્યારે વૅન પવનવેગે દોડી રહી હતી. આગળ એક બીજી વૅન પણ દોડી રહી હતી, જ્યારે આ વૅનની આગળ લાગેલા સાઈડના અરીસામાંથી કલગીને ચોકકસ અંતર જાળવી રાખીને પાછળ આવી રહેલી ત્રીજી વેન દેખાઈ રહી હતી.

કલગીએ આંખોની કીકીઓ ફેરવીને આસપાસમાં જોયું. તેમની વેન શહેરમાંથી બહાર નીકળી ચૂકી હતી અને હાઈવે પર દોડી રહી હતી.

વેનમાં સન્નાટો છવાયેલો હતો, ત્યાં જ બુશરાએ હળવેકથી અરબી ભાષામાં આગળ બેઠેલા કરડી આંખો-વાળા આદમીને કંઈક કહ્યું. કલગીને કંઈ સમજાયું નહિ અને એ કરડી આંખોવાળો આદમી પણ કંઈ બોલ્યા વિના બુશરા સામે જોઈ રહ્યો, પણ અચલ બુશરાની અરબી વાત સમજી ગયો હોય એમ બુશરા પર ગુસ્સે થઈ ગયો, ‘દગાબાજ ! તું મને એકલાને ફસાવેલો રાખીને જાતે છટકવાની વાત કેમ કરી રહી છે ?! તું પણ તો આ આખાય ખેલમાં મારી સાથે સામેલ છે જ ને !’

‘કોઈએ બચાવ કરવાનો કે બચીને ભાગી છૂટવાનું બચપનું કરવાની જરૂર નથી.’ કરડી આંખોવાળો આદમી જાણે કલગી પણ તેની વાત સમજી શકે એ માટે હિન્દી ભાષામાં બોલ્યો

‘બૉસના ચોપડામાં અચલ, બુશરા અને તોરલ, તમારા ત્રણેયના નામ દુશ્મન તરીકે નોંધાઈ ચૂકયા છે. અમારા બોસે કદી કોઈ દુશ્મનને જીવતો જવા દીધો નથી. અને એમાંય એના આટલાં બધાં ડૉલરની ઉઠાંતરી કરનાર દુશ્મનને એ માફ કરી દે એ વાતનો કોઈ સવાલ જ નથી. હા..,’ કરડી આંખોવાળો

આદમી કાતિલ હસ્યો : ‘... હવે ફકત સવાલ એ છે કે, એ તમને કેવું મોત આપશે? તમારું શરીર ગોળીઓથી ચારણી કરશે ? તમારા શરીરના અસંખ્ય ટુકડાં કરશે ? કે પછી તમને જીવતાં દફન કરશે ? કે પછી..., કે પછી તમને જીવતા સળગાવી મૂકશે ? આ બધાં સવાલનો જવાબ તો અમારા બૉસનો મૂડ કેવો છે ? એ વાત પર રહે છે.’

અચલે ગળા નીચે થૂંક ઉતાર્યું. બુશરાના ચહેરા પર પરસેવો આવી ગયો.

કલગી થરથરી ઊઠી. ‘તેણે જિંદગીમાં એકવાર મરવાનું તો હતું જ ! પણ કોઈ પણ વાંક-ગુના વિના ! અને એ પણ આવા ક્રૂર મોતે?! ના !’ અને તેણે ભગવાનને પ્રાર્થના કરી : ‘ હે ભગવાન ! મને બચાવજે.’ અને તેના મનની આ પ્રાર્થના પૂરી થઈ, ત્યાં જ વૅન કોઈ કિલ્લા જેવી ઊંચી-મોટી દીવાલ વચ્ચે લાગેલા ખાસ્સા ઊંચા-પહોળા લોખંડી ઝાંપા નજીક પહોંચી. અને એ ઝાંપો ઈલેકટ્રીકથી ખોલ-બંધ થતો હોય એમ ખૂબ જ આસાનીથી ખૂલી ગયો.

એ ઝાંપાની અંદર આગળની વેન દાખલ થઈ અને એની પાછળ પાછળ તેમની વેન પણ દાખલ થઈ એટલે કલગીએ જોયું તો એ એક મોટો-પહોળો રસ્તો હતો અને એની આજુ-બાજુ ખૂબ જ મોટી જગ્યા હતી. અને એ જગ્યામાં ઝાડ-પાન રોપાયેલા હતા.

આગળ, સામે અડધો-પોણો કિલોમીટર દૂર કોઈ કિલ્લા જેવી મોટી હવેલી દેખાતી હતી. તેમની વેન હવેલીની વધુ નજીક પહોંચી, ત્યારે કલગીએ જોયું તો હવેલીની આગળ, ઊંચા ઓટલાના પહોળા પગથિયા હતા અને એ પગથિયાની બન્ને બાજુએ આઠ પડછંદ આદમી ઊભા કાળા પેન્ટ અને જાકિટ પહેર્યા હતા

અને એ બધાંયના હાથમાં બંદૂકો પકડાયેલી હતી.

તેમની વેન એ ઓટલાની નજીક પહોંચીને ઊભી રહી એ સાથે જ એ આઠેય આદમી તેમની વૅનને ઘેરીને-તેમની તરફ બંદૂકો તાકીને ઊભા રહી ગયા.

કલગી, અચલ અને બુશરાની પાછળની સીટ પર બેઠેલા પેલા ત્રણેય રિવૉલ્વર-વાળા આદમીઓ ઊતરી આવ્યા અને એક જણે કલગી તરફનો દરવાજો ખોલીને એને પકડીને બહાર ખેંચી કાઢી.

‘છોડી દો, મને !’ બોલી જતાં કલગીએ ઝટકો માર્યો.

એ આદમીએ અટ્ટહાસ્ય કરતાં કલગીને છોડી દીધી તો વેનની બીજી તરફથી બે આદમી અચલ અને બુશરાને ઉતારીને કલગી પાસે લઈ આવ્યા.

ત્રણેયને એક લાઈનમાં ઊભા રાખીને એ ત્રણેય આદમી પાછા પોત-પોતાની રિવૉલ્વર સાથે ત્રણેયની પાછળ ગોઠવાઈ ગયા. જ્યારે પેલો કરડી આંખોવાળો આદમી તેમની આગળ ઊભો રહ્યો.

અચલ, બુશરા અને કલગી ત્રણેયને એન્ટોનિયોના આ હથિયારધારી આદમીઓના હાથમાંથી જીવતા બચવાનું અશકય લાગતું હતું. છતાંય ત્રણેયના મન-મગજમાં અહીંથી બચવા માટે શું કરવું ? એ માટેના વિચારી તો દોડી જ રહ્યા હતા.

અચલ વિચારી રહ્યો હતો કે, ‘એન્ટોનિયો આવે એટલે એના મગજમાં એ વાત ઉતારવાનો પ્રયત્ન કરવો કે આની પાછળ કલગીનું જ ભેજું છે અને કલગીએ જ આ આખોય ખેલ કર્યો છે. તે પોતે તો કલગીના કહેવાથી જ, કલગીને અહીંથી લઈ જવા માટે આવ્યો હતો, અને એમાં તે વગર ફોગટનો ને ખોટી રીતના આ ચકકરમાં ફસાઈ ગયો છે.’

તો બુશરા એન્ટોનિયોના ખૂની પંજામાંથી બચવા માટે દોષનો બધો ટોપલો અચલ પર ઢોળી દેવા માંગતી હતી. ‘અચલે તેને આ કામ માટે લાંચ આપી હતી અને તેને એ ખબર નહોતી કે, અચલે કલગી મારફત એન્ટોનિયોના ડૉલર તફડાવ્યા છે. તે એન્ટોનિયો વિશે સારી રીતે જાણતી હતી અને એટલે શું તે એન્ટોનિયોના એક પણ ડૉલરની ઉચાપત કરવાની હિંમત કરે ખરી ? !’

તો કલગી વિચારી રહી હતી, ‘હે ભગવાન ! તું જાણે છે કે હું આ આખાય ખેલમાં બિલકુલ જ નિર્દોષ છું. મને તો કંઈ જ ખબર નથી પડતી. બસ, તું જ મને આમાંથી જીવતી બહાર નીકળવાનો કોઈ રસ્તો કરી આપ.’

ટક્‌-ટક્‌-ટક્‌ ! કોઈકના ભારે બૂટનો-પગલાંનો અવાજ સંભળાયો અને આની બીજી જ પળે ઓટલા પર, શરીરે લાંબો-પાતળો અને દેખાવે ભલો-ભોળો લાગતો આદમી નજરે પડયો. એ આદમીએ કીંમતી સૂટ-બૂટ પહેર્યા હતા. એ રૂઆબભેર ઓટલાના પગથિયાં ઊતરતો કલગી, અચલ અને બુશરા તરફ આવવા માંડયો.

એ આદમીના આગમન સાથે જ આટલા બધાં હથિયારધારી આદમીઓ વચ્ચે ફેલાઈ ગયેલો સન્નાટો તેમ જ એ આદમીની ચાલમાંની દાદાગીરી ને આંખમાંનું ખૂન્નસ જોતાં જ કલગીને સમજાઈ ગયું. દેખાવે ભલો લાગતો આ આદમી જ હથિયારોનો વહેપારી..., ખતરનાક ખૂની એન્ટોનિયો છે !!! એન્ટોનિયો અચલ પાસે આવીને ઊભો રહ્યો. અચલ કંઈક બોલવા ગયો, ત્યાં જ એન્ટોનિયોએ પોતાનો હાથ અધ્ધર કર્યો. અચલે પોતાના શબ્દો મોઢામાં રોકી લીધા. એન્ટોનિયોએ અચલનો ખભો થપથપાવ્યો અને વચ્ચે ઊભેલી બુશરા તરફ ફર્યો.

‘એન્ટોનિયો..’ અને બુશરા અરબી ભાષામાં આગળ બોલવા ગઈ, ત્યાં જ એન્ટોનિયોએ પોતાના હોઠ પર આંગળી મૂકી અને બુશરાને ચુપ રહેવાનો ઈશારો કર્યો. બુશરા ચુપ થઈ.

એન્ટોનિયોએ બુશરાને ગાલે હાથ ફેરવ્યો અને પછી કલગી તરફ ફર્યો.

કલગી ઝડપભેર ધબકવા માંડેલા હૃદય સાથે એન્ટોનિયોને જોઈ રહી.

એન્ટોનિયોએ ખિસ્સામાં હાથ નાંખ્યો અને રિવૉલ્વર કાઢી. તેણે રિવૉલ્વરની અણી કલગીના ગાલ પર અડાડી.

કલગીના શરીરમાંથી એક ધ્રુજારી પસાર થઈ ગઈ.

‘મારા બધાં ડૉલર કયાં છે ?!’ એન્ટોનિયોએ પૂછયું. ‘...આ રહ્યા !’ કહેતાં કલગીએ પોતાના હાથમાંથી હૅન્ડબેગ છોડી દીધી. હૅન્ડબેગ તેની અને એન્ટોનિયોની વચ્ચે પગ પાસે પડી.

‘...તોરલ તેં...’

‘...હું કલગી છું.’ એન્ટોનિયો આગળ બોલે એ પહેલાં જ કલગી એકદમથી જ બોલી ઊઠી : ‘મને આ અચલે ફસાવી. એણે મને તોરલ બનાવી અને મને તમારા ડૉલર ચોરવા માટે મજબૂર કરી.’

‘આ કલગી જુઠ્ઠું...’ અને અચલ આગળ બોલવા ગયો, ત્યાં જ એન્ટોનિયોએ રિવૉલ્વર-વાળો હાથ અચલના ગાલ પર એવી રીતના ઝીંકયો કે અચલના ગાલે ચીરો પડી જવાની સાથે જ એના મોઢેથી પીડાભરી ચીસ નીકળી ગઈ.

એન્ટોનિયોએ ફરી કલગી સામે જોયું : ‘એટલે...,’ એન્ટોનિયો કલગી તરફ તાકી રહેતાં બોલ્યો : ‘...તારું એમ કહેવું છે કે, હું તને જીવતી જવા દઉં..!’ ‘હા !’ કલગી પરાણે હિંમત ભેગી કરતાં બોલી : ‘હું બિલકુલ નિર્દોષ છું. આ અચલ અને બુશરા જ તમારા ગુનેગાર છે. મને જવા દો, પ્લીઝ !’

‘ગમે તેમ પણ મારા સુપર કૉમ્પ્યુટરમાંથી મારા ડૉલરની ઉઠાંતરી તો તારા હાથે જ થઈ હતી ને ! હું તને જીવતી જવા દઉં તો પછી મારી ઈજ્જત કોણ કરશે ?! હું દયાળુ બની જઈશ તો પછી મારાથી ડરશે કોણ ? અને તો મારો ધંધો કેવી રીતના ચાલશે ?!’ અને એન્ટોનિયો હસ્યો : ‘હા ! હું તારા માટે એટલું જરૂર કરી શકું કે, તને હું છેલ્લે મોત આપું અને એ ઉપરાંત હું તને એ નકકી કરવાનો સોનેરી મોકો આપું કે, આ બન્નેમાંથી હું કોને પહેલાં ગોળી મારું ?!’ અને એન્ટોનિયોએ પહેલાં અચલ તરફ અને પછી બુશરા તરફ રિવૉલ્વરની અણી તાકતાં કલગીને પૂછયું : ‘બોલ, કોને પહેલાં ગોળી મારું ?!’

‘ના !’ કલગી બોલી ઊઠી : ‘હું..હું ન કહી શકું !’

‘બોલ...,’ એન્ટોનિયોએ એ જ વાકય દોહરાવ્યું : ‘...પહેલાં કોની છાતીમાં ગોળી ઊતારું ?!’ ‘પ્લીઝ !’ કલગી કરગરી ઊઠી : ‘મને માફ કરી દો.

આમને પણ માફ કરી દો.’ ‘...બોલી નાંખ જલદી...,’

એન્ટોનિયોએ દાંત કચકચાવ્યા, ‘...અચલ કે બુશરા ?! કોને પહેલાં મોત આપું ?!’

‘ના.., મને માફ કરો.’ કલગી કાંપવા લાગી. અચલે તેને દગો આપ્યો હતો, બુશરાએ પણ તેને પરેશાન કરવામાં કોઈ કસર બાકી છોડી નહોતી, પણ તેમ છતાંય તે અચલ કે બુશરાને ગોળી મારવા માટે આ એન્ટોનિયોને કેવી રીતના કહી શકે ?!

‘બોલ, જલદી !’ એન્ટોનિયો બોલ્યો : ‘નહિતર હું પહેલાં તારી છાતીમાં ગોળી ઊતારી દઈશ.’

‘ના..!’ કલગી બોલી : ‘મને જવા દો...!’

‘...ભલે તો પછી..,’ એન્ટોનિયોએ રિવૉલ્વરની અણી કલગીની છાતી તરફ તાકી : ‘...પહેલાં તું મરીને નરકમાં જા...!’ અને એન્ટોનિયોએ રિવૉલ્વરનો ઘોડો દબાવી દીધો. રિવૉલ્વરમાંથી ગોળી છૂટી. કલગીની છાતીમાંથી જાણે લોહીનો ફુવારો નીકળ્યો. તેણે એક ચીસ પાડી, પણ અધૂરી ચીસમાં જ તેનો જીવ નીકળી ગયો હોય એમ તેની ચીસ અધવચ્ચે જ અટકી ગઈ. અને આની બીજી જ પળે તે એક લાશની જેમ જમીન પર પટકાઈ !

( વધુ આવતા અંકે )