nava hasya lekhono sangrah chiz dhebra books and stories free download online pdf in Gujarati

નવા હાસ્યલેખોનો સંગ્રહ ચીઝ ઢેબરાં

હાસ્યલેખોનો સંગ્રહ ચીઝ ઢેબરાં

હાલમાં મેં એક હાસ્યલેખોનો સંગ્રહ ચીઝ ઢેબરાં વાંચ્યો. લેખક અધીર અમદાવાદી છે. તેઓ એક નાગર અને સિવિલ એન્જીનીયર છે.

અહીં સુક્ષ્મ હાસ્ય પણ છે અને કટાક્ષ પણ છે.

પુસ્તકનું નામ ચિઝ ઢેબરાં નવા અને જૂનાનો સંગમ સૂચવે છે. આપણે ગુજરાતીઓ પોતાનું છે એ સાચવી ‘ટ્રાય કરવામાં શું જાય?’ કરી બે સાવ અલગ વસ્તુઓને ભેગી કરીએ ને આનંદ પામીએ. નૂડલ સાથે છાશ કે થેપલા પર ચીઝ લગાવી એનો અદભુત સ્વાદ માણનારા છીએ. એ રોજબરોજની જિંદગીની તસ્વીરની ઝલક આર્ટ ફિલ્મોની જેમ એવી તો લીધી છે કે લેખક ખુદ કહે છે “તમને કેવી રીતે ખબર કે અમારે ત્યાં આવું ચાલે છે?”

લેખો ચોકકસ લંબાઈના અને યોગ્ય જગ્યાએ પંચ લાઈન આપતા હોઇ સ્ટ્રક્ચર અને પ્લાન લે આઉટ તૈયાર કરી રંગરોગાન કરી તમને બતાવે છે. મૂળ ધંધો ખરો ને?

કેટલાક લેખોના વિષયો આપણે વાંચી ગયા હોઈએ એ અહીં સાવ જુદી રીતે મુક્યા છે. જેમ કે

‘હું કેવી લાગું છું’માં ‘ પત્નીને તૈયાર થવા અને મંત્રીને ભાષણ માટે પાંચ મિનિટ અપમાનજનક લાગે. સેકન્ડ ઓપિનિયન લેવો સારો. પહેલો તો અરીસો આપી ચુક્યો હોય!

વિક્રમના જમાનામાં રાઈટ ટુ ઇન્ફર્મેશન ન હતું છતાં વૈતાલ ત્રાસ ગુજારતો પણ એ સ્ત્રી હોત અને કેવી લાગું છું નો સાચો જવાબ વિક્રમે આપ્યો હોત તો એના 25 ધક્કા બચી જાત’

દ્રૌપદી યુધિષ્ઠિરને આ પુછે તો દ્રૌપદી વા સાડી વા કહેવાની હિમ્મત તો યુધિષ્ઠિરમાં પણ ન હોય!


‘લગ્ન મંડપમાં ‘..બધા ગોર મહારાજો એક સરખા લાગે પણ હોતા નથી. તેઓ કોપાયમાન થાય તો જાતજાતના દાહક પદાર્થો અગ્નિમાં જોરથી હોમતા પૂર્ણ જોરથી મંત્રો બોલી શાંતિ કરી દે છે.

‘ચા લેશો કે કોફી’ ચા પીનારા સેક્યુલર બીજા પીણાં પ્રત્યે આદર દાખવનારા હોય જ્યારે કોફી પીનારા કટ્ટરપંથી. કોફી કલાસ માટે, ચા ચાલુઓ માટે એમ ગણાય છે.

‘ચુંબન સંહિતા ‘ ટ્રેનમાં રામદેવ, રાખીસાવંત, મિકીસિંઘ અને એક ડોશી છે.ટનલમાંથી પસાર થાય ત્યારે રામદેવ ચુંબન જેવા અવાજે પ્રાણાયામ કરે, મિકીને હાથ ઊંચો કરતાં લાફો વાગી જાય, ડોશી વિચારે એ જ લાગનો હતો,રાખી વિચારે મને મુકીને આ ડોશીમાં શું બળ્યું તું! મિકી વિચારે લહાવો બાવો લઇ ગયો ને પડી મને!

આદમને ઇવને ઈમ્પ્રેસ કરવા કળાઓ કરવી , બાઇક સ્ટંટ કરવા કે બ્રાન્ડેડ ડિયો છાંટવાં પડયાં નહીં હોય અને ઇવ માટે પણ આદમ સિવાય કોઈ જ ઑપ્શન ન હતો.

પિયરગત પત્નીને પત્ર માં .. તારા વિરહમાં ઝાડનું લીલું પાન જોઈ તારા લીલા ડ્રેસ માટે થયેલો ઝગડો યાદ કરી મારો ગાલ પંપાળી લઉં છું!

તો પત્નીનો પત્ર..પ્લીઝ પિયર ન કહીશ.ઇટ્સ સો ડાઉન ધ માર્કેટ! ઘરની હાલતના વિચારમાં રાતે ઊંઘ નથી આવતી એટલે દિવસે ઊંઘવાની ટેવ પાડી છે. તારે માટે ડાયરીમાં સૂચનાઓ લખી છે એ તેં નહી વાંચી હોય.ડાયરી મારી પાસે છે! બાજુવાળીને મોંએ આપી રાખી છે.એ તને આપવા આવતી જ હશે.

આવાં ઉદાહરણો ખડખડાટ હસાવી જાય છે.

નિબંધનાં શીર્ષકો જ જુઓ

‘પાર્થને કહો ઉઠાવે વડાપાવ’

‘મોજાની જોડ સખી નહીં જડે રે લોલ’

‘હાલો હાલો હિલ સ્ટેશને જઈએ રે ‘

‘મારી લાયખા બટાકાનું હાક’

‘સેલ્ફીમાં ફોટો જાતે જ પાડવાનો હોય હોં?’

જો શીર્ષકો હસાવી જાય તો લેખ તો પેટ પકડી હસાવશે.

કુલ 48 લેખો,170 પાનાં સહેજે હાસ્ય તરબોળ કરીદે એવા છે.

લેખકની વિનંતી છે કે ઢેબરાં દરેક ગુજરાતી ઘરમાં ખવાય છે એમ આ પુસ્તક દરેક ગુજરાતી ઘરમાં પહોંચે.

જ્યોતીન્દ્ર દવે , અશોક દવે,વિનોદ ભટ્ટ જેવા નામી હાસ્યલેખકો વાંચ્યા પછી આ નવું પુસ્તક વાંચવું,વંચાવવું રહ્યું.

નવભારત સાહિત્ય મંદિરનું પ્રકાશન. લેખો અગાઉ મુંબઇ સમાચાર માં પ્રસિદ્ધ થયેલા છે.