Rajvi - 11 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 11

(૧૧)

(શિવાદેવી રુક્મિણી અને સત્યભામાને રાજુલ વિશે તપાસ કરવાનું કહે છે. સત્યભામા કૃષ્ણ મહારાજને કાકી જોડે થયેલી વાત કહે છે. હવે આગળ....)

કમળ ભલે કાદવમાં જ ખીલે પણ તે હંમેશા કાદવથી તો નિર્લેપ જ રહે છે. કમળ લેવા જનાર કાદવથી ખરડાય પણ કમળ નહીં, અને એવા જ નેમકુમાર હતા.

કૃષ્ણ મહારજ વિચાર થી અકળાઈને આળસ મરડી. સત્યભામા તેમનું મન અને તેમાં ચાલતા વિચાર પારખી ગઈ હોય તેમ બોલી,

"અરે, તમેય વળી શા એવા વિચારમાં પડી ગયા? કયો પુરુષ સ્ત્રીથી અળગો રહ્યો જાણ્યો છે! રાજ ચલાવો છો અને પુરુષનો સ્વભાવ નથી ઓળખતા?"

"પુરુષ નો સ્વભાવ ઓળખું છું, માટે જ ચિંતા થાય છે." મહારાજે હસતા હસતા કહ્યું કે,

"હવે સ્ત્રી સ્વભાવ પારખવાનો સમય આવી રહ્યો છે."

"પારખજો ને..." સત્યભામા બોલી.

"તારો નહીં આવનાર કન્યાનો... આવા પુરુષની સાથે રહેનાર એ કેવી હશે એ જોવાનું."

"જુઓ તમારે એની વાતો સાંભળવી છે?"

"તું જો સંભળાવવાનું નક્કી કર્યું હશે તો મારે સંભાળ્યે જ છૂટકો છે."

"ન સાંભળવું હોય તો કંઈ નહીં, મારે પણ ઘણા કામ છે?" સત્યભામા દૂર ખસતા બોલી.

"વાહ આ પણ નવું... સ્ત્રી જેમ અંતરથી નજીક આવવાનો પ્રયત્ન કરે તેમ બહારથી દૂર જવાનો પ્રયત્ન કરે."

"મારે તમારી આવી અટપટી વાતો નથી સાંભળવી, સીધી સાદી એક વાત છે કે રાજુલ ઘણી સારી અને રૂપાળી છે. સ્વભાવે નરમ અને અતિશય લાગણીશીલ છે. આને આ સૂર્યની માફક પ્રકાશમાં યાદવકુળમાં એ આવે તો ચંદ્રલેખા જેવી લાગે."

"એટલે અમે ગરમ અને એ શીતળ... એમને?"

"હા, ભારે શીતળ... જાણે ચાંદની જ જોઈ લો."

મહારાજને વિચારમાં પડેલા જોઈ સત્યભામાએ પૂછ્યું કે,

"કેમ શાંત થઈ ગયા?"

"વિચારું છું કે આ એને યોગ્ય કન્યા કહેવાય કે અયોગ્ય? એને તો પ્રખર તેજસ્વી બાળા જોઈએ. આવી ઠંડી હશે તો એનાથી દબાઈ જશે."

"મારા જેવી, કેમ?

સત્યભામાએ પૂછ્યું.

"ના, તેવી પણ નહીં. તું તો બોલવામાં હોંશિયાર પણ આચરવામાં તો...."

"શું, બોલો ને?"

"હમણાં રડાવું અને રડી પડે એવી."

"તે એમાં તમને પાપ લાગે, અમારે શું?"

"પાપ પુણ્યની ચર્ચા પછી કરીશું?"

"ત્યારે... જુઓ, રાજુલ એમ તો દઢ નિર્ણય શક્તિ ધરાવે છે. એ કોઈથી દબાય એમ નથી.  આજસુધી એને માટે માગાં.પણ ઘણા આવ્યા છે, પણ એ તો એના મનથી ધારેલા સ્વામીને જ પરણવાની."

"તો પછી એને નેમને નહીં ધાર્યો હોય તો?"

મહારાજે શંકા કહી તો,

"યાદવકુળમાં એનાથી છે કોઈ ચડિયાતો?"

સત્યભામાએ પૂછ્યું.

"હા, તારી નજરથી એક જણ હોવો જોઈએ."

"કપટી તેમાં, પોતાની જ મહત્વ જ ગણવવાનું આવો કિમિયો કર્યો?"

બંને જણા એકબીજા સાથે પ્રેમના વાતાવરણમાં ખોવાઈ ગયા.

"રાજુલને મનાવવાનું કામ પણ મારું?" સત્યભામા બોલી.

"એમ કહી નાંખને કે ગોર બનવાની જવાબદારી પણ મારી." મહારાજે મજાકમાં ઉચ્ચાર્યુ.

"તો હવે આપણે જળક્રીડા માટે જવાનું નક્કી ને?"

"હા, અને જેને આવવાનું હોય એ બધાને સમાચાર પણ મોકલાવી દેજે."

"બહુ સારું..."

સત્યભામા આટલું બોલીને ઊભી થઈ અને બહાર જઈ અટારીમાં ઊભી રહી. તેની નજર દૂર દૂર સુધી ફરી વળી. એ સાગર... એ કિનારો... એ દ્રારકાનો રાજબાગ... ત્યાં જ તેની નજર ઉદ્યાનમાં ફરતા નેમકુમાર પર પડી.

"કેવો મસ્ત છે? હવે એ સ્વતંત્ર માનવીને બાંધે જ જંપું..."  તેના મને નિર્ણય લીધો અને તે બગીચા તરફ જવા પગ ઉપાડયો.

આ કૃષ્ણ મહારાજે એકલાં જ મનુષ્ય ઉદ્યાનમાં ફરવાની છૂટ આપી છે, શા માટે?

નેમકુમાર ફરતા ફરતા વિચાર કરતા હતા ત્યાં એમની દષ્ટિ અટારી પર હાથ ટેકવીને ઊભેલી સત્યભામા પર પડી. નેમ તેમને જ જોઈ રહ્યા. કેવી મમતાભરી ભાભી! ખરેખર, ભાભીના ભાવ મને ભીંજવે રે લોલ. હું જરા વિચિત્ર મનોદેશનો માનવી છું. ભાઈ ભાભીને મારી જ ચિંતા વધારે સતાવે છે.

એક વૃક્ષની નીચે શિલા પર બેસતા બેસતા નેમની વિચારધારા આગળ વધી.

'આજે પણ માતાએ વાત કહી હતી કે, કૃષ્ણ જેવો મહાનુભાવ તારી આટલી કાળજી રાખે અને ભાભીઓ તારા માટે આટઆટલી ચિંતા કરે તો તારી કોઈ સામે ફરજ નથી?

નેમ પોતાના મનને પ્રશ્ન કર્યો અને મન જ જવાબ આપી રહ્યું હતું.

જરૂર ફરજ છે, પણ જયાં મને પોતાને મારું મન નથી સમજાતું. આડકતરી રીતે માતા પિતાએ લગ્નની પ્રસ્તાવના મૂકી, છતાં એ વાત મારું મન માનતું નથી. વારંવાર મારા કાનમાં એમના શબ્દો જ ગૂંજયા કરે છે કે અમારો જીવ તો ત્યારે જ ટાઢો થાય જયારે તેને સંસારમાં પડેલો જોઈએ. તારા બાળકોને રમાડવાની એક જ આશા હવે અમારા જીવનમાં બાકી રહી છે.

"આ ભાભી, કેટલો આનંદ વર્તાય છે એમના મોં પર. છતાં ખરેખર એ આનંદ સાચો છે? ઘણીયે વાર મેં એ જ હસતા ચહેરા પર વિષાદના વાદળો ઊમટતા જોયા છે. કેટલી વાર એ હર્ષથી નાચતી નયનોની પાછળ મૂક વેદના પણ નીતરતી હોય છે.

અને રુક્મિણી ભાભી, એ તો ઘણીવાર શોકાતુર જણાય છે. તો પછી સંસાર એટલે આનંદ અને ઉલ્લાસ એમ કેમ કહી શકાય? અને જો એમાંથી વિખવાદ, દુઃખ અને સંતાપ મળતા હોય તો પછી એના માટે આટલી લાગણી અને વલોપાત શા માટે કરવો જોઈએ?"

રૂપવતી કન્યા માટે આકર્ષણ જાગે એ પણ સ્વભાવિક છે. જીવનમાં આનંદ ઉપભોગ માણવાની ઈચ્છા થાય એ પણ માનવનો સ્વભાવ છે, તો શું હું માનવજાતથી પર છું. ચાલી આવતી રસ્તા વિરુદ્ધ માર્ગે જવા માંગું છું.

કંઈ નથી સમજાતું. વૈરાગ્ય, ત્યાગ એ જ જો એક માત્ર સાચા તત્વો હોય તો મને માતા પિતા તરફનો પ્રેમ શા માટે હેરાન કરે? ભાઈ ભાભી જોડે વિનોદ કરવાનું કેમ સૂઝે છે? તેમના દિલને આનંદ આપવાની ઈચ્છા શાને થાય છે?

બંને બાજુની નગ્ન વાસ્તવિકતા મને ખેંચી રહી છે, કોને માયા અને કોને ઈન્દ્રજાળ ગણું? અને ત્યાગ પછી માયા લાગણી મને નહીં ખેંચે તેની શી ખાતરી?'

વિચારને વિચારમાં જ નેમે આંખો બંધ કરી તેના પર પોતાના બે હાથ મૂકી દીધા.

સત્યભામા પણ 'સારો લાગ છે' એમ બબડતી ઉદ્યાનમાં આવી.‌