Rajvi - 2 books and stories free download online pdf in Gujarati

રાજવી : પ્રીતની નવી રીત - 2

(૨)

(મથુરાના રાજા ઉગ્રસેન મહારાજ અને ધારિણી રાણીને એક દિકરીનો જન્મ થયો. તેનું નામ ઉગ્રસેન રાજાએ રાજુલ પાડયું. હવે આગળ...)

બાળપણ કેવું હોય, એક નિર્દોષ સમય જેમાં કંઈ જ ના વિચારવાનું કે ના કોઈ જાતની ચિંતા કરવાની. કોઈને ગમશે કે નહીં ગમે તે વિચાર્યા વગર જીવનનો આનંદ જ લેવાનો. બાળપણના દિવસો જેવા દિવસો અદ્ભુત બીજા એકપણ સમયના નથી. એ જ દરેક વ્યક્તિના ઘડતરમાં સૌથી વધારે યાદગાર અને મહત્ત્વ ધરાવે છે.

એ વખતની નિર્દોષ મિત્રતા, નિર્દોષ હાસ્ય, નિર્દોષ રમતો અને એવા જ આપણા તોફાનો, મસ્તી અને મનફાવે તેમ કરવાની આઝાદી. આ બધી દરેકના બાળપણની નિશાની છે.

રાજુલની ત્રણ સખીઓ વૃંદા, શશિલેખા અને માધવી હતી. તેઓ બગીચામાં પકડાપકડી, સંતાકુકડી જેવી રમતો રમતા. રમવાની જગ્યાએ પણ ઘણીવાર રાજુલ વિચારોમાં ખોવાઈ જતા, આવી ઉછળકૂદની જગ્યાએ બગીચાના શાંત વાતાવરણમાં બેસવાનું પસંદ કરતી અને વધારે પડતું બોલવાની જગ્યાએ ઓછું બોલીને કામ કરવાનું વધારે પસંદ કરતી.

આ નિર્દોષ રમત અને હાસ્ય વચ્ચે ખબર નહીં કેમ પણ રાજુલ ઘણીવાર ગંભીર થઈ જતી. જાણે એવું લાગતું કે ગંભીરતાના પાઠ એ આગલા જન્મથી જ શીખીને આવી હશે. એવા જ એના વિચારો પણ આટલી ઉંમરે મોટાઓની જેમ ગંભીર અને ગહન હતા, જયારે તે બોલે તો બીજાને વિચારતા કરી મૂકે કે આવું વિચારે છે કયાંથી આ છોકરી...

એક વખતે ચારે બહેનપણીઓ બગીચામાં ઢીંગલા ઢીંગલીની રમત રમી રહ્યા હતા. વૃંદા ઢીંગલીની પક્ષમાં હતી અને શશિલેખા ઢીંગલાના પક્ષમાં. રાજુલ ગોર મહારાજ અને માધવી વ્યવસ્થા સંભાળનાર બન્યા હતા.

ઢીંગલા ઢીંગલીના લગ્નની તૈયારી ચાલી રહી હતી. ગોર મહારાજ બનેલ રાજુલ અગડમ બગડમ મંત્ર બોલીને વિધિ કરી રહી હતી. તે બોલી કે,

"વર... કન્યા... પધરાવો સાવધાન.

વર... કન્યા... પધરાવો સાવધાન."

ખાસ્સી વાર પછી પણ કોઈના આવ્યું તો રાજુલ ત્યાં પહોંચી અને જોયું તો ત્યાં વૃંદા અને શશિલેખા વચ્ચે બરાબરનો ઝઘડો ચાલી રહ્યો હતો. એક બાજુ માધવી બંનેને ચૂપ રહેવા સમજાવી રહી હતી.

શશિલેખા બોલી કે,

"જો તું માફી નહીં માંગે તો હું અને મારો ઢીંગલો જતા રહીશું."

"પણ હું શું કામ માફી માંગુ? એ પણ કોઈ વાત વગર..."

"કેમ ના માંગે, હું છોકરાવાળી. અમે તો ગમે ત્યારે રિસાઈ શકીએ."

"છોકરાવાળી એટલે શું થયું? અમે છોકરીવાળા કંઈ ઓછા નથી કે તારાથી ડરી જઈએ."

રાજુલે બંનેને શાંત પાડીને પૂછ્યું કે,

"પહેલાં વાત શું છે એ તો કહો? અને લડો છો કેમ?"

"કંઈ નહીં, આ તો છોકરીવાળા થઈને અમારી વાત ના માને, એવું થોડું ચાલે?"

"છોકરીવાળા છીએ એટલે શું થઈ ગયું, તમારી દરેક વાત માનવી જ... એવું થોડું હોય?'

"કંઈ નહીં તો અમે જાન લઈને પાછા ચાલી જઈશું."

"જાવ... જાવ.. એવું કરશો તો પછી તમને કન્યા કોણ આપશે? રાખજો તમારી કન્યાને કુંવારી."

"અમારી કન્યાને હજાર વર મળશે, સાંભળ્યું નથી તમે કે શું 'કુંવારી કન્યાને તો સો વર ને સો ઘર."

"જોઈએ છીએ તમારી કન્યાને કેવા મળે છે સો વર ને સો ઘર."

આ લડાઈને રોકતા રાજુલ બોલી કે,

"ઊભા રહો... આ શું બોલો છો?"

શશિલેખા બોલી કે,

"હા, એમાં ખોટું શું છે. મોટાઓ પણ આવું જ કહે છે ને, એવું મેં ઘણી વાર સાંભળ્યું છે."

"જયારે કન્યા જેને મનથી માને તે જ તેનો પતિ ના કે બીજું કોઈ?"

"એવું થોડું હોય... માતા પિતા જેની જોડે પરણાવે તે જ પતિ અને તે જ આપણું ઘર."

"કેમ ના હોય, જેને પોતાના મનથી પતિ માનીએ અને તેની પાછળ પાછળ જઈએ તે જ સાચી પ્રીત... અને તે જ પ્રીતની સાચી રીત."

"એવું કયાંય જોયું છે રાજુલ તે, શું તું પણ?"

"એમાં જોવાનું શું હોય? મનથી માનીએ એ જ સાચો આપણો ભરથાર. હું તો મારી પ્રીતિ સાચવવા તેની પાછળ ભેખ પણ લઉં."

બધી સખીઓ સાંભળતી જ રહી અને રાજુલ પોતાની ભોળી નાની નાની આંખો પટપટાવીને બોલતી રહી.

રાજુલના ભાવિ એંધાણ જાણે અત્યારથી જ ભાખી ના રહી હોય, એવું રાજુલનું બોલવું સાંભળીને લાગી રહ્યું હતું.

વૃંદાએ તેને ખભેથી હલાવીને કહ્યું કે,

"રાજુલ આ શું બોલે છે, સખી?"

"અરે, ના... ના... આ તો મનમાં આવ્યું એટલે કહી દીધું. ચાલો હવે લડાઈ મૂકો અને સંતાકૂકડી રમીએ."

આ લડાઈ દૂરથી જોઈ રહેલા ધારિણી રાણી ત્યાં આવ્યા અને પૂછ્યું કે,

"કેમ શું થયું? કેમ લડો છો?"

રાજુલ બોલી કે,

"કંઈ નહીં મા, આ તો એમ જ..."

"શું એમ જ? તમને ખબર છે, રાણીજી કે રાજુલ કેવી કેવી વાતો કરે છે?"

"શું કહે છે તે?"

શશિલેખાએ બધી વાતો કહી તો રાણી હસવા લાગ્યા અને બોલ્યા કે,

"સારું, લો આ થાળમાં થી ફળો ખાવ અને દૂધ પી લો, બેટા."

"જી રાણી..."

રાતના સમયે ઉગ્રસેન મહારાજ અને ધારિણી રાણી વાતો કરી રહ્યા હતા ત્યારે ઉગ્રસેન મહારાજે કહ્યું કે,

"આજે તમે કયા વિચારમાં ખોવાયા છો?"

"આમ, તમે કેમ પૂછ્યું મહારાજ?"

"ના તો તમે મને રાજકાજની વિશે પૂછયો કે ના મારો દિવસ કેવો ગયો તે પૂછ્યું? તો પછી..."

"બસ, એ તો એમ જ મહારાજ...'

"આ તો વિચારતી હતી કે તમારી દિકરી તમારા જેવી જ નિરાળી છે."

કહીને શશિલેખાએ કહેલી બધી વાત મહારાજને કરી. તો તે બોલ્યા કે,

"એવું લાગે છે કે આપણી દિકરીને ગમે તેવો જ વર શોધીશું. જયાં સુધી તેનું મન ના માને ત્યાં સુધી નહીં."

"હા મહારાજ, શું પણ તે શકય બનશે ખરું?"

ઉગ્રસેન રાજા વિચારમાં પડયા.

રાજુલ દિવસે વધે એનાથી વધારે રાતે વધે અને રાતે વધે એનાથી વધારે દિવસે વધે. રાજુલે તેની સખીઓ સાથે સાથે તેમણે ધીમે ધીમે યુવાનીમાં પગ માંડ્યો. જોડે જોડે ધારિણી રાણીની ચિંતા પણ વધવા લાગી.