Ruday Manthan - 17 books and stories free download online pdf in Gujarati

રુદયમંથન - 17

કિનારાના દ્રશ્યો નયનમાં ભરીને સૌ ફળીમાં આવ્યા, બધાને મજા પડી ગઈ, ચૂલે થતાં રોટલાની મહેક સૌના મનમાં વસવા માંડી.
"એટલું વહેલી રસોઈ કરી પણ લીધી?" - સ્વીટીએ રોટલા બનાવતી તૃપ્તિએ પૂછ્યું.
"રાતે પછી લાઈટ બરાબર ના હોય તો તમે જ બૂમો પાડે!" - એણે જવાબ આપ્યો અને હસવા માંડી.
"આ સ્વીટીને જ નખરા હોય આખા ગામના હા કાકી!"- મહર્ષિએ એમાં ટાપસી પૂરી.
" શું કરીએ આ તારી બહેન એવી છે તો, તારે તો ગરબો ઘરે જ છે!" - માધવીએ ટીખળ કરી.
"શું મોટી મમ્મી તમે પણ! " કહીને વહાલથી ભેટી પડી.
ઘરમાં સાચી રોનક પથરાઈ રહી હતી, બધાનાં મનમાં રહેલા વેરઝેર દૂર થવા લાગ્યાં, સ્નેહના સિંચન થવા લાગ્યા.
જમવાનું તૈયાર થઈ ગયું હતું, અંધારું થવાના આરે હતું, બધાએ જમી લીધું, કામ પરવારી નવરા થઈ ગયા, મુનિમજીએ બધાને બેસવાની વ્યવસ્થામાં કરાવડાવી દીધી, નદીના કિનારે ચાલેલી વાતને વધારવા તેઓએ બીડું પકડ્યું.
"આકાશ, બોલો શું કહેતાં હતા કિનારે?" - મુનીમજીએ ખાટલે બેસેલા આકાશને પૂછ્યું.
" હા, હું એમ કહું છું કે આખો દિવસ તો આ બાળકોનો ખેતરે જવાનો નથી,ત્યાં બધા જઈને મજૂરી કરે તો પણ ઉપજ તો સરખી જ થવાની છે,એના કરતાં આ નાની શેલને કોઈ બીજા કામે ના વળગાડી શકાય?"- એણે એનો પ્રસ્તાવ રાખ્યો.
"તારી વાત તો સો ટકા સોનાના ટચ જેવી છે હા! શું કહેવું કેસરીભાઈ?"- મુનીમજીએ કેસરીભાઈને પૂછ્યું.
"હા, મુનીમજી વાત તો એકદમ સાચી, પણ બીજા કામમાં કયા કામો થઈ શકશે?"- કેસરીભાઈએ વાત આગળ વધારી.
"બાપુજી અહી આવીને શું કામો કરતા? એ બધા કામો આ બાળકો ના કરી શકે?" - આકાશે પૂછ્યું.
" તેઓ માત્ર રતનપુરા નહિ પરંતુ આજુબાજુના કબીલાના આદિવાસીઓના ઉત્થાન માટે પણ કાર્ય કરતા હતા, જઈ શકાશે આ બાળકો?" - મુનિમજીએ બધાની સામે પૂછતાં કહ્યું.
"હા, પણ અમે કઈ જોયું નથી, કોઈ ગાઈડ કરશે તો પાક્કું કરી લઈશું "- વિધાન બોલ્યો, આ વાતથી બાળકોના ઉત્સાહ ઉમેરાયો.
"ભલે, એના માટે ઋતા છે ને! એ આ કર્યો સાથે સંપૂર્ણ જોડાયેલી છે.તને કહો તો આપણે એના ત્યાં જઈને વાત કરી લઈએ." મુનીમજી આ વાતમાં ઋતાને લાવ્યા. ઋતાનું નામ સાંભળતા મહર્ષિ ખુશ થઈ ગયો, એને ભાવતું હતું ને વૈદે કહ્યું એ પરિસ્થિતિ રચાઈ ગઈ.
માતૃછાયાના દીવા ઝળહળતા હતા, ગામમાં રોશની ઓછી પરંતુ માતૃછાયામાં અકબંધ અજવાળું હતું, ઋતા આજે ઘરે જ હતી, કેસરીભાઈ અને મુનીમજી આવતાં જોઈ સિક્યુરિટીગાર્ડ સલામી આપી, પાછળ બધા જુવાનિયા એમની કેડે ચાલીને આવી રહ્યા હતા.
બધાને આવતાં જોઈ ઋતા બહાર આવી, આજે ક્યાંય જવાનું નહોતું માટે એણે પહેરેલા ટ્રેક અને ટીશર્ટ એને શોભી રહ્યા હતા, મોર્ડનલુકની ઋતા જોઈને મહર્ષિ અંજાઈ ગયો.
"આવો કાકા! ચાલો અંદર."- તે બધાને અંદર લઈ ગઈ, એના લહેરાતા વાળ ખૂબ સુંદર લાગી રહ્યા હતા.
બધા અંદર ગયા, શાંતિથી બેઠાં અને વાતે વળગ્યા.
"દીકરા તું કહેતી હતી ને કે તું બધા કામોના પહોંચી નથી વળતી, જો મે તારી મદદ કરવા બધાને લઈ આવ્યો છું." - મુનીમજીએ ઋતાને સહર્ષ કહ્યું.
"શું વાત છે? કોણ કોણ મને મદદ કરશે?"- ઋતા ખુશીથી ઝૂમી ઉઠી અને નવજુવાનિયાના સાથ મળ્યાનો આનંદ પામવા માંડી.
"આમ તો આખો દેસાઈ પરિવાર મદદ કરશે પરંતુ એમાંય આ ખાસ છની ટોળકી તારી મદદ કરશે, તું એમને તારા બધા કામો સમજાવી દેજે એકવાર, તમે મળીને એજન્ડા ફિક્સ કરીને રતનપુરાને ઉજાગર કરી દેજો, તમારા ભરોસે હવે બધું થશે."- વકીલ સાહેબ બોલ્યાં.
ઋતા ખુશ થઈ ગઈ, ઘણા સમયથી એ એકલી પડી ગઈ હતી, ધર્મદાદા છેલ્લા બે ત્રણ મહિનાથી આવ્યા નહોતાં માટે એના ઘણા કામો અટવાઈ ગયા હતા, પરંતુ એક સાથે છ સાથીદારો મળતાં એ હરખાઈ ગઈ, તેણે બધાને એના કામ કરવાની પદ્ધતિ, કબીલાના પ્રોબ્લેમસ ,અહી આવતી કુદરતી અપતિથી માંડીને અહીંના લોકોમાં અંધશ્રદ્ધા અને એમની અસ્થા વિશે ટૂંકમાં સમજાવી દીધું, હવે એક પછી એક કામ માટે ટીમ બનાવી આગળ કઈ રીતે વધવું એ માટે એણે કાલે સવારે મીટીંગ યોજી દીધી.એકથી ભલા બે! બધાનો સાથ રતનપુરા માટે એક સારું ભવિષ્ય લઈને આવશે એવું લાગી રહ્યું હતુ, એમાંય મુનીમજી અને વકીલસાહેબનો સાથ એટલે આવી બન્યું, જરૂર પડતાં આકાશની કોર્પોરેટ કલ્ચરની વ્યૂહરચના, માધવીની સમજદારી,મેઘ અને પવનનો સાથ અને શિખા અને તૃપ્તિનો સાથ રતનપુરા માટે એક નવી દિશા લઈને આવ્યો એવું લાગી રહ્યું હતું.
સવારે બધા તૈયાર થઈને આવી ગયા, એજન્ડા પ્રમાણે તન્મય અને ત્રિશા ગામમાં બધા છોકરાઓને ભણાવવાના કામમાં જોતરાઈ ગયા, રત્રિશાલા હવે દિવસે પણ ચાલુ થઈ ગઈ, આજુબાજુના દરેકને શિક્ષણ મળી રહે એ હેતુ થી બન્ને સવારથી ઘરે ઘરે જઈને બાળકોને લઇ આવતા, જોડે દલાજી ગયા જેથી નાના ભૂલકાઓ અને આ શહેરીઓ એકબીજાની ભાષા સમજી શકે અને ક્યાંય અટવાય નહિ.
વિધાન અને બિરવા તેઓ ફરવામાં એક્સપર્ટ હતાં, તેઓ કેસરીભાઈ સાથે સુરત ગયા અને ત્યાં જઈને સરકારી કચેરીઓમાં જે કામો અટકેલા હતા એમાં કાયદાકીય અને માળખાકીય સુવિધાઓ માટે લાગી ગયા, બન્ને આમ તો લોના સ્ટુડન્ટ હતા એટલે એમનો મેળ વકીલસાહેબ જોડે પડે એ યોગ્ય હતો, અનુભવી સાથે કામ કરવાની તેમને તક મળી અને એનો લાભ લેવા ટોળકી કામે લાગી ગઈ, સવારથી બસમાં જવાનું અને સાંજની છેલ્લી બસમાં આવવાનું એ એમનો રોજનો નિયમ બની ગયો.
મહર્ષિ અને સ્વીટી એ મુનીમજી જોડે રહીને ઋતાના બધા કામોમાં મદદ કરવા લાગ્યા, સ્વીટી લેબમાં તપાસ કરવાથી માંડી, દવાખાનામાં પેટશન્ટની મદદ કરી લેતી, મુનીમજી અડધો દિવસ રહેતા એમની જોડે પછી તેઓ મોટેરાઓ જોડે ખેતરે અને એમની વ્યવસ્થા કરતાં, માટે તેઓ બહુ હજાર રહેતા નહિ, મહર્ષિ પાસે ડોકટરી વિભાગનું કોઈ ખાસ જ્ઞાન નહિ પરંતુ ઋતા જોડે રહેવાનો મોકો મળી રહેશે એમ વિચારતાં એણે ઋતાની ટોળીમાં રહેવાનો નિર્ણય લીધો.
બધા પોતપોતાના કામોમાં વ્યસ્ત થવા માંડ્યા, ટુકડી પ્રમાણે કામમાં આયોજનથી માંડીને એનો અમલ કરવામાં બધા પોતાનાથી થતાં બધા પ્રયાસો કરતા, એક મહિનામાં તેઓને પાક્કું રીઝલ્ટ લાવવું હતું એ ધ્યેય હતો.

ક્રમશ