Ruday Manthan - 20 books and stories free download online pdf in Gujarati

રુદયમંથન - 20

રસ્તે ચાલી રહેલી વાતનો વિરામ થયો નહોતો, ઋતાએ પૂછવાનો સવાલ શું હતો એ વાત મહર્ષિને બેચેન કરી રહી હતી, પણ હવે તેઓ આરોગ્ય કેન્દ્ર આવી ગયા હતા માટે હવે વાત થવી મુશ્કેલ હતી, એકલાં મળે તો જ સવાલ જાણી શકાય તેમ હતું.
પણ અહી આવતાની સાથે જોયું તો દર્દીઓની લાંબી લાઈન લાગી હતી, આ માત્ર એક જ જગ્યા હતી જ્યાં દવા મળતી હતી, ઋતાની કામગીરી એવી હતી કે બધાને વિશ્વાસ હતો, નજીવી રકમમાં સચોટ નિદાન થઈ જતું હોવાથી અહીંના કાબુલમાં આ એક મંદિરથી ઓછી પવિત્ર જગ્યા નહોતી.
ઋતા એક્ટિવા પરથી નીચે પગ મૂક્યો ત્યાં સામેથી એક ભાઈ આવીને એની બેગ લઈ ગયા જેથી એને તકલીફ નાં પડે, એની બેઠકને પહેલથી ચોખ્ખી કરીને રાખેલી ત્યાં એના માટે પાણી આવી ગયું, એને કામમાં તકલીફ નાં પડે એ માટે વ્યવસ્થામાં થઈ રહી હતી, એનું ધ્યાન માત્રને માત્ર દર્દીઓમાં જ રહે એ માટે લીલો પડદો લગાવી ટેમ્પરારી કહી શકાય એવો પડદો લાગી ગયો, આવી ચાકરી તો કદાચ મોટાં માં મોટું નામ કમાયા બાદ પણ ન મળી શકે! માત્ર અહી થોડાક કલાકની સેવામાં આટલું બધું માન હતું.
ઋતાએ એનું સ્ટેથોસ્કોપ ગળે લટકાવ્યું, એપ્રોન પહેર્યું, લાઇનમાં ઉભેલામાંથી એક વ્યક્તિ અંદર આવીને સામે પડેલા સ્ટૂલ પર બેઠી, ઋતાએ એની સાથે જાણે કોઈ ઘરની વ્યક્તિ હોય એમ એકદમ પ્રેમાળ રીતે વાત ચાલુ કરી, સામે બેઠેલ દર્દીનું અડધું દર્દ તો ઋતા સાથે વાત કરતા જ ગાયબ થઈ જતું.
"રામ રામ, સમુમાહી હું ઠેયું?" - ઋતાએ એકદમ આદિવાસી લઢણમાં આવેલ એક દર્દીને પૂછ્યું.
"કેય ની દીકા, ગેઇ કાલનું પેટમાં બો દુખતું છે!" - સામે બેસેલ આધેડ વયનાબેન બોલ્યાં.
" છેલ્લે કિધલું કે ની, બો મોઉવો ની પીવાનો, પન મારું હાંભલે કોન?" - ઋતાએ દારૂની લતે ચડેલાં એ માસીને ઠપકો આપતાં કહ્યું.
"પન મે હું કરું, થાકી બો જાય તો પી લેવ! હવે ની પીવા, તું હારા માં હારી દવા આપી દે જે ની." - એ ભોળાં ભાવે બોલ્યાં.
"મે તો દવા આપી દેવા, પન આમ પિતી રેહે તો વેલી મરી જહે, તારા પોઇરાનું તો વિચાર! એનો બાપો તો પી ને મરી ગેયો તું બી મરી જહે તો!" - ઋતાએ એને એના દીકરાનું વિચારવા. અને એના માટે થઈને ના પીવાની સલાહ આપી.
" હારુ, ની પીવા હવે, મારા પોરા ના હમ!" એ બેને સમ ખાધા, પણ ઋતા જાણતી હતી કે એ દર વખતનું હતું, પત્થર પર પાણી હતું છતાંય દર વખતે એ સમજાવતી, હારતી નહિ.
સમુમાસી ને પાંચ છ રંગબેરંગી ટીકડીઓ પડીકામાં બાંધી આપી અને એ રવાના થઈ ,આવી તો રોજ કેટલીય સ્ત્રીઓ આવતી અને જુદી જુદી રીતે એમને સમજાવવું હવે ઋતા માટે આદત બની ગઈ હતી,કબીલાના એક દૂષણ કહી શકાય એ અહી દેસી દારૂ પીવાની લત માત્ર પુરુષો માં જ નહિ પરંતુ સ્ત્રીઓમાં પણ હતી, જો ઘરમાં બધા વ્યસની હોય તો ભવિષ્યની પેઢી પણ એ રસ્તે જ હોય! ઋતાની ડોકટરી સાથે વ્યસનમુક્તિ પણ મોટામાં મોટી મોહિમ હતી.
આજે મહર્ષિ અને સ્વીટી પણ એની સાથે જોડાયા હતા, આવનારા દર્દીને ઋતા બાદ તેઓ કાઉન્સિલ કરી રહ્યા હતા, દર્દીઓની માનસિક પરિસ્થિતિ જાણવાનો પ્રયત્ન કરી રહ્યા હતા, અભણ પ્રજા દવા લઈને એમની જોડે જાય એનાં માટે કોઈ લાલચ આપવી પડે એમ હતું, તો સ્વીટીએ પાંચ રૂપિયાના પડિકાનું પ્રોત્સાહન ઉભુ કર્યું, ધર્મદાદાના પાછળ આમેય દાન થાય એની સાથે સાથે કબીલાના લોકોમાં જાગૃતિ આવે એ મોટું દાન જ હતું, સ્વીટી બધાને પડીકા આપતી અને મહર્ષિ સૌને એની જોડે બેસીને વાતો કરીને એમનાં વલણો એની નોટમાં લખતો જતો હતો, જેથી બધાનું વિશ્લેષણ કરી શકાય.
આશરે ત્રીસ જેટલા વ્યક્તિઓ આજે એમને મળ્યાં, એમાં મોટા ભાગના દારૂના વ્યસની હતા, માટે તારણ કરીને વ્યસનમુક્તિ કરાવવી એ નિર્ણય લેવાયો, એમનામાં સભાનતા આવે એ માટે બધાને એકસાથે બોલાવીને કંઇક એવું કરવું પડે જેથી એકસાથે સારું પરિણામ આવી શકે, રાતે મુનીમજી અને કેસરીભાઈને મળીને આ વાતનો એજન્ડા બનાવવાનો હતો.
બપોર થઈ ગઈ, ત્રિપુટી પાછી વળી, ઋતા પણ એની હવેલીએ જતી રહી એ પણ એના અધુરા સવાલ સાથે, બપોરે જમ્યા પછી મહર્ષિ ખાટલે બેઠો હતો, એને બસ અધુરા સવાલ અને સવારે જોયેલા કબીલાના ચિત્રણ એની સામે તરવરી રહ્યા હતા, કબીલાના લોકો આમને આમ દારૂની લતે ચઢેલા રહેશે તો કબીલો સાવ ખતમ થઈ જશે, એને જોયું કે બહુ નાની ઉંમરમાં અહીંના પુરુષો મૃત્યુ પામે છે, એમનાં બાળકો અનાથ થઈ જાય છે, ભણવાનું અધૂરું મૂકીને તેઓ ખેતમજૂરીમાં જોતરાઈ જાય છે, કુમળા શરીર થાકના સહન કરી શકે તો તેઓ પણ પાછા મહુવાની લતે લાગી જાય, એ આદત એટલી હદે વિકરાળ બની જાય કે પતન તરફ દોરી જાય છે.
કોઈ પણ રીતે આ બંધ કરવું એ હવે મહર્ષિએ વિચારી લીધું,એના માટે એ મનથી મક્કમ થઈ ગયો, કોઈ સાથ આપે કે ન આપે એણે એના ભાગની પ્રોપર્ટી વેચીને પણ આ લતથી રતનપુરા બચાવવું રહ્યું, આજે એનામાં જે ખમીર ઝલકી રહ્યું હતું એ ધર્મસિંહ દેસાઇનું હતું, એમનું લોહી આજે ફરી ગરમ થઈ રહ્યું.
મહર્ષિએ માતૃછાયા તરફ પગ માંડ્યા, ખરાં બપોરે વરસાદી તડકો એને તપાવી રહ્યો હતો અને એનું ઝુનુન એને!
મહર્ષિને આવતાં જોઈ ઝરૂખામાં શોર્ટ્સ પહેરીને બેસેલી ઋતા સજાગ થઈ ગઈ, એ ફટાફટ આખા કપડાં પહેરીને નીચે આવી, મહર્ષિને ખ્યાલ નહોતો કે ઋતાએ એને આવતાં જોયો છે, પણ ઋતાએ એની મર્યાદા સાચવી લીધી.

ક્રમશ: