Premrang - 16 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ. - 16

પ્રકરણ-૧૬

ડૉ. અનંત હવે મોહિનીના રૂમમાં દાખલ થયા. બધાં હવે શું થશે એની આતુરતાપૂર્વક રાહ જોવા લાગ્યા. ડૉ. અનંતે મોહિનીને હિપ્નોટાઈઝ કરવાનું શરૂ કર્યું. બધાંની નજર હવે ટીવી પર થઈ રહેલા વીડિયો રેકોર્ડિંગ પર મંડાઈ.

ડૉ. અનંતે મોહિનીને કહ્યું, "તમે જણાવ્યું કે, તમારી બહેનનું નામ રેશમ હતું. બરાબર ને?"

"હા." મોહિનીએ માત્ર એક જ શબ્દમાં જવાબ આપ્યો.

"તો શું તમે તમારી આ બહેન વિશે અમને બધાને જણાવી શકશો? કેવા હતા તમારા અને તમારી બહેન બંનેના સંબંધ? અને ક્યાં છે અત્યારે તમારી બહેન?" ડૉ. અનંતે પૂછ્યું.

ડૉ. અનંતનો આ પ્રશ્ન સાંભળીને પ્રેમ કપૂરના કાન તરત જ સરવા થયા. એ ખૂબ જ આતુરતા પૂર્વક મોહિનીના જવાબની રાહ જોઈ રહ્યા હતા. કારણ કે, આ પ્રશ્નનો જવાબ તો એ પોતે પણ ક્યારનો મેળવવા માટેની મથામણ કરી રહ્યા હતા. આજે ડોક્ટર અનંતે પ્રેમ કપૂરના મનમાં જે પ્રશ્ન આટલાં સમયથી રમી રહ્યો હતો એ એમણે આજે મોહિનીને હવે પૂછી જ લીધો હતો.

બધાં હવે મોહિનીનો જવાબ સાંભળવા માટે ખૂબ જ આતુર બન્યા હતા. અને મોહિનીએ હવે પોતાની વાત કહેવાની શરૂ કરી.

"નાનપણમાં અમારા બંનેના સંબંધો બહુ જ સારા હતા. અને આજે પણ છે. તમે સૌ જાણો છો તેમ મારો બાપ અમારા બંનેનું સેક્સ ચેન્જનું ઓપરેશન કરાવવા માંગતો હતો એ વાતની જ્યારે અમને બંનેને ખબર પડી ત્યારે અમે બંને બહેનો ઘર છોડીને ચાલી નીકળી. અને એમાં અમને અમારી મા એ મદદ કરી. અમે બંને એ ઘરમાંથી તો ભાગી છૂટી પણ ક્યાં જઈશું? શું કરીશું? એવા કોઈ જ પ્રશ્નોના જવાબ ત્યારે અમારી પાસે નહોતા. પાસે હતાં તો થોડાં પૈસા જે અમને બંનેને અમારી મા એ આપ્યા હતા. પણ કહેવાય છે ને કે, ભગવાન જ્યારે આપણા માટે બધાં જ દરવાજા બંધ કરી દે છે, ત્યારે પણ આપણાં માટે એક દરવાજો તો જરૂર ખોલી નાખે છે. અમારા બંનેની કિસ્મતમાં પણ આવું જ કંઈક બન્યું.

અમારા બંનેની મા એ અમને મદદ કરી અને અમારા મામા અમારા માટે તારણહાર બન્યા. અમે બંને અહીં મુંબઈ જેવા શહેરમાં તો આવી પહોંચ્યા હતા પણ ક્યાં જઈશું એ ખબર નહોતી. પણ અમારા મામા અમને એમના ઘરે લઈ ગયા. કારણ કે, અમારી મા એ એમને સાચી પરિસ્થિતિની જાણ કરી દીધી હતી. અને સત્ય હકીકતની જાણ થતાં જ તરત અમારા મામા એ અમારી મા ને કહી દીધું, "રમા! તારો ભાઈ હજુ જીવે છે. તું રેશમ અને મોહિનીની બિલકુલ ચિંતા ન કરીશ. એ બંને મારી પણ દીકરીઓ છે. તું એ બંનેને અહીં મારી પાસે મુંબઈ મોકલી દે. હું એને મારા ઘરે લઈ જઈશ. એ બંને મારા ઘરે રહેશે. હું અને રાજલ જો તને કામમાં આવી શકીએ તો એ અમારા બંનેનું સૌભાગ્ય હશે."

"પણ ભાઈ! ભાભીને કદાચ ન ગમે તો?" રમા બોલી.

"એની ચિંતા તું ન કર. તારા ભાભીને તો આમેય બાળકો બહુ જ પ્રિય છે. એને તો બાળકો ગમે છે. તું તો જાણે છે કે, અમે બંને એ અમને બાળક થાય એ માટે કેટલા ઈલાજ કરાવ્યા! પણ કુદરતે અમને માતા પિતા બનવાનું સુખ ન આપ્યું તે ન જ આપ્યું. અને તારી દીકરીઓ તો અમારી ભાણેજ છે. તો શું તું એમ માને છે કે, રાજલ એને સારી રીતે નહીં રાખે? અરે ગાંડી! એવું તો તું સ્વપ્નમાં પણ ન વિચારતી કે, એ તારી દીકરીઓને નહીં રાખે. એને તો રેશમ અને મોહિનીના રૂપમાં બબ્બે દીકરીઓ મળી ગઈ છે એમ સમજ. જ્યારે એને ખબર પડી ને કે, રેશમ અને મોહિની અહીં એની સાથે રહેવાની છે ત્યારે એ તો ગાંડી ગાંડી થઈ ગઈ હતી. એ તો ક્યારનીયે બંનેની આતુરતાપૂર્વક રાહ જોઈ રહી છે. કુદરતે કદાચ આ રીતે જ અમને માતા પિતા બનવાનું સૌભાગ્ય આપ્યું હશે. ઈશ્વરની કદાચ આ જ ઈચ્છા હશે." મામાએ કહ્યું.

"અને પછી અમે બંને બહેનો મામાના ઘરે રાજીખુશીથી રહેવા લાગી. મામા અને મામી અમને બંનેને ખૂબ જ પ્રેમ કરતાં હતા. અમે બંને ખૂબ જ નસીબદાર હતા કે, અમને મામા મામીનો પ્રેમ મળ્યો." આટલું બોલી મોહિની હવે ચૂપ થઈ ગઈ.

ડૉ. અનંતને હવે વધુ કંઈ પૂછવું યોગ્ય ન લાગતાં હવે એમણે આજનું સેશન અહીં જ પૂરું કર્યું.

ડૉ. અનંત બહાર આવ્યા. એમણે બહાર આવીને બધાં સામે નજર માંડી અને બોલ્યા, "મને લાગે છે કે, મોહિનીની પરિસ્થિતિ હવે ધીમે ધીમે સુધરતી જાય છે. એ અત્યાર સુધી જેનાથી ભાગવાનો પ્રયત્ન કરી રહી હતી એ એનો પરિવાર, એની પરિસ્થિતિ એ બધાનો સામનો કરવાની એનામાં ધીરે ધીરે હિંમત આવી રહી છે. જે વાતને એ ટાળવાનો પ્રયત્ન કરી રહી હતી એ વાતનો ઉત્તર આપવાની હિંમત એનામાં હવે ધીરે ધીરે આવતી જાય છે."

ડૉ. અનંત તો પોતાની વાત કહી રહ્યાં હતાં પણ પ્રેમ કપૂર હજુય વિચારોમાં ગૂંચવાયેલા હતાં. એમને આમ ગૂંચવાયેલા જોઈને ડૉ. અનંત તરત બોલ્યા, "પ્રેમ કપૂર! હું જાણું છું તમારા મનમાં અત્યારે શું પ્રશ્નો રમી રહ્યાં છે. તમે એ જ જાણવા માંગો છો ને કે, જો આ મોહિની છે તો પછી ક્યારેક ક્યારેક રેશમ જેવું વર્તન કેમ કરે છે?"

"હા, ડૉક્ટર. એ જ હું સમજી નથી શકતો." પ્રેમ કપૂર બોલ્યા.

"એ પ્રશ્નોના ઉત્તર પણ તમને જરૂર મળશે. અત્યારે તો હું તમને એટલું જ કહીશ કે, માત્ર થોડી ધીરજ રાખો." ડૉ. અનંતે પ્રેમ કપૂરના મનનું સમાધાન કરવાનો પ્રયત્ન કરતા કહ્યું.

પ્રેમ કપૂર હવે ઘરે આવ્યા. આજે ફરીથી એમણે પોતાની ડાયરી ઉઘાડી અને એના પાનાં પર પોતાના મનની વાત ઠાલવી.

ઘટનાઓની ઘટમાળમાં ગૂંચવાયું મારું મન
એમ કેવી રીતે કરું હું મારા મનનું સમાધાન!
અનેક પ્રશ્નોના ઉત્તર મેળવવા ચાહે મારું મન
મળે નહીં મને હવે કેમ કોઈ વિધિનું વિધાન!