Premrang - 18 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ. - 18

પ્રકરણ-૧૮

પ્રેમ કપૂર અને આદિલકુમાર બંનેના મનમાં અત્યારે એક જ પ્રકારના વિચારો ચાલી રહ્યા હતા અને એ હતી રેશમની શોધ. અને એ માટે હવે બંને એ પોતાની રીતે પ્રયત્નો પણ કરવા માંડ્યા હતાં.

ડૉ. અનંત આજે હવે મોહિનીનું છેલ્લું સેશન લેવાના હતાં. પ્રેમ કપૂર અને આદિલ કુમારને આજે કદાચ પોતાના અમુક પ્રશ્નોના જવાબ મળવાનાં હતા એવી એ બંનેને આશા હતી. અને પછી મોહિનીને રજા આપી દેવાના હતાં. મોહિનીની તબિયતમાં હવે ઘણો સુધારો હતો. ડોક્ટર અનંતે મોહિનીને હિપ્નોટાઈઝ કરવાનું શરૂ કર્યું. એમણે હવે મોહિનીને પૂછ્યું, "મોહિની! તમે જેમ કહ્યું તે પ્રમાણે તમારી બહેનનું નામ રેશમ છે પણ અત્યારે એ ક્યાં છે શું એના વિશે તમે કંઈ જાણો છો? તમે બંને અલગ પડ્યા તો કેવી રીતે પડ્યા? તમે બંને તો તમે જેમ આગળ જણાવ્યું હતું તેમ તમારા મામાના ઘરે રહેતા હતા પણ અત્યારે તો તમે ત્યાં નથી રહેતા. અત્યારે તો તમે એકલા જ રહો છો બરાબર ને? તો પછી તમારા મામા અને મામી એ બંને ક્યાં છે? તમારી તબિયત બગડી હોય અને એ તમને જોવા પણ ન આવ્યા? એવું કેમ? એનું શું કારણ છે?"

"એનું એકમાત્ર કારણ એટલું જ છે કે એ બંને હવે આ દુનિયામાં જ નથી. એક રોડ અકસ્માતમાં એ બંને મૃત્યુ પામ્યાં હતાં. મેં તમને પહેલાં પણ જણાવ્યું હતું તેમ મારા મામા મામી અમને બંનેને બહુ જ પ્રેમથી રાખતાં હતાં. એમણે જ અમને બંનેને કોલેજમાં એડમિશન લઈ આપ્યું અને અમે બંને બહેનો કોલેજમાં જવા લાગી. ત્યાં કોલેજમાં જ મારી મુલાકાત આદિલ સાથે થઈ અને રેશમની પ્રેમ સાથે. હું આદિલને મનોમન પસંદ કરવા લાગી હતી અને એવી જ રીતે મારી બહેન રેશમ પણ પ્રેમને પસંદ કરવા લાગી હતી. આદિલ અને પ્રેમ બંને એ અમારા બંને બહેનોના જીવનમાં પ્રેમનાં રંગો ભર્યા હતાં. અમે બંને બહેનો પોતાના જીવનમાં ખૂબ જ ખુશ હતી. સમય વીતતો ચાલ્યો અને અમે કોલેજના છેલ્લા વર્ષમાં આવ્યા. એ જ સમય દરમિયાન આદિલે સીરિયલ બનાવવાનું નક્કી કર્યું અને મને એણે હિરોઈનનો રોલ ઓફર કર્યો. મેં એને હા પાડી. કારણ કે, આદિલ માટે હું કઈ પણ કરવા તૈયાર હતી. અને અમે બંનેએ પહેલાં કોલેજમાં પણ નાટકોમાં સાથે કામ કર્યું હતું એટલે અમે બંને એકબીજા જોડે કામ કરવામાં એકદમ આરામ અનુભવતાં હતાં. એ પછી તો આદિલ સાથે મેં ઘણું જ કામ કર્યું. એ વાત તો સૌ કોઈ જાણે જ છે." એટલું બોલી મોહિની ચૂપ થઈ ગઈ.

એટલે ડૉ. અનંતે તેને ફરી પૂછ્યું, " આ તો તમે તમારી વાત કરી. હવે તમારી બહેન રેશમની વાત પણ જણાવો."

"હા, રેશમ પણ મારી જેમ જ પ્રેમના પ્રેમમાં પડી. રેશમ મને કહેતી કે, હું પ્રેમને પસંદ કરું છું. પણ પ્રેમ હંમેશા દુઃખી જ રહે છે. પ્રેમ પાસે બધું જ હોવા છતાં એ અંદરથી ખૂબ દુઃખી લાગે છે અને એને દુઃખ માત્ર એ વાતનું છે કે, એના માતાપિતા એને સમય નથી આપી શકતાં. અને આ બાજુ આપણો બાપ છે જે આપણે એની દીકરીઓ છીએ એ સ્વીકારી પણ શકતો નથી. અને દીકરાના મોહમાં એટલો આંધળો બની ગયો છે કે, પોતાની દીકરીઓના જ શરીર સાથે ચેડાં કરવા નીકળ્યો હતો. એ તો આપણા બંનેના નસીબ એટલાં સારા હતાં કે, આપણને મા સારી મળી અને એણે આપણને બંનેને બચાવી લીધા. અને આપણા મામા મામીએ આપણને એવો એહસાસ કરાવ્યો કે, ખરેખર આ દુનિયામાં ઈશ્વરનો પણ વાસ છે. જો મામા મામી અપણા જીવનમાં ન આવ્યા હોત તો આપણું શું થાત?" આટલું બોલીને રેશમ ફરી ચૂપ થઈ ગઈ.

પછી એ એક ક્ષણ પૂરતી ચૂપ થઈ ગઈ અને ફરી એ બોલવા લાગી, "અમારાં બંનેની કોલેજનો જ્યારે છેલ્લો દિવસ હતો અને એ જ દિવસે અમારા મામા મામીના જીવનનો પણ છેલ્લો દિવસ હતો. મામા મામી અમને બંને બહેનોને લેવા માટે અમારી કોલેજ આવી રહ્યાં હતાં અને રસ્તામાં જ એમનો અકસ્માત થયો. અને બંને આ દુનિયા છોડીને ચાલ્યાં ગયાં. એમના મૃત્યુ પર અમે બંને બહેનોએ ખૂબ આંસુ વ્હાવ્યાં. પણ જતાં જતાં એ અમને બંને બહેનોને ઘણું આપતાં ગયા. મારા મામાને પૈસાની કોઈ જ કમી નહોતી. એમણે પોતાની જે કંઈ પણ મિલકત હતી એ બધી જ અમારા બંને બહેનોને નામે કરતાં ગયા હતા. પણ એક વાતનો અફસોસ છે કે, એ પણ એ જ દિવસ હતો જ્યારે હું મારી બહેન રેશમથી અલગ થઈ. કોલેજના છેલ્લા દિવસ પછી અમે બંને બહેનો ક્યારેય મળી જ નહીં. એ ક્યાં ગઈ? શા માટે ગઈ? એ પ્રશ્નોના જવાબ મને આજ સુધી મળી શક્યાં નથી. મેં એને શોધવાના બહુ જ પ્રયત્નો કર્યા પણ એ મને ના જ મળી. અને હજુ આજે પણ હું એને જ શોધું છું." આટલું બોલીને મોહિની ચૂપ થઈ ગઈ. પણ એની આ ચૂપકીદી ડૉ. અનંત, પ્રેમ કપૂર અને આદિલ કુમાર માટે અનેક નવા સવાલો ઊભા કરતી ગઈ.

ડૉ. અનંતે આજનું છેલ્લું સેશન પણ પુરું કર્યું અને બહાર આવીને બોલ્યા, "આજનું આ છેલ્લું સેશન આપણે પૂરું કરીએ છીએ. હવે મોહિનીને હિપ્નોટીઝમના સેશનની જરૂર નથી. અને હવે તો તમે બધાંએ એનો ઇતિહાસ પણ જાણી લીધો છે. એટલે તમે બધાં પણ એની સ્થિતિ સારી થાય એ માટે જરૂર પ્રયત્નો કરશો."

પણ પ્રેમ કપૂર હજુ પણ ડૉ. અનંતના આ જવાબ અને વર્તનથી ખુશ નહોતાં એ ડૉ. અનંતના ધ્યાન બહાર રહ્યું નહીં. એમણે કહ્યું, "પ્રેમ કપૂર! તમે મારી કેબિનમાં આવો. તમારા પ્રશ્નોના જવાબ પણ હું ત્યાં જ આપીશ.

પ્રેમ કપૂર પોતાના મનમાં અનેક સવાલો લઈને ડૉ. અનંતની સાથે એમની કેબિનમાં દાખલ થયા.