Premrang - 28 books and stories free download online pdf in Gujarati

પ્રેમરંગ. - 28

પ્રકરણ-૨૮

મોહિનીએ જ્યારે પોતાના પિતાને પૂછ્યું, "બાપુજી! અમારી મા ક્યાં છે?" ત્યારે પોતાની દીકરી મોહિનીનો અચાનક આ પ્રશ્ન સાંભળીને એના પિતા એને શું જવાબ આપવો એ વિચારી રહ્યાં. પણ મોહિનીના આ પ્રશ્નનો ઉત્તર રેશમે આપ્યો.

રેશમ બોલી, "આપણી મા હવે આ દુનિયામાં નથી રહી મોહિની! એ તો આપણને છોડીને બહુ વર્ષો પહેલાં જ જતી રહી હતી. પણ જતાં જતાં પણ એ સારું કામ કરતી ગઈ અને આપણાં બંનેની જિંદગી સુધારતી ગઈ."

મોહિની તો આ સાંભળીને સાવ જડની જેમ ત્યાં જ ઉભી રહી ગઈ હતી. પોતાની મા ના મૃત્યુના સમાચાર એને આ રીતે મળ્યાં એટલે એ થોડી અસ્વસ્થ થઈ ગઈ હતી. પણ પછી ધીમે ધીમે એણે પોતાની જાત પર કાબૂ મેળવી લીધો. અને એ બોલી, "રેશમ! આટલાં વર્ષોથી આપણી મા મૃત્યુ પામી છે અને મને એની જાણ પણ નથી! પણ તું તો જાણે છે ને રેશમ? તું તો ત્યાં જ હતી ને? તે તો જોઈ હશે ને મા ને? બોલ ને રેશમ! બોલને? મામા મામીના અકસ્માત પછી તું જ્યારે ગાયબ થઈ ગઈ હતી ત્યારે બાપુજીએ જ તને કેદ કરી હતી ને? તો તું તો જાણતી જ હોઈશ ને? શું થયું હતું મારી મા સાથે બોલને રેશમ?" આટલું બોલતાં તો એ ધ્રુસકે ધ્રૂસકે રડી પડી અને એ રેશમને ખૂબ જ ઢંઢોળવા લાગી.

રેશમે એને શાંત પાડવાનો પ્રયત્ન કર્યો. અને બોલી, "હા, મોહિની! હું ત્યાં જરૂર હતી પરંતુ જ્યારે હું ત્યાં પહોંચી ત્યારે જ મને ખબર પડી કે, મા તો હવે આ દુનિયામાં નથી રહી. અને જ્યારે મને ખબર પડી ત્યારે હું પણ તારી જેમ જ ખૂબ તૂટી ગઈ હતી. મેં બાપુજીને પૂછવાના બહુ જ પ્રયત્નો કર્યા પણ એમણે મને કંઈ જ જણાવ્યું નહીં. એટલે હું પણ નથી જાણતી કે, આપણી મા કઈ રીતે મૃત્યુ પામી?!" એટલું કહીને રેશમ ચૂપ થઈ.

"એનો જવાબ હવે હું તમને આપીશ." ત્યાં પથારી પર સૂતેલો આ બંનેનો બાપ પોતાની આ બંને દીકરીઓની વાતો સાંભળી રહ્યો હતો એટલે પોતાની દીકરીઓના મનનું સમાધાન કરતાં એ બોલ્યો. બંને દિકરીઓએ પોતાના બાપ સામે જોયું. બંને એ જ રાહમાં હતા કે, કયારે બાપુજી સત્ય જણાવે!

બંનેના બાપુજીએ પોતાની પત્નીના મોતનું રહસ્ય હવે એમની સામે ખોલ્યું. એ બોલ્યા, "તમારી મા નું મૃત્યુ કંઈ કુદરતી મૃત્યુ નહોતું પરંતુ એનું ખૂન થયું હતું."

"ખૂન? પણ શા માટે? મા નું ખૂન કરવાની કોઈને શું જરૂર હતી? એવું તે શું થઈ ગયું કે, કોઈએ એનું ખૂન કરવું પડે? અને કોણ છે એ માણસ જેણે મારી મા ને મારી નાંખી?" મોહિની બોલી.

"એનું કારણ હું છું અને એ માણસ પણ હું છું દીકરી!" મોહિનીના પિતા ધ્રૂજતા અવાજે બોલ્યા, "તમારી મા એ જ્યારે મારાથી બચાવવા માટે તમને બંનેને ભગાડી મૂકી ત્યારે હું એના પર ખૂબ જ ગુસ્સે ભરાયો હતો. મેં એને ઘણું બધું ન કહેવા જેવું કહ્યું. અને ગુસ્સાના આવેશમાં હું મારું બધું જ ભાન ભૂલી બેઠો હતો. એ સમયે હું જાણતો નહોતો કે, હું શું કરી રહ્યો હતો. મેં મારા હાથમાં જે કંઈ પણ આવ્યું એનો એના માથા ઉપર ઘા કરવા માંડ્યો. અને ગુસ્સામાં જ મેં એના માથા પર સાણસીનો ઘા કર્યો. એ ઘા એને ખૂબ જ જોરથી લાગ્યો. એના માથામાંથી ખૂબ લોહી વહેવા લાગ્યું હતું. એના માથામાંથી નીકળતું લોહી જોઈને હું ગભરાઈ ગયો. અને મને ભાન થયું કે, મેં આ શું કરી નાંખ્યું છે! મને તમને ભગાડી દેવાની એની આ કરતૂત પર ગુસ્સો જરૂર આવ્યો હતો, પણ હું એને પ્રેમ કરતો હતો એ પણ હકીકત હતી. એટલે જેવું મને મારી કરતૂતનું ભાન થયું એટલે હું એને ફટાફટ હોસ્પિટલ લઈ ગયો. ડૉક્ટરઓએ એને બચાવવાના ખૂબ પ્રયત્નો કર્યા. પરંતુ માથામાં ખૂબ માર વાગ્યો હોવાથી એને બચાવી ન શક્યા અને એ મૃત્યુ પામી. અને એ દિવસે હું ખૂબ તૂટી ગયો હતો. હું જ છું તમારી માતાનો અને તમારા બંનેનો ગુનેગાર. મારું આ વર્તન માફી માંગવા લાયક તો નથી છતાં પણ જો બની શકે તો મને માફ કરી દેજો."

રેશમ બોલી, "જે ઘટના બનવાની જ હોય છે એને કોણ ટાળી શકવાનું છે. જે વીતી ગયું એને ભૂલી જાઓ બાપુજી! તમને તમારી ભૂલનો એહસાસ થયો એ જ અમારે મન તો સંતોષ છે. અમે તો તમને ક્યારના માફ કરી દીધા છે."

"હા, રેશમ બિલકુલ ઠીક કહે છે." મોહિનીએ પણ એની વાતમાં સૂર પુરાવ્યો.

"બંને બાપ દીકરીઓની વાતો પતી ગઈ હોય તો અમે બંને અંદર આવી જઈએ કે?" પ્રેમ કપૂર અને આદિલ કુમાર બંને રૂમમાં દાખલ થયા.

"હા, હા, આવી જાઓ." મોહિની બોલી. એમણે બંનેનો પરિચય પોતાના પિતાને કરાવતાં કહ્યું, "બાપુજી! આ આદિલકુમાર છે. મારી સિરિયલના ડિરેક્ટર અને સાથે છે એ સીરિયલના સ્ટોરી રાઈટર પ્રેમ કપૂર!"

મોહિનીના પિતાએ પુછ્યું,"બસ આટલી જ ઓળખાણ છે તમારી કે એથી વિશેષ પણ કંઈ છે?"

"એટલે?" મોહિનીએ પુછ્યું.

"એટલે એમ કે, તારે ને આદિલકુમારને લગ્ન નથી કરવા? અને રેશમ! તું પણ શું પ્રેમ કપૂરને નથી ચાહતી? લગ્ન કરવા માંગે છે ને?"

રેશમ શરમાઈ ગઈ અને બોલી, "હા, બાપુજી! પણ તમે કઈ રીતે જાણી ગયાં અમારા બંનેના મનની વાત?"

"કારણ કે, હું તમારા બંનેનો બાપ છું." એમની આ વાત સાંભળીને બધાં ખડખડાટ હસી પડ્યા. ત્યાં જ ડૉક્ટરે આવીને કહ્યું, "તમને રજા મળી ગઈ છે. તમે ઘરે જઈ શકો છો."

હોસ્પિટલમાંથી રજા લઈને પ્રેમ કપૂર, આદિલકુમાર, રેશમ, મોહિની અને એમના પિતા બધાં જ હવે મોહિનીના ઘરે આવ્યા.

મોહિનીના પિતા બોલ્યા, "હવે મને મારી જિંદગીથી કોઈ જ ફરિયાદ નથી રહી. માત્ર હવે એક જ અગત્યનું કામ બાકી રહ્યું છે. અને એ છે તમારા બંને બહેનોના લગ્ન!"

આ વાત સાંભળીને રેશમ અને મોહિની બંને શરમાઈ ગયા. અને એ સાથે સાથે એમની આંખો પણ પોતાના લગ્નના સપનાં જોવા લાગી.