83 (A movie review) books and stories free download online pdf in Gujarati

83 (મુવી રીવ્યુ)

ભારતની આઝાદીના 36 વર્ષ પછી, જેમની ગુલામીમાં હતા એ અંગ્રેજોની જ રમત ક્રિકેટમાં 60 ઓવરના ડે ફોર્મેટમાં વર્લ્ડકપ - 1983, જેને પ્રુડેન્સીયલ વર્લ્ડકપ કહેવાય છે એ ઇંગ્લેન્ડમાં રમાયો.

પણ એના કારણે ઈન્ડિઅન સિનેમામાં કોઈ ફિલ્મ બનાવે ? ના જ બનાવે ને. (ખરો સિનેમાપ્રેમી બનાવેય ખરો હોં ! પણ આ કંઈ પહેલી વાર નહતું. વર્લ્ડકપ એ ફોર્મેટમાં રમાતા જ હતાં.) પણ આપણને બધાને ખબર છે જ કે ભારત માટે એ ઐતિહાસિક ઘટના એટલે છે કેમકે એ વર્લ્ડકપ ભારતે જીત્યો હતો. કપ્તાન હતાં કપિલ દેવ. હાં ! હવે લાગે છે કે, કોઈ ફિલ્મ બનવી જોઈએ.

પણ, પણ, પણ એ 2021પહેલા બની નહિ. 2011 ના વર્લ્ડકપ પર બની ગઈ. જો કે પ્રોપર વર્લ્ડકપ પરની ફિલ્મ નહતી, આપણને ખબર છે એમ ધોનીની લાઈફ પર હતી. એટલે ભારતમાં વર્લ્ડકપ જીત્યા એના પર ફિલ્મ આજ સુધી કોઈ બની જ નથી.

હમેંશા સૌથી પહેલાં જે ઘટના ઘટિત થાય એનું જ ઇતિહાસમાં ગુણગાન રહેવાનું. જેમકે, ચંદ્ર પર પહેલો જનાર વ્યક્તિનો જ ઇતિહાસમાં માનભેર ઉલ્લેખ થવાનો. શુન્યની શોધ પહેલી ભારતમાં થઈ તો એ અતિમહત્વની જ ઘટના બની રહેવાની. એમ ભારતે 2011 માં વર્લ્ડકપ જીત્યો, પણ સૌથી પહેલો વર્લ્ડકપ ભારતે 1983 માં જીત્યો. એ દ્રષ્ટિએ 1983 વર્લ્ડકપ ઐતિહાસિક છે. એટલે એના પર ફિલ્મ બનવી બની શકવાના દમદાર કારણોમાંનું આ એક કારણ હતું.

બીજું કારણ એ છે કે, એ સમયે ધુંઆધાર, લિટરલી માથાફોડ કહેવાય એવા માર્શલ, હોલ્ડિંગ જેવા બોલરોથી ભરચક એ સમયની બેસ્ટ ટીમ વેસ્ટઇન્ડિઝ સામે પહેલી પહેલી વાર ફાઈનલ સુધી પહોંચેલી ટીમ ભારતે જીત મેળવી 'ને એય પાછો 183 જેવા નજીવા સ્કોરમાં ધબડકો થયો હતો છતાં.

ત્રીજું કારણ એ છે કે, 1983ના વર્લ્ડકપ પછી જ ભારતમાં ક્રિકેટ ચરમસીમાએ પહોંચ્યું અને આજ સુધી ભારતમાં ક્રિકેટ ભારતીયોમાં સૌથી વધુ પ્રિય રમત તરીકેનો માનમોભો ભોગવે છે. IPL માં બીજા દેશોથી રમવા આવતાં ખેલાડીઓ પણ ભારતના લોકોના ક્રિકેટપ્રેમમાં તરબોળ થયાં છે.

ચોથું કારણ એ કે, 1983 નો જ વર્લ્ડકપ છે કે જેણે સમગ્ર ભારતમાં નાત-જાત, ધર્મના વાડા તોડીને ક્રિકેટના માધ્યમથી "we, the people of India" ની એક લહેર ફરી ઊભી કરી, જેમ નીરજ ચોપડા એ ઓલિમ્પિકમાં જેવેલીયન-થ્રો માં ગોલ્ડ જીત્યો હતો ત્યારે થઈ હતી એવી જ.

આવા બધા કારણો તો આપણને જોઈએ, પણ આટલા બધા કારણો હોવા છતાં ફિલ્મ બની નહિ અને હવે છેક બની એટલે અંદર થાય જ કે, 'કૌન હૈ વો કૌન હૈ વો, કહાં સે વો આયા ?' જેણે ફિલ્મ બનાવી એટલે કે ડાયરેકટર કબીર ખાન, એણે તો ક્રિકેટપ્રેમ અને કપિલ દેવના ફેન હોઈને જ એ ગોલ્ડન ક્ષણો બધા સાથે વહેંચી 'ગમતાંનો ગુલાલ' કરવાનું વિચાર્યું હોય એવું મને લાગે છે. કેમકે એ આર્ટિસ્ટ છે. આ ફિલ્મ બનાવવાનું ઘણાં સમયથી 'બજરંગી ભાઈજાન' ફેઈમ ડાયરેકર આ ભાઈજાનને ડ્રિમ હોવું જોઈએ. આવું એમણે ક્યાંય કહ્યું હોય એવું મને જાણમાં નથી, પણ ફિલ્મ જોતાં એવું લાગે છે. કેમકે નહિતર આજસુધી આટલા મસ્ત અને દમદાર સબ્જેક્ટ પર કોઈએ ફિલ્મ બનાવી કેમ નહિ એ જ મને પ્રશ્ન થાય છે. જ્યારે કોઈના દિલ-દિમાગમાં 'એક થા ટાઈગર' એવા કપિલ દેવની કપ્તાનીમાં રચાયેલા આ ઐતિહાસિક સબ્જેક્ટ પર ફિલ્મ બનાવવાની 'ટ્યુબલાઈટ' થઈ નહિ, ત્યારે કબીર ખાને કીધું કે, 'ટાઈગર ઝીંદા હૈ' અને બનાવી દિધી '83' મુવી. વાહ મરદ વાહ !

જેણે એ સમયે આ ક્ષણો માણી હશે એમનાં માટે નોસ્ટેલજિઆ જેવું છે મુવી 'ને મારા જેવા જે હોય જેમનો જન્મ ય નહતો થયો એમના માટે તો એ બેક ટુ ધ ફ્યુચર જેવો ટાઈમ ટ્રાવેલ છે. ફરીથી એ જ સમય, એ ક્ષણો, ગાવસ્કર, કે.શ્રીકાંત, મદન લાલ, મોહિન્દર અમરનાથ, યશપાલ શર્મા, સંદીપ પાટીલ, કિરમાણી વગેરેના એ વખતના અનુભવો, એમનો સહ પ્રવાસ, વિપરીત પરિસ્થિતિઓ છતાં કપિલ દેવની વર્લ્ડકપ જીતવાની તાલાવેલી અને અંતે 1983 નો એ વર્લ્ડકપ હાથમાં પકડી ઉભેલા કપિલ દેવ એ દરેક ક્ષણમાં જાણે ત્રણ કલાકમાં ડોકિયું કરવા મળી રહ્યું હોય એવું છે. ઝિમ્બાબ્વે સામેની મેચમાં બધા કેમેરામેન સ્ટ્રાઈક પર હતાં એટલે ટીવી હોવા છતાં યે જે લોકોએ કપિલ પાજીની ઝિમ્બાબ્વે સામેની 175* (નોટ આઉટ) ની માત્ર કોમેન્ટ્રી જ સાંભળેલી, એ બધા માટે '83' મુવી એક રીતે એ ઇનિંગ જોવાનો ચાન્સ છે.

રણવીરસિંહે કપિલકાયામાં એવો પ્રવેશ કર્યો છે કે ફિલ્મમાં એક્ટિંગ કરી હોય એવું લાગતું જ નથી. સાથે પંકજ ત્રિપાઠી હોય પછી તો સોનામાં સુગંધ ભળી જાણે ! બધાનું કામ જોરદાર છે. આખી ફિલ્મ જ 83ના વર્લ્ડકપ પર જ ફોકસ્ડ છે, એટલે દરેકની અંગત જિંદગી કરતાં વર્લ્ડકપ દરમિયાન ટીમના દરેક ખેલાડીઓનું જીવન કઈ રીતે જીવાઈ રહ્યું હતું એના ફરતે જ વાર્તા છે. એના લીધે આખા વર્લ્ડકપની ફરીથી જર્ની જ કરતાં હોય એવું લાગે છે. કબીર ખાને પણ થ્રિડી મુવી બનાવીને આપણને 83ની ટીમની વચ્ચે રાખી દીધા હોય એવું લાગે છે.

'ઈન્ડીયા ઝીંદાબાદ' નારા સ્ટેડિયમમાં લાગે ત્યારે આપણે જ સ્ટેડિયમમાં હોય એ અનુભૂતિ થાય છે અને 'લહેરા દો.. લહેરા દો' એ સોન્ગ તમને એ ક્ષણોમાં ઘોળી દેવા ઉદ્દીપકનું કામ કરે છે. કબીર ખાને કપિલ દેવ અને મોહિન્દર અમરનાથન ને લગતી સરપ્રાઈઝ આપીને એમને ખરેખર માન આપ્યું છે, એટલે જ મેં કીધું કે ડાયરેક્ટરનો ક્રિકેટ કપિલ પ્રેમ હોવો જોઈએ ફિલ્મ બનાવવા પાછળ.

ફિલ્મ થિયેટરમાં જ જોવાની મજા આવે એવી છે અને જોઈ આવવી જ જોઈએ. છતાં એમ પણ થાય છે કે, સ્ટોરી ક્યાંક ક્યાંક કાલ્પનિકતા ઉમેરીને વધુ ઈન્ટરેસ્ટિંગ બનાવી શકાઈ હોત. અમુક સિચ્યુએશનમાં ટેંશન હજુ વધુ ઊભું કરાયું હોત તો ફિલ્મનો કલાઈમેક્સ કે જે ઓલરેડી ખબર જ હતી, એ માણવાની વધુ મજા આવેત. અંતે તો આ ફિલ્મ છે, કોઈ ડોક્યુમેન્ટરી નહિ. એમ પણ લાગે છે કે સ્ટોરી નીતીશ તિવારી જેવાના હાથમાં હોત તો સ્ટોરીને હજી વધુ લાજવાબ બનાવી શકાઈ હોત. થ્રિડી ઇફેક્ટ માટે વધુ એવા શોટ કે સીન ડાયરેકટ કરી શકાયા હોત જેથી 'વાઉ !' ફીલિંગ આવે. ક્યાંક પુષ્પાને કારણે પણ ફિલ્મ પાછી પડી છે એટલે જ લાગે છે કે સ્ટોરી વધુ દમદાર બનાવી શકાઈ હોત.

બાકી જોઈ આવો. પૈસા વસુલ મુવી જ છે. પણ એથીયે વધુ ભારતની આ ઐતિહાસિક જીત માણવા જેવી છે. આખી '83 ની ટીમ માણવા જેવી છે, ખાસ કપિલ દેવને માણવા જેવા છે. માણી આવો.

'83 ના વર્લ્ડકપની આખી ટીમને આ ફિલ્મ દ્વારા એક સન્માન આપવામાં આવ્યું છે. ફિલ્મ જોઈને આખી ટીમને હૈયે ટાઢક વળી હશે એ ચોક્કસ.

લહેરા દો... લહેરા દો...🇮🇳