Vagdana Phool books and stories free download online pdf in Gujarati

વગડાનાં ફૂલો - 1

પોતાનાં જ સમાજના કુ રિવાજો સામે લડતી ત્રણ સ્ત્રીઓનાં જીવનની સંઘર્ષ અને સાહસની અદભુત કહાની. વગડાના ફૂલો.


સીતાપુર ગામમાં અઢારેય વરણ એકબીજાના સુખ દુઃખમાં ભાગ લેતા સંપથી રહે. રળિયામણું ગામડું. અને એમાંય ગામનાં મોભી એવા પરબતભાઈની સાખા એટલે ગામની આબરૂ ,ગામનું નાક કહેવાતું હતું.

પરબતભાઈનું ઉજળું ખોરડું. એની ખાનદાની અને ગામનાં લોકોની કાળી રાતેય સહાયતા કરવાની એની ટેવનાં કારણે પરબતભાઇ
ગામમાં પોતાનો મોભો ટકાવી રાખવામાં સફળ થયા હતા. નાની ઉંમરમાં પરબતભાઈને પરણાવી દીધા હતા. એટલે દીકરા દીકરી જુવાન થયાં છતાંય એના મોઢે ઉમર કાઈ થોડી દેખાઈ.

સાંજના ટાણે ફરિયમાં બેઠા હુકો ગટગટાવી રહેલાં પરબતભાઈને દીકરા કાર્તિક પર અનાયાસે નજર પડી. મુછનો દોરો ફૂટવું ફૂટવું થતો. કર્તિકનો ચહેરો જોઈ પરબતભાઈ દીકરાને યુવાનીના ઉંબરે આવી ઉભાનો અહેસાસ થયો.

" કાર્તિકની બાં , દીકરો જુવાન થયો. હવે એને પરણાવી દવ એટલે શાંતિ. બેય ભાઈ બહેનના લગ્ન એક સાથે કરીને મારે તો નિવૃત્ત થઈ જાવું છે." પરબતભાઈ મૂછે વળ ચડાવતાં બોલ્યા.

પરબતભાઈના પત્ની કળવીબેન ફરિયામાં ચૂલો માંડી રોટલા ઘડી રહ્યા હતા.

" તે તમે નિવૃત્ત થવાનું વિચારી લીધું તે બોવ સારું થયું. ગામને અને તમારા ભાઈ ભાંડેળાને સાચવવામાં આમનેમ જિંદગી કાઢી. તીર્થયાત્રા કરી લઈએ એટલે કઈક આપણું જીવતર સુધરે."
કળવીબહેને રોટલાને ટપાક દઈને તાવડીમાં નાખતાં કહ્યું.

" તે તમારે જાત્રા બાકી સે! " પરબતભાઈ કળવીબહેનને ચીડવતા બોલ્યા. ઓસરીએ માતા પિતાની વાતો કાન દઈને સાંભળી રહેલ કાર્તિક શરમાઈને પોતાના રૂમમાં ચાલ્યો ગયો. પરબતભાઈની દીકરી મેના કાર્તિકને શરમાતા જોઈને હસી પડી. સાથે પરબતભાઇ અને કળવીબહેન પણ ખળખળાટ હસવા લાગ્યા.

પરબતભાઈનો સુખી સંપન્ન પરિવાર જોઈ કોણ માવતર દીકરી દેવાની નાં પાડે. પરંતુ પરબત ભાઈને તો પોતાના ખોરડાંને ઉજળા કરે એવી કન્યા જોઈતી હતી. કર્તિકનાં નસીબે એવીજ છોકરી મળી. પૂનમ!

કાર્તિક અને પૂનમની જોડી તો આસમાનમાંથી લખાઈને આવી હતી. પરબતભાઈને જેવી જોઈતી હતી તેવી જ વહુ મળી. પૂનમે આવતાવેત આખા ઘરનું કામકાજ સંભાળી લીધું. પૂનમ પરબતભાઈ અને કળવીબહેનની સેવાચાકરીમાં પણ કોઈ જાતની ઉણપ ન આવવા દેતી. દીકરી મેના કરતા પણ હવેતો પૂનમના માનપાન વધી ગયા.

કહેવાય છે ને કે કાર્તિક પૂનમ પછી અમાવસ પણ આવે છે. પૂનમના સુખી જીવનમાં જાણે અમાવાના અંધકારની સાથે ગ્રહણ પણ લાગી ગયું.

અષાઢી મહિનો ,ચારે બાજુ કાળા ડીબાંગ વાદળો આકાશે મંડરાઇ રહ્યાં હતા. વાવણીની તૈયારીઓ મેઘરાજાના આગમન સાથે પૂરજોશમાં થવા લાગી હતી. દીકરી મેનાનાં લગ્ન પણ નજીક આવી રહ્યા હતા. લગ્નની તૈયારીમાં બિયારણનું તો મગજમાંથી નીકળી ગયું. અને બંને બાપ દીકરો વરસતા વરસાદે શહેરમાં મોટરસાયકલ પર સવાર થઈ ઘરેથી બિયારણ લેવા માટે નીકળ્યા.

ગાજવીજ સાથે અનરાધાર વરસાદ પડી રહ્યો હતો. સાંજના ચાર વાગ્યા આસપાસ નીકળેલાં કાર્તિક અને પરબતભાઈ રાતના બાર વાગ્યા છતાંય ઘરે પરત ન ફરતાં ત્રણેય સ્ત્રીઓનો જીવ અધ્ધર થઈ ગયો. કળવીબેન હાથમાં છત્રી લઈને બાજુમાં રહેતા પરબતભાઇનાં નાના ભાઈ મોહનભાઈ પાસે ગયા.

" મોહનભાઈ , તમારાભાઈ અને કાર્તિક હજી લગણ ઘરે નથી આવ્યા. એને ફોન કરી પુસી દયો ને. ક્યાં સે એ. "કળવીબહેને ઘરમાં પ્રવેશતાની સાથે કહ્યું.

" ભાભી , આ વરસાદનો ફોન પણ બંધ થઈ ગયો છે. મયુર પણ કઈક કામનું કહી ગયો છે. એનેય ફોન નથી લાગતો ."

" ભાઈ , તમારાભાઈને એક વાર ફોન કરી તો જુઓ ભગવાન કરે ને ફોન લાગી જાય. વાત થઈ જાય તો હૈયે ટાઢક વળે. બાયણે વરસાદ પણ કેવો
વરસે છે. બીક લાગે સે."

" તમે બાયુની જાત. બીકમાં ને બીકમાં મરી જાવ. કંઈ નાં હોય. વરસાદના લીધે ક્યાંક ઊભી ગયા હસે. તમે ચિંતા મેલો ને ઘરે આરામ કરો. કાં ત્રણેય
બાયું આયા આવતીર્યો. વરસાદ શાંત પડશે એટલે એ આવતા રહેશે." મોહનભાઈ બોલ્યા.

" નાં નાં ભાઈ, અમે અમારા ઘરે સુઈ જાશું. તમે ફોન લાગે એટલે મને જરાક કઈ જાજો. " કળવીબહેન
છત્રી ખોલીને ચાલતાં થયા. કળવીબેનના ગયા પછી મોહનભાઈ દરવાજો બંદ કરી જમીનપર પછડાઈ પડ્યા. આવાજ બહાર ન જાઈ એ માટે મોંઢા પર હથેળી દબાવી રડવા લાગ્યાં. તેમને માટે આ રાત જાણે કાલરાત્રિ સમાન હતી.

( શું બન્યું હશે રસ્તામાં પરબતભાઈ અને કાર્તિક સાથે? શામાટે મોહનભાઈ રડતાં હતાં? વાંચો વગડાના ફૂલો ભાગ - ૨)