Vagdana Phool - 6 books and stories free download online pdf in Gujarati

વગડાનાં ફૂલો - 6

કારમીણ પથ્થરો આડે બેસેલી કંચન ડરની મારે ધ્રૂજતી હતી. રાતનો તમરાઓનો અવાજ અને વરસાદી વાતાવરણમાં કંચનના પગનાં પોચા ઉપરથી કઈક સરકી ગયું." કોઈ જનાવર નિહરું લાગે સે. " કંચન ઊભી થઈ કૂવા સામે દોડી. કૂવાપાસે રાખેલ ફાનસનું અંજવાળું કરી જોયું ગોઠણ ગોઠણ જેવડા ઉગી નીકળેલા ઘાસની અંદરથી સળવળાટ થતો દેખાયો.

"જનાવર હતું. અભાગણને ડંખે નાં માર્યો." કંચન છાતીએ હાથ પછાડતી કૂવાની પાળે બેઠી. રવજીની યાદોને સંભારતી એણે આંખો બંધ કરી . ત્યાં કોઈનો હાથ પોતાના ખંભે સ્પર્શ્યો. કંચન ઝબકી એનું સંતુલન ખોરવાયું અને સુધી કૂવામાં જઈ પડી.જોરદાર ધબાકો થયો. એ ધબકાનો આવજ રાતનાં શાંત વાતાવરણમાં ઘર સુધી પહોંચ્યો.
મોહન રઘવાયો થઈ ગયો. કોઈ જોઈ જશે તો એ ડરથી એ ભાગ્યો પાછળની દીવાલ ઠેકીને સીધો ભાગ્યો બજારે ગામડાની બજારું અંધારું થતાની સાથે સુમસાન થઈ જાય એવામાં આખી બજારનાં માલિક પોતે હોય એમ ગામનાં કૂતરાઓ પોતાના અંદાજે ભોંકી રહ્યા હતા. પોતાને કોઈ જોઈ ન જાય એમ ચોરપગલે મોહન બારમાસી દારૂની ભઠ્ઠી પાસે જઈ પહોંચ્યો. એના જેવા પાંચેક બંધાણી હજુ બેઠા હતા એની સાથે મોહન પણ જોડાયો.

" લા! મોહના તું અતારે! કોઈ 'દી નઇ ને આજે કેમ ભાઈ વધારે બંધાણી થવાનો ઈરાદો સે કે."
એકી સાથે ખડખડાટ હસવાનો આવાજ ગુંજી રહ્યો. રાતનાં શાંત વાતાવરણમાં હસવાનાં પડઘા ક્યાંય સુધી આઘા સંભળાઈ રહ્યા.

"તે તમારા બાપાનું એકલાનું સે. તે તમને પુસીને મારે આવવાનું સાનામાના બેહો!" મોહન ઘુરકિયું કરતો બોલી રહ્યો હતો. મદિરાપાનની તાકાત મોહનના રગેરગમાં ઉછાળા મરવા લાગી. એ નશામાં મગરૂર બની ભૂલી ગયો કે પોતે અહીં કેમ આવ્યો હતો.

આ તરફ કૂવામાં પડવાનો આવાજ જમકુમાનાં કાને પડયો. એ ખાટલામાંથી સફાળા બેઠા થઇ ગયા. સામે કાંચનની ખાલી પથારી જોઈ મનમાં ધ્રાસકો પડ્યો."ફટ્ટ! રાં'ડ ઘર ગધેડે ચડાવા બેઠી સે . કડવી એ કડવી ઊભી થા ઓલીએ કૂવો પૂર્યો લાગે સે."

ફાનસના આછા અંજવાડામાં" મોહન! એ મોહના. આ રોયોયે આતર ઢિંચવા ઉપડી ગયો લાગે સે. તે ધરાર ફળીમાં ખાટલો લીધો. "જમકુમા બબડતા ચાલ્યા જતા હતા. કડવીબેન દોડીને કૂવા પાસે પહોંચીને જોયું તો કંચન જીવ બચાવવા કૂવામાં હાથ પગ મારી રહી હતી.

"કોને બરકુ આતારે મોહનભાઈ પણ નથી."

" મૂંગી મર! બરકવાવારી થઈ તે. ફજેતો કરવો લાગે સે તારે. હળી મે'લ ને ગમાણમાંથી રાસ પઇડી સે લેતી આયવ."

કંચન કૂવામાંથી બહાર નીકળવા માટે તરફડીયા મારી રહી હતી. જમકુમાએ ફાનસ કૂવાની પાળ ઉપર મૂક્યું. ને રાસ કૂવામાં કંચન બાજુ ફેંકી." આ બાજુ જો હામે પગા સે. હાયલી આયવ્." જમકુમાં કંચનને માર્ગદર્શન આપવા લાગ્યા. કંચને બંને હાથેથી કચકચાવીને રાસ પકડી કૂવાની દીવાલે ચણેલા પગાઓ પર સાંભળતી એક પછી એક પગ મૂકી એ બહાર આવી. હાથપગ પછાડતી તરફડીયા મારતી કંચન હાંફવા લાગી. એણે કૂવાની પાળ પકડીલીધી. પાણીથી નીતરી રહેલી કંચનના શરીરનો પરસેવો પણ એમાં ભળી ગયો. કડવીબેને હાથ ખેંચી બહાર કાઢી. કંચન કૂવાની પાળ ઉપર બેઠી ન નથી ત્યાતો જમકુંમા એ એને સીધી જમીનદોસ્ત કરી નાખી. ઢીકા પાટા ગડદા અને પછી લાકડાની મજબૂત ડાંગ! અષાઢમહિનાનાં વરસાદની જેમ ધોધમાર વરસવા લાગ્યું.

કંચન મૌન હતી. એના પર પડી રહેલાં ઢોરમાર શામાટે એ પથ્થરની જેમ સહન કરી ગઈ. મોઢામાંથી એક પણ હરફ ઉચ્ચાર્યા વગર એ સજજડ નેત્રે કડવીબેન સામે જોઈ રહી. જમકુમા માર વરસાવતા થાકી ગયા. એટલે મોઢામાંથી એને હરરોજની માફક અમૃતવાણી શરૂ કરી. માં, ભાઈ, બાપ સુધીની ગાળો તો એ રોજ સાંભળતી. આજે તો રવજીના મરણનું કારણ પણ કંચનને ઠેરાવી.

"કોઈ સ્ત્રી એના ધણીને મારી નાખે!.મારી શકે ખરી. હાથે કરીને આ રંડાપો વહોરી લેવા કોણ રાજી હોય." કંચન કોરી આંખે કડવીબેન સામે જોઈ રહી. કંચને મનોમન કરેલો સવાલ જાણે કડવીબેનના હદય સોંસરવો ઉતરી ગયો. અને કડવીબેનની આંખો સામે ભૂતકાળનાં એ દિવસોમાં પહોંચી ગયા જ્યારે રવજી માટે કંચનને જોવા ગયેલા.

કેવી કેવી તે મોટાઈની વાતો કરેલી જમકુંમાએ!!! કડવીબેનનાં માનસપટલ ઉપર એક પછી એક તસવીરો ઉપસવા લાગી.

( ક્રમશ.)