Vagdana Phool - 3 books and stories free download online pdf in Gujarati

વગડાનાં ફૂલો - 3

પરબતભાઇ અને કાર્તિકની અંતિમક્રિયા પતાવી ત્રણે સ્ત્રીઓ પોતપોતાના ખૂણા પકડી બેઠી હતી. પરિસ્થિતિ કોણ કોને સહારો આપે એવી હતી. માટે ત્રણેયે પોત પોતાની રીતે જીવતા શીખી લીધું. પંદર દડાનો સમય રેતીની માફક કેમ પસાર થઈ ગયો એ ખબર ન રહી. ત્રણેય એક બીજાના મોંઢા જોઈ બેઠી હતી. આંસુઓ ક્યારનાય સુકાય ગયા હતા. હવે તો કોરી ધાકાળ આંખોમાં જીવન કેમ પસાર કરવું એની ચિંતા દેખાતી હતી. કડવીબહેનનાં હોઠ પૂનમને કઈક કહેવા મટે ફફડ્યા ન ફફડ્યા એવામાં મોહનભાઈ હાથમાં ત્રિકમ અને કોસ લઈને આવ્યા. પાછળ લાકડીના ટેકે જમકુમાં પણ ચાલ્યા આવતા હતા.

મોહનભાઈ અને જમકું માં નું આવવાનું કારણ કડવી બહેન સમજી ગયા હોવા છતાંય ચૂપ રહ્યા.

" પૂનમ તું અંદર જઈને વાળુંની તૈયારી કર." કડવી બહેન પૂનમને રસોડામાં ધકેલતા બોલ્યા.

પૂનમ અને મેના બંને રસોડામાં જઈને બેસી ગઈ. " બા નહિ સમજે." મેનાએ મનમાં બબડતા ચૂલામાં બળતણ નાખ્યાં.

"ચૂલામાં દેવતાએ નથી. " મેનાએ ચૂલામાં કેરોસીન નાખી અગ્નિ પ્રગટાવ્યો. ને કેરોસીનની ગંધ જમકુમાં નાં નાક સુધી પહોંચી ને જમકુમાં બરાડતા બોલ્યા." કડવી! દેવતા રાખમાં ઢબૂર્યા નોતા. તે તારી વોવે કેરોસીન નાખ્યું. મારા દીકરાઓનું આમ જ નખ્ખોદ કાઢ્યું તમે. તું એ ઘરડી આખી .."

" બા તમે ને મોહનભાઈ અટાણે કેમ કોઈ કામ હતું? " કડવીબેને જમકૂમાંની વાત કાપતાં કહ્યું .

" તે ને તારી વોવે રન્ડાપો લીધો સે. હવે અમારે તો ઉપાદી ને મને તો જીવતા મહાણ બતાવ્યું તમે બેય થઈને હવે સે એને તો જીવવા દયો." જમકુમાં કટાક્ષ કરતા બોલ્યા.

" એમાં એમનો સો વાંક." મેના રસોડામાંથી દોડી આવી.

" કેવા કરમની સે. આવતા મહિના દી માં તો ઓટલોવાળી દીધો. " જમકુમાંનાં તલવાર સમાં શબ્દોનીધાર પૂનમના કાળજાની આરપાર નીકળી ગઈ.

વાતને વણસતી અટકાવવા મોહનભાઈ આગળ આવ્યા." ભાભી આજે દીવાલ તોડી નાખું!" મોહનભાઈ ફળિયામાં રાખેલ ખાટલે બેસતાં બોલ્યા.

" કેમ ભાઈ શું થયું ?"

" ભાભી નાતના રિવાજ સે એટલે હવે તમારાથી કે પુનમવહુથી ઘરની બહાર થોડું નીકળાય. એટલે વચ્ચેની દીવાલ તૂટી જાશે તો તમારે પણ થોડી મોકળાશ રહેશે. "

કડવીબહેન ભાવ વિહિનચહેરે મોહનભાઈ સામે તાકી રહ્યા. ભાઈ દીવાલ તોડતા પહેલાં "અમને પૂછો તો ખરું આ મારું ઘર છે. " કડવીબહેનનાં શબ્દો જાણે મોહનભાઇના દિમાગમાં તમ્મર ચડાવી ગયા. છતાંય ગુસ્સા પર કાબૂ રાખી બોલ્યા" ભાભી તમને આપણા રિવાજની તો ખબર છે ને? તમારાથી કે પૂનમવહુથી હવે બહાર નહિ નીકળાય. આ તમારા ખેતરના કામ સંભળવા , અને બીજા પણ ઘણા કામ હોયને મારે એમાં તમારું ધ્યાન કોણ રાખે . વચ્ચેથી દીવાલ તૂટી જાશે તો મારે પણ થોડું સહેલું રહેશે."

રિવાજ! શબ્દ મેનના કાનમાં ઘોંઘાટ જેવો લાગ્યો. " કાકા રિવાજના કારણે અમારે જીવવાનું નહિ એમ જ ને! અમારી માથે પડી એ અમે જ જાણીએ છીએ એમાંય આવા રિવાજ અમારી માથે થોપી ને શાકારણે અમારા કાળજા વધારે બાળો સો."

" બા! હુ કહેતો હતો ને બાયું નહિ હમજે તમેય નાહકના મને અહી લઈ આવ્યા." ખાટલે નીચું જોઈને બેઠેલા જમકુબા તરફ જોઈ મોહનભાઈ બોલ્યા.

" એલી એય ! વેવલીનીથા મા ને મોહન કે એમ કર . મારેય નાતમા રેવું સે. કોઈ કામ પડ્યું તો કેને કેવા જાહો દીવાલમાં બાકોરું હૈસે તો ઘરે આવવા થાહે. બાકી ખબરદાર જો તમે બેય માંથી એકોય ડેલીની બાર પગ મુયકો તો હું હજીયે પેલા જેવી જ જમકુ સુ એ ભૂલતા નઇ. કડવી તને તો ખબર સે ને. સમજાવી દેજે તારી સોળી અને વહુને. " જમકૂમાં તડુક્યા.

" બા મને કહો તો ઠીક પણ પૂનમ! એનો શો દોષ? " કડવિબેને આંખોના ખૂણા લૂછતાં કહ્યું.

" તો હું જુવાનજોધ વિધવાને ગામમાં રખડવા દવ!" જમકુમાના શબ્દો તરડાઈ ગયા.

" બા ! " કડવીબહેને ઓસરીમાં ટેકે રાખેલા લાકડાના થાંભલા ઉપર હાથ પછડ્યો. થાંભલાની ખીલી કડવિબહેનની હથેળીની આરપાર થઈ ગઈ. હથેળીમાંથી નીકળતું લોહી જાણે એની આંખોમાં ઉતરી આવ્યું હોય એમ કડવીબહેન જમકુમાં સામે જોઈ રહ્યા. "

મેનાએ માં તરફ દોટ મૂકી . પોતાને ખંભે રાખેલ ચૂંદડીને કડવીબહેનની હથેળીએ વીંટતા બોલી." બા કામકાજ હશે તો હું જઈ આવીશ. એમાં શું તમે આજે દીવાલ તોડવાનું રહેવા દો. "

" મોહનીયા હાલ હવે ઘરભેગો થા. આ નઇ માને. કડવી પેલેથી કડવી જ સે. "

કડવી બહેન સમસમી ઉઠ્યા. પણ પોતાના નિર્ણય પર અડીખમ હતા. એ જાણતા હતા બે ઘર વચ્ચેની દીવાલ તૂટી તો પોતાના હાથ હંમેશ માટે ઓશિયાળા થઈ જાશે.

મોહનભાઈ ગુસ્સો પી ગયા અને ત્રાસી આંખે કડવીબહેન તરફ જોતા જમકુંમાની સાથે બહાર નીકળી ગયા જમકૂમા જતા જતા બબડ્યા" દીકરાઓને તો ખાઈગ્યું હવે આપણાં હવના જીવ લેવા ઊભી થયું સે."

પૂનમ સાસુની વાત સમજી ન શકી. શા કારણે એ દીવાલ તોડવા માટે મનાઈ કરી રહ્યા છે. ગડમથમાં જમીન તરફ નજર ઝુકાવી રડી રહેલી પૂનમના માથે કડવી બહેને મામતળો હાથ મૂકી કહ્યું. " બેટા પૂનમ આમ રડીને જિંદગી ન જીવાય આપણે તો વગડાના ફૂલો છીએ. સમાજના બગીચામાં આપણે અસ્તિત્વ ટકાવવું અઘરું છે. એના માટે હિંમત જોશે આંસુ નહિ. "


વહેલી પરોઢનાં સૂરજના કેસરી અંજવાળામાં ફળિયામાં ધબાકો થયો. અવાજ સંભળાતા પૂનમ અને મેના ઝબકીને જાગી. જોયું તો પાસેની પાથરી ખાલી હતી.

" બા અટાણમાં હુ કરે સે." મેના પથારીમાંથી ઊભી થઈને ઉંબરે ઊભી બોલી.

કડવીબહેન ફળિયાની ડાબી બાજુએ આવેલા દેશીનળિયાથી સજજ એકઢાળીયામાંથી ખેતઓજારો ફળિયામાં મૂકી રહ્યા હતા.

" એ બાં તું હવાર હવારમાં હુ કરે સ. આ હાંધુય કાં બારે કાઢે સે? "

" જટ દાતણ પાણી કરી ને તું એ હાયલ એટલે વેલું પતે." કડવીબેન ખપારીનો ઘા કરતા બોલ્યા.

પૂનમ સાડી સંકોળતી કડવીબહેન પાસે ઊભી રહી ગઈ. " બા આ હંધુય ! "

" તું રોટલાની તૈયારી કર. ખેતરે જવું સે. વાવણી બાકી સે. " વેવાઈ પણ આજે આવશે મેનાનાં લગન હમજવા. "

" ફોન આવ્યો તો બાં? " મેના સહેજ શરમાઈ

" મે કયરો તો કાયલ. એ આજનું આવાનું કેતા તા. તે વાવણીનું કામ પૂરું કરી લઈએ. એટલે આપણે તારા લગન હુધી નિરાંત."

" કોણ વાવશે. મયુર કે મોહનકાકા " મેના અચકાતાં બોલી. જીદે ચડેલા કડવીબેન સામે મેના આંખ ન માંડી શકી.

" પૂનમ કે તારા હાથ હજી સલામત સે ને. તો બીજુ કોઈ શીદને વાવે ખેતર મારા ધણીનું સે હમજી તે બીજા વાવે. " સવાર સવારમાં કડવી બેનનો અવાજ છેક મોહનભાઇના ઘર સુધી પહોંચ્યો. એટલે તારીમારી કરવામાં પાવરધા પૂરીબેન છત ઉપર ચડીને કડવિબહેનના ઘર તરફ ડોકાયા. ફળિયામાં પડેલા લોઢાઓ અસ્તવ્યસ્ત પડેલા જોઈ આખી વાતનો તાગ પામી ગયા. અને પહોચ્યાં જમકુંડોસીના કાન પાસે.

( ક્રમશ..)