Vandana - 18 books and stories free download online pdf in Gujarati

વંદના - 18

વંદના- 18
ગત અંકથી ચાલુ...

થોડી વાર સુધી તો ઓરડીમાં મૌન પથરાઈ ગયું. મારા દાદી મને પોતાના ખોળામાં બેસાડીને એવી રીતે જકડીને રાખી હતી જાણે તે લોકો હમણાં જ મને એમની પરવાનગી વગર તેમનાથી દૂર લઈ જશે. મારું મન પણ એક અજીબ ડર થી ઘેરાયેલું હતું. હું પણ મારા દાદીથી દુર જવા તૈયાર હતી જ નહી. કેટલું અદભુત દર્શ્ય હતું એ મારા દાદીની હું ઢીંગલી એમના ખોળામાં મારી ઢીંગલી સાથે રમતી હતી. એ પ્રેમમાં કેટલું વાત્સલ્ય હતું. એમના આલિંગન ની હુંફ હું આજે પણ મહેસૂસ કરું છું. એ સ્પર્શમાં પણ મને માની મમતાનો અહેસાસ થતો હતો.

થોડીવાર પછી ફરી એ દંપતિએ મારા દાદીને સમજાવવાની કોશિશ કરતા મૌન તોડ્યું" બા માફ કરજો નાના મોઢે મોટી વાત કહેવા જઈ રહ્યો છું પણ શું તમારી પાસે એટલી મૂડી છે એટલા પૈસા છે કે આ બાળકીને એક સારું જીવન આપી શકે? એના ભણતરનો કે લગ્નનો ખર્ચ ઉપાડી શકે? શું આ ઉંમરમાં તમે કામ કરી શકશો? એના માટે તમારે કોઈની તો મદદ લેવી જ પડશે ને તો પછી અમારી કેમ નહી? માનીલો કે આ પ્રભુનો તમારા સ્વામિનારયણ ભગવાનનો જ નિર્ણય છે. કે આ દીકરીના ભવિષ્યને ઉજ્જવળ બનાવવા જ અમને આ રીતે નિમિત્ત બનાવ્યા હશે"...

બે ઘડી મારા દાદી સ્તબ્ધ બનીને તે દંપતિને સાંભળી રહ્યા. તેમની વાત સાંભળીને મારા દાદીના ચહેરા પરની મૂંઝવણ સ્પષ્ટ વર્તાતી હતી. તેમનો ચહેરો ફિક્કો પડી ગયો. થોડીવાર તે કઈક ઊંડા વિચારોમાં સરી પડ્યા. ફરી એજ ભયંકર મૌન પથરાય ગયું ..

" બોલોને બેન બા છે તમારી પાસે પૈસા આ દીકરીને ભણવાના કે એને પરણાવવા માટે એટલી મૂડી તમારી પાસે છે ખરા? " લીલાબાએ મૌન તોડતા કહ્યું..

મારા દાદીના આંખમાંથી આંસુ છલકાય આવ્યા. એક ઊંડો નિઃસાસો નાખતા બોલ્યા" વંદનાની માતા જે શેઠને ત્યાં કામ કરતી હતી તેમને તે રાતે વંદના અને તેની માતા બંગલા માંથી ચોરી કરીને ભાગી ગયાનો આરોપ લગાવ્યો હતો. મને કે વંદનાના દાદાને તો આ એકસીડન્ટની ખબર જ નહોતી. પરંતુ બીજા દિવસે અચાનક ચાર પાંચ ગુંડા જેવા લાગતા માણસો ઘરે આવીને વંદના અને તેની માતાને શોધવા લાગ્યા. મને અને વંદનાના દાદાને ધમકી આપતા કહ્યું કે " બોલ ઓ બુઢિયા તેરી બહુ ઔર પોતી કો કિધર છુપાકે રખા હૈ. બોલ જલ્દી નહી તો તેરી ગરદન ઇધર હી જ તોડકે રખ દુંગા. તેરી બહુ ઔર ઉસકી બેટી દોનો હમારે શેઠ કે મકાન સે પૈસા ચૂરાંકે ભાગી હૈ. સાલા જીસ થાલીમે ખાયા હૈ ઉસિમે છેદ કિયા હૈ. ઉસકો છોડેગા નહી, કિધર હૈ બોલ" અમે એ લોકોની સામે કેટલી આજીજી કરી એ લોકોને કહ્યું કે એમને કઈજ ખબર નથી છતાં પણ એ લોકો માનવા જ તૈયાર નહતા. અંતે તે લોકો આટલા વખતમાં શેઠે આપેલું બધુજ જે કંઈ પણ મૂડી ભેગી કરી હતી એ બધી જ એ લોકો લઈ ગયા. વંદનાના દાદાને તો ખૂબ માર માર્યો. અમે તો સાવ નિરાધાર થઈ ગયા હતા. અમે પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી પણ પોલીસ અધિકારીઓ પણ એમાં મળેલા હતા. અમારી પાસે ખાવાના પૈસા પણ રહેવા દીધા નહીં. દિવસ- રાત અમે બંને આ માં દીકરી ક્યાં હશે સતત એ ચિંતામાં રહેતા. ત્યાં જ ચોથે દિવસે તમે આવ્યા વંદનાની માતાના મૃત્યુના સમાચાર લઈને. વંદનાના દાદા એ સમાચાર સહી શક્યા નહીં. તેમને હાર્ટ એટેકનો હુમલો આવ્યોને ત્યાં જ......."

દાદીમા ત્યાં જ બોલતા બોલતા અટકી ગયા. તેમની આંખો માંથી તો જાણે શ્રાવણ ભાદરવો વહેવા લાગ્યો. લીલાંબા એ તેમને છાના રાખતા કહ્યું કે " બેનબા રડો નહી આમ હિંમત ન હારો કદાચ સ્વામિનારયણ ભગવાનની પણ આ જ મરજી હશે.

" હા બા અને વંદનાની માતા એ પણ આમને ચેતવ્યા હતા કે જો આ છોકરી અહીંયા રહશે તો એનો શેઠ આ છોકરીને જીવતી નહી મૂકે. એટલે જ કહું છું બા તમને મારી વિનંતી છે. કે તમે બંને મારી સાથે ચાલો હું તમને બંનેને સાચવીશ." તે દંપતિએ લીલાબાની વાત અટકાવતા કહ્યું..

"ના ના હું તો અહીંયા જ મારા પ્રભુની સેવામાં બાકીનું જીવન વિતાવવા માંગુ છું. પણ જો વાત વંદનાના જીવન મરણની હોય તો તમે વંદનાને લઈ જઈ શકો છો. પરંતુ હું તો અહીંયા જ રહીશ." મારા દાદીને પણ હવે કોઈ ઉપાય ના સૂઝતા મને લઈ જવાની પરવાનગી આપતા બોલ્યા..

પરંતુ મે તો આ સાંભળીને જાણે પોક મુકીને રડવાનું ચાલુ કર્યું. " દાદી હું તમને મૂકીને ક્યાંય નહી જાવ." એમ કહેતા દાદી થી રિસાઈને ખૂણામાં મારી ઢીંગલી લઈને બેસી ગઈ.

"ભાઈ હું માનું છું કે બે ઘડી હું પણ મારા પૌત્રીના પ્રેમના મોહમાં આંધળી થઈ ગઈ હતી. પણ સત્ય હું પણ જાણું છું. તે શેઠના માણસોએ પણ અમને ધમકી આપી હતી કે જે દિવસે વંદના અને તેની માતા એમના હાથમાં આવશે ત્યાં જ એ લોકોને મારી નાખશે. અને એ શેઠના માણસોએ કોઈ વંદનાની માતા એ કરેલા કોન્ટ્રાક્ટ વિશે પણ વાત કરી જેમાં લખ્યું છે કે વંદનાની માતા શેઠની મરજી વિરુદ્ધ એ બંગલાનું કામ કે આ શહેર છોડીને નહી જઈ શકે. જો એ એવું કરશે તો એ લોકો વંદનાને નુકશાન પહોંચાડશે. હું બધું જાણું છું પણ વંદના જતી રહે તો આ ઘડપણમાં મારું કોણ? અને રહી વાત એ શેઠની તો મે વિચાર્યુ હતું કે વંદનાને લઈ હું ક્યાંય દૂર જતી રહીશ જેથી એ લોકો અમારા સુધી પહોંચી શકે જ નહી. પરંતુ આ ઉંમરમાં કઈ રીતે હું એને ભણાવવાના પૈસા લાવીશ એ વિચાર્યું જ નહોતું. બસ આગળ સ્વામિનારાયણ ભગવાનની જેવી મરજી એવું વિચારીને હું મારી દીકરીને મારાથી દુર કરવા નહોતી માંગતી. પણ જો ક્યાંક નસીબે ઠોકર મારી ને જો વંદના એ લોકોના હાથમાં આવી જશે તો એ લોકો મારી દીકરીને મારી નાખશે તો? એવો તો વિચાર પણ ના કર્યો. ના ના તમે લઈ જાવ એને અહીંયાથી હું નથી ચાહતી કે મારી દીકરીને કોઈ ઉની આંચ પણ આવે."મારા દાદી એ તે દંપતીને વિનંતી કરતા કહ્યું..

બને દંપતિના ચહેરા પર ફરી ખુશીની લહેર પથરાઈ ગઈ. બંનેએ મનોમન હાશકારો અનુભવ્યો. બંને એકબીજાની સામે જોઈ સ્વામિનારાયણ ભગવાનનો આભાર માનવા લાગ્યા. પરંતુ હું હજી પણ મારી બાળહઠ લઈને બેઠી હતી કે હું મારા દાદીને મૂકીને ક્યાંય નહિ જાવ. મારા દાદી ધીરેથી મારી પાસે આવ્યા અને પોતાનો પ્રેમાળ હાથ મારા માથા પર મૂકતા બોલ્યા" બેટા વંદના મારી ઢીંગલી તારે આ લોકો સાથે જવું જ પડશે. આ તારી માતાનો આદેશ છે ને તું તો મારી ડાહી દીકરી છો ને જો હું તને અવાર નવાર ત્યાં મળવા પણ આવીશ. પણ તારે તારી માતાનું સપનું પૂરું કરવાનું છે તું ભૂલી ગઈ. તારી માતા એ પેલા રેકર્ડમાં શું કહ્યું હતું કે તારે ભણી ગણીને મોટી ઓફિસર બનવાનું છે અને તારી માતા જેવી મજબૂર સ્ત્રીઓની મદદ કરવાની છે. તું કરીશને એનું સપનું પૂરું? અહીંયા રહીશ તો કદાચ એ લોકોની તું શિકાર બની જઈશ. અને તારી દાદીનું આ ઘરડું શરીર હવે ક્યાં સુધી સાથ આપશે. જો મને કંઈ થઈ ગયું તો તારું શું થશે તારું જીવન રખડી પડશે. એટલું કહેતાં મારા દાદી મને પોતાની છાતી સરસી ચાંપી દીધી ને તેમની આંખોમાંથી અશ્રુધારા વહેવા લાગી..

એ પછી લીલાબાએ સ્વામિનારાયણ ભગવાન ની સાક્ષીમાં મને તે દંપતિ ને સોંપી દીધી. મારા દાદીએ પણ મને વચન લેવડાવ્યું કે હું આ સમાજ માટે એવું કંઈ કામ કરી બતાવીશ જેથી આ દેશની સ્ત્રીઓ ને મારી માતા જેવી પરિસ્થિતિથી લડવું ના પડે અને તેમને સમ્માન ભર્યું જીવન મળી રહે. અને મારા નસીબ તો જુઓ કે તે દંપતિ પણ એક એનજીઓ માટે જ કામ કરતા હતા. એટલે જ હું તેમની પાસે સલામત રહીશ એવા વિશ્વાસથી મારા દાદીએ પોતાના કાળજા ઉપર પથ્થર મૂકીને મને વિદાય આપી હતી. એ દ્રશ્યો યાદ કરું તો આજે પણ આંખોનાં ખૂણા ભીના થઈ જાય છે. વિદાય વખતે દાદીની એ ભીની આંખો આજે પણ મને બરાબર યાદ છે..
એટલામાં અચાનક અમનના ફોનની રીંગ વાગે છે ....

ક્રમશઃ