Innocent books and stories free download online pdf in Gujarati

બેકસૂર

બેકસૂર

રાકેશ ઠક્કર

પોલીસ ઇન્સ્પેક્ટર રાજકુમાર આજે રંગીન મિજાજમાં હોય એમ લાગતું હતું. તેમના મોબાઇલમાં જૂની ફિલ્મોના રોમેન્ટિક ગીતો વાગી રહ્યા હતા. ત્યાં તેમનો મિત્ર અખિલ ત્યાં આવી પહોંચ્યો. તે રાજકુમારના મોબાઇલમાં વાગતું "હમ-તુમ ઇક કમરે મેં બંધ હો... ઔર ચાબી ખો જાય...." ગીત સાંભળીને નવાઇ પામ્યો. અને આવતાંવેત જ બોલ્યો :"રાજ શું વાત છે? ભાભીની યાદ આવે છે કે કોઇ બીજીની?"

"નાલાયક! આવતાની સાથે જ આવા સવાલ કરીને મને ફસાવવા માગે છે? બીજીની યાદ કહું તો હમણાં તું તારા ભાભીને કહી શકે અને ખરેખર તારા ભાભીની કહું તો ચાલુ નોકરીએ ગાયનો સાંભળે છે એમ લોકોને કહેવા માટેનો મોકો શોધે છે કે શું?"

"અરે! ના-ના આ તો બે ઘડી ગમ્મત. અહીંથી પસાર થતો હતો એટલે થયું કે ચાલ મળતો જાઉં. તું તારા કેસના લફરામાં ક્યાંકને ક્યાંક ફરતો હોય એટલે મુલાકાત થતી નથી...." અખિલે મુદ્દાની વાત કરી.

"હં...તો પછી બીજા લફરાનો તો સમય જ ક્યાંથી મળવાનો ખરું ને?" કહી રાજકુમાર હસી પડ્યો. અને પિયુનને બોલાવી બે કડક ચા મંગાવી.

"યાર, તું સ્વભાવથી કડક છે અને ચા પણ એવી જ પીવે છે. એટલે મારે પણ એવી જ પીવાની?" અખિલે મીઠી મજાક કરી.

"એ કડક અને મીઠી લાવશે. જવા દે ને, એક અઠવાડિયાની ભારે કડકાઇ પછી પણ એક કેસ સોલ્વ થતો નથી. તને તો ખબર જ છે કે કેસ પૂરો ના થાય ત્યાં સુધી મારું મગજ એના વિશે વિચારતું બંધ થતું નથી. આ ગીત સાંભળવાનું કારણ એ જ છે. એક બંધ કમરામાં બનેલા બનાવનો કેસ બરાબર મથાવી રહ્યો છે. એના રહસ્યની ચાવી શોધી રહ્યો છું. અને "તેરે નૈનો કી ભૂલભુલૈયા મેં બોબી ખો જાય..." ની જેમ હું ખોવાઇ રહ્યો છું."

"અચ્છા! બહુ ઇન્ટરેસ્ટીંગ વાત છે?" અખિલને કેસ જાણવાની ચટપટી થઇ.

"હા, પણ તારી પાસે સાંભળવા.... છે ને?"

"અરે, હિંમત અને શક્તિ મારી પાસે ઘણી છે. મેં ઘણી હોરર વાર્તાઓ વાંચી છે..."

"મજાક કરું છું! હું સમયની વાત કરું છું...."

"અરે! તારા માટે તો મિનિટો નહીં કલાકો કુરબાન છે..."

રાજકુમારે અખિલ સાથે વધારે મસ્તી-મજાક કરવાને બદલે કેસની વિગત કહેવાનું શરૂ કરી દીધું:"ગયા અઠવાડિયે એક દંપત્તિ આવ્યું અને પત્નીએ તેના પર એક વ્યક્તિએ બળાત્કાર કર્યો હોવાની ફરિયાદ નોંધાવી. ગુનો ગંભીર હતો. તરત જ તેને હોસ્પિટલમાં લઇ જવામાં આવી. ડોકટરે તપાસ કરીને રીપોર્ટ આપ્યો કે તેના પર બળાત્કાર થયો છે. ડોક્ટરે તેના સેમ્પલ પણ લઇ લીધા હતા. હવે એ મહિલાએ જે પુરુષ પર બળાત્કારનો આરોપ મૂક્યો છે એ શહેરનો જાણીતો જ્વેલરીનો વેપારી છે. એક વર્ષ પહેલાં તેના લગ્ન થયા હતા અને તેનું લગ્નજીવન સુખી છે. તેણે આ વાતનો ઇન્કાર કર્યો હતો. પણ બધા જ પુરાવા તેની વિરુધ્ધ જઇ રહ્યા છે, મેડિકલ ટેસ્ટના પુરાવા પરથી જ કેસ તો સાબિત જેવો થઇ ગયો છે. તેના સ્પર્મ અને પેલી મહિલાના ગુપ્ત ભાગ પરથી મળેલા સ્પર્મ એક જ હતા. તેણે મોટો વકીલ રોકીને જામીન મેળવવાનો પ્રયત્ન કર્યો તો પણ મળ્યા નથી. એણે મને સો વખત કહ્યું કે હું બેકસૂર છું. મને ફસાવવાનો પ્રયત્ન થયો છે. પણ હું પહેલી વખત લાચાર બન્યો છું...."

"એ વેપારી પોતાને બચાવવા તને ખોટું કહેતો હોય એવું ના બને?"

"ના, તેની વાત પરથી મને એવું ચોક્કસ લાગે છે કે તેને ફસાવવામાં આવ્યો છે. તેનો એવો દાવો છે કે મહિલાએ જે સમયે તેના પર બળાત્કારનો આરોપ મૂક્યો ત્યારે એ પોતાનું ઝવેરાતનું કામ કરતો બેઠો હતો. એ મહિલાને તેણે હાથ જ લગાડ્યો નથી. તેની પત્ની કોઇ પ્રસંગ હોવાથી બે દિવસ માટે પિયર ગઇ હતી. તેને તો પોલીસ ઘરે આવી ત્યારે પોતાના પરના આરોપની ખબર પડી. પણ અમે તેના બંગલાના સીસીટીવી કેમેરા ચેક કર્યા ત્યારે ફરિયાદી મહિલા તેના બંગલામાં જતી દેખાય છે. એ દિવસે પત્ની ઘરે ન હોવાથી તેને કામ કરવા બોલાવી હતી. આમ તો એ કામવાળી દિવસે જ જાય છે. અને તે દુકાને હોવાથી તેની ભાગ્યે જ તેની સાથે મુલાકાત થાય છે. એ દિવસે બપોરે કોઇ ન હોવાથી કામવાળી સાંજે આવી હતી. આ બાબતે પત્ની કહીને ગઇ હતી. ત્યારે તેની એકલતાનો લાભ લઇ વેપારીએ કૃત્ય કર્યું હતું એવો આરોપ છે. તેનું કહેવું છે કે તે બહુ ઇમાનદાર માણસ છે. સમાજમાં તેનું પ્રતિષ્ઠિત વ્યક્તિ તરીકે નામ છે. તે આવું દુષ્કર્મનું કૃત્ય કરી શકે જ નહીં. તે પોતાની પત્ની સાથે સુખી છે. તેનું અંગત જીવન પણ બરાબર છે. હવે બધા જ પુરાવા જ તેને ગુનેગાર સાબિત કરી રહ્યા હોવાથી હું કંઇ કરી શકવા અસમર્થ છું...."

"રાજ, મને ખબર છે ત્યાં સુધી કોઇપણ કેસમાં તેં આજ સુધી ખોટા માણસને સજા થવા દીધી નથી. તેં પડકારરૂપ ઘણા કેસને બીરબલ કે તેનાલીરામા જેવી બુધ્ધિથી ઉકેલી કાઢ્યા છે. મને ખાતરી છે કે તું આ કેસ પણ સાચી રીતે ઉકેલી નાખીશ. કોર્ટ ભલે વેપારી વિરુધ્ધ ચુકાદો આપે પણ જ્યારે તારા દિલને થશે કે ના વેપારી જ ગુનેગાર છે તો જ તું એ કેસ તારા માટે બંધ થયેલો સમજીશ એ હું જાણું છું. મેં ઘણી એવી રહસ્યકથાઓ વાંચી છે જેનો અંત કલ્પના બહારનો હોય. જ્યાંથી સામાન્ય માણસની વિચારવાની હદ પૂરી થાય છે ત્યાંથી તારા વિચારવાની શરૂઆત થતી હોય છે એટલે મને વિશ્વાસ છે કે તું પ્રયત્ન કરીશ તો સાચી હકીકત પર પહોંચી શકીશ..." અખિલ પોતાના મોબાઇલની રીંગ વાગી એટલે અટક્યો. ત્યાં ચા આવી ગઇ. તેને નીકળવું પડે એમ હતું એટલે ચા ગટગટાવીને જતાં જતાં બોલ્યો:"હા, આપણે જલદી રૂબરૂ ના મળીએ તો પણ આ કેસ પૂરો થાય તો મને ફોન કરીને કહેજે ખરો!"

"જરૂર..." કહી રાજકુમારે તેને વિદાય આપી અને તેના છેલ્લા શબ્દો પર વિચારવા લાગ્યો. આ કેસમાં તેણે અલગ રીતે વિચારવું પડશે. તેણે એક કાગળ લીધો. તેણે કાગળ પર આ કેસમાં સંકળાયેલા લોકોના નામ લખવાનું શરૂ કર્યું. અને તેના વિશેની ઉપલબ્ધ વિગતો ચકાસવા માંડી. પહેલી ફરિયાદી મહિલા કામવાળી સુજાતા છે. જેની આર્થિક સ્થિતિ બહુ સારી નથી એટલે છૂટક કામ કરે છે. એના ઘરે કોઇ સુવિધા નથી. એક રૂમમાં પતિ-પત્ની સામાન્ય સ્થિતિમાં રહે છે. અગાઉ પણ કામવાળીઓને પોતાની હવસનો શિકાર બનાવ્યો હોય એવા પૈસાદારના કિસ્સાઓ બની ચૂક્યા છે. કેટલીક મહિલાઓના મોંમાં રુપિયા દાબી દેવામાં આવે એટલે તે ફરિયાદ કરતી નથી કે પછી સમાધાન કરી લે છે. સુજાતાના ફોનકોલ તપાસી જોયા એમાં કોઇનો શંકાસ્પદ ફોન પણ મળ્યો નથી. બીજો વ્યક્તિ સુજાતાનો પતિ જે હંમેશા ગૂમસૂમ જ દેખાયો છે. તેને સુજાતા જેટલો જ આઘાત લાગ્યો હોય એવું લાગે છે. બંને પતિ-પત્ની આભ તૂટી પડ્યું હોય એમ કંઇ બોલવા સક્ષમ નથી. વેપારી ભાનુચંદને તો ઘણી વખત મળી ચૂક્યો છું. એ તો આ બનાવનો ઇન્કાર જ કરી રહ્યો છે. પણ ગુનેગાર કોઇ દિવસ પોતાનો ગુનો ક્યાં કબૂલતો હોય છે. પોતાને નિર્દોષ જ માનતો હોય છે. વેપારીની પત્ની નિકિતાને તો એક જ વખત મળ્યો છું. એ પણ આ વાત સ્વીકારવા તૈયાર નથી. તેનો પતિ આવું કરી જ ના શકે એવું એ દ્રઢતાથી માને છે. પણ જો કામવાળીને પૈસાની લાલચ હોત તો વેપારીને કે એની પત્નીને બ્લેકમેલ જ કરી હોત ને? કોઇક રીતે સમાધાન કરી લીધું હોત ને? અને કામવાળીને જો પૈસાની જ જરૂર હોત તો ઘરમાંથી કિમતી વસ્તુ ચોરી શકે એમ હતી. તેણે આત્મવિશ્વાસથી ભાનુચંદ પર આરોપ મૂક્યો અને સાબિત પણ થઇ ગયો છે. આ કેસ તો સ્પેશિયલ કોર્ટમાં ચાલી રહ્યો છે. એક મહિનામાં તો સુનાવણી પુરી થઇ જશે. અને ચુકાદો આવી જશે. વેપારી ભાનુચંદ જો ગુનેગાર ના હોય તો બધા પુરાવા કેમ તેની વિરુધ્ધ જાય છે? એમાં બે પુરાવા મુખ્ય છે. કામવાળી સુજાતા તેમના ઘરે ગઇ હતી. બંગલાના બહારના દરવાજામાંથી તે અંદર પ્રવેશતી દેખાય છે. પણ પછી થોડી જ વારમાં કેમેરા બંધ થઇ ગયા છે. ભાનુચંદે એ બંધ કરી દીધા હશે. તપાસ વખતે સ્વીચ બંધ હતી. એ વાત તેની વિરુધ્ધમાં જ જાય છે. સૌથી મોટો પુરાવો તો સુજાતાના ગુપ્તભાગ પરથી મળી આવેલા ભાનુચંદના સ્પર્મ છે. એવું બને કે પત્નીની ગેરહાજરીમાં પોતાની વૃત્તિ પર એ કાબૂ રાખી ના શક્યો હોય અને કામવાળી સાથે સ્ખલન કર્યું હોય. વિજ્ઞાન તો ખોટું ના જ હોય. અહીં જ મારી તપાસ અટકી જાય છે. મન કહે છે કે હવે ખોટી તપાસ કરવાનો અર્થ નથી. પણ ભાનુચંદ નિર્દોષ હોવાની કાકલૂદીને કારણે દિલ કહે છે કે કંઇક તો ગરબડ છે.

રાજકુમારે ટેબલ પરનું કાચનું પેપરવેઇટ ફેરવવા માંડ્યું. તેનું વિચારચક્ર ચાલુ થઇ ગયું.

છ દિવસમાં જ રાજકુમારે ઘણી તપાસ કરી લીધી અને પુરાવા એકત્ર કરી લીધા. હવે કોર્ટમાં તે પોતાનો પક્ષ રજૂ કરવાનો હતો.

એક મહિના પછી રાજકુમારે અખિલને ફોન કર્યો:"ક્યાં છે મહાશય?"

"શું વાત છે? કેસ ઉકેલાઇ ગયો?" અખિલે ઉત્સુક્તાથી પૂછ્યું.

"હા, પણ તું છે ક્યાં?"

"તારા પોલીસ મથકથી નજીકમાં જ છું. અડધો કલાકમાં આવી પહોંચીશ. આજે ચાથી નહીં ચાલે...."

"જો ભાઇ પ્રોહિબિશનના કેસ પણ હું જ દાખલ કરું છું. એટલે બીજી અપેક્ષા રાખતો નહીં...."

"અરે હું તો આઇસ્ક્રિમની ઇચ્છા રાખું છું. કૂલ...!" કહી અખિલે ફોન કાપી નાખ્યો.

વીસ મિનિટમાં તો અખિલ તેની ઓફિસમાં બેઠો હતો.

પોલીસ ઇન્સ્પેક્ટર રાજકુમારે ઓફિસના ફ્રિઝમાં મૂકાવેલા આઇસ્ક્રિમના કપ મંગાવી પોતે પણ તેનો આનંદ માણવાનું શરૂ કર્યું.

"હવે વધારે રાહ જોવાની શક્તિ નથી. તું જલદી કહેવા માંડ કે એ કેસમાં શું થયું?"

"તું પહેલા આઇસ્ક્રિમ ખાઇ લે. એ સાંભળવામાં તલ્લીન થઇ જઇશ તો પીગળી જશે. અમારે ગુનેગારોને પીગાળવા માટે બહુ મહેનત કરવી પડે છે."

અખિલે દસ સેકન્ડસમાં કપ પૂરો કરી દીધો. પણ રાજકુમારે ધીમે ધીમે આઇસ્ક્રિમની લિજ્જત માણતાં માણતાં કહેવાનું શરૂ કર્યું:"અખિલ, તું કલ્પના નહીં કરી શકે કે ગુનેગાર કોણ હશે. પણ તારો આભાર કે એ દિવસે તું મને એક નવી દિશા આપી ગયો. જે બાજુ કોઇ ના વિચારે ત્યાંથી વિચારવાનું. અને મને સફળતા મળી ગઇ."

પોલીસ ઇન્સ્પેક્ટર રાજકુમારે રહસ્ય ખોલતાં કહ્યું:" વેપારી ભાનુચંદે કામવાળી સુજાતા પર બળાત્કાર કર્યો જ ન હતો. તેના પતિએ જ બળાત્કાર કર્યો હતો...."

"આવું કેવી રીતે બને? અસંભવ." અખિલ બોલી ઊઠ્યો.

"પણ હકીકત એ જ છે.... સાંભળ શું બન્યું અને કેવી રીતે બન્યું." કહી રાજકુમારે તેને કહેવાનું શરૂ કર્યું.

રાજકુમારે સઘન તપાસની શરૂઆત કામવાળી સુજાતાથી જ કરી હતી. ભાનુચંદ પોતાને નિર્દોષ માનતો હોય તો સુજાતાને પહેલાં ખોટી માનવી પડે. કોઇક એવું કારણ હોય જેના કારણે તેણે આવો આરોપ મૂક્યો હોય. રાજકુમારે સુજાતા વિશે માહિતી એકત્ર કરવા માંડી. તે ભાનુચંદ સિવાય બીજી છ જગ્યાએ કામે જતી હતી. એ બધા ઘરમાલિકોની પૂછપરછ શરૂ કરી. બધાનું કહેવું હતું કે કામમાં તે હોંશિયાર હતી. પણ પૈસા તેને ઓછા પડતા હતા. તે ઘણી વખત ઉછીના અને એડવાન્સ લઇ જતી હતી. મતલબ કે તેની જરૂરિયાત વધુ હતી. તેનું ઘર જોતાં તો છ કામમાં તેનું ગુજરાન ચાલી જાય એમ હતું. પણ તેનો પતિ ખાસ કંઇ કમાતો ન હતો. મજૂરી કામ માટે અડધા દિવસ જતો ન હતો. અને જાય તો બહુ કામ કરતો ન હતો. રખડી ખાતો હતો. એ હાડકાંનો હરામ હતો. એની વાત તેણે એક ઘરમાલિકણને કરી હતી. એક સ્ત્રી બીજી સ્ત્રીને પોતાની વ્યથા વ્યક્ત કરે એ રીતે દિલથી હળવી થવા તેણે આ વાત કરી હતી. એ તરફ મેં ધ્યાન કેન્દ્રિત કર્યું. મતલબ કે તેને પૈસાની વધુ જરૂરિયાત રહેતી હતી એટલે તે કોઇ લાલચમાં આવી શકે એમ હતી. પણ તેણે ઝવેરીને ત્યાં કામ કરીને ચોરી કરવાનું ટાળ્યું હતું.

બીજું પાત્ર હતું ભાનુચંદની પત્ની નિકિતાનું. એની તો મેં પૂછપરછ કરી લીધી હતી અને તે પોતાના પતિને નિર્દોષ માનતી હતી એટલે વધારે દબાણ કરીને કંઇ પૂછવાનો મતલબ ન હતો. પણ તે બે દિવસ માટે પિયર ગઇ ત્યારે આ બનાવ બન્યો હતો. હું તેના પિયર પહોંચી ગયો. મેં આ કેસમાં જ તેના પરિવાર સાથે વાત કરી. એમાં એક જ દિવસ તે આવી હોવાનો ઉલ્લેખ થયો. મેં આડીઅવળી રીતે પૂછીને એ પાકાપાયે જાણી લીધું કે તે એક જ દિવસ અહીં આવી હતી. મને દાળમાં અહીંથી જ કાળું દેખાયું. નિકિતા એક દિવસ ક્યાં ગઇ હતી એ શોધવાનું બહુ મુશ્કેલ ન હતું. મેં નોંધાયેલા કેસમાં દર્શાવેલી તારીખો જોઇ બધી ગણતરી કરીને એ દિવસ કયો હતો એ સમજી લીધું. એ શનિવારનો દિવસ હતો. એ દિવસના તેના ફોન કોલ્સની ડિટેઇલ્સ મેં મોબાઇલ કંપનીમાંથી મેળવી. પણ એ દિવસના ફોન કોલ્સથી કોઇ ખ્યાલ ના આવ્યો. હું નિકિતા અને તેના પરિવારને સામસામે ઊભા કરીને એ વાત સાબિત કરી શક્યો હોત કે તે એક દિવસ બીજે ક્યાંક હતી. પણ એ પોતાની કોઇ બહેનપણીનું નામ આપીને છટકી શકે એમ હતી. તેના ફોન કોલ્સની વિગતોને ઝીણી નજરે જોતાં મને એક નંબર પર શંકા ગઇ. એના પર નિકિતાએ ગુનાના એક અઠવાડિયા પહેલાંથી રોજ બે-ત્રણ વખત ફોન કર્યા હતા. હું એ નંબરની વિગત મેળવીને ત્યાં પહોંચ્યો ત્યારે એ નંબર સુજાતાની બાજુની રૂમવાળી મહિલાનો હતો. જો સુજાતા પાસે પોતાનો ફોન નંબર હતો તો બાજુવાળી મહિલાને વારંવાર ફોન કરવાનો શું અર્થ હતો? કોઇ દિવસ તે ના આવી હોય અને નંબર ના લાગતો હોય તો ફોન કરવાની જરૂર પડી હોય. મેં એ મહિલાને પૂછ્યું ત્યારે તેણે સાહજિક્તાથી કહ્યું કે સુજાતાનો ફોન એક અઠવાડિયું બગડી ગયો હતો એટલે મને કહ્યું હતું કે હું કામ પર જઉં છું એ શેઠાણીઓમાંથી કોઇનો ફોન આવે તો મને બોલાવજે. એ મહિલાને પણ ઘણી વખત એક જ શેઠાણીના ફોન આવ્યા એટલે અજુગતું લાગ્યું પણ પડોશી હોવાના નાતે અને એક અઠવાડિયાનો પ્રશ્ન હતો એટલે કંઇ બોલી નહીં. એ પરથી મેં અનુમાન કર્યું કે કામવાળી સુજાતા અને ભાનુચંદની પત્ની નિકિતા વચ્ચે કંઇક તો છે.

મેં મારા એક હવાલદાર પાસે સુજાતાને નનામી ફોન કરાવ્યો અને પોતાને ત્યાં કામ કરવા માટે આવવા કહ્યું. સુજાતાએ તૈયારી બતાવી ત્યારે હવાલદારે એમ કહ્યું કે તું પેલા વેપારીની જેમ મારી પર બળાત્કારનો આરોપ તો નહીં મૂકેને! ત્યારે એ ચમકી ગઇ. અને ફોન મૂકી દીધો. હવાલદારે ફરી ફોન કર્યો અને કામ રાખવા પૂછ્યું ત્યારે એણે ના પાડી. હવાલદારે મોકો જોઇ કહી દીધું કે તેં વેપારી પર ખોટો આરોપ મૂક્યો છે એ હું જાણું છું. હું તેના જેવો જ ઝવેરી છું અને તેને સારી રીતે ઓળખું છું. કાલે ઊઠીને મેં તારા પર નજર બગાડી એમ તું કહેશે નહીં ને? ત્યારે એ ગભરાઇ ગઇ. અને ફોન કાપી નાખ્યો. હવાલદારે ફરી ફોન કર્યો ત્યારે તેનો ફોન સ્વીચ ઓફ થઇ ગયો હતો. તેની સાથેની વાતચીત હવાલદારે રેકોર્ડ કરી લીધી હતી પણ એના દ્વારા કંઇ સાબિત થાય એમ ન હતું. એમાંથી મારી એ શંકાને બળ મળ્યું કે સુજાતાના મનમાં પાપ જરૂર છે. શંકાસ્પદ કડીઓ મળ્યા પછી મને થયું કે હું સત્યની નજીક પહોંચી રહ્યો છું. કોઇપણ કારણથી જો નિકિતા અને સુજાતાનું આ કાવતરું હોય તો પણ સીસીટીવી અને મેડિકલ રીપોર્ટના પુરાવા કોઇ રીતે જૂઠલાવી શકાય એમ ન હતા. એની સામે એટલા જ સજ્જડ બીજા પુરાવા રજૂ કરવા પડે એમ હતા. જે લગભગ અશક્ય હતું. પણ હવે ઘોર અંધકારમાં એક નાનકડું કિરણ મળે એમ સુજાતા પર મારું ધ્યાન વધારે કેન્દ્રિત થઇ ગયું.

મેં સુજાતાની પળેપળની ખબર રાખવાનું શરૂ કર્યું. અને એક દિવસ સુજાતા અને નિકિતા શાકમાર્કેટમાં અલપઝલપ મળી ગયા. નિકિતાએ આમતેમ જોઇને સુજાતાની થેલીમાં એક નાનું પર્સ નાખી દીધું. હું સાદા ડ્રેસમાં પીછો કરતો સુજાતાને ત્યાં પહોંચી ગયો. સુજાતાએ ઘરે જઇને થેલીમાંથી એ પર્સ કાઢી પતિને હજુ આપ્યું જ હતું કે હું ટપકી પડ્યો. બંને ગભરાઇને પર્સ સંતાડવા લાગ્યા.

મેં કહ્યું:"ગુનો ગમે તેટલો છુપાવો, એ થોડો સમય છુપાઇ શકે. જે સ્વાર્થ હોય એ બહાર આવી જ જાય. બોલ સુજાતા, આ પર્સ નિકિતાએ તને કેમ આપ્યું? અને તેમાં શું છે?"

"કેમ? તમારે એની સાથે શું લેવાદેવા?" સુજાતા સ્વસ્થ થઇને બોલી.

"તેં આરોપીની પત્ની પાસેથી કંઇ લીધું છે. મતલબ કે તમે બે મળેલા છો..."

"ના, આ જુઓ, પાંચ હજાર રુપિયા છે. એ મારા કામના અને એડવાન્સના છે..." કહી સુજાતાએ પર્સ ખોલી પાંચ હજારની નોટો બતાવી.

"એવું તો નથી ને કે નિકિતા તને કેસ પાછો ખેંચી લેવા લાંચ આપી રહી છે?"

"સાહેબ, એવું હોત તો લાખો રૂપિયા લેત ને. પાંચ હજારમાં કોઇ સમાધાન કરે?"

મારી ગણતરી ખોટી પડી હતી. જો સુજાતા અને નિકિતાનું કોઇ કાવતરું હશે તો એ સતર્ક થઇ જવાના હતા. અને થયું પણ એવું જ. નિકિતા શહેર છોડીને જતી રહી. મારા માટે કેસ વધુ મુશ્કેલ બની ગયો.

પોલીસ ઇન્સ્પેકટરે આગળ કહેવા માંડ્યું. એક રીતે મારા માટે સારું જ થયું. બળાત્કારના આરોપી પતિ ભાનુચંદની પત્ની નિકિતા શહેરની બહાર ગઇ એટલે વધારે સ્વતંત્ર થઇ જશે. તે એમ સમજશે કે મારા પોલીસ મથકના હદ વિસ્તારની બહાર જશે એટલે મારી પહોંચથી પણ દૂર થઇ જશે. એ એની ભૂલ હતી. મેં બાજુના શહેરના પોલીસ ઇન્સ્પેક્ટરનો સંપર્ક કરી તેના એક ખબરીને તેની પાછળ લગાવી દીધો અને તેની હિલચાલની માહિતી મેળવવાનું શરૂ કર્યું. આ તરફ કેસ ઝડપથી આગળ ચાલી રહ્યો હતો. હું થોડી વ્યક્તિઓને સાક્ષી તરીકે રજૂ કરીને ભાનુચંદ પર ખોટા આરોપ હોવાનું જણાવી કેસ ખોટો સાબિત કરવાનો પ્રયત્ન કરું તો પણ સાક્ષી કરતાં કોર્ટ પુરાવાને જ માન્ય ગણીને ચુકાદો સંભળાવે એમ હતી. મારે સત્યતાની એરણ પર સાચા સાબિત થઇ શકે એવા મજબૂત પુરાવા મેળવવાના હતા. અને એક દિવસ મને ખબરીનો ફોન આવ્યો કે નિકિતા કોઇ અજાણ્યા યુવાન સાથે જોવા મળી છે. છેલ્લા ચાર દિવસમાં તે તેને બે વખત મળી છે. એ યુવાનની તપાસ કરી ત્યારે માલમ પડ્યું કે વિકાસ નામનો આ યુવાન એક કંપનીમાં એન્જીનીયર છે.

મેં તરત જ બાજી ગોઠવી કાઢી. પોલીસ મથકની એક મહિલા કર્મચારીની મદદ લઇ કંપનીના નંબર પર ફોન કરાવી પોતે નિકિતા છે અને અરજન્ટ વાત કરવા માગે છે એમ કહ્યું. વિકાસ એ જાણીને ફોન પાસે હાંફળોફાંફળો આવ્યો અને ગભરાયેલા સ્વરમાં બોલ્યો:"હલો, અહીં કેમ ફોન કર્યો?" મહિલા પોલીસ કર્મચારીએ તેને શહેરના છેવાડે એક ચાની ટપરી પર મળવાનું કહી ફોન મૂકી દીધો.

વિકાસને ખ્યાલ આવી ગયો કે તેને મોબાઇલને બદલે કંપની પર ફોન કર્યો એનો મતલબ કે નિકિતાને કોઇ મુશ્કેલી છે. તે સાંજે ચાની ટપરી નજીક કાર ઊભી રાખી નિકિતાની રાહ જોવા લાગ્યો. પણ નિકિતા આવવાની ન હતી. હું મારી ટીમ લઇને ત્યાં જુદા ડ્રેસમાં હાજર હતો. મેં તેને કારમાં જ દબોચી લીધો. અને ઊંચકીને પોલીસ સ્ટેશનના લોકઅપમાં પૂરી દીધો. પહેલાં તો તે નિકિતાને ઓળખતો ન હોવાની વાત કરતો રહ્યો. પણ પછી થર્ડ ડિગ્રી આપવાની શરૂઆત કરી એટલે બકી ગયો કે તે અને નિકિતા પ્રેમ કરે છે. ભાનુચંદને વચ્ચેથી હટાવવા તેમણે જ કાવતરું કર્યું હતું. ભાનુચંદે સુજાતા પર બળાત્કાર કર્યો જ ન હતો. આખો કેસ ખોટો ઊભો કરીને ભાનુચંદને જનમટીપની સજા અપાવી આખી જિંદગી એના પૈસે બંને એશ કરવાના હતા. એમણે પ્લાનિંગ એટલું જડબેસલાક કર્યું હતું કે મેં જો કેસ છોડી દીધો હોત તો એ તેમના કાવતરામાં સફળ થઇ ગયા હોત. પણ ભાનુચંદની દિલથી આજીજી હતી કે મને ફસાવાયો છે. એ કારણે મેં આ કેસનો તંત છોડ્યો નહીં.

નિકિતા અને વિકાસ કોલેજમાં સાથે ભણતા હતા ત્યારથી પ્રેમમાં હતા. પણ નિકિતા પૈસાદાર ઘરની હોવાથી તેના માટે ભાનુચંદને શોધવામાં આવ્યો હતો. નિકિતાએ તકદીરમાં લખાયેલું હશે એમ માની કમનથી ભાનુચંદને સ્વીકારી લીધો. પણ વિકાસ આ વાત સ્વીકારી ના શક્યો. એક વર્ષ પછી તેણે ફરી નિકિતાનો સંપર્ક શરૂ કર્યો અને તેનો અગાઉનો પ્રેમ જીવતો કર્યો. બંને ફરી ગાઢ પ્રેમ કરવા લાગ્યા. વિકાસ ગરીબ હતો. થોડો સમય નિકિતા સાથે જલસા કરવા તેને ષડયંત્રમાં ફસાવી દીધી. નિકિતાને ત્યાં કામ કરતી સુજાતાને જિંદગીભર ચાલે એટલી રકમ આપવા કહ્યું એટલે તે અને તેનો કામચોર પતિ તૈયાર થઇ ગયા. કેમકે સુજાતા પર બળાત્કાર થવાનો ન હતો. તેને સાબિત કરવાનું કામ નિકિતા અને વિકાસ કરવાના હતા. સુજાતાએ તો ફરિયાદ નોંધાવીને છૂટા થઇ જવાનું હતું. આ યોજના અંતર્ગત નિકિતા બે દિવસ માટે પિયર જવાનું કહી નીકળી ગઇ. પહેલા દિવસે તે પિયરના ઘરે રહી અને બીજા દિવસે વિકાસ સાથે રહી. દરમ્યાનમાં કોઇને શંકા ના જાય એટલે સુજાતાને તેના પડોશીના ફોન પર નિકિતા સૂચનાઓ આપતી રહી. નક્કી કરેલા દિવસે સુજાતા કામ કરવા ભાનુચંદના બંગલા પર ગઇ. અને થોડીવારમાં તેણે હાથમાં મોજા પહેરી સીસીટીવી કેમેરાની સ્વીચ બંધ કરી દીધી. ભાનુચંદે તેની સાથે કોઇ વાત પણ ના કરી. એ ગયા પછી બંગલાનો મુખ્ય દરવાજો બંધ કરી દીધો. પણ તેને ખબર ન હતી કે આગલા દિવસે તેમણે નિકિતા સાથે ઉત્સાહથી સંબંધ બાંધ્યો ત્યારે નિકિતાએ ચાલાકીથી તેના ધ્યાન બહાર કોન્ડમમાં રહેલા સ્પર્મને એક બોટલમાં લઇ ફ્રિઝરમાં મૂકી દીધા હતા. એ બોટલ સુજાતાએ પોતાની સાથેના પર્સમાં ચોરીછૂપીથી લઇ લીધી હતી. થોડે દૂર તેનો પતિ ઊભો હતો. તે ઝડપથી સુજાતાને ઘરે લઇ ગયો અને જબરદસ્તી સંબંધ બાંધી તેના ગુપ્તભાગમાં ઇંજેક્શનથી ભાનુચંદનું સ્પર્મ નાખી દીધું અને બંને સીધા પોલીસ સ્ટેશનમાં આવ્યા. સુજાતાએ ત્રણ મહિનાનું ગર્ભનિરોધકનું ઇન્જેક્શન લગાવડાવી દીધેલું હતું એટલે તે ભાનુચંદના સ્પર્મથી મા બનવાની ન હતી. અમે તરત જ મેડિકલ તપાસ કરાવી. એમાં તેની સાથે જબરદસ્તી સંબંધ બાંધવામાં આવ્યો હોવાનું અને ભાનુચંદના જ સ્પર્મ હતા જે બાદમાં મેચ થઇ ગયા. સુજાતાએ કેમેરા બંધ કરી દીધા હતા એ પરથી એવું સાબિત થયું કે તે આવ્યા પછી ભાનુચંદે પુરાવા ના મળે એટલે કેમેરાની સ્વીચ બંધ કરી દીધી હતી. અને તેના જ સ્પર્મ હોવાથી તેણે જ બળાત્કાર કર્યો હોવાનું સાબિત થતું હતું.

વિકાસની કબૂલાતને આધારે અમે નિકિતાની ધરપકડ કરી અને એ પછી સુજાતાને પણ પકડીને કોર્ટમાં રજૂ કરી. ખુદ જજ સાહેબ આ કાવતરું જાણી નવાઇ પામ્યા છે. હવે કેસ સ્પષ્ટ થઇ ગયો છે. ભાનુચંદ નિર્દોષ છૂટી જશે. વિકાસ, નિકિતા અને સુજાતાને કેટલી સજા થશે તેની ખબર નથી પણ એક નિર્દોષને બચાવી લીધો.

રાજકુમાર આટલું કહીને અટક્યો.

"રાજ, ખરેખર આ કેસ બહુ જટિલ હતો. આજ સુધી મેં આવો કિસ્સો જાણ્યો કે વાંચ્યો નથી." કહી અખિલે મજાક કરતાં કહ્યું:"અલ્યા, હવે આપણે આપણા કોન્ડમનો જાતે જ નિકાલ કરી દેવો પડશે...કોઇ તેનો દૂરુપયોગ ના કરી જાયને!"

એ સાંભળી રાજકુમાર પણ પોતાનું હસવું રોકી ના શક્યો.

***